ઍગ્રો ફૉરેસ્ટ્રી(કૃષિ વનીકરણ) અને માઇક્રો ઈરીગેશન(ટપક સિંચાઈ) પદ્ધતિ દ્વારા ખેડૂતોનો સમય બચાવી શકાય છે
અત્યારે જે રીતે ખેતી થઈ રહી છે, તેમાં ખેડૂતો તેમનો બધો જ સમય ખેતીકામ કરવામાં ખર્ચી રહ્યાં છે. સદ્ગુરુ ખેડૂતોનો સમય બચાવવા માટે એક સર્વગ્રાહી ઉપાય આપે છે.
અમે કાવેરી પોકારે નામથી એક અભિયાન શરૂ કર્યું છે, જે એક એવી આર્થિક યોજના છે જેમાં નોંધપાત્ર પર્યાવરણીય પણ અસર થશે. અમારી યોજના ૨૪૨ કરોડ વૃક્ષો વાવવાની છે જે કાવેરી નદીના તટપ્રદેશનાં એક ત્રુતીયાંશ ભાગને આવરી લેશે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ઍગ્રોફોરેસ્ટ્રી એટલે કે, વૃક્ષ આધારિત ખેતી – કૃષિ વનીકરણ યોજનાને અપનાવીએ. હાલ તામિલનાડુમાં અમે ૬૯,૭૬૦ ખેડૂતોને આ પ્રમાણે ખેતી કરવા તૈયાર કર્યા અને પાંચ થી સાત વર્ષમાં તેમની સંપત્તિમાં ૩૦૦ થી ૮૦૦ ટકા જેટલો વધારો થયો. વૃક્ષ આધારિત ખેતીની સૌથી મહત્વની એક બાબત એ છે કે તે આર્થિક રીતે લાભદાયી છે અને તેનાથી ખેડૂતોના સમયની પણ બચત થાય છે. ખેડૂતને રોજરોજ ખેતર પર જઇને વૈતરું કરવાની ફરજ પડતી નથી. એ બીજી ઘણી પ્રવૃત્તિઓ કરી શકે છે. આપણે એક માનવીય સંભાવના છીએ જેનો બીજી અનેક રીતે ઉપયોગ થઈ શકે છે.
આ વધારે મહત્વપૂર્ણ બને છે કારણ કે, મોટેભાગનાં ખેડૂતોનાં બાળકો ફરજિયાત શિક્ષણમાંથી પસાર થાય છે અને તે પછી તેઓ ખેડૂત નથી બની શકતાં. આ શિક્ષણ પ્રણાલીમાં નવમાં ધોરણ સુધી તેમને નાપાસ કરી શકાતા નથી અને નવમાં ધોરણમાં પણ, તેમાંના ઘણા એક થી પાંચ સુધી પણ ગણી શકતાં નથી. પછી તેઓ નાપાસ થવા માંડે છે અને છેવટે ભણવાનું છોડી દે છે. દેશમાં આવા લાખો યુવાનો છે જેમની પાસે કોઈ પણ વસ્તુ માટે લાયકાત નથી. તેઓ પંદર વર્ષની ઉંમરનાં છે અને તેમની પાસે આગળ ભણવા માટે ના તો કોઈ યોગ્યતા છે, ન તો ખેતી કરવાની આવડત. છતાં, કોઈ પણ જાતનાં ભણતર વગર એ લોકો પોતે ભણેલા હોવાનું અભિમાન ધરાવતા હોય છે. એકવાર જ્યારે છોકરો અઢાર વર્ષ સુધી ભણતો હોય ત્યારે શું તમને લાગે છે કે ત્યાર પછી તે જમીન ખેડવા માટે સક્ષમ હોઇ શકે? એની પાસે ન તો એ માટે કોઈ માનસિક તૈયારી હોય કે ન તો જરૂરી શારીરિક તાકાત.
તેથી સૌથી મહત્વની બાબત એ છે કે, ત્રણ-ચાર મહિનાની કાળી મજૂરી વાળી ખેતીને બદલે લોકોને લાંબા ગાળાની ખેતી તરફ વાળવા જોઈએ. નહીંતર તેઓ બધા પોતાની જમીનો અને સ્થાવર મિલકતો વેચી નાખશે. જો ખેડૂતની જમીન ખેડૂતનાં જ હાથમાં રહે તેમ કરવું હોય તો તમારે લાંબા ગાળાના પાક લેવા તરફ વળવું જ પડે.
ઉદ્યોગજગત હેઠળ ટપક સિંચાઈ(માઇક્રો ઈરીગેશન) પદ્ધતિ
ખેડૂતોને થોડી રાહત આપવાનો બીજો રસ્તો માઇક્રો ઇરિગેશન એટલે કે ટપક સિંચાઇ પદ્ધતિ છે. ઉદાહરણ તરીકે તામિલનાડુમાં, આપણે ત્યાં હજુ પણ સિંચાઇ માટે ફ્લડ ઇરિગેશન પદ્ધતિ જેમાં આખા ખેતરમાં પનારો બનાવીને તેમાં પુષ્કળ પાણી છોડવામાં આવે છે – તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાણીનો ઉપયોગ કરવાની ખૂબ જ ક્રૂર પદ્ધતિ છે. એ પદ્ધતિ જમીન અને પાક બન્ને માટે સારી નથી. એક જ જગ્યા પર આટલું બધું પાણી ઠલવાય તો જમીનની ફળદ્રુપતાનું ધોવાણ થાય છે અને તેની અંદર રહેલી જૈવિક પ્રક્રિયા ઘટી જાય છે. આજનાં સમયમાં અસરકારક રીતે ખેતી કરવાની બીજી પદ્ધતિઓ પણ છે. ઘણા દેશોમાં લોકો એ જ પાક લે છે જે આપણે લઇએ છીએ અને આપણા કરતાં વધુ સારું વળતર મેળવે છે અને તે પણ, આપણે વાપરીએ છીએ એના દસ થી વીસ ટકા જેટલું જ પાણી વાપરીને. તેઓ ટપક સિંચાઇ અને બીજી વિવિધ પદ્ધતિઓ વડે આમ કરી શક્યા છે.
કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે તેઓ દર વર્ષે ૫,૦૦૦ કરોડ રૂપિયા ટપક સિંચાઈ માટે ફાળવશે, પણ મુશ્કેલી એ છે કે ભારતમાં વ્યક્તિગત રીતે થતી ખેતીઓમાં ખેતરો ખૂબ નાનાં હોય છે. જો ખેડૂતોને એકત્રિત કર્યા વગર, દરેક ખેડૂત માટે સ્વતંત્ર રીતે માઇક્રો ઇરીગેશન કરીએ તો એ સફળ નહીં થાય કારણ કે, તેને માટે દરેક પાસે ફિલ્ટર અને બોર-વૅલ હોવા જોઈએ, અને છેવટે સિંચાઈનો ખર્ચ ઘણો વધી જાય. ખેડૂતોને આ જ વાત મારી રહી છે.
સૌથી મહત્વનું એ છે કે સિંચાઈનો વહીવટ ખેડૂતોની પાસેથી કોઈ જાણકાર ઉદ્યોગો અથવા વ્યાવસાયિક ક્ષેત્ર પાસે જવો જોઈએ. જો ખેડૂતોને માત્ર સિંચાઈનું ભાડું જ ચૂકવવાનું રહે તો બધા જ ખેતરોને સિંચાઈનો લાભ મળી શકે. તેમજ સિંચાઈ સાથે જમીનને ફળદ્રુપ બનાવવાના કામનો પણ સમાવેશ થઈ શકે. જો આમ કરવામાં આવે તો બધા ખેડૂતોને સારી ઉપજ મળશે, અને ખૂબ સરળતાથી, ત્રણ થી ચાર વર્ષના ગાળામાં તેમની કમાણી ઓછામાં ઓછી ત્રણ ગણી વધી જશે.
ખેડૂતોને તેમની જમીનની સતત દેખભાળ કરવામાંથી છુટકારો આપી શકાય
હાલમાં ખેડૂતોને રોજ ખેતર પર જવું પડે છે. તેનું એક કારણ એ છે કે, એની જમીન પર એનો અધિકાર જળવાઈ રહે. એ જમીન એનાં બાપદાદાનાં વખતથી તેમની માલિકીની હોવા છતાં એણે ખેતર પર રોજેરોજ જઇને સાબિત કરવું પડે છે કે એ એની જ જમીન છે, નહીંતર કોઈ બીજી વ્યક્તિ એની જમીન ખેડવાનું શરૂ કરી દેશે. એક કામ આપણે એ કરી શકીએ કે બધી વસ્તુઓનું ડિજિટલ સર્વેક્ષણ કરીને એક માળખું તૈયાર કરી શકીએ. આપણે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ ખેડૂતોને ભેગા કરીને એક સંયોજિત સિંચાઈ પદ્ધતિ બનાવી શકીએ. જો તમે આમ કરી શકો તો ખેડૂતને રોજ ખેતર પર જવાની જરૂર નહીં પડે.
બીજું કારણ એ છે કે, ખેડૂતે રોજ ખેતર ઉપર પાણીનો પંપ ચલાવવા ખાતર પણ જવું પડે છે. ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતને રાહત આપવામાં મોટી ક્રાંતિ સર્જી શકે છે. હવે ખેડૂત વર્ષમાં માત્ર સાઠથી પાંસઠ દિવસ જ ખેતર પર જાય તો પણ બે પાક સફળતાપૂર્વક લઈ શકે છે. આનો અર્થ એ કે બાકીનાં ત્રણસો દિવસ, પાંચ કરોડ લોકોના સામયની બચત થશે. અને તે સમયમાં પેટા ઉદ્યોગો, કળા, સંગીત અને બીજી ઘણી વસ્તુઓ જે તમે આ દેશમાં કરી શકો છો તેમાં વ્રુદ્ધિ થશે – તે અદ્ભૂત હશે.
તંત્રી ની નોંધ :: કાવેરી પોકારે એક અભિયાન છે જે ખેડૂતોને ૨૪૨ કરોડ વૃક્ષો વાવવામાં મદદ કરશે જેનાંથી કાવેરી નદીને બચાવી શકાશે. તેનાથી નદીના તટપ્રદેશોમાં પાણીનો સંચય વધવા ઉપરાંત ખેડૂતોની આવકમાં પાંચ ગણો વધારો થઈ શકશે. તમે પણ આ અભિયાનમાં ફાળો આપી શકો છો. આ માટે કાવેરી કોલિંગ વૅબ સાઇટ ઉપર માહિતી છે. તમે અમને નીચેના નંબર પર ફોન પણ કરી શકો છો. 80009 80009. #CauveryCalling