મહાભારત એપિસોડ ૨૧ દ્રૌપદી - બદલો લેવા માટે જન્મ
મહાભારતના આ અંકમાં આપણે જોઈશું કે દ્રૌપદી કઈ રીતે તેના પિતા દ્રુપદનો દ્રોણ અને કુરુ સામ્રાજ્ય પર બદલો લેવાના ઉદેશ્યથી જન્મી.
કૌરવ ભાઈઓએ અતિશય ઉત્સાહમાં આવીને પ્રથમ આક્રમણ કર્યું, અને પાંડવો પાછળ રહીને જોતા રહ્યા. દ્રુપદની સેનાની યુદ્ધ માટે કોઈ તૈયારી ન હતી. તેમને સમજાયું નહીં કે અમુક લોકોએ કોઈ દેખીતા કારણ વગર રાજધાની પર આક્રમણ કેમ કર્યું. જ્યારે તેમને સમજાયું ત્યારે સામાન્ય લોકો, જેના હાથમાં જે આવ્યું તે, ચાપુ, કડછા, લાકડી લઈને તેમની સામે થયા. તેઓએ કૌરવોની સામે લડીને તેમને હરાવ્યા. સામાન્ય લોકો સામે હારીને શરમનાં માર્યા કૌરવો પાછા આવ્યા. પછી દ્રોણે અર્જુનને કહ્યું, "તારે ગુરુ દક્ષિણા આપવાની છે. તું જા અને દ્રુપદને પકડીને હાજર કર."
દ્રુપદની બદનામી
ભીમ અને અર્જુન ગયા, ચુપચાપ શહેરમાં દાખલ થઈ ગયા, દ્રુપદને પકડ્યો, હાથ બાંધી દીધા અને લાવીને દ્રોણનાં ચરણમાં મૂકી દીધો. દ્રુપદ દ્રોણને જોઇને તરત સમજી ગયો કે આ બે યુવાનોને મોકલવાવાળા દ્રોણ હતા, જેના કહેવાથી પોતાના જેવા મહાન યોદ્ધાને બંદી બનાવીને દ્રોણના ચરણમાં પટકવામાં આવ્યો હતો. દ્રોણે કહ્યું, "હવે આપણે વહેંચણીની વાત ન કરી શકીએ, કારણ કે હવે આપણે સમોવડિયા નથી. તું આજે બંદી બનીને મારા પગમાં પડ્યો છે. મારા શિષ્યોએ મને તારી ભેટ આપી છે. હું તારી સાથે જેવો ઈચ્છું તેવો વહેવાર કરી શકું છું. પરંતુ હું તારો મિત્ર રહી ચૂક્યો છું - હું તને જીવતદાન આપું છું."
ક્ષત્રિયોનું સૌથી મોટું અપમાન તેમને યુદ્ધમાં હરાવીને જીવતાં છોડી મુકવા તે ગણાતું. દ્રોણે તે જ કરવા ધાર્યું હતું. તે જાણતા હતા કે દ્રુપદને એમ કહેવું કે હું તને જીવતદાન આપું છું તે તેનું ક્રૂર અપમાન થશે અને તે પણ જ્યારે એક બ્રાહ્મણ આમ કહે. તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, "તારા રાજ્યમાંથી અડધું રાજ્ય મારું છે. એક મિત્ર તરીકે હું તને બાકીનું અડધું રાજ્ય આપુ છું, જા અને તેની પર રાજ કર - રાજ્યનો એક હિસ્સો મારો છે." શરમ , ગુસ્સો અને ધિક્કારથી સળગી ઉઠેલો દ્રુપદ તેના હિસ્સાના અડધા રાજ્યમાં પરત ફર્યો, આટલા ભયંકર અપમાન પછી, તે પ્રજાનો સામનો કરવાની હામ ખોઈ બેઠો હતો. લોકો રાજાનું આવું અપમાન સ્વીકારી ન શકે. તે અતિશય ગુસ્સામાં હતો.
તેણે શિવને પ્રસન્ન કર્યા અને કહ્યું, "મને એવું સંતાન જોઈએ છે જે બદલો લઈ શકે," કારણ કે એક વખત યુદ્ધ હારી ગયા પછી તે દ્રોણ કે કુરુ રાજકુમારોને દ્વંદ્વયુદ્વ માટે લલકારી ના શકે તેવો નિયમ હતો. તેને ત્યાં બાળકનો જન્મ થયો, પરંતુ તે પુત્રી હતી. દ્રુપદ માની ન શક્યો. તેણે શિવને કહ્યું, "મારે તો બદલો લેવા માટે સંતાન જોઈતું હતું. પરંતુ મારે ત્યાં તો પુત્રી જન્મી છે. એક પુત્રી બદલો કઈ રીતે લઈ શકશે?" પહેલા દિવસથી જ તેણે દીકરીને દીકરાના કપડાં પહેરાવીને તૈયાર કરવાનું શરૂ કર્યું. તે નહોતો ઈચ્છતો કે લોકો જાણે કે તેનું સંતાન દીકરી છે. તે એવુ જ બતાવતો રહ્યો કે તે પુત્ર છે અને તેને પુત્રની જેમ જ તાલીમ આપવા લાગ્યો. દ્રુપદને ત્યાં જન્મેલી આ દીકરી જેનું હાલનું નામ શિખંડી હતું, તે અંબાનો બીજો જન્મ હતો.
દ્રુપદ માત્ર દ્રોણ જ નહીં પરંતુ સમગ્ર કુરુ સામ્રાજ્ય સામે બદલો લેવા ઈચ્છતો હતો કારણ કે કુરુ રાજકુમારોએ તેને બંદી બનાવ્યો હતો. તે સહુ કુરુઓને મારી નાખવા ઈચ્છતો હતો અને કુરુઓનો મુખ્ય સ્તંભ ભીષ્મ હતા. તે જાણતો હતો કે જો ભીષ્મ પડે તો આખું કુરુ સામ્રાજ્ય તૂટી પડશે. ચૌદ વર્ષની ઉંમરે શિખંડી ક્યાંક જતી રહી. કોઈને સમજાયું નહીં અને વ્યાકુળ થઈને તેને બધે શોધી વળ્યા, પણ તે મળી નહીં. શિખંડીએ પોતાની આગળની કેળવણી જાતે જ કરવી પડે તેમ હતું કારણ કે તે યુવાન થઈ ચૂકી હતી અને તેણે લોકોથી તે છુપાવવું જરૂરી થઈ પડ્યું હતું તેથી તેણે જંગલમાં જઈ જાતે જ તાલિમ ચાલુ રાખી. તે નહોતી ઈચ્છતી કે કોઈને તેની છોકરી હોવાની જાણ થાય. તેની દુર્દશા જોઈને, જંગલમાં વસતા સ્તુનકર્ણ નામના એક યક્ષે તેની મદદ કરી. તેણે કહ્યું, "હું તને પૌરુષ આપીશ," અને પોતાની જાદુઈ શક્તિ વાપરીને તેણે તેને પુરુષ બનાવી દીધી. તેણે કહ્યું "આ તને સામાજિક પરિસ્થિતિઓમાં મદદરૂપ થશે. પણ હકીકતમાં તો તું એક સ્ત્રી જ રહેશે."
અગ્નિમાંથી પ્રગટ થયેલી
દ્રુપદનાં જીવનનો એક માત્ર ઉદ્દેશ દ્રોણને શરમાવવાનો અને કુરુ સામ્રાજ્યનો અંત લાવવાનો હતો. તેણે કોઈ એવી વ્યક્તિની શોધ આદરી જે તેને માટે એવો શકિતશાળી યજ્ઞ કરે જેના વડે તેને એવા સંતાનોની પ્રાપ્તિ થાય જે દ્રોણને હરાવી શકે અને સાથે કુરુકુલનો વિનાશ કરી શકે. તેને યજ અને ઉપયજ મળ્યા, જે તે સમયના પ્રખ્યાત તાંત્રિક હતા, જે તેને પુત્રકર્મ યજ્ઞ કરાવી શકે. દ્રુપદે સંકલ્પ કર્યો, "મારે એક પુત્ર જોઈએ છે જે દ્રોણને મારશે અને એક પુત્રી જે કુરુ સામ્રાજ્યના વિભાજનમાં કારણરૂપ બને " એક જટિલ અને ખંત પૂર્વક કરાયેલા યજ્ઞ પછી યજ્ઞવેદિમાંથી એક યુવાન અને એક યુવતી બહાર આવ્યા.
આ બન્ને, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી એક સ્ત્રી અને પુરુષના સંબંધનું પરિણામ ન હતા - તેઓ અગ્નિમાંથી પ્રગટેલા હતા. તેઓ બદલો લેવાના એક માત્ર ઉદ્દેશ સાથે જન્મેલા. શરૂઆતથી જ દ્રુપદ તેમને જણાવતો રહ્યો કે તેમનો જન્મ દ્રોણ અને કુરુ સામ્રાજ્ય પર બદલો લેવા માટે જ થયો છે. તેનો અર્થ એ કે જ્યારે કુરુ રાજકુમારો અંદર અંદર સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પડોશનાં રાજ્યમાં તેમના કટ્ટર દુશ્મન વિકાસ પામી રહ્યા હતા.
દ્રુપદની ઈચ્છા હતી કે તેની પુત્રી દુનિયાના સૌથી મહાન બાણાવળી અને યોદ્ધા સાથે લગ્ન કરે, જેથી તેઓ બદલો લઈ શકે. તેણે દ્રૌપદીને યોગ્ય પાત્રની શોધ શરૂ કરી પણ કોઈ એવું ન મળ્યું જે દ્રોણને હરાવી શકે. પછી તેને જાણ થઈ કે કૃષ્ણ ઘણા યુદ્ધ ખૂબ સફળતા પૂર્વક લડતા હતા. જરાસંઘે તેના લશ્કર સાથે સત્તર વખત મથુરા પર ચડાઈ કરી હતી. યાદવોનું લશ્કર જરસંધના લશ્કર કરતા માત્ર દસમા ભાગનું હતું છતાં કૃષ્ણ અને બલરામે કૂટનીતિ અને વીરતા પૂર્વક દરેક વખતે તેમને હરાવ્યા હતા.
અઢારમી વખત હુમલો કરવા માટે જરાસંઘે ઉત્તર પશ્ચિમ દિશા, હાલના સમયનું અફઘાનીસ્તાન, તરફથી થોડા બીજા રાજાઓને સાથે લીધા. તેઓ તેમનું લશ્કર લઇને આવ્યા અને મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. જ્યારે કૃષ્ણએ આ જબરદસ્ત લશ્કર જોયું ત્યારે તે સમજી ગયા કે જો યાદવો અહીં રહીને લડવા જશે તો તેમનો જડમૂળથી વિનાશ નક્કી છે. તેમણે સમગ્ર યાદવકુળને મથુરા છોડીને ત્યાંથી તેરસો કિલોમીટર નીચે તરફ, ગુજરાતમાં આવેલા દ્વારકામાં હિજરત કરી જવા માનવી લીધા. આ હિજરત દરમ્યાન રાજસ્થાનનાં રણને પસાર કરતી વખતે કેટલાય લોકો મોતને ભેટ્યા.
દ્વારકા તરફ પ્રયાણ
શરૂઆતમાં તેમણે એક નવું શહેર વસાવવાની યોજના બનાવી હતી, પરંતુ તેઓ જ્યારે દ્વારકા આવ્યા, ત્યારે તેમણે જોયું કે દ્વારકા તો પ્રથમથી જ ટાપુ પર વસેલું એક સુંદર શહેર હતું. કૃષ્ણને લાગ્યું કે તે વ્યૂહાત્મક દૃષ્ટિએ ઉત્તમ સ્થાન હતું. તેનો રેવત નામનો રાજા હતો, અને તેને રેવતી નામની એક દીકરી હતી. વ્યૂહાત્મક વ્યવસ્થાના ભાગ રૂપે કૃષ્ણએ બલરામના લગ્ન રેવતી સાથે કરાવી દીધા અને તેઓ દ્વારકામાં સ્થાયી થઈ ગયા. યાદવો દ્વારકામાં વસી ગયા અને કૃષ્ણએ આસાનીથી આજુબાજુના નાના રાજ્યો જપ્ત કરી લીધા. જ્યારે જ્યારે જીતવાની જરૂર પડી તેણે તેમને જીતી લીધા. જયારે તેઓ લગ્ન કરીને તેમને પોતાના રાજ્યમાં સમાવી શક્યા ત્યારે તેમણે તેમની રાજકુમારી સાથે લગ્ન કરીને શાંતિ સ્થાપિત કરી.
તે દિવસોમાં કુટુંબ ભાવના ખૂબ મહત્વની રહેતી અને ઘણી વખત વ્યૂહાત્મક લગ્નો વિરોધીઓ સાથે શાંતી જાળવી રાખવાનો એક માત્ર ઉપાય રહેતો. તમે જેને ત્યાં દીકરી પરણાવી હોય તેની સાથે યુધ્ધ કરવાનો તો પ્રશ્ન જ ન રહે. કૃષ્ણએ રુક્મણિનું અપહરણ કરીને તેના મોટા ભાઈ રુકમી, જે એક મહાન યોદ્ધા હતો, તેને હરાવ્યો હતો અને શિશુપાલ, ચેદીનો રાજા, જે આખલા જેવો તાકાતવાન હતો તે પણ કૃષ્ણ થી હાર્યો હતો. કૃષ્ણએ એક વખત દ્વંદ્વયુદ્ધમાં જરાસંઘને પણ શરમાવ્યો હતો. આવા પરાક્રમ અને કૂટનીતિની કાબેલિયતને કારણે, કૃષ્ણ વીર અને નિપુણ યોદ્ધા તરીકે ખૂબ પ્રચલિત હતા.
કાતિલ સૌંદર્ય
દ્રુપદે વિચાર્યું, કૃષ્ણ તેની પુત્રી માટે શ્રેષ્ઠ રહેશે. તેમણે કૃષ્ણને દ્રૌપદી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પાઠવ્યો. કૃષ્ણ તે પ્રસ્તાવ નકારવા માંગતા હતા પરંતુ સ્પષ્ટ ના કહે તો અપમાન ગણાય અને કદાચ દ્રુપદ યદ્ધ કરવા પ્રેરાય. પણ કૃષ્ણ દ્રૌપદી સાથે લગ્ન કરવા ઇચ્છતા નહોતા તેથી તેમણે ખૂબ યુક્તિપૂર્વક પોતાનો દોષ જણાવતા કહ્યું, "હું દ્રૌપદી સાથે લગ્ન કઈ રીતે કરી શકું? હું તો સાધારણ ગોવાળ છું અને તે તો રાણી છે."
કૃષ્ણએ ઘણી રાણી સાથે લગ્ન કર્યા હતા પરંતુ દ્રૌપદી અપવાદ હતી. ધર્મગ્રંથોમાં દ્રૌપદીનું વર્ણન પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી તરીકે છે. તેની અંગકાંતિ ઘેરી અને મખમલ જેવી હતી. એવું હંમેશા કહેવાયું છે કે, સ્ત્રી જ્યારે આટલી બધી સ્વરૂપવાન હોય, મહત્તમ અંશે તે મુશ્કેલીઓ સર્જે જ. લોકોમાં તેને મેળવવા માટે ઝગડા થાય. દેશમાં વિભાજન થાય અને ભાઈઓમાં પણ તેને કારણે વિખવાદ થાય; અશુભ બાબતો બને.
કૃષ્ણએ દ્રુપદને સ્વયંવર યોજવા માટે મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. શરૂઆતમાં દ્રુપદે આનાકાની કરી એમ કહીને કે તેને દ્રૌપદીને લાયક કોઈ યોદ્ધા દેખાતા જ નથી. પણ કૃષ્ણએ કહ્યું, "દ્રૌપદી જેવી જ્વલંત સ્ત્રીએ લગ્ન પોતાની મરજીથી જ કરવા જોઈએ. તમારી પસંદગીથી નહીં." કૃષ્ણએ સૂચન કર્યું કે સ્વયંવરમાં એક સ્પર્ધા રાખવી અને દ્રૌપદી તેને વરે જે જીતે. કૃષ્ણના ગુરુ, સાંદીપનિએ જાતે સ્પર્ધા માટેનું ઉપકરણ તૈયાર કર્યું. તેમણે એક મત્સ્ય યંત્ર તૈયાર કર્યું, જેમાં ઉપરથી એક નાની લાકડાની માછલી લટકાવેલી હતી જે ગોળ ગોળ ફરતી રહે. તેનું પ્રતિબિંબ તેલ ભરેલા હોજમાં પડે.
શરત એ હતી કે, તીરંદાજે તેલમાં માછલીનાં પ્રતિબિંબને જોઈને તેની આંખ વિંધવાની. જે તેમ કરી શકે તેને રાજકુમારી સાથે લગ્ન કરવાની તક મળે, જો રાજકુમારી તેને સ્વીકારે તો. કૃષ્ણ સાથે ઘણી ચર્ચા પછી, આખરે દ્રુપદ માન્યા અને દ્રૌપદીનો સ્વયંવર ઘોષિત કર્યો.
ક્રમશ:…
Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower October 2016. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.