મહાભારત અંક ૩૬: પાંડવો દુર્યોધનને બચાવે છે.
દુર્યોધનની વનવાસ વેઠી રહેલા પાંડવોને અપમાનિત કરવાની અને કચડી નાખવાની અતૃપ્ત ઝંખનાને કારણે તે પોતે એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે જે તેને પોતાને અપમાનિત સ્થિતિમાં મૂકી દે છે.
હમણાં સુધી શું બન્યું: પાંડવો તેમનો બાર વત્તા એક વર્ષનો દેશવટો ચાલુ રાખે છે. દુર્યોધન અને કર્ણ તેમનો વનમાં પીછો કરીને શિકાર કરવા ઇચ્છતા હતા પણ, વિદુરની વિનંતીને કારણે ધૃતરાષ્ટ્ર શિકાર માટે જવા તેમને પ્રતિબંધિત કરે છે. પછી દુર્યોધન એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે કે દુર્વાસા પાંડવો અને દ્રૌપદીને શ્રાપ આપે, પરંતુ તેનો તે પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે.
પાંડવોનું જીવન વનમાં વીતી રહ્યું હતું. ધૃતરાષ્ટ્રએ દુર્યોધનને શિકાર પર ન જવા દીધો તેને કારણે તે ખૂબ હતાશ થઈ ગયો હતો. પછી કર્ણએ કહ્યું, “તેઓ તો આમ પણ હારેલા જ છે - આપણે તેમને મારવા જવાની જરૂર નથી. જો તું તેમને મારી નાખશે તો તેઓ દુઃખ સહન કરવામાંથી બચી જશે. હારી ચૂકેલી વ્યક્તિની આસપાસ જીતનાર વ્યક્તિ ગર્વથી ફરે તે તેને માટે સહુથી વધુ પીડાદાયક હોય છે. ચાલ, આપણે જઈને તેમની આસપાસ ગર્વથી ફરીએ. આપણે આપણી જીતનો આનંદ માણીએ; તેઓને તેમની હારનું દુઃખ ભોગવવા દઈએ. આપણે તેમને મળવા જઈએ, તેમની સાથે સહાનુભૂતિ દાખવીએ અને મજા લઈએ. તેમને મારી શા માટે નાખવા?” તેથી તેમણે એક બીજી યોજના બનાવી.દુર્યોધન તેના પિતા પાસે ગયો અને કહ્યું, “પિતાજી, હવે સમય થઈ ગયો છે કે આપણે આપણી ગાયોની ગણતરી કરી લઈએ.” – પશુપાલન સાથે સંકળાયેલા સમાજનો તે એક ક્રમ ગણાતો – જો આપણી પાસે લાખોની સંખ્યામાં ઢોર હોય તો સ્વાભાવિક છે કે તેમને એક સ્થળે રાખી શકાય નહિ. એટલે ક્યારેક ક્યારેક જઈને આપણે ગણતરી કરીને જાણવું પડે કે આપણી કેટલું ધન છે. ગાયોની ગણતરી કરવા સામે તો કોઈને વાંધો હોય શકે નહિ. તેથી, દુ:ર્યોધન, કર્ણ, શકુનિ અને દુઃશાસન તેમની પત્નીઓ અને અનુચરોનો રસાલો સાથે લઈને આસપાસ ક્યાંક પડાવ નાખીને ગાયોની ગણતરી કરવા નીકળી પડ્યા. સમગ્ર પરિવાર માટે આ એક પર્યટન જેવું હતું – કામનું કામ અને મજાની મજા. અલબત્ત, તેમનો ઇરાદો તો જંગલની આસપાસની ગાયો ગણવાનો હતો.
કૌરવોએ જંગલની નજીક પડાવ નાખ્યો, પાંડવો ત્યાંથી દૂર નહોતા. તેમની પાસે બધું જ હતું - રસોઈયાઓ રસોઈ કરી રહ્યા હતા, સ્ત્રીઓ અને બાળકો પણ તેમની સાથે હતા, તેઓ સંગીત વગાડતા અને દરેક જાતની પ્રવૃત્તિઓ કરતા. નકુલ, જે જંગલમાં ભમી રહ્યો હતો, તેણે આ અવાજો સાંભળ્યા. તે જંગલના છેડે આવ્યો અને કૌરવોના પડાવ પર નજર નાખી. પાછા ફરીને તેણે જે જોયું હતું તે બીજાઓને જણાવ્યું. તરત જ ભીમ અને અર્જુને પોતપોતાના હથિયાર ઊપાડ્યા. તેમણે કહ્યું, “તેઓ માત્ર આનંદ કરવા નથી આવ્યા. તેઓ આપણને નુકસાન પહોંચાડવા આવ્યા છે. આપણે સાવધાન રહેવું પડશે. અથવા સૌથી સારું રહેશે કે આપણે આક્રામક વલણ અપનાવીએ – આપણે પહેલા જઈને તેમને મારી નાખીએ.” યુધિષ્ઠિરે કહ્યું, “તે આપણો ધર્મ નથી. આપણે બાર વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે – આપણે માત્ર તેનું પાલન કરીશું. આપણા ભાઈઓ હુમલો કરવા ન પણ આવ્યા હોય. હજુ સુધી તેમણે કશું કર્યું નથી. આપણે શા માટે ધારી લઈએ કે તેઓ તેમ કરશે જ?”
સાંજ પડતાં, ચિત્રસેન નામનો એક ગંધર્વ પોતાના રસાલા સાથે કૌરવોના પડાવ ઉપર આવી પહોંચ્યો અને તેમની વચ્ચે તકરાર જેવું થયું. ગંધર્વોએ જોતજોતામાં કૌરવોને નિ:શસ્ત્ર કરી નાખ્યા. તેમણે થોડા સૈનિકોને મારી નાખ્યા અને સ્ત્રીઓ સિવાયના સહુને બંધક બનાવી દીધા. પાંડવોને આ સમાચાર મળ્યા. તરત જ ચાર ભાઈઓ આનંદથી ઝૂમી ઊઠ્યા. “મને વિશ્વાસ છે કે તેઓ અહીં બદ ઇરાદાથી આવ્યા હતા.” “તેમની કોઈ યોજના જરૂર હતી.” “તેમને બદલો મળી ગયો, સારું થયું.” પણ યુધિષ્ઠિરે કહ્યું, “આપણાથી આ ચલાવી ન લેવાય. આપણે જઈને આ ગંધર્વો સાથે લડવું જોઈએ કારણ કે, તેમણે આપણા ભાઈઓને નીચાજોણું કર્યું છે.”
ભીમ અતિશય ક્રોધિત થઈ ઊઠ્યો, “તમે શરમની વાત કરો છો? તમને ખબર છે કે શરમ કેવી હોય છે? તમને પોતાને કંઈ શરમ જેવું છે?” ખૂબ દલીલો થઈ, પણ છેવટે મોટાભાઈ હોવાના કારણે યુધિષ્ઠિરે કહ્યું, “ના, જાઓ અને કૌરવોને છોડાવો. જે ગંધર્વ હોય કે જે પણ કોઈ, તેની સાથે યુદ્ધ કરો.” ભીમે જોરદાર વિરોધ કર્યો; અર્જુન પણ જવા ઈચ્છતો ન હતો. પછી યુધિષ્ઠિરે કહ્યું, “કોઈ માણસ માટે પોતાના શત્રુ સાથે ઉદાર થવા કરતાં વધુ આનંદદાયક બીજું શું હોય? જાઓ, મજા લો! તમે લોકો હું કહું છું તેનો પ્રતિકાર શા માટે કરો છો?” પછી તેમને અચાનક સમજાયું, “અરે હા, આ તો એક સુંદર તક છે. આપણે જઈને તેમને મુક્ત કરાવીએ તે તો અતિઉત્તમ છે!”
તેઓ કૌરવોને બચાવવા માટે ગયા. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે દુ:ર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ અને બીજા ઘણાને હાથપગ બંધાયેલી દશામાં જમીન પર પડેલા જોયા. ગંધર્વો તેમનું ખાવાનું ખાઈ રહ્યા હતા અને તેમને લાતો મારીને આનંદ લઇ રહ્યા હતા. તેમને ક્ષત્રિયો માટે કોઈ માન ન હતું કારણ કે, તેઓ આ ધરતીના નિવાસી ન હતા. અર્જુને ગંધર્વો સાથે યુદ્ધ કર્યું અને ચિત્રસેનને પરાજિત કર્યો. ચિત્રસેન હારી ગયો હોવાથી તેણે પાછા જતા પહેલા અર્જુનને ઘણી ભેંટો આપી. પાછળથી ઇન્દ્રના દરબારમાં ચિત્રસેન અર્જુનને નૃત્ય અને સંગીતની તાલીમ આપે છે.
પાંડવોએ ઉદારતાપૂર્વક કૌરવોની સામે જોઈને તેમના હાથપગે બંધાયેલા દોરડાઓ કાપીને તેમને મુક્ત કર્યા. દુર્યોધન માટે આ સહુથી ભયાનક ક્ષણ હતી. પાંડવોના ગયા પછી તેણે હૈયાફાટ રુદન કર્યું. તેણે કર્ણને કહ્યું, “મારે હવે જીવવું નથી! મારે મરી જવું છે.” પછી તેણે દુઃશાસનને બોલાવ્યો અને તેને અજીજીઓ કરી, “મારા ભાઈ, હસ્તિનાપુર જઈને મારે બદલે રાજા બન. કર્ણ અને શકુનિને સાથે રાખીને સમજદારીપૂર્વક રાજ કર. તારા મિત્રોને ભયમુક્ત વાતાવરણ આપજે અને બ્રાહ્મણો પ્રત્યે ઉદારતા દાખવજે. જ્યારે ન્યાય કરે ત્યારે ગુનેગારની સામે પાણ દયા દાખવજે. આપણા વિદુરકાકાથી વધુ સમજ તને કોઈ આપી શકે તેમ નથી. તું જા. હું આવવાનો નથી. હું પરવારી ચૂક્યો છું. હું એ શરમ સાથે જીવી જ નહિ શકું કે મારા હાથપગ બંધાયેલા હતા અને પાંડવોએ મને છોડાવવા આવવું પડ્યું.” કોઈ તેને ગમે તે સમજાવે, પણ તે હસ્તિનાપુર જવા ના જ પાડતો રહ્યો. તેણે સહુને પાછા જવા કહ્યું અને તે એક તળાવને કાંઠે એકલો રહ્યો.
દુર્યોધન ગાંડા માણસની માફક વર્તી રહ્યો હતો. એક મહિના કરતા પણ વધુ સમય ઝનૂનપૂર્વક ચીસાચીસ કરતો, મરવા માંગતો તે જંગલમાં રખડી રહ્યો, પણ તેને સમજાતું ન હતું કે કઈ રીતે મરવું. પછી તેણે નક્કી કર્યું કે તે શરીરનો ત્યાગ કરશે. તેને જે થોડી ઘણી સાધના આવડતી હતી તે કરવા માટે તે પલાંઠી વાળીને બેસી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો. થોડા દિવસો પછી તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. પછી એક રાક્ષસી પ્રકટ થઈ. તે નારિયેળીના ઝાડ કરતા પણ ઊંચી હતી, તેણે મોટા સ્વરે કહ્યું, “નરકાસુરનો આત્મા કર્ણમાં પ્રવેશી ગયો છે, તેથી ચિંતા નહિ કર. કોઈ પણ રીતે, એક દિવસ કર્ણ અર્જુનને મારશે.” દુર્યોધને જેવું આ સાંભળ્યું તેવી તેની જીજીવિષા જાગૃત થઈ ઊઠી અને તે હસ્તિનાપુર પાછો ફર્યો.
ગંધર્વો સાથેની લડાઈમાં અર્જુન હંમેશની જેમ જ વિશુદ્ધ કર્મ હતો. મહાભારતમાં અર્જુનનું વર્ણન કરતાં કહેવાયું છે કે જ્યારે તે તેનું કર્મ કરતો, જ્યારે ધનુષ્યબાણ હાથમાં લેતો, ત્યારે તે બીજા માટે અસ્પષ્ટ થઈ જતો – તેનાં બાણ એટલી ઝડપથી અને સચોટ નિશાન તાકતા. તેને માટે જીવનની એકમાત્ર પરિપૂર્ણતા તે જ હતી જ્યારે તે તેનાં હાથનો ઉપયોગ કરતો. તે સિવાય અર્જુન એક શાંત વ્યક્તિ હતો.
ક્રમશ:...