સદ્ગુરુ: ભગ્વદ્ ગીતા – કર્મથી યોગ સુધી
સદ્ગુરુ યોગ અને કર્મ વિષે કૃષ્ણના શબ્દો અને તે શબ્દોના એક આધ્યાત્મિક સાધકના જીવનમાં સ્થાન વિષે પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપે છે.
પ્રશ્નકાર: કૃષ્ણ કહે છે કે શરૂઆતના તબક્કાઓમાં, યોગને કર્મ દ્વારા પામી શકાય છે અને પછી, પૂર્ણતા માટે દરેક કર્મને સમાપ્ત કરી નાખવા પડે છે. બીજી કોઈ જગ્યાએ તેમણે કહ્યું છે કે, સંન્યાસી પણ કર્મથી મુક્ત નથી. શું તમે આને સમજાવી શકો છો?
સદ્ગુરુ: તમારામાંના જે લોકો પાસે ગીતા નથી તેમને માટે હું આ વાંચી સંભળાવું છું.
“શ્રીભગવાન બોલ્યા, ‘તે વ્યક્તિ જે તેની ફરજો બરાબર બજાવે છે અને તેના કર્મના ફળનો ત્યાગ કરે છે તે યોગી અને ત્યાગી બન્ને છે. માત્ર કર્મ અને યજ્ઞનો ત્યાગ કરવાથી સંન્યાસી નહિ બની શકાય. હે પાંડુપૂત્ર! સંન્યાસ યોગ છે, કારણ કે, બધા સ્વાર્થી આવેગોનો ત્યાગ કરવાથી જ વ્યક્તિ યોગને પ્રાપ્ત કરી શકે છે. કોઈ વ્યક્તિ મન દ્વારા ઉન્નતિ કે અધોગતિ પામે છે તે તેમની ઉપર નિર્ભર છે કારણ કે, મન કોઈનું મિત્ર અથવા કોઈનું શત્રુ હોઈ શકે છે.”
જ્યારે તેઓ કહે છે કે, “તે વ્યક્તિ જે તેની ફરજો બરાબર બજાવે છે અને તેના કર્મના ફળનો ત્યાગ કરે છે તે યોગી અને ત્યાગી બન્ને છે. માત્ર કર્મ અને યજ્ઞનો ત્યાગ કરવાથી સંન્યાસી નહિ બની શકાય.” તેનો અર્થ છે કે એ કર્મ નથી જે બાધ્ય કરે છે. ઉદાહરણ તરીકે – ધારો કે, તમે એક એકાઉન્ટંટ છો. ઑફિસે જવું, હિસાબ કરવો, ઘરે પાછા આવવું તમને બાધ્ય નથી કરતું પણ, તમે ઑફિસે જઈ રહ્યા છો કારણ કે, એ તમને અમુક પ્રતિષ્ઠા, પહોંચ અને અન્ય ફાયદાઓ આપે છે. તમને હિસાબ કરવો ખૂબ ગમે છે તેથી તમે ઑફિસે નથી જઈ રહ્યા પણ તમારા કર્મફળ માટે જઈ રહ્યા છો. કૃષ્ણ તમારામાંથી આ દૂર કરવા માંગે છે. જો તમને કોઈ પગાર ન મળે, કોઈ પ્રતિષ્ઠા ન મળે, કોઈ સામાજિક પહોંચ ન મળે, કોઈ પણ પ્રકારના કોઈ લાભ ન મળે – તો શું હજી તમે કામ કરવાની ઇચ્છા રાખશો? એ એવું નથી કે તમારી આસપાસ જે છે તે તમારે ખાવું કે માણવું ન જોઈએ પણ, જો એ વસ્તુઓ પણ ત્યાં ન હોત તો પણ તમે એ જ તીવ્રતાપૂર્વક કામ કરતા હોત? અહીં તે જ સૌથી મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ છે.
અહીં જે સ્વયંસેવકો રસોડામાં કામ કરી રહ્યા છે, આ બધા ફૂલો સજાવી રહ્યા છે, આ બધું જ કામ કરી રહ્યા છે, તેઓને આનું મૂલ્ય નથી મળતું, તેઓને પગાર આપવામાં નથી આવતો; તેઓને કાર્યક્રમ દરમિયાન અંદર હૉલમાં બેસવા પણ નથી મળતું. પણ, શું તમને લાગે છે કે તેઓ રોષે ભરાશે, જેમ કે, “મને લીલા કાર્યક્રમમાં ભાગ લેવા નહિ મળ્યો. તો મારે શા માટે આ કરવું જોઈએ?” પણ એવું કંઇ નથી થતું. તેઓ માત્ર તે કરી રહ્યા છે. આ કર્મના ફળનો ત્યાગ છે. કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઘણીવાર, મારા તરફથી પ્રશંસાનો એક શબ્દ પણ કહેવામાં આવતો નથી, કારણ કે મારે તેમને તેમના દ્વારા પણ બાધ્ય નથી થવા દેવા.
એકવાર જ્યારે તમે કર્મના ફળનો ત્યાગ કરી દો, કર્મ કરવું સરળ બની જાય છે. એક વખત જ્યારે વ્યક્તિ કોઈ કામ પોતે જે કરી રહ્યા છે ફક્ત તેની તરફના પ્રેમ માટે કરે અને સૌથી વધારે તો તે એવું ઇચ્છતી હોય કે કોઈક બીજું તેમણે કરેલા કર્મનો લાભ ઉઠાવે, ત્યારે તમને તેનો લાભ મળ્યો કે નહીં તેનાથી કોઈ ફરક નથી પડતો. એક વખત તમે કર્મના ફળનો ત્યાગ કરો છો ત્યારે કર્મ એ બંધનકર્તા નથી હોતું. તમે જે કરો છો તે કામ ક્યારેય તમને બાધ્ય નથી કરતું. . તમને શું મળશે તેવી અપેક્ષા જ તમને બાંધે છે. માત્ર તમારી જાતનું અવલોકન કરો – જ્યારે પણ તમે કોઈ અપેક્ષા વિના કોઈ કર્મ કરો છો, ત્યારે તમારો શું અનુભવ હોય છે? તમે જ્યાં પણ અપેક્ષા સાથે કર્મ કરો છો, ત્યારે તમારો અનુભવ શું હોય છે? જો તમે આના તરફ જોશો, તો તમે ગીતા બોલશો.
તમે જાગરૂકતાપૂર્વક તમારા કર્મના ફળને નહિ છોડો તેથી પ્રેમની ખૂબ વાતો કરવામાં આવી રહી છે. જ્યારે તમને કોઈના માટે પ્રેમની ખૂબ ઊંડી લાગણી હોય ત્યારે કર્મના ફળનો ત્યાગ કરવો ખૂબ સરળ હોય છે. આ અર્થમાં, સામાન્ય રીતે વિશ્વમાં બધે જ અને ખાસ કરીને આ સંસ્કૃતિમાં, સ્ત્રીઓ પુરુષો કરતા વધારે સારી કર્મયોગીઓ હોય છે. તે એક ગૃહિણી તરીકે પતિ અને બાળકો સાથે હોવું એટલે એ આખા દિવસની નોકરી. જો તેઓ રાંધે, તો ભલે તેમણે પોતે ખાધું હોય કે નહિ, તેઓ બાળકો અને પતિ ને ભૂખ્યા નહિ રહેવા દે. જે કંઇ પણ તેઓ કરે છે તે કર્મના કોઈ પણ ફળની આશા વગર કરે છે. કોઈક રીતે, તેઓનો તેમના પોતાને વિષે અલગ ગુણ હોય છે, શાંતિ અને જીવનની અમુક પ્રકારની સમજણ હોય છે. આ પેઢીમાં, તે ગાયબ થઈ રહ્યું છે કારણ કે, તેઓ શિક્ષિત થઈ રહ્યા છે, અને દુર્ભાગ્યપણે, અત્યારે ભણતરનું માળખું જે રીતે રચાયું છે કે તે અંતહીન ઇચ્છાઓ પેદા કરે છે.
એક વાર જ્યારે તમે શિક્ષિત થઈ જાઓ છો પછી બેસીને આરામ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. તમારે અવિરતપણે “ચાલુ” જ રહેવું પડે છે. આધુનિક શિક્ષણે આ પ્રકારના ગાંડપણને વેગ આપ્યો છે. ૬૦ના દશકમાં, એક હિપ્પી સમુદાયનું સૂત્ર હતું, “જો તમે રૅટ રેસ જીતી પણ જાઓ, તો પણ તમે એક ઉંદર જ છો. (એકબીજાને હરાવીને આગળ નીકળી જવાની હરિફાઈને અંગ્રેજીમાં રૅટ રેસ કહે છે)” શું તમારે તેમાંના એક બનવું છે? હિપ્પી આંદોલનનો હેતુ યોગ્ય હતો – તોડી નાખવાની ઇચ્છા, જીવનના અન્ય પરિમાણોને જાણવાની ઇચ્છા – પણ દુર્ભાગ્યપણે, એ કોઈ માર્ગદર્શન વિના થયું. કેટલાક તકવાદી લોકોએ આનો દુરુપયોગ કર્યો અને આખી વસ્તુ અસફળ રહી. લોકો ડ્રગ્સનું સેવન કરવા લાગ્યા, આત્મહત્યા કરવા લાગ્યા, દારૂ પીવા લાગ્યા અને ક્યાંય જવાના બદલે પોતાના વિનાશને તેજ કરી નાખ્યો. કેટલાક લોકોનું જીવન પાછું પાટે ચઢ્યું, બાકીના વહી ગયા.
કર્મના ફળથી મુક્ત થવું તે પરમ્ મુક્તિ છે. કર્મ ક્યારેય કષ્ટ નથી આપતા. કર્મના ફળની અપેક્ષા રાખવી તે કષ્ટ આપે છે છે. જો તમે કોઈ જ અપેક્ષા નહિ રાખો, તો તમે ખુશીખુશી તમારી જબરદસ્ત ક્ષમતા વડે કામ કરશો કારણ કે, છેલ્લે શું થશે તે કોઈ મુદ્દો નથી. જો તમે કંઇ કરવામાં આનંદ આવતો હોય તો તમે ખૂબ સરળતાથી તેમાં સંપૂર્ણપણે ઝંપલાવશો. અમે એ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ કરવા માંગીએ છે.
“હે પાંડુપૂત્ર! સંન્યાસ યોગ છે, કારણ કે, બધા સ્વાર્થી આવેગોનો ત્યાગ કરવાથી જ વ્યક્તિ યોગને પ્રાપ્ત કરી શકે છે.” અહીં આ જ વસ્તુ અલગ રીતે કહેવામાં આવી છે. તે અહીં ચોખવટ કરે છે કે, સંન્યાસનો અર્થ કંઈ નહિ કરવું તે નથી. તેનો અર્થ છે કે, તમે સ્વાર્થી આવેગોનો ત્યાગ કરી કાઢ્યો છે. – “સ્વાર્થી” સામાજિક સંદર્ભમાં નહિ પણ કર્મના ફળ વિષે વધારે ચિંતા કરવી તે સંદર્ભમાં. જો એ તમારે માટે નહિ હોય તેનો કોઈ ફરક નથી પડતો પણ બીજા લોકો – તમારો પરિવાર, તમારો સમાજ અથવા જે પણ કોઈ – તમારે આ બધું જ કોઈ પણ પ્રકારના ફળની મોટી અપેક્ષા વિના કરવું જોઈએ. જો તમને ફળ મળે, તો તેને ખાઈ લો – તેમાં કશું ખોટું નથી. એ ફળ તમને નથી મારતું. કર્મના ફળની રાખવામાં આવતી અપેક્ષા તમને મારે છે.
“કોઈએ હજી નવો નવો યોગ કરવાનો શરૂ કર્યો હોય તે યોગની સિદ્ધિ કર્મ દ્વારા પામી શકે છે પણ, જેણે પહેલેથી જ યોગની સિદ્ધિ પામી લીધી છે, પૂર્ણતા બધી જ ગતિવિધિઓને સમાપ્ત કરવાથી સંભવ છે.”
લોકો મને પૂછે છે કે, “શું હું માત્ર આશ્રમ આવી જાઉં?” તેમનો વિચાર આખા જીવન દરમિયાન જે કાર્યો કર્યા તે બધા કાર્યો મૂકી દેવાનો હોય છે – તેમની જવાબદારીઓ, તેમનો પરિવાર, તેમનું કાર્ય, તેમનો વ્યવસાય – અને અહીં માત્ર ધ્યાન કરવા માટે આવવું હોય છે. ના – અહીં પણ, અમે લોકોને કામમાં લગાડીએ છીએ કારણ કે, તેમના પ્રારબ્ધનો જે ભાગ કર્મને સમર્પિત છે, તે હજી સુધી સમાપ્ત નથી થયો. પ્રારબ્ધ એ ફાળવાયેલા કર્મનો જથ્થો છે. અમુક પ્રમાણની તમારી જીવન ઊર્જાઓ અલગ અલગ પાસાઓને સમર્પિત હોય છે, કર્મ, વિચારો અને ભાવનાઓ પણ. તમારે કર્મને સમર્પિત ઊર્જાઓને ક્યાં તો ખર્ચી કાઢવાની જરૂર છે ક્યાં તો ઉપર ઊઠાવવાની જરૂર છે. તેમને ખર્ચી કાઢવી એ સૌથી સરળ રસ્તો છે. જો તમે વધુ કાર્ય કરશો તો જે ઊર્જાઓ કર્મ માટે ફાળવાયેલી છે તે જલ્દીથી ખર્ચાઈ જશે.
જ્યાં સુધી તમે ફાળવાયેલી ઊર્જાઓને ખર્ચ નહિ કરો ત્યાં સુધી તમે સ્થિર નહિ બેસી શકો. જો તમારે તમારી અંદર કોઈ પણ પ્રકારની હલચલ વિના, કોઈ પણ વિચાર, ભાવના કે બીજા કંઈ પણ વિના, શૂન્ય અવકાશની જેમ બેસવું હોય તો તમારે તે ઊર્જાઓને અત્યાધિક કાર્ય દ્વારા ખર્ચ કરવાની જરૂર છે. નહિતર તમારે આ ઊર્જાને બીજા કશાકમાં ફેરવવા માટે જરૂરી સાધના કરવી જોઈએ, જે વધુ સૂક્ષ્મ હોય છે અને ઊંડા સ્તરની સાધના માંગી લે છે. વધુ પડતું કર્મ કરીને ઊર્જાને ખર્ચી કાઢવી તે સાધનાના શરૂઆતના તબક્કા માટે સારું છે. તેથી જ તે કહે છે કે, “કોઈએ હજી યોગ કરવાનું શરૂ જ કર્યું હોય તે યોગની સિદ્ધિ કર્મ દ્વારા પામી શકે છે.” અહીં, તેનો અર્થ પરમ્ સિદ્ધિના સંદર્ભમાં નથી.
આના પછીનું વાક્ય છે: “પણ, જેણે પહેલેથી જ યોગની સિદ્ધિ પામી લીધી છે, પૂર્ણતા બધી જ ગતિવિધિઓને સમાપ્ત કરવાથી સંભવ છે.” એકવાર જ્યારે તમે તમારા પ્રારબ્ધ કર્મોને ખર્ચી નાખો છો, જેનો અર્થ છે કે કર્મને સમર્પિત ઊર્જાઓ વપરાઈ ચૂકી છે, તમે બધી જ ગતિવિધિઓને સમાપ્ત કરીને પૂર્ણતાને પામી શકો છો. એક સ્તરની માનવચેતના અથવા અનુભવ યોગ તરીકે ઓળખાય છે – બીજા સ્તરને “પૂર્ણતા” કહેવામાં આવે છે. શું આપણી પાસે સંસ્કૃત શ્લોક છે? અધ્યાય ૬ઠ્ઠો, શ્લોક ૩જો.
પ્રતિભાગી: योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥
સદ્ગુરુ: આનો અંગ્રેજી અનુવાદ સચોટ રીતે નહિ થાય - કંઇ નહિ. શરૂઆત કરનારી વ્યક્તિ માટે કર્મ સારા છે. પહેલા તમારે પોતાને એવી સ્થિતિએ લાવવાના છે જ્યાં તમે પોતાના ભૌતિક અસ્તિત્ત્વથી – કર્મના બંધન અથવા પ્રારબ્ધથી ઉપર ઊઠી ગયા છો. જ્યારે ઇન્દ્રીય વિષયી બધી આસક્તિઓ પૂરી થઈ જાય છે અને બધા જ ભૌતિક આવેગો સમાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિ યોગને પામે છે. મન વિષે વાત કરવાના સ્થાને, તે ઇન્દ્રીયો વિષે વાત કરે છે. બન્ને સંકળાયેલા છે – પાંચ ઇન્દ્રીયો એ મનના મુખ છે. આ પાંચ ઇન્દ્રીયો સિવાય, મનને કોઈ ભરણ પોષણ નહિ મળે. જો ઇન્દ્રીય કશું પણ ગ્રહણ ન કરે તો મન પાસે આગળ વધવા માટે કશું નથી.
પરમ્ નિષ્ક્રિયતા એ સમાધિ છે. સમાધિમાં તમે બાહ્ય અને આંતરિક બન્ને ગતિવિધિઓને સ્થગિત કરી દો છો – માનસિક ગતિવિધિઓ પણ અટકી જાય છે. ગતિવિધિઓનું સમાપન એ માત્ર બાહ્ય ગતિવિધિઓ માટે નથી પણ, આંતરિક ગતિવિધિઓ માટે પણ છે – વિચારો, ભાવનાઓ અને શારિરીક ગતિવિધિઓ – બધું જ સ્થિર છે.