ચિદમ્બરમ મંદિર – કઈ રીતે અને ક્યા હેતુથી નિર્માણ કરવામાં આવ્યું
યોગી અને રહસ્યવાદી, સદગુરૂ, ચિદમ્બરમ મંદિર કઈ રીતે અને ક્યા હેતુથી નિર્માણ કરવામાં આવ્યું એનું અને આધુનિક (મોડર્ન) યોગના પિતામહ, પતંજલિ સાથેના એના સંબંધનું વિશ્લેષણ કરે છે.
સદગુરૂ: દક્ષિણ ભારતમાં, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ પંચતત્વો પૈકીના પ્રત્યેક માટે પાંચ મંદિરો બાંધવામાં આવ્યાં હતાં. આ પંચ ભૂત સ્થળો છે. ભૌગોલિક દ્રષ્ટિએ, એ બધાંજ દક્ષિણના ઉચ્ચપ્રદેશ ના ક્ષેત્રમાં છે – ચાર તામિલનાડુ માં અને એક આંધ્ર પ્રદેશ માં. જળ-તત્વ માટે નું મંદિર તિરુવનૈકવલ (Thiruvanaikaval) માં, અગ્નિ-તત્વ નું તિરુવન્નમલઇ (Thiruvannamalai) માં, કાલહસ્તિ (Kalahasti) માં વાયુ અને કાંચીપુરમ (Kanchipuram) માં પૃથ્વી નાં મંદિરો છે. આકાશ-તત્વ માટે નું મંદિર ચિદમ્બરમ માં છે.
ચિદમ્બરમ મંદિર એક અકલ્પનીય સ્થાન છે. મંદિર નો નવો ગણી શકાય એવો ભાગ આશરે એક હજાર વર્ષ જૂનો છે પણ મંદિર નો જૂનો ભાગ ખરેખર કેટલા વર્ષ જૂનો છે એ કોઈ નથી જાણતું. લોકો કહે છે કે એ 3,500 વર્ષ અથવા વધુ જૂનો છે. ભારતની સંસ્કૃતિ આવી જ મહાન રહી છે. પ્રાચીન સમયમાં પણ જુઓ કેવાં ભવ્ય મંદિરો બનાવ્યાં છે. તમે રામેશ્વરમ નું મંદિર જુઓ, ચિદમ્બરમ મંદિર જુઓ, કે પછી મદુરઈ નું મંદિર જુઓ, એ બધાં જ ભવ્ય સ્થપત્ય છે અને એ બધાંનું જ નિર્માણ એક હજાર વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે. એ સમયે, રાજા સિવાય નાં લગભગ દરેક લોકો ઝૂંપડીઓમાં રહેતાં હતાં. મશીનો નું, ટ્રકો નું કે ક્રેન્સ નું અસ્તિત્વ જ નહોતું, પણ તેમણે સર્વોત્તમ નિર્માણના એકમાત્ર હેતુ થી આ મંદિરો ઉપર બે પેઢીઓ સુધી કામ કર્યું. એ લોકોએ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું, તેઓ આ મંદિરો નાં નિર્માણ-કાર્ય માટે જ જીવ્યા અને મર્યા, કારણકે આ મંદિરો એમની માટે એમનું સર્વસ્વ હતાં.
નટરાજ – નૃત્યના અધિપતિ
ચિદમ્બરમ મંદિરમાં શિવ, નૃત્યના અધિપતિ નટરાજ સ્વરૂપે બિરાજમાન છે. નટેશ અથવા નટરાજ શિવનાં સર્વાધિક સાર્થક સ્વરૂપો પૈકી એક છે. પૃથ્વી ની ભૌતિક-શાસ્ત્રીય પ્રયોગશાળા, સ્વિત્ઝરલેન્ડ સ્થિત CERN, જ્યાં અણુઓનું વિઘટન થાય છે, એની મેં જ્યારે મુલાકાત લીધી, ત્યારે જોયું કે ત્યાં પ્રવેશદ્વાર ની સામેજ નટરાજ ની મૂર્તિ સ્થાપિત છે, કારણકે તેમને જાણ થઈ ગઈ છે કે માનવ-સંસ્કૃતિમાં અન્ય કશું જ તેઓના હાલના કાર્યથી વધુ નજીક નથી.
નટરાજ સ્વરૂપ અનિવાર્યપણે દક્ષિણ ભારત માંથી, વિશેષ કરીને તામિલનાડુ માંથી આવે છે. એ સૃષ્ટિના ઉલ્લાસ નું, શાશ્વત સ્થિરતા માંથી સ્વયંભૂ રીતે પ્રકટ થનાર સૃષ્ટિ ના નૃત્ય નું પ્રતીક છે. ચિદમ્બરમ માં ઉભેલા નટરાજ અત્યંત પ્રતીકાત્મક છે, કારણકે તમે જેને ચિદમ્બરમ તરીકે ઉદ્દેશો છો, એ નિરપેક્ષ સ્થિરતા જ છે. આ મંદિરના રૂપ માં એની જ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શાસ્ત્રીય કળાઓ એ નિરપેક્ષ સ્થિરતા ને માનવ તરીકે સ્થાપિત કરવા માટે જ છે. સ્થિરતા વગર સાચી કળા સંભવ નથી.
આકાશ
ચિદમ્બરમની એક વિશેષતા છે નટરાજ, પણ મુખ્ય દેવતા તો શૂન્યાવકાશ જ છે. આ મંદિર નું શુદ્ધિકરણ (નો પ્રતિષ્ઠાપન અભિષેક) સ્વયં પતંજલિ દ્વારા કરવામાં આવ્યું (આવ્યો) છે. પતંજલિ આધુનિક (મોડર્ન) યોગના પિતામહ તરીકે ઓળખાય છે. એમણે યોગની શોધ નહોતી કરી. પહેલેથી જ અનેક સ્વરૂપ માં મોજૂદ હતો, એ યોગ ને તેમણે એક પ્રણાલી માં આત્મસાત કર્યો. યોગ નાં સૂત્રો એમના દ્વારા લખાયાં છે. તમે જો પતંજલિને એક પ્રબુદ્ધ સંસ્કારી વ્યક્તિ તરીકે કસોટી ઉપર મૂકો, તો તેઓ અન્ય કોઈ કરતાં વધુ પ્રબુદ્ધ ન હોઈ શકે. એવું કશુંજ નથી. અનુભૂતિ તો અનુભૂતિ જ છે. પણ એક માનવ તરીકે, અને એક બુદ્ધિ-પ્રતિભા તરીકે પતંજલિ ના વ્યક્તિત્વ નું વિશ્લેષણ કરીએ, તો જીવન વિષે ની એની સમજણશક્તિ નું ફલક એટલું વિશાળ જણાય કે તમે માની જ ન શકો કે આ કોઈ એકલ વ્યક્તિ માટે સંભવ છે. તેઓ તદ્દન અકલ્પનીય છે અને “માનવીય પરિમાણો” થી લગભગ પરે છે.
પતંજલિ એ આ મંદિર નું શુદ્ધિકરણ વૈજ્ઞાનિક અભિગમ થી કરાવ્યું હતું કારણકે એ સ્વયં ભક્ત નહોતા, એક વૈજ્ઞાનિક હતા અને એમણે મંદિર ની કાર્યપ્રણાલી માટે ચોક્કસ નીતિ-નિયમો ઘડયા હતા. તેમણે એક જૂથ તૈયાર કર્યું હતું જેમાં એવાં લોકો હતાં જેઓ સાધના અને અનુશાસન ના એક વિશિષ્ટ સ્તર ને જાળવી રાખે તેમજ મંદિર માં દૈનિક કર્મકાંડ ના રીત-રીવાજો નિભાવે. એ પરિવારો ફૂલ્યા-ફાલ્યા અને તેમણે મંદિર ની જાળવણી ચાલુ રાખી. આજ ની તારીખ માં પણ તેમણે પતંજલિ દ્વારા સ્થાપિત મંદિર ની જાળવણી વિષે ના સર્વસામાન્ય ગુપ્ત સંકેતો અને દૈનિક કર્મકાંડ ચાલુ રાખ્યાં છે.
અરુદ્ર દર્શન
ચિદમ્બરમ મંદિર નું એક લોકપ્રિય પાસું છે તમિળ મહિના માર્ગઝી માં અરુદ્ર દર્શન. રુદ્ર નો અર્થ છે ગર્જના કરનાર, જે ખૂબ જ અશાંત છે – અશાંત થી પણ વધુ, મહાગર્જના કરનાર. અરુદ્ર નો અર્થ છે સ્થિર-ગંભીર, ગર્જના કરનાર નહીં, પણ અત્યંત શાંત. રુદ્ર નો આડકતરો અર્થ ગતિ અથવા તો રચના-પ્રક્રિયા થાય છે, અરુદ્ર નો ગર્ભિત અર્થ અમુક ચોક્કસ નિષ્ક્રિયતા દર્શાવે છે.
ચિદમ્બરમ નું પુનરુત્થાન
ચિદમ્બરમ મંદિર નાં ફક્ત મકાનો જ આશરે પાંત્રીસ એકર નો વિસ્તાર આવરી લે છે. એ બધાં જ મકાનો સંપૂર્ણપણે પથ્થરનાં બનેલાં છે અને ભવ્ય છે. એ વિશાળ મંદિર ની જાળવણી માટે, એ મકાનો સિવાય, સેંકડો એકર જમીન-મિલ્કત એમને જોડાઇ ને પથરાયેલી છે, સાથોસાથ આભૂષણો પણ છે. પણ બ્રિટિશ કાળ માં મંદિરો ના તાબામાં રહેલ અઢળક સંપત્તિ ને કારણે અંગ્રેજો એ અનેક મંદિરો પોતાને હસ્તક લઈ લીધાં હતાં અને આજે એ આભૂષણો સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયાં છે. એમ કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ માટે મોટા ભાગ નું બ્રિટિશ યુદ્ધ-ભંડોળ ભારતીય મંદિરો માંથી જ વપરાયું હતું. જમીન-મિલ્કતો પણ જપ્ત કરીને વહેંચણી કરી દેવામાં આવી હતી જેના કારણે મંદિર નિર્ધન થઈ ગયું છે અને એની જાળવણી મુશ્કેલ થઈ પડી છે.
આજે આશરે 360 પરિવારો કર્મકાંડ કરાવે છે અને તેઓ જ મંદિરના ઉત્તરાધિકારી છે. પણ તેઓ મંદિર ની જાળવણી કરવામાં અસમર્થ છે અને એ જ કારણસર, અનેક વસ્તુઓ અદ્રશ્ય થઈ રહી છે. વનસ્પતિ માંથી પ્રાપ્ત ડાઇ વડે છત ઉપર દોરવામાં આવેલ ચિત્રો, જે એક હજાર વર્ષ જૂનાં છે, તે બધાં લગભગ સાઇંઠ ટકા ભૂંસાઈ ગયાં છે. પ્લાસ્ટર ઉખડી પડ્યું છે અને એની દેખભાળ કરવા માટે કોઈ નથી. અને અજાણતાં જ, આ સો એ સો ટકા પથ્થર ના બનેલા મંદિર માં તેમણે જ્યાં ને ત્યાં કોંક્રીટ ના ઢાંચાઓ બનાવી દીધા છે જેના કારણે મંદિરનું સૌંદર્ય અને સ્થાપત્ય બન્ને બગડી ગયાં છે.
પતંજલિ એ જ્યારે મંદિર નું નિર્માણ કરાવ્યું, ત્યારે એણે એ વાસ્તુ-રચના પોતાની ધૂન સંતોષવા માટે નહોતી કરી. એણે ફક્ત એટલું જ કર્યું જે અત્યંત આવશ્યક હતું, અને એ એક અકલ્પનીય સ્થાન છે. એ જગ્યા નું સંરક્ષણ અને સંવર્ધન કરીને એ જગ્યા માનવ-સમાજ ને ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. અમે એ કરવા માગીએ છીએ. મંદિર ના પુનરોત્થાન માં તેમજ એ જગ્યા માટે નુક્સાનકારક એવી બજારો જે બિલાડી ના ટોપ ની જેમ ઉગી નિકળી છે, એમને દૂર કરીને આસપાસ ની જગ્યા મોકળી કરવામાં અઢળક ખર્ચ થશે. અમારો વિચાર છે કે અમે ત્યાં કઇંક કરી બતાવી એ અને વ્યવસ્થિત બજારો તેમજ હોટલો શરૂ કરાવીએ, પણ હજી સુધી એ બધું ફક્ત વિચાર ના સ્તરે છે. અમે ભારતમાં કોર્પોરેટ કંપનીઓ તરફથી મદદ ની અપેક્ષા રાખીએ છીએ. જો એમ થાય તો મારે એ મંદિર નું પુનરુત્થાન કરવું છે, કારણકે તમે દસ હજાર ફુટ ના ઘર માં રહો કે એક હજાર ફુટના, એનાથી બહુ મોટો ફેર નથી પડતો, પણ એક અભિમંત્રિત અને શુદ્ધ જગ્યા ની આસપાસ હોવાથી તમારા જીવન માં અસાધારણ ફેર પડશે. આ સમજણ સાથેજ, ભારતીય સંસ્કૃતિ માં લોકોએ આ પ્રકારની માનવ વસવાટ ની જગ્યાઓ ની રચના કરી હતી. જો 25 ઘર હોય, તો 1 મંદિર હોવું જ જોઈએ. પછી ભલે તમે ત્યાં જાઓ કે ન જાઓ, પ્રાર્થના કરો કે ન કરો, તમને મંત્રો આવડે છે કે નહીં એ ગૌણ વસ્તુ છે. તમારા જીવન ની પ્રત્યેક ક્ષણ માં તમારું શુધ્ધિકરણ કરેલી જગ્યા માં હોવું જરૂરી છે.
જીવનના આ પરિમાણ વિશે જ્ઞાનનો પ્રચંડ જથ્થો ખાસ કરીને આ સંસ્કૃતિમાં કાયમી સ્વરૂપે સચવાયો હતો, અને એ જ્ઞાન ને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. કારણકે તમે શું ખાઓ છો, કેટલું જીવો છો, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જીવન માં કોઈ એક વિશિષ્ટ ક્ષણ એવી આવશે જ્યારે તમને આ સૃષ્ટિ ના સર્જન ના સ્ત્રોત સાથે સંવાદ સાધવાનું મન થશે. જો એ સુવિધા પૃથ્વી ઉપર પૂરી નહીં પાડવામાં આવે, અને એની ઝંખના રાખતા, પૃથ્વી ના પ્રત્યેક મનુષ્ય માટે ઉપલબ્ધ નહીં હોય, તો એમ સમજવું કે સમાજ મનુષ્યો ની ભલાઈ માટે કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યો છે.
Ferrario, GiulioPagoda di Sialembrom, 1828 from Wikipedia
Chidambaram Shiva from WikipediaChidambaram Temple from Wikipedia
Chidambaram Nataraja temple Shivaganga tank porch from Wikipedia
Visit to CERN by oalsaker
India statue of Nataraja from Wikipedia