કોઈને ફરી જીવતા કઈ રીતે કરવા?
ક્યારેય આશ્ચર્ય થયું છે કે શું કોઈને પુનર્જીવિત કરવાનો કોઈ રસ્તો છે? સદ્ગુરુ સમજાવે છે કે જે યોગીએ સૂર્ય સ્પર્શમાં નિપુણતા મેળવી છે તે કોઈને ફરી જીવિત કરી શકે છે અને આ ગૂઢ કળા લુપ્ત કઈ રીતે થઈ તે જણાવે છે.
સદ્ગુરુ: ભારતમાં તાંત્રિક વિધિમાં, મડદાં ચાલી શકે. પહેલા, અને હજુ પણ ચાલે છે, આવી ઘણી ઘટનાઓ બની છે, પણ એક ઐતિહાસિક રીતે નોંધાયેલી છે. એક યોગી હતા જેમણે સૂર્ય સ્પર્શ તરીકે ઓળખાતા અમુક પ્રકારના યોગમાં સિધ્ધી મેળવી હતી, જેનો શાબ્દિક અર્થ થાય "સૂર્યનો સ્પર્શ." તે એક બંગાળી હતા જે વારાણસીમાં રહેતા અને સમયાંતરે તેમના ગુરુ પાસે જતાં અને આના વિવિધ પગલાં શિખતા અને ઉત્તરોત્તર તેમાં નિપુણ થતાં હતા. ઘણી વખત તેમણે જાહેરમાં આનું પ્રદર્શન કર્યું કે જો તમે એક મૃત પક્ષી લાવો, તેઓ તેને ફરી જીવિત કરી શકતા હતાં. આ પક્ષી મૃત હોવાનું બધા દ્વારા તપાસાતું. જો તે છેલ્લા ત્રણ કલાકમાં મૃત્યુ પામ્યું હોય, તો તે કડક થઈ ગયું હોય. મૃત્યુ બાદ શરીરમાં આવી જતી જડતા પક્ષીઓમાં માનવ શરીર કરતાં વધુ ઝડપથી આવે છે કારણ કે પક્ષીના શરીરનું તાપમાન એ મનુષ્ય શરીરના તાપમાન કરતાં ઘણું વધારે હોય છે. તેથી તે વધુ ઝડપથી ઠંડુ પડે છે અને મૃત્યુ પછી આવતી જડતા વહેલી આવી જાય છે.
જો પક્ષીના મૃત્યુના ત્રણ કલાક પછી તમે તેમની પાસે પક્ષી લઈને ગયા હોવ, તો એક સામાન્ય બિલોરી કાચ વડે - સીધા સૂર્યપ્રકાશ વડે પણ નહીં, પરાવર્તિત પ્રકાશ વડે - તેઓ તે પ્રકાશનો ઉપયોગ કરીને તે પક્ષીને પુનર્જીવિત કરી દેતા. પક્ષી કિલકિલાટ કરતું, તે બેઠું થઈ જતું, તે ચાલતું અને થોડા સમય માટે આસપાસ ઉડતું અને પછી પડી જઈને ફરી મૃત્યુ પામતું. એટલે જ્યારે લોકો કહેતા, "કેમ તમે આને જીવાડી શકતા નથી?" તેમણે કહ્યું, "હું બસ આટલું જ જાણું છું. મારા ગુરુ આમ કરી શકે છે. હું હજી શિખી રહ્યો છું." પણ તેઓ પહેલેથી જ તે સમયે 70 વર્ષની ઉંમરની નજીક હતા.
સૂર્ય સ્પર્શ કઈ રીતે લુપ્ત થઈ?
કમનસીબે, ઈસ્લામિક શાસન પહેલેથી જ આવી ગયું હતું અને એક મુસ્લિમ રાજાનો દીકરો જે 7 વર્ષનો હતો તે કોઈક અજાણ્યા તાવથી મૃત્યુ પામ્યો. તેમણે પક્ષીને પુનર્જીવિત કરતા માણસ વિષે સંભાળ્યું હતું એટલે તે લોકો તેમની પાસે આવ્યા અને કહ્યું, "આવો અને અમારા રાજાના પુત્ર ઉપર આનો પ્રયાસ કરો." પણ તેઓ પોતાની દેવી(દેવતા)ની હાજરીની બહાર ક્યારેય આનો પ્રયોગ ન કરતાં. તેમની પાસે એક નાની દેવી હતી અને એક મંદિર અને તેઓ ફક્ત આ મંદિરની અંદર જ તેનો પ્રયોગ કરતાં. તેમણે કહ્યું, "મારી દેવીની નજરથી બહાર હું ક્યારેય આવી કોઈ વસ્તુ નહીં કરું." તે દેવી એ એક ઊર્જા સ્વરૂપ છે જે તેમણે બનાવેલું અને તેઓ તેની સાથે કામ કરતાં હતા, પણ તે લોકોને આ દેવીની કોઈ કિંમત નહોતી કારણ કે તેમના અનુસાર આ મૂર્તિપૂજા છે. તે લોકોએ કહ્યું, "આ દેવી, અમે તેને મહેલમાં લઈ જઈશું." તેમણે કહ્યું, "ના, ના, તે ખસેડી ના શકાય." તે લોકોએ કહ્યું, "તેને ખસેડી શકાય," અને તે લોકોએ તેને બસ ઉઠાવી લીધી. તેઓ રડ્યા, "આવું ના કરો!" જ્યારે તેમણે તેને ઉપાડી લીધી અને તે લોકો તેમને ઘસેડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે બોલ્યા, "હું નથી આવવાનો, હું તે નહીં કરું. હું આ કરવાનો નથી." જ્યારે તે લોકો દેવીને ઉપાડીને તે જાણે કોઈ પ્રકારનું રમકડું હોય એ રીતે બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. તેઓ બોલ્યા, "હું તમારા રાજાના દીકરાને પાછો જીવિત કરવાનો નથી. હું કરી શકું તેમ નથી, પણ જો હું કરી શકતો હોત છતાં, હું તે નહીં કરું." પછી તેમણે તેઓને વાળથી પકડ્યા અને રાજા પાસે ઘસેડી ગયા પણ તેમણે કહ્યું, "હું તે નથી કરવાનો." એટલે તે લોકોએ તેમની ત્યાં જ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી અને આ બધુ કરવામાં, તેઓએ તે દેવીની પ્રતિમાને પાડી દીધી અને તે તૂટી ગઈ.
તેમની પાસે થોડા શિષ્યો હતા જેમને તે આ શીખવી રહ્યા હતા, અને તેમની સાથે આ બધું મૃત્યુ પામ્યું. પણ આ ખૂબ જવાબદાર લોકો દ્વારા સ્પષ્ટ રીતે નોંધાયેલું છે કે કેટલીય વખત, તેઓએ મૃત પક્ષીને, જે ત્રણ કલાકથી વધુ સમય માટે મૃત હતું, ખરેખર ઊભું કરેલું અને નોંધપાત્ર સમય માટે ઉડતું કરેલું - એક કલાકથી વધુ. તેઓ વારંવાર કહેતા, "મારા ગુરુ આ પક્ષીને તેનું સંપૂર્ણ જીવન જીવાડી શકે છે, એ કંઇ પણ હોય, મારા ગુરુ આવુ માણસોને પણ કરી શકે છે."
કેટલાય આવા લોકો થઈ ગયા છે. પક્ષી વાળા આ યોગી એક અલગથલગ ધારાના યોગી હતા, મુખ્ય પ્રવાહના નહીં. દક્ષિણ ભારતમાં બીજા એક યોગી હતા. આ એક મુખ્ય પ્રવાહના યોગી હતા, એટલે લોકો આશીર્વાદ માટે તેમની પાસે આવતા હતા અને તેમની આસપાસ ઘણી બધી વસ્તુઓ થતી. તેઓ દક્ષિણ-પશ્ચિમ કર્ણાટકમાં કોલ્લેગલ નજીક ક્યાંક રહેતા હતા, અને લોકો તેમની આસપાસ ભેગા થતાં. એક દિવસ, એવું થયું કે એક યુવાન છોકરો મૃત્યુ પામ્યો. તેના માતા-પિતા છોકરાને આ યોગી પાસે લાવ્યા અને હૈયાફાટ આક્રંદ કર્યું. એટલે તેઓએ તેમની દુર્દશા જોઈને અને કદાચ તેમને એ સૂઝ થઈ હશે કે છોકરાનું મૃત્યુ થવું જોઈતું નહોતું, અને તેનું મૃત્યુ આકસ્મિક પ્રકૃતિનું વધારે હતું. તેમની બાજુમાં એક દીવો હતો. લગભગ દરેક યોગી જે અમુક પ્રકારની પ્રક્રિયામાં હોય છે તેમની પાસે એક તેલનો દીવો બળતો હશે. તેમણે પોતાની આંગળી તેલમાં ડૂબાડી અને તે મૃત છોકરાના મોઢામાં મૂકી અને તે છોકરો થોડા સમયમાં જીવિત થઈ ગયો અને એકદમ ઠીક હતો.
શું મૃત શરીર હલી શકે?
કોઈ જ્યારે ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણ રીતે મૃત નથી હોતા. મૃત્યુ ધીમે ધીમે થાય છે. જો તમે આનાથી પહેલેથી પરિચિત ના હોવ કે વ્યક્તિ મૃત્યુ પામે પછી, મોટા ભાગે ચૌદ દિવસ સુધી, નખ અને વાળ ઉગવાના ચાલુ હોય છે. મૃત્યુ ધીમે ધીમે થઈ રહ્યું છે, તે હજી પૂરું થયું નથી.
ધરતીના આ ટુકડામાંથી જીવન પ્રક્રિયા ક્રમશ: સંકેલાય છે. વ્યાવહારિક કારણોસર, જ્યારે તે સ્થિર થઈ જાય - ફેફસા, હ્રદય અને મગજની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હોય - તેઓ તમને મૃત જાહેર કરે છે. પણ જીવન પ્રક્રિયા હજુ ચાલુ છે અને તમે તેને ફરી જીવંત કરી શકો છો અને પ્રણાલીને સક્રિય કરી શકો છો. આનો ઉપયોગ કરીને તાંત્રિકો મૃત શરીને ચલાવે છે, અને આ બહુ અસામાન્ય નથી. કેટલીક વાર, તે આવુ અંતિમ સંસ્કાર ચાલુ હોય ત્યારે પણ કરી શકે છે. આવા ઘણા દાખલા બન્યા છે. મે વ્યક્તિગત રીતે જોયેલું નથી, પણ હું એવા લોકોને જાણું છું જેમની પાસે આના વિષે ખોટું બોલવાનું કોઈ કારણ નથી, અને તેઓ નહીં જ બોલે, જેમણે ખરેખર એવું જોયેલું છે જ્યાં લોકોએ મડદાને અગ્નિ આપી દીધી હોય , અને સળગતું શરીર ઊભું થઈને ચાલવા લાગે. તે ક્ષણે જ્યારે બહારની તરફથી બળવાનું શરૂ થાય, જીવન પ્રક્રિયા અંદરની તરફ પીછેહઠ કરે છે અને ત્યાં એક સંકેન્દ્રિત જગ્યા હોય છે જ્યાં જીવન વધુ તીવ્રતાથી થઈ રહ્યું હોય છે. તેઓ તેનો ઉપયોગ કરીને સિસ્ટમને એવી રીતે ફરી જીવંત કરે છે કે અચાનક તે ઊભું થઈને ચાલવા લાગે. પાંચથી સાત મિનિટ સુધી, તે જીવતું હોય તે રીતે વર્તન કરે છે અને પછી પોતાને ખર્ચી દઈ મૃત્યુ પામે છે.