કૃષ્ણ પર સદ્ગુરુના 32 ક્વોટ વાંચો
અહીં વાંચો કૃષ્ણ પર સદ્ગુરુના વિચારો, જે તમને તેમના મોહક જીવનની એક ઝલક આપે છે - તેમનું જીવન જે એક નટખટ પરંતુ મનમોહક બાળકથી લઈને દિવ્યતાના એક અવતરણ સુધીની સફર છે.
ArticleAug 24, 2021
કૃષ્ણ એક રોકી ના શકાય તેવા બાળક હતા. તેઓ અત્યંત નટખટ, મંત્રમુગ્ધ કરી દેતા વાસળી વાદક અને સુંદર નર્તક હતા. તેઓ એક અત્યંત આકર્ષક પ્રેમી હોવાની સાથે જ એક શૂરવીર યોદ્ધા હતા જેઓ તેમના દુશ્મનોનો નાશ કરતા. દરેક ઘરમાં કોઈને કોઈનું દિલ તેમણે તોડ્યું હતું. તેઓ એક પ્રખર રાજનીતિજ્ઞ હતા. તેઓ એક ઉચ્ચત્તમ શ્રેણીના યોગી તથા દિવ્યતાનું સૌથી આકર્ષક અવતરણ હતા.
જો આપણે તે ચેતનાથી પ્રભાવિત થવા માંગતા હોઈએ જેને આપણે કૃષ્ણ કહીએ છીએ તો આપણે જરૂર છે લીલાની. એટલે કે મસ્તીભર્યા પુરુષના માર્ગની.
કૃષ્ણ - એક નટખટ બાળક
કૃષ્ણના જીવનના શરૂઆતના ભાગમાં તેમણે એક આખા સમાજને આનંદમય અને તેમના પ્રત્યેના પ્રેમમાં પાગલ બનાવી દીધેલો. તેમના દેખાવની આકર્ષકતા, તેમનું મોહક સ્મિત, તેમની વાસળી, અને નૃત્ય સમાન ચાલ આ બધાથી તેમણે લોકોને એક નવા જ પ્રકારના ઉન્માદનો સ્વાદ ચખાડ્યો.
કૃષ્ણનો જન્મ થયો ત્યારથી અનેક લોકો તેમની હત્યાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ ઘણી કટોકટી ભરી પરિસ્થિતિઓમાંથી પસાર થવા છતાં જીવનમાંથી ઉલ્લાસપૂર્વક પસાર થયા. આ જ કારણે કૃષ્ણ ભારતીય સંસ્કૃતિના બેજોડ અંગ બની ગયા છે.
કૃષ્ણ તેમનું જીવન એક ઉત્સવની જેમ જીવ્યા. એક બાળક તરીકે પણ તેમણે પોતાના અંગે ઘણી સુંદર વાતો કહેલી. એક વાત જે તેમણે કહેલી તે હતી, "જ્યારે હું સવારે જાગુ અને ગાયોનો અવાજ તથા મારી માતાને દરેક ગાયને દોહતા પહેલા તેમના નામથી બોલાવતા સાંભળું ત્યારે મને ખબર પડી જતી કે મારી આંખો ચોળીને સ્મિત કરવાનો સમય થઈ ગયો છે."
જ્યારે તેઓ યુદ્ધમાં ગયેલા ત્યારે પણ કૃષ્ણએ મોરપિચ્છ પહેરેલું. તેઓ પોતાના દેખાવ પ્રત્યે ઘેલા ન હતા પરંતુ તેઓ તેમના જીવનના દરેક પાસાને એક ઉજવણી બનાવવા પ્રત્યે સમર્પિત હતા. પછી તે તેમના ભાવ હોય, તેમનું મન હોય, તેમનું કાર્ય હોય કે તેમના કપડા - તેઓ તેમની આસપાસના લોકો માટે સર્વશ્રેષ્ઠ અવસ્થામાં રહેવા ઈચ્છતા હતા. આ છે પ્રેમ.
ગોપાલ - એક આકર્ષક ગોવાળ
લોકો સામાન્ય રીતે દિવ્યતાને મહાન તપસ્વીઓ, યોગીઓ અથવા રાજાઓમાં ઓળખવામાં જ સમર્થ હતા. કૃષ્ણ માત્ર એક ગોવાળ હતા છતાં લોકો તેમની સુંદરતા, તેમનો બોધ, તેમનું સામર્થ્ય તથા તેમની બહાદુરીને અવગણી ના શક્યા.
જ્યારે આપણે કૃષ્ણને ગોપાળ કહીએ છીએ ત્યારે આપણે તેમને પ્રેમપૂર્વક સંબોધીએ છીએ. જ્યારે આપણે તેમને ગોવિંદ કહીએ છીએ ત્યારે આપણે તેમની દિવ્યતાને વંદન કરીએ છીએ.
કૃષ્ણના અસ્તિત્વની સહજતા અને સુંદરતા એવી હતી, જયારે તેઓ તેમની આસપાસની કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવતા ત્યારે તેમની ઢબ તથા તેમના મન અને શરીરની સંતુલિતતા એવી હતી કે લોકો તેમની નજર અને તેમનું ધ્યાન કૃષ્ણ પરથી હટાવી જ ના શકતા.
કૃષ્ણના આભામંડળના સૌથી બહારના ચક્રનો નીલો રંગ તેમને અત્યંત આકર્ષક બનાવતો હતો.
કૃષ્ણ એટલા આકર્ષક હતા કે તેઓ જયારે બાળક હતા ત્યારે તેમને મારવા આવેલી પૂતના પણ તેમના પ્રેમમાં પડી ગઈ.
જાણતા કે અજાણતા, કૃષ્ણની આસપાસના લોકો અત્યંત પ્રેમાળ અને મધુર બની ગયા.
કૃષ્ણની સાધના હતી - તેમની આસપાસના જીવન સાથે સંપૂર્ણ રીતે લયમાં હોવું. જયારે તમે કોઈની સાથે લયમાં હોવ ત્યારે જ તમે તેમની હાજરીમાં સુખી અનુભવ કરશો. નહીંતર તમે બેચેની અનુભવશો.
કૃષ્ણને શ્યામસુંદર તરીકે એટલે કે એક એવા સુંદર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતા જેમનો રંગ કાળો હતો. તેઓ સંધ્યાકાલ જેવા હતા. જયારે સૂર્ય આથમવા લાગે અને આકાશનો આછો વાદળી રંગ ઘાટો અને કાળા જેવો વાદળી બની જાય - તેવો તેમનો રંગ હતો.
કૃષ્ણની બાળપણની પ્રેમિકા હતી રાધા. રાધાનો બોધ એવો હતો કે તેઓ કહેતા, “કૃષ્ણ હંમેશા મારી સાથે છે. તે જ્યાં પણ હોય, જેની પણ સાથે હોય, છતાં તે મારી સાથે તો છે જ.”
કૃષ્ણની કિશોરાવસ્થા
તેમની વાંસળી દ્વારા કૃષ્ણ ગમે તેવા વ્યક્તિ તેમજ પશુઓને પણ મંત્રમુગ્ધ કરી તેમના હૃદય પીગળાવી શકતા. પરંતુ જ્યારે તેમણે ધર્મની સંસ્થાપના માટે ગોકુળ છોડ્યું, ત્યારે તેમણે તેમની વાંસળી રાધાને આપી દીધી અને પછી ક્યારેય ના વગાડી. તે દિવસથી રાધા કૃષ્ણની જેમ વાંસળી વગાડતા.
કૃષ્ણ - જેઓ હંમેશા રેશમના કપડા, મુકુટ અને મોરપીંછથી સુશોભિત રહેતા - માત્ર એક મૃગચર્મ ધારણ કરીને આદર્શ બ્રહ્મચારી બન્યા અને તેમની આ નવી સાધના પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત થયા. આ દુનિયાએ પહેલા ક્યારેય આટલો સુંદર ભિક્ષુ જોયો નહોતો.
કૃષ્ણના ગુરુ સાંદિપનીને સૂચના આપવા માટે મોઢું ખોલવું ના પડતું. બધું જ આંતરિક રીતે કહેવાય જતું, સમજાય જતું અને પામી લેવામાં આવતું.
ધર્મગુપ્ત - સત્યના સમ્રાટ
કૃષ્ણને ધર્મગુપ્ત તરીકે ઓળખવામાં આવતા હતા, એટલે કે ધર્મ અને સત્યના સમ્રાટ. પરંતુ તેમણે ક્યારેય કોઈ રાજ્ય પર રાજ કરેલું નહિ, તેમની પાસે રાજ કરવાની શક્તિ અને સામર્થ્ય હોવા છતાં.
તેમના જીવન દરમ્યાન અને આજે પણ અનેક લોકો કૃષ્ણને માયાવી, જુઠ્ઠા અને મનમોહક ઠગ કહેતા હતા - કારણ કે તેઓ તે સમયના કોઈપણ નૈતિક નિયમોને અનુસરતા નહિ; તેઓ માત્ર કોઈ પરિસ્થિતિ માટે યોગ્ય પરિણામ આવે તેવું જ કરતા.
ગોવિંદ - પરમ સત્યના રૂપમાં કૃષ્ણ
કૃષ્ણની સર્વસમાવેશિતાની ભાવના એવી હતી કે એમના દુશ્મન પણ તેમની સાથે બેસીને અજાણતા જ તેમના ચાહક બની જતા. ઘણી વખત તેમણે તેઓ જે તેમનું અપમાન કરતા અને તેમને મારવાના પ્રયત્ન કરતા તેમને રૂપાંતરિત કર્યા હતા.
જયારે લોકોએ કૃષ્ણને પૂછ્યું, “ભગવાન! તેઓ કહે છે કે તમે મુક્તિદાતા છો. તો અમારા માટે તેનો માર્ગ શું છે?” કૃષ્ણએ તેમની તરફ આશ્ચર્ય પૂર્વક જોયું અને કહ્યું, “માર્ગ શું છે? હું જ તો માર્ગ છું.”
કૃષ્ણ બધા લોકો સાથે અનેક પ્રકારની મજાક કરતા છતાં બધા જ લોકો તેમને પ્રેમ કરતા હતા, કેમ કે તેઓ તેમની અને આસપાસના દરેક જીવન સાથે સંપૂર્ણ રીતે લયમાં હતા.
‘રાધે’ શબ્દનો અર્થ છે, તે જે જીવનરસ અથવા પ્રેમરસ આપનાર છે. તેના પ્રેમમાં રાધાએ કૃષ્ણને તેણીનો એક ભાગ બનાવી લીધા. એવું કહેવાય છે કે, રાધા વગર કોઈ કૃષ્ણ છે જ નહિ. એવું નથી કહેવાતું કે કૃષ્ણ વિના કોઈ રાધા છે જ નહિ. રાધા કૃષ્ણ! અથવા રાધેય!
સ્ત્રીત્વ એક ચોક્કસ ગુણ છે; તે પુરુષમાં એટલો જ જીવંત હોઈ શકે જેટલો સ્ત્રીમાં. જો તમે કૃષ્ણને જાણવા માંગતા હોવ, તો તમે સંપૂર્ણ રીતે સ્ત્રૈણ બનવા તૈયાર હોવા જોઈએ. આ પ્રેમ અને પ્રબળ ઉત્કટતાનો માર્ગ છે જેમાં કશું જ બાકાત નથી રહેતું.
જયારે કૃષ્ણને કશું કરવું હોય ત્યારે તેઓ તે વસ્તુ જે રીતે થવી જોઈએ તેમ જ કરતા, ભલે કોઈ કંઈપણ કહે. તેમના જીવનમાં તેવા અનેક દાખલાઓ છે જેણે સ્વાભાવિક રૂપે તેમને સમાજના એક નેતા બનાવી દીધા.
કૃષ્ણ ન તો પાંડવોને સંપૂર્ણ શુદ્ધ માણસો માનતા કે ન તો કૌરવોને સંપૂર્ણ ખરાબ માણસો. તેઓ કોઈ નૈતિક મનુષ્ય ન હતાં જે કોઈ પ્રત્યે એક પૂર્વ નિર્ધારિત સારા કે ખરાબ અને કાળા - સફેદના આધારે નિર્ણયો કરે.
કૃષ્ણ અમુક લોકો સાથે અત્યંત કરુણાવાન હતા, જયારે બીજાઓ સાથે અત્યંત નિર્દયી. તેઓ જરૂર મુજબ પોષતા અને જરૂર મુજબ મારતા પણ ખરા. તેઓ જીવન પ્રત્યે જેવું કરવાની જરૂર હોય તેવું જ કરતા કેમ કે તેમના પોતાના કોઈ નીતિ નિયમો ન હતા. તેઓ માત્ર જીવન હતા.
આપણે જેને કૃષ્ણ કહીએ છીએ તે કોઈ વ્યક્તિ નહિ પરંતુ એક ચેતના છે.
ઉદ્ધવે એક વાર કૃષ્ણને પૂછ્યું, કેમ તમે એક ચપટી વગાડીને લોકોની સમસ્યા દૂર નથી કરી દેતા, તમે તો દિવ્યતાનું અવતરણ છો. કૃષ્ણએ સ્મિત સાથે કહ્યું, “જ્યાં સુધી તેનો લાભ જેને મળવાનો છે તેનામાં પુરી શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી કોઈ ચમત્કાર ના કરી શકે”
તેમના જીવનકાળ દરમ્યાન, કૃષ્ણએ અનેક લોકોમાં શ્રદ્ધા જગાડી, પરંતુ તેઓ જે હતા તે મુજબ પૂરતા પ્રમાણમાં નહિ. હંમેશાથી આવું જ થતું આવ્યું છે - જયારે મહાન લોકો આવ્યા, ત્યારે મહાન વસ્તુઓ ન થઈ, કેમ કે તેઓ તેમના સમયથી અત્યંત આગળ હતા.