મહાભારત એપિસોડ ૧ – બૃહસ્પતિનો શ્રાપ અને તારાનું બાળક
પાંડવો અને કૌરવોના એક પૂર્વજ કેવી રીતે જન્મ્યા તે કહીને સદ્ગુરુ મહાભારતની વાર્તા કરવાની શરૂઆત કરે છે.
વાર્તાને સમજવા માટે તેના પાત્રોને પોતાની અંદર ઊતારી દો
સદગુરુ: તમારે સંપૂર્ણપણે ભાગીદાર બનવું જરૂરી છે, તમે તેને ફક્ત ઇતિહાસના એક ટુકડા તરીકે નહીં પણ તમારી પોતાની વાર્તા તરીકે જુઓ, તમે તેને પોતાના જ ભાગ તરીકે જુઓ. આપણે વાર્તાને જીવવા માંગીએ છીએ, કોઈ બીજાની વાર્તા સાંભળવા માંગતા નથી. જેમ હું આગળ કહી ચૂક્યો છું તેમ, ૫૦૦૦ વર્ષો પહેલાંના લોકોને તમે તમારાં મૂલ્યો, તમારી નૈતિકતા, આચરણ, કે બીજા કશાનાં આધારે નક્કી કરવા એ તદ્દન અન્યાયી બાબત હશે. હું ઈચ્છું છું કે તમે તેમની માફક વિચારો, તેમના જેવા બનો, તેમણે તે જે રીતે કર્યું તેનો અનુભવ કરો – તમે આજે જે રીતે વિચારો છો તે રીતે નહીં. આ એવો સમય હતો જ્યારે પૃથ્વી અને જીવનના અન્ય સ્વરૂપો વચ્ચે વારંવાર વ્યવહાર થતાં રહેતાં.મહાભારતના ઘણાં પાસાં છે જે તમને સહેજ પણ માનવાલાયાક નહીં લાગે, પણ તમારે તેનાં પર અવિશ્વાસ ન કરવો જોઈએ. આપણે ૨૧મી સદીમાં છીએ તેથી આપણે વસ્તુઓને સમાવિષ્ટ કરવા કરતાં તેમના વિચ્છેદનને વધુ મહત્વ આપીએ છીએ. પણ અત્યારે, હું ઈચ્છું છું કે તમે આ વાર્તાનો અને તેના પાત્રો, માણસો, પ્રાણીઓ, યક્ષો, કિન્નરો, ગણો તેમજ દેવી દેવતાઓ – બધાનો જ તમે અંગિકાર કરો. તો જ તમને સમજાશે કે તે જે પ્રમાણે હતું તે પ્રમાણે શા માટે હતું અને સૌથી વિશેષ, તે તમારા માટે સુસંગત કેમ છે. વિશ્લેષણ કરવાની વ્રુત્તિને કારણે તમે તેનો આખો ભાવાર્થ ચૂકી જશો.
બૃહસ્પતિ – ઇન્દ્રના મુખ્ય પૂજારી
હજારો વર્ષો પૂર્વે એક ધાર્મિક પૂજારી અને વિદ્વાન હતા જેમનું નામ બૃહસ્પતિ હતું. દેવતાઓના રાજા ઇન્દ્રએ સ્વાભાવિક રીતે જ તેમને સત્તાવાર ધાર્મિક પૂજારી તરીકે નિયુક્ત કર્યા. એક ધાર્મિક પૂજારી ખૂબ જ અગત્યની બાબત હતી કારણ કે એ દ્વાપર યુગ હતો કે તે યુગમાં કર્મકાંડ એ લોકોના જીવનનો નોંધપાત્ર ભાગ હતા. તેઓ અમુક પદ્ધતિઓ અને વિશિષ્ટ તત્વોનો ઉપયોગ કરીને પોતાના જીવનને, પોતાની આસપાસની પરિસ્થિતિઓને અને બીજાના જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકાય તે શીખ્યા હતા. આ પ્રકારના કર્મકાંડોની પરંપરાઓનો અમુક ભાગ આજે પણ દેશનાં દક્ષિણ ભાગમાં જીવંત છે. કેરળે કદાચ દેશના અન્ય ભાગોની સરખામણીમાં સૌથી વધારે પ્રમાણમાં અને શુદ્ધતાથી કર્મકાંડોને જીવંત રાખ્યા છે.
બૃહસ્પતિ અને તેમના પત્ની તારા
બૃહસ્પતિને તારા નામે એક પત્ની હતી. બૃહસ્પતિ ગુરુ ગ્રહને રજુ કરે છે. પ્રાચીન ભારતમાં કર્મકાંડોમાં સ્ત્રીનું સ્થાન પુરુષ જેટલું જ અગત્યનું હતું. આ ગોઠવણ કે જેમાં એક પુરુષ તેની પત્ની વિના કર્મકાંડ ના કરી શકે, તેણે ધ્યાન રાખ્યું કે બાહ્ય પરિસ્થિતિઓ કઠિન હોય તો પણ મહિલાઓને સમાન દરજ્જો મળી રહે. એક પુરુષ તેની પત્ની વિના આશીર્વાદ મેળવી શકતો નહીં. એક પુરુષ તેની પત્ની વિના સ્વર્ગમાં જઈ શકતો નહીં અને એક પુરુષ તેની પત્ની વિના મુક્તિ પામી શકતો નહીં.
બધા જ કર્મકાંડો એવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા કે કોઈ પણ રીતે સમાજ સ્ત્રીઓની ઉપેક્ષા કરી શકતો નહીં. આજે, સ્ત્રીઓને થોડીઘણી સ્વતંત્રતા છે પણ, કમનસીબે આ સ્વતંત્રતાની સાથે તેઓ ઘણા બધા વિશેષાધિકારો જે તેમની પાસે હતા તે ગુમાવી રહી છે. આજે સ્ત્રીઓ પાસે વ્યાજબી રીતે સરખા અધિકારો છે – હું “વ્યાજબી રીતે” શબ્દ વાપરી રહ્યો છું કારણ કે, કદાચ કાયદાકીય રીતે તેઓ એક સમાન હોઈ શકે, પણ તેમના અમલના સ્વરૂપે તેઓ હજી પણ “વ્યાજબી” જ છે.
આ એક સમાન અધિકાર તરફ પલટો આધુનિક ટેકનોલૉજી જે બધાને એક સમાન સ્તર ઉપર લાવી છે તેને કારણે આવ્યો છે, માનવતામાં કોઇ સાચું પરિવર્તન આવવાને કારણે નહીં. બૃહસ્પતિના સમયમાં સામાજીક ધોરણો અથવા તો જેને “ધર્મ” કહેવતો તેને કારણે એક સ્ત્રીનો દુરુપયોગ, શોષણ કે તેની ઉપેક્ષા થઈ શકતી નહીં કારણ કે, એક સ્ત્રી તે પુરુષના જીવનનો એક ખૂબ જ અગત્યનો ભાગ હતી. શારીરિક શક્તિ અને સ્નાયુબળની દ્રષ્ટિએ પુરુષ આસાનીથી સ્ત્રીઓનો સફાયો કરી શક્યો હોત પણ, જ્યાં સુધી તેની પત્ની તેની સાથે ના હોય ત્યાં સુધી જીવનનું આધ્યાત્મિક પાસું તેના માટે શક્ય ન હતું. તેથી તેણે સ્ત્રીઓનું મહત્વ જાળવવું પડતું હતું .
તારા ચંદ્ર દેવ સાથે પ્રેમમાં પડે છે
બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્રના મુખ્ય ધાર્મિક પૂજારી હોવા છતાં, તેઓ જે કઈ કરતાં તેના માટે તેમને તારાની જરૂર રહેતી. તેઓએ તારાને રાખી હતી કારણ કે, તારા વગર તેઓ તેમનો રોજગાર ગુમાવી બેસે પણ તેઓ પોતે તો અન્ય સ્ત્રીઓ સાથે પ્રેમચેષ્ટા કર્યા કરતાં. આ જોઈને, એક દિવસ તારાએ પૂનમના ચંદ્ર તરફ જોયું અને તે ચંદ્રદેવ સાથે પ્રેમમાં પડી. ચંદ્રદેવ પોતે પૃથ્વી પર આવ્યા. તેઓ એકબીજા સાથે ઊંડા પ્રેમસંબંધમાં પડ્યાં, અને થોડા સમય પછી, તે તેમની સાથે ભાગી ગઈ.
બૃહસ્પતિ અત્યંત ક્રોધિત થયાં કારણ કે, તેમણે માત્ર પત્ની જ નહોતી ગુમાવી, તેમણે તેમનો રોજગાર, સમાજમાં પ્રતિષ્ઠા અને સ્થાન પણ ગુમાવ્યાં હતાં. તેમજ હવે તેઓ દેવલોકમાં પ્રવેશ કરી શકે તેમ નહોતું. તેઓએ ઇન્દ્રદેવને બોલાવ્યા અને કહ્યું, “મને મારી પત્ની પાછી જોઈએ છે. તમારે તેને મને પાછી અપાવવી જ પડશે – નહિતર, હું તમારી ધાર્મિક વિધિઓ નહીં કરી શકું.” ઇન્દ્રએ હસ્તક્ષેપ કર્યો અને તારાને પાછી આવવા ફરજ પાડી. આ પહેલીવાર હતું જ્યારે કોઈ વ્યક્તિને ચોક્કસ કૌટુંબિક માળખાને વળગી રહેવા માટે ફરજ પાડવામાં આવી રહી હોય. જ્યારે ઇન્દ્રએ કહ્યું કે, “તમારે પાછા આવવું જ પડશે,” ત્યારે તારાએ જવાબ આપ્યો, “ના, મારો પ્રેમ ત્યાં ઉપર છે.” ત્યારે ઇન્દ્રએ કહ્યું, “તમારી ભાવનાઓનું કોઈ મહત્વ નથી. તમારો ધર્મ બૃહસ્પતિ સાથે રહેવાનો છે કારણ કે, જ્યાં સુધી તમે તેમની સાથે નહીં રહો, ત્યાં સુધી મારી ધાર્મિક વિધિઓ નહીં થઈ શકે.” તેથી તેને પાછી લાવવામાં આવી હતી.
તારા અને ચંદ્રનું બાળક
તારા ગર્ભવતી હતી. બૃહસ્પતિને જાણવું હતું કે તે બાળક કોનું હતું. તારાએ જવાબ આપવાની ના પાડી. લોકો ભેગાં થયા. છતાં પણ તેણે બોલવાની ના પાડી. પછી ગર્ભમાંથી અજાત બાળકે પ્રશ્ન પૂછ્યો, “ખરેખર હું કોનું બાળક છું?” આ બાળક કે જે હજુ ગર્ભમાં હતું, છતાં પણ તે કોના બીજથી બનેલું છે તે જાણવા માંગતું હતું અને તેની બુદ્ધિને બિરદાવતાં લોકોએ કહ્યું, “તમે તમારા પતિને કહેવાની ના પાડી શકો, તમે દેવોને કહેવાની ના પાડી શકો, પણ તમે તમારા અજાત બાળકને કહેવાની ના ન પાડી શકો.” તારાએ કહ્યું, “તે ચંદ્રનું બાળક છે.”
પોતાની પત્ની કોઈ બીજા પુરુષના બાળકનું વહન કરી રહી છે તે જાણીને બૃહસ્પતિ અત્યંત ક્રોધિત થયાં. તેમણે બાળકને અભિશાપ આપતા કહ્યું, “તું નપુંસક બનો – ના પુરુષ, ના સ્ત્રી.” બાળકનો જન્મ થયો. બુધ ગ્રહ પરથી તેનું નામ બુધ પાડવામાં આવ્યું. જેમ તે મોટો થયો તેમ તેણે તેની માતા આગળ વિલાપ કર્યો, “હું શું કરું? શું મારે પુરુષ તરીકે જીવવું જોઈએ? શું મારે સ્ત્રી તરીકે જીવવું જોઈએ? મારો ધર્મ શું છે? શું મારે સન્યાસી બની જવું જોઈએ? શું મારે લગ્ન કરવા જોઈએ? શું મારે પુરુષ સાથે લગ્ન કરવા જોઇએ? શું મારે સ્ત્રી સાથે લગ્ન કરવા જોઇએ?” તારાએ કહ્યું, “અસ્તિત્વ પાસે આ બધા અબજો તારાઓ, બીજી ઘણી બધી વસ્તુઓ અને વિવિધ પ્રાણીઓ કે જેઓ નથી પુરુષ , નથી સ્ત્રી; નથી દેવ, નથી દાનવ તેમના બધા માટે જગ્યા છે. જ્યારે અસ્તિત્વ પાસે તે બધા માટે જગ્યા છે, તો તારે ચિંતા કરવાની કશી જરૂર નથી – તારા માટે પણ જગ્યા હશે જ. તારા માટે પણ એક જીવન હશે જ. તું ફક્ત રહે. જીવન તારા રસ્તે આપોઆપ આવશે.”
ક્રમશ:..
Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower May 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.