નવા વર્ષનાં સંકલ્પોથી કઈંક વિશેષ : એનું સર્જન કરો જેની તમને ખરેખર પરવાહ હોય
સદ્ગુરુ નવા વર્ષનાં સંકલ્પો વિષે બોલે છે. જીવનને માણસોએ કરેલી સમયની ગોઠવણના આધારે જીવવાને બદલે તેઓ વ્યાપક દ્રષ્ટિકોણને જીવનનું માર્ગદર્શક બળ બનાવવાનું કહે છે.
“નવું વર્ષ એ જીવનનો એક નવો દ્રષ્ટિકોણ વિકસાવવાની તક અને શક્યતા છે. એ વ્યક્તિ ખરેખર ભાગ્યશાળી છે જેની પાસે જીવન વિષે અત્યારનો અને અત્યાર પછીનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ છે.”
સદ્ગુરુ: આટલા વિશાળ અસ્તિત્વમાં "નવું વર્ષ" અને "જૂનું વર્ષ" જેવું કંઈ હોતું નથી. એ આપણે માણસોએ કરેલા રેખાંકનો છે. આપણે આવા રેખાંકનો કર્યાં છે કારણ કે, આપણેને જીવન માપવા માટે કોઈ એકમ જોઇએ છે, કોઈ માર્ગદર્શક, કોઈ સીમાચિહ્ન જેના વડે આપણે જાણી શકીએ કે આપણે આગળ વધી રહ્યાં છીએ કે પાછળ જઈ રહ્યાં છીએ. હવે હું આટલા વર્ષનો છું – શું હું આગળ વધ્યો છું કે પાછળ ગયો છું? તો હવે આ ફરી એક વખત નવું વર્ષ છે, તમારે માટે એ માપવાનો સમય છે કે, તમે પાછલા એક વર્ષમાં માણસ તરીકે વધ્યાં છો કે નહીં? શક્ય છે કે તમારો વ્યાપાર વધ્યો હોય, તમે વધુ રૂપિયા કમાયા હોય કે તમે દીકરીનાં લગ્ન કરાવ્યાં હોય - મુદ્દો એ નથી. શું એક વર્ષનાં સમયમાં તમે વધુ સારા માણસ બન્યા છો? તો આવનારા નવા વર્ષ માટે તમે શું કરવા વિચારો છો? તમે જે કરવાના છો એ મનમાં નક્કી કરી નાખો. કોઈ માપદંડ કે જેના દ્વારા તમે જાણી શકો કે એક વર્ષનાં સમયગાળામાં તમે હમણાં છો એના કરતાં ઘણા વધારે સારા માણસ બનશો. વધુ આનંદી, વધુ શાંત, વધુ પ્રેમાળ - શક્ય હોય તે બધી રીતે સારા માણસ. આ એક વસ્તુ છે જે તમારે નક્કી કરવાની છે.
તમે જ્યારે આસપાસનાં વિશ્વનો અનુભવ કરો છો - જ્યારે હું વિશ્વ કહું છું ત્યારે હું તમારી આસપાસની માનવ વસ્તીની વાત કરું છું - તમે જોશો કે તમારો અનુભવ એ તમારી આસપાસના અવાજો, વિચારો અને લાગણીઓનો ઘોંઘાટ છે. આ બધા અવાજો, વિચારો અને લાગણીઓ વિવિધ સ્તર પર રહેલી અનેક બાબતની મૂંઝવણોનો ઊભરો છે. હાલની વાસ્તવિકતાની અત્યંત વિકૃત સમજણ સાથે, આ અવાજો, વિચારો અને લાગણીઓ આકાર પામે છે અને અભિવ્યક્ત થાય છે. માણસ જ્યારે આ હદ સુધી મૂંઝાયેલો હોય છે, જ્યારે એ આસપાસની વાસ્તવિકતાને બદલે ગેરસમજને આધીન હોય છે, ત્યારે એ પોતાને માટે અને પોતાની આસપાસ રહેલા લોકો માટે જે પીડા ઊભી કરે છે એ દુર્ભાગ્યપૂર્ણ હોય છે.
આપણે આપણું જીવન હંમેશા જેતે ક્ષણે આપણી આસપાસ રહેલી વાસ્તવિકતાના આધારે બનાવવા પ્રયત્ન કરીએ છીએ. આ ક્ષણે આપણી પાસે ગમે તે હોય એ મુદ્દો નથી. આપણે કાલે ક્યાં જવું છે તેનો અત્યારે આપણે જ્યાં છીએ એની સાથે કોઈ સંબંધ ન પણ હોય. જીવનમાં આપણે જે સૌથી વધારે ઈચ્છીએ છીએ, તે આપણી હાલની પરિસ્થિતિ સાથે સંબંધિત હોય જ તે જરૂરી નથી. જો આપણે આપણા દ્રષ્ટિકોણને જો હાલની પરિસ્થિતિના ગુલામ બનાવીએ છીએ તો ફરી આપણે જે મેળવી શકાય એવું છે, સરળ છે, તમે જે શક્ય વસ્તુઓ વિચારો છો તેનાથી જ સંતુષ્ટ થઈ જઇએ છીએ. શું શક્ય છે કે શું અશક્ય છે, આ તે અર્થમાં નથી. આ માત્ર તમારો દ્રષ્ટિકોણ શું છે એ જાણવાના અર્થમાં છે, તમારી દ્રષ્ટિએ જે ઉચ્ચત્તમ છે, તમે તેને મેળવવા પ્રયત્ન કરી શકો.
જો માણસ પાસે એને પોતાની સાથે અને આસપાસની દુનિયામાં શું કરવું એનો દ્રષ્ટિકોણ હોય, તો એ કરવું તેની ક્ષમતા બહાર નહીં હોય. એ આ જીવનકાળમાં બને, અથવા તેને થોડા બીજા જીવનકાળનો સમય લાગે. પણ, આપણે જે ઈચ્છીએ છીએ તે ચોક્કસ થશે જ. એ વ્યક્તિ, જેની પાસે પોતાના જીવનનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ છે, અને જે પ્રત્યેક પળે એને પામવા માટે પ્રયત્નશીલ છે, ઉત્કૃષ્ટ વસ્તુઓ આવીને એના પગે પડશે. માણસ મૂંઝવણોનો એક ઢગલો છે કારણ કે, તે મોટે ભાગે એવી જ વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરે છે જે તેને જોઈતી નથી - એથી જ એ વસ્તુઓ જે એને ખરેખર જોઈએ છે એ તેને ક્યારેય મળતી નથી. જીવનમાં વ્યાપક દ્રષ્ટિકોણ અને ઈચ્છાશક્તિનો આ અભાવ મૂળભૂત રીતે આસપાસના વિશ્વની વિકૃત સમજને કારણે છે.
તમે જેને ઉચ્ચત્તમ તરીકે જાણો છો, ફક્ત એના માટે પ્રયત્નો કરો. એનાથી ફરક નથી પડતો કે એ થશે કે નહીં. એ દ્રષ્ટિકોણ સાથે જીવવાના પ્રયત્નો જ પ્રગતિકારક હોય છે, આ પ્રક્રિયા પોતાનામાં જ એક મુક્તિ પ્રદાન કરનારી અને આનંદમય પ્રક્રિયા છે. એ કાલે થશે કે સો વર્ષ પછી એ મહત્વનું નથી. પણ તમારી પાસે એક દ્રષ્ટિકોણ છે અને તમને એવી ચિંતા નથી કે એ શક્ય છે કે અશક્ય. તમને એ ચિંતા નથી કે એ સરળ છે કે કઠિન, તમને એ ચિંતા નથી કે એ મેળવી શકાશે કે નહીં, અથવા બીજા શબ્દોમાં, તમને એના અંતિમ પરિણામની દરકાર નથી. એ માત્ર એટલું જ છે કે જે તમારો દ્રષ્ટિકોણ છે તમે તમારું જીવન તે તરફ વાળો છો. આ એક સરળ રસ્તો છે જેના દ્વારા જીવનના ઉચ્ચત્તમને પામી શકાય છે - તમે જે ઈચ્છો છો એને માટે પોતાને સમર્પિત કરી દો, એ થશે કે નહીં એની ચિંતા કર્યા વગર. એ પોતાની મેળે જ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે.
જીવનની આંતરિક અને બાહ્ય મર્યાદાઓને તોડવા માટે વ્યાપક દ્રષ્ટિકોણ એક મહત્વપૂર્ણ માર્ગ છે. જો કોઈ વ્યક્તિએ આ દુનિયામાં દ્રષ્ટિકોણના બોજ વગર, ઈચ્છાશક્તિના બોજ વગર જીવવું હોય તો તે વ્યક્તિએ સંપૂર્ણપણે નિર્દોષ હોવું પડે. એવી વ્યક્તિએ માત્ર જીવવાનું છે - એને કોઈ દ્રષ્ટિકોણની જરૂર નથી. એણે કોઈ વાતની ઈચ્છા કરવાની જરૂર નથી, એવી વ્યક્તિ તદ્દન અહંકારમુક્ત અને બાળસહજ હશે. જો એમ ન હોય તો માણસ દ્રષ્ટિકોણ રાખીને જીવે એ ખૂબ જરૂરી છે.
હવે એ સમય આવી ગયો છે કે આપણે જે વસ્તુની કરેખર પરવાહ કરીએ છીએ એને માટે દ્રષ્ટિકોણ કેળવીએ, માત્ર આજ પૂરતો દ્રષ્ટિકોણ નહીં. તમે જો ઊંડાણપૂર્વક જોશો તો તમારો દ્રષ્ટિકોણ વિશ્વવ્યાપી દ્રષ્ટિકોણ હશે. રસ્તામાં બીજું બધું થશે કે નહીં એ અગત્યનું નથી - તમે જેને ઉચ્ચતમ તરીકે જાણો છો, એને માટે જરા પણ ધ્યાન હટાવ્યા વગર પ્રયત્ન કરો. એ જ અહીં અને આગળ જતાં જીવનને જાણવાનો સરળ રસ્તો છે.