પોતાના ખોટા વ્યસન માટે ફોન ને દોષ ન આપો
શું તમે ફોન વગર ક્યાંય જવાનું વિચારી શકો ખરા? આજે, આપણાં હાથ કોઈ પણ સમયે ફોનથી જ ચોંટેલા હોય છે. સદ્ગુરુ સાથેની વાતચીત દરમિયાન રણવીર સિંઘે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું માનવી આવી જ રીતે વાતચીત કરવા બન્યા હતાં?
રણવીર સિંઘ: સર, મને લાગે છે કે ટેકનોલૉજી સતત વિકસી રહી છે અને મોબાઈલ ફોને આપણામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. ડગલેને પગલે આપણે ફોન પર આધાર રાખતા થઈ ગયા છીએ. મને ઘણી વખત નવાઈ લાગે છે કે માનવીએ કદી આ રીતે વાતચીત કરવાની ધારણા કરી હશે કે કેમ? હું આફ્રિકાના જંગલમાં રહીને ઉત્તર ધ્રુવ ઉપર કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી શકું છું, અને તેમનો ચહેરો જોઈ શકું છું!
અને આની સાથે હવે સોશિયલ મીડિયા પણ આવી ગયું છે. તેના કારણે પરિસ્થિતિ ઘણી બદલાઈ રહી છે. અઢાર-ઓગણીસ વર્ષનાં કિશોરો સોશિયલ મિડિયામાં જ રચ્યા હોય છે. સોશિયલ મીડિયાના ઉપયોગની તેમને વધુ સારી ફાવટ છે. મારો જન્મ થયો, ત્યારે લૅન્ડલાઈન ફોનનો જમાનો હતો. આથી, ફેસટાઈમ હજી પણ મારા માટે નવો વિષય છે. મોબાઈલ ફોન ટેકનોલૉજી અને સોશિયલ મિડિયા વિષે તમે શું માનો છો? શું આ નવા પ્રકારની ઉત્ક્રાંતિ છે? પહેલા માણસ કંઇક અલગ હતો અને હવે સૅલફોન આપણો એક અંગ બની ગયો છે.
સદ્ગુરુ: આપણે જે મશીનોનું સર્જન કર્યું છે, તે કોઈ ન કોઈ રૂપમાં આપણી શારીરિક ક્ષમતાઓનો એક વિસ્તાર માત્ર છે. આપણે દૃષ્ટિની ક્ષમતા ધરાવીએ છીએ, તેથી આપણી પાસે ટૅલિસ્કોપ અને માઈક્રોસ્કોપ છે. આપણે બોલી શકીએ છીએ, તેથી આપણી પાસે માઈક્રોફોન અને ટૅલિફોન છે. તો જ્યારે આપણે લૅન્ડલાઈનથી વાત કરતાં હતાં, ત્યારે તે બરાબર હતું. હવે આપણી પાસે મોબાઈલ ફોન છે, જેમાં લૅન્ડલાઇન કરતાં વધારે ફાવટ આવે છે, પણ શું તે બરાબર નથી? ના, તે એકદમ બરાબર છે.
લોકલ, એસટીડી, આઇએસડી ટેલિફોન બુથના મદદ થી કોલ થતાં હતા
ઍસટીડી, આઇઍસડી, પીસીઓનો જમાનો
આશરે 35 વર્ષ પહેલાં, મારો મોટાભાગનો સમય રસ્તાઓ ઉપર પસાર થતો. ઈશા ફાઉન્ડેશનને પ્રસ્થાપિત કરવા માટે લગભગ આખા દેશમાં - એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજા શહેર; એ રીતે હું પ્રવાસ કરતો. ફક્ત અમુક જ દિવસોમાં હું ટૅલિફોનનો ઉપયોગ કરી શકતો. તમે તે ભયાનક વાદળી બૉક્સ - ટૅલિફોન બૂથ - લોકલ, ઍસટીડી, આઈઍસડી; તમે તે જોયાં છે કે નહીં તે હું નથી જાણતો. હાઈ-વે પર હું એ બ્લ્યુ બૉક્સ શોધતો અને એ દિવસ મારો ફોન કરવાનો દિવસ રહેતો.
મારી પાસે કદી ટૅલિફોન બુક રહેતી નહીં. પરંતુ, મને આઠસોથી નવસો ટૅલિફોન નંબરો નામ સાથે આરામથી યાદ રહેતાં. ત્યાં પહોંચીને તરત જ ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને હું બૂથવાળા માણસને આપતો. તેને કશું સમજાતું નહીં, એટલે હું તેને કહેતો, “આ રાખ. આ ડાઉન પેમેન્ટ છે.” આમ તો, સામાન્યપણે એક કૉલના પાંચથી દસ રુપિયા થતાં, જ્યારે હું તેને પાંચ હજાર રૂપિયા આપી દેતો અને તેને સમજહતું નહીં કે શું થઇ રહ્યું છે.
દુર્ગંધ અને આંગળીઓને પીડા આપતા એ ફોન
હું બૂથમાં જતો જ્યાં કાળા રંગનો અને ભયંકર દુર્ગંધવાળો ફોન હોતો. ઘણાની ઉપર પરફ્યુમ છંટાયેલું હોતું પણ બાકી ફોનોમાંથી તો તેને વાપરનારા બધાંના શ્વાસની દુર્ગંધ આવતી. પછી હું ચાર, પાંચ, છ કલાક સુધી સતત ફોન કર્યા કરતો. એ મહિનાના જરૂરી બધા જ ફોન હું કરી લેતો.
ફોન કૉલ કરવા ઈચ્છનારા અન્ય લોકો મારા બહાર ન નિકળવા પર મારી સામે જોતાં અને મને બહાર આવવા ઇશારાઓ કરતાં, પણ બૂથવાળો માણસ તે બધું સાચવી લેતો, કારણ કે હું અગાઉથી જ તેને પાંચ હજાર રુપિયા ચૂકવી દેતો. હું તમામ કૉલ્સ પતાવી લેતો, મારી કારમાં બેસતો અને મુસાફરી આગળ ધપાવતો. આટલા બધા કૉલ્સ કર્યા પછી મારી આંગળીઓ પણ દુ:ખવા માંડતી.
પણ આજે, હું માત્ર કોઈનું નામ બોલું, તો મારો ફોન ઑટોમેટિક તે વ્યક્તિનો નંબર જોડી દે છે.
રણવીર સિંઘ: તદ્દન ખરી વાત!
સદ્ગુરુ: હું ટેકનોલૉજીની ભારે પ્રશંસા કરું છું. કેટલાક લોકો ફરિયાદ કરે છે, પણ તેઓ ટેકનોલૉજી વિરુદ્ધ ફરિયાદ નથી કરી રહ્યાં. તેઓ એ નથી જાણતા કે તેઓ વાસ્તવમાં જેની ફરિયાદ કરી રહ્યાં છે, એ તેમના પોતાની વિવશતાની ફરિયાદ કરી રહ્યાં છે.
વિવશ બનીને ઉપયોગ કરવાની વાત ફક્ત ફોન પૂરતી જ મર્યાદિત નથી. જો તેઓ જમવાનું શરુ કરે, તો ક્યાં અટકવું તે તેઓ નથી જાણતા. જો તેઓ પીવાનું શરુ કરે, તો ક્યાં અટકવું તે તેઓ નથી જાણતાં. આ વિવશતા જીવનનાં તમામ પાસાંઓમાં મોજૂદ છે. હવે ગેજેટ એક પણ બંધાણ, નશીલા પદાર્થ જેવું બની ગયું છે. પણ તે ઘણા લોકોને દારૂથી દૂર રાખે છે.
રણવીર સિંઘ: ચાલો, તેમાં કોઈ ફાયદો તો છે.
સદગુરુ: આપણે આ વિવશતા અથવા મજબૂરીને સંભાળવાની જરુર છે. ટેકનોલૉજી ભારે શક્તિશાળી રીતે આપણું જીવન સહેલું બનાવે છે - કોઈએ તે વિશે ફરિયાદ ન કરવી જોઈએ. નહીંતર અમારે તમને કાળો ફોન મૂકેલા બ્લ્યુ બોક્સમાં રાખવા પડશે. પછી તમને સમજાશે!
https://twitter.com/SadhguruJV/status/940412169086291969
તંત્રીની નોંધ:- તમે કોઈ વિવાદસ્પદ પ્રશ્નથી હેરાન થઈ રહ્યા હોવ, અથવા તમારાં મનમાં એવા વિષય માટે મૂંઝવણ થઈ રહી હોય જે વર્જ્ય હોય, કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર નથી, એવા પ્રશ્નો પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org