સન્યાસીઓ કેસરી કપડાં કેમ પહેરે છે?
શું તમને ક્યારેય આ પ્રશ્ન થયો છે કે સન્યાસીઓ કેસરી કપડાં જ કેમ પહેરે છે? સદ્ગુરુ સમજાવે છે કે સન્યાસીઓના કપડાનો રંગ લાલ માટીથી, જે તેના પર ચોપડાયેલી છે તેના કારણે છે, તથા તેઓ આવા અભિગમ પાછળનું તાત્પર્ય સમજાવે છે.
પ્રશ્નકર્તા: સદ્ગુરુ, ભારતમાં સન્યાસીઓ કેસરી રંગના કપડાં કેમ પહેરે છે?
સદ્ગુરુ: ભારતમાં સન્યાસીઓ કેસરી કપડાં નથી પહેરતા; તેઓ મોટાભાગે પોતાના કપડાને ધરતીથી (લાલ માટી) રંગી દે છે કારણ કે તેઓ આ શરીર માત્ર આ ગ્રહનો એક નાનો ટુકડો છે, એવી અસ્તિત્વગત સમજણના અનુભવ સાથે જીવવા માંગે છે.ભારતમાં કીડીઓના રાફડા પાસે ધ્યાન કરવાની પરંપરા છે. સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધના દેશોમાં રાફડાઓ ઊભી દિશામાં વિકસિત થાય છે અને ઘણા સમય સુધી લોકો માનતા કે આ સાપનું દર છે કેમ કે સાપ તેમાં અમુક પ્રોટીનની શોધમાં જાય છે. કીડીઓમાં મોટા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેઓ આ માળખું માટીમાં પોતાની લાળ ભેળવીને બનાવે છે, તેમની લાળ ખૂબ ઉચ્ચ ગુણવતાવાળું પ્રોટીન છે. તે ચોમાસા સહિત ગમે તેવા હવામાનમાં ટકી રહે છે. આર્કિટેક્ચરની દૃષ્ટિએ તે અદ્ભૂત છે, અને એક રીતે ભારતમાં ઈશા યોગ કેંદ્રમાં અમારી ઇમારતો પણ કીડીના રાફડાની જેમ જ બનાવામાં આવી છે. હું તેમની પાસેથી જ ઍન્જિનિયરિંગ શીખ્યો છું. હું ઘણા કારણોસર કીડીઓના રાફડામાં ગયો છું.
ધરતી સાથે સંપર્કમાં રહેવું
તમારું શરીર આ ગ્રહનો એક ટુકડો માત્ર છે તે બાબત પ્રત્યે સજાગ રહેવું મૂળ આશય છે. શરીરને સારી સ્થિતિમાં રાખવું મહત્વનું છે, બીજા લોકો સામે તેનું પ્રદર્શન કરવા માટે નહિ પરંતુ જેથી તે તમારા માર્ગમાં એક અડચણ ના બને. જો તમારા શરીરમાં કોઈ મુશ્કેલી આવે, કોઈ તબિયત સંબંધી વાંધો આવે, તો તમારું પૂરેપૂરું ધ્યાન શરીર પર જશે અને તમારો સોએ સો ટકા સમય અને જીવન શરીરની સંભાળ રાખવામાં જશે. શરીરને એ રીતે રાખવું જોઈએ કે, તમે અહીં બેસો તો તમને શરીરના હોવાનું ભાન પણ નહિ રહે. નહીંતર, શરીરમાં રહેલ અલગ અલગ રીતે વિવશ કરનારી પ્રક્રિયાઓના ચક્રો તમને હંમેશા વ્યસ્ત રાખશે. શરીર એક અવરોધ નહિ પણ એક આધાર હોવું જોઈએ જેના પર તમે ઊભા રહી શકો.
તે જ વાત તમારા માનસિક માળખા વિષે પણ સાચી છે કારણ કે તમારા શારીરિક અને માનસિક માળખાઓ સંકળાયેલા છે. જો તમે તમારા શારીરિક માળખા અને શરીરની ચક્રીય પ્રક્રિયાઓને એક ચોક્કસ પ્રમાણની સ્થિરતામાં રાખી શકો તો તેના પરિણામે માનસિક સ્થિરતા ઉદ્ભવશે. લોકો એવી દલીલ કરે કે મન પોતે આખું એક અલગ વિશ્વ છે પરંતુ તમારું મગજ પણ શરીરનો જ એક ભાગ છે. આજે આપણને ખબર છે કે જો તમારે કોઈ માનસિક સમસ્યા હોય તો તમે તમારા મગજમાં ઇંજેક્શન મારતા નથી, તમે તમારા પેટમાં એક ગોળી નાખો છો અને તેનાથી કામ થાઈ જાય છે. તો સ્વાભાવિક રીતે શરીરની ભૌતિક અને રાસાયણિક સ્થિરતા તમારા મન માટે અનિવાર્ય છે.
સન્યાસીઓ માટીથી રંગેલા કપડાં પહેરે છે કારણ કે શરીરને સ્થિર રાખવાનો સૌથી સારો રસ્તો છે ધરતી સાથે જોડાયેલા રહેવું. ખાસ કરીને તેઓ જેમનું ધ્યાન શરીરથી પરે કશાક પાર કેન્દ્રિત છે તેઓ શરીરને માર્ગમાં આવવા દેવા માંગતા નથી. તો આ તમારી જાતને ધરતીનું આવરણ ચડાવવા જેવું છે કારણ કે તમારા કપડામાં ધરતીની ગુણવતા રહેલી છે. આ તમને ઘણી રીતે સાંકળી રાખે છે અને તમે હંમેશા એ બાબતે જાગૃત રહો છો કે શરીર ધરતીનો એક ભાગ માત્ર છે. જયારે મૃત્યુ આવે ત્યારે પણ તમે બહુ સંઘર્ષ નથી કરતા કારણ કે તમે જાણતા જ હતા કે શરીર હંમેશાથી ધરતીનો એક ટુકડો માત્ર જ છે.