અગસ્ત્ય મુનિના જીવનની 6 અદ્ભૂત કથાઓ
સપ્તઋષીઓમાંના એક અને આદિયોગી શિવના શિષ્ય, અગસ્ત્ય મુનિ એક મહાન જીવ હતા. તેમના અથક પ્રયાસોએ સુનિશ્ચિત કર્યું કે આધ્યાત્મિક પ્રક્રિયા સામાન્ય લોકોને વ્યાપકપણે ઉપલબ્ધ થઈ.
#1 કઈ રીતે અગસ્ત્ય મુનિ દક્ષિણ ભારતીય રહસ્યવાદના પિતા બન્યા
સદ્ગુરુ: જયારે આદિયોગી એ તેમનું જ્ઞાન પ્રસારિત કર્યું, ત્યારે તેમણે એક મનુષ્ય તેની પરમ પ્રકૃતિને મેળવી શકે તે માટેના 112 માર્ગો જણાવ્યા. જયારે તેમણે જોયું કે સપ્તઋષિને – તેમના સાત શિષ્યોને– 112 માર્ગોને આત્મસાત કરવામાં કેટલો સમય લાગી શકે છે ત્યારે તેમણે તેને દરેકમાં 16 વાળા 7 ભાગોમાં વિભાજીત કર્યું. દંતકથા કહે છે કે તેમને આ શીખવામાં ચોર્યાસી વર્ષ લાગ્યા. આ ચોર્યાસી વર્ષો દરમિયાન તેઓ આદિયોગી સાથે રહ્યા અને તેઓ તેમના શિક્ષક જ ન હતા પરંતુ ધીમે ધીમે તેમનું સર્વસ્વ બની ગયા.જયારે તેઓએ આ સોળ માર્ગો આત્મસાત કરી લીધા અને તે જ્ઞાનમાં ભીંજાવાનું શરુ કર્યું ત્યારે આદિયોગીએ તેમને કહ્યું, “જવાનો સમય આવી ગયો છે.” તેઓ આનાથી ખૂબ જ ભાવુક થઈ ગયા કારણ કે તેઓ તેમના વિનાના જીવનની કલ્પના પણ નહોતા કરી શકતા. પરંતુ તેમણે કહ્યું,“ના, જવાનો સમય આવી ગયો છે. તમારે જઈને આખી દુનિયાને આ આપવાનું છે.”
જ્યારે તેઓ જવાના જ હતા, ત્યારે તેઓએ કહ્યું, “પણ મારી ગુરુ દક્ષિણાનું શું?”આવું એટલા માટે નથી કે ગુરુને દક્ષિણાની જરૂર છે; વાત એટલી જ છે કે ગુરુ ઈચ્છે છે કે તેઓ કંઇક અતિ મૂલ્યવાન અર્પિત કરવાની ભાવના સાથે જાય કેમ કે એક મનુષ્ય અર્પણ કરવાની અવસ્થામાં હોય ત્યારે શ્રેષ્ઠ રીતે હોય છે. તેમની પાસે એવું તે વળી શું છે જે તેઓ આદિયોગીને આપી શકે?
પછી થોડીક મૂંઝવણ પછી, અગસ્ત્ય મુનિને આનો અર્થ સમજાયો અને તેમણે કહ્યું ““મારા જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ– એવી વસ્તુ જેનું મૂલ્ય મારા માટે મારા જીવન કરતાં પણ વધારે છે– તે જીવનના આ સોળ પરિમાણ છે જે મેં મારા ગુરુ પાસેથી મેળવ્યા. અને અહીં, હું તમને આ અર્પણ કરું છું.” આટલા વર્ષો દરમિયાન તેઓ જે કંઇ શીખ્યા હતા તે બધું જ તેમણે આદિયોગીને પાછું આપી દીધું. આ જોઈને, બીજા બધાએ પણ અર્પણ કરી દીધું.
તેઓએ આ મેળવવા માટે ચોર્યાસી વર્ષની તનતોડ સાધના કરી અને જયારે આદિયોગીએ ગુરુ દક્ષિણા માંગી ત્યારે, તેઓએ એક ક્ષણમાં તે બધું તેમના ચરણોમાં મૂકી દીધું અને ત્યાં ખાલી થઈને ઊભા રહ્યા. આદિયોગીએ કહ્યું, “જાઓ.” તેઓ ખાલી હાથે નીકળ્યા, અને આ તેમના શિક્ષણનું સૌથી મહત્ત્વનું પાસું હતું. કેમ કે તેઓ ખાલી થઈ ગયા તેથી તેઓ આદિયોગી જેવા બની ગયા.“શી-વ”” નો અર્થ છે “તે જે નથી.” તેઓ તે જે નથી તે બન્યા. કેમ કે તેઓ આવા બની ગયા તેથી બધા 112 માર્ગો તેમનામાંના સાતેયમાંથી અભિવ્યક્ત થયા. એવી વસ્તુઓ જે તેઓ ક્યારેય ન સમજી શકે, એવી વસ્તુઓ જે માટેની તેમનામાં ક્ષમતા ન હતી, એવી વસ્તુઓ જે માટે જરૂરી બુદ્ધિમત્તા તેમની પાસે ન હતી – તે બધું તેમનો એક ભાગ બન્યું કેમ કે તેમણે જે કંઇ પણ મેળવ્યું હતું, તેમના જીવનની સૌથી મહત્ત્વનું પાસું, તે તેમને પાછું આપી દીધું અને ખાલી હાથે ગયા.
#2 અગસ્ત્ય મુનિ કાર્તિકેયના ગુસ્સાને રૂપાંતરિત કરે છે
કાર્તિકેય શિવના પુત્ર હતા. તેઓ ખુબ ગુસ્સે થઈ ગયા અને તેમના પિતાથી દૂર જવા માંગતા હતા. તેઓ અત્યંત ગુસ્સામાં નીચે દક્ષિણ તરફ ગયા અને એક યોદ્ધા બની ગયા. ઘણી રીતે જોતા તેઓ એક અનન્ય યોદ્ધા હતા અને તેઓ યુદ્ધો જીતતા ગયા. તેમણે રાજ કરવા માટે યુદ્ધો નહોતા જીત્યા. તેમને જે પણ અન્યાયી લાગ્યું તેઓ તેનો વિનાશ કરવા લાગ્યા -– કારણ કે તેમને લાગ્યું કે તેમના માતાપિતાએ તેમની સાથે અન્યાય કર્યો હતો અને તેઓ ન્યાય કરવા માંગતા હતા. જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે બધું જ અન્યાયી લાગે છે. તેમને લાગ્યું કે દુનિયામાં આટલો બધો અન્યાય છે, તેથી તેઓ ઘણી લડાઈ લડ્યા અને ઘણા બધા લોકોનો સંહાર કર્યો.
અગસ્ત્ય મુનિએ કાર્તિકેયના ગુસ્સાને આત્મજ્ઞાનના સાધનમાં રૂપાંતરીત કર્યો, અને અંતે સુબ્રમણ્યમાં તેઓને આરામ મળ્યો. તેમણે સુબ્રમણ્યમાં તેમની તલવાર છેલ્લી વાર ધોઈ અને ત્યાં થોડા સમય માટે સ્થાયી થયા અને પછી કુમાર પર્વત ઉપર ગયા જ્યાં તેમણે ઊભેલી અવસ્થામાં મહાસમાધિ લીધી. કાર્તિકેયના ગુસ્સાને તેમના આત્મજ્ઞાનના સાધનમાં રૂપાંતરિત કરવાનું આ શાનદાર કામ અગસ્ત્ય મુનિનું હતું.
#3 અગસ્ત્ય મુનિ વિંધ્યાચલ પર્વતને અંકુશમાં લાવે છે
જયારે અગસ્ત્ય નીચે દક્ષિણ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ વિંધ્યાચલને મળ્યા. વિંધ્યાચલ ભારતની એક પર્વતમાળા છે જે હિમાલય કરતા પણ ઘણી જૂની છે. પર્વતોમાં, હિમાલયને પર્વતોના રાજા તરીકે પસંદ કરવામાં આવ્યો. તેથી, જયારે અગસ્ત્ય નીચે દક્ષિણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વિંધ્યાચલ ગુસ્સે હતો અને તેણે અગસ્ત્યને રોકીને કહ્યું, “તમે હિમાલયને રાજા કઈ રીતે બનાવી શકો? તે મારી સરખામણીમાં એક નાનું બાળક છે.”
હવે અગસ્ત્ય જાણતા હતા કે જ્યારે એક માણસ ગુસ્સે થાય ત્યારે પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે; જ્યારે એક પર્વત ગુસ્સે થાય ત્યારે આપણે નથી જાણતા કે તે શું કરશે. જયારે અગસ્ત્ય બેઠા, કેમ કે વિંધ્યાચલ ખૂબ જ ભક્તિભાવ વાળો હતો, તેથી તેણે અગસ્ત્ય મુનિને નમન કર્યું. તેથી અગસ્ત્ય મુનિએ કહ્યું, ““બસ આમ જ રહે. હું દક્ષિણ જઈને પાછો આવું છું; ત્યારબાદ આપણે તારી સમસ્યાનું કંઇક કરીશું.” તેથી, વિંધ્યાચલ નમેલી સ્થિતિમાં રહ્યો, અગસ્ત્યના પાછા આવવાની રાહમાં. અગસ્ત્ય ક્યારેય પાછા ન આવ્યા. તે પછી જયારે તેઓ ઉત્તર તરફ આવ્યા ત્યારે તેઓ જગન્નાથ પુરી થઈને બીજા રસ્તેથી ગયા, જેથી વિંધ્યાચલ વચ્ચે ન આવે અને તે નમેલો અને અંકુશમાં જ રહે. વિંધ્યાચલ એટલે નાનો છે કેમ કે તે નમેલી અવસ્થામાં છે. હિમાલય એટલે ઊંચો છે કેમ કે તે ઊભો છે અને હજુ મોટો થઈ રહ્યો છે.
#4 અગસ્ત્ય મુનિ દ્વારા વાવવામાં આવેલું સુગંધી ફુલોવાળું વૃક્ષ
કર્ણાટકમાં બી.આર. હિલ્સ અથવા બેલ્લીગીરી રંગનાબેટ્ટા પર્વતમાં એક સ્થળે સામપિગે વૃક્ષ છે જે ચંપા તરીકે પણ ઓળખાય છે. તે ખૂબ જ સુગંધી ફૂલ ધરાવે છે. તેઓ કહે છે કે આ વૃક્ષ અગસ્ત્ય મુનિ દ્વારા 6000 વર્ષો પહેલા વાવવામાં આવ્યું હતું. તે ચોક્કસ ખૂબ જ જૂનું છે. તે આખું ગાંઠો વાળું થઈ ગયું છે અને તેના પ્રકારના કોઈપણ વૃક્ષ કરતા ઘણું જૂનું દેખાય છે. આ વૃક્ષને “ડોડ્ડા સામપિગે કહે છે,” જેનો અર્થ છે “મોટું સામપિગે.”
#5 કાવેરીમાં આવેલું શાનદાર નટ્ટાત્રીશ્વર્ર મંદિર
નટ્ટાત્રીશ્વર્ર મંદિર કાવેરીના મધ્યબિંદુ પર આવેલું એક શાનદાર મંદિર છે. તાલાકાવેરીથી સમુદ્ર સુધીના કાવેરી નદીના માર્ગ પર તે એકદમ વચ્ચેના સ્થળે એક ટાપુ પર આવેલું છે તેથી તેને કાવેરીની નાભિ તરીકે જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ખાતેનું લિંગ અગસ્ત્ય મુનિ દ્વારા 6000 થી વધુ વર્ષો પહેલા પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું. તે રેતીનું બનેલું છે જેમાં તે સમયે વપરાતા સંયોજન ઉમેરવામાં આવ્યા છે. આ રેતીનું લિંગ આજે પણ ભૌતિક રીતે અકબંધ છે અને ઊર્જાની દ્રષ્ટિએ તે વિસ્ફોટક છે! તે 6000 વર્ષ જૂનું હોવા છતાં એવું જ લાગે છે જાણે તેને ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હોય.
એવું માનવામાં આવે છે કે અગસ્ત્ય મુનિએ તેમની ઊર્જાઓ અને તેમનું સૂક્ષ્મ શરીર આ સ્થળે છોડેલું. એવું કહેવાય છે કે તેમણે તેમનું માનસિક શરીર અથવા મનોમયકોષ મદુરાઈ નજીક ચતુરગીરી પર્વત ખાતે છોડેલું અને કાર્તિકેયની મદદથી તેઓ તેમનું ભૌતિક શરીર કૈલાસ શિવ પાસે લઈ ગયા હતા, અને ત્યાં છોડેલું. આવું કરવું એક શાનદાર કામ છે.
અમુક અર્થોમાં અગસ્ત્ય કાવેરીને એક જીવંત વસ્તુ તરીકે જોઈ રહ્યા હતા અને તેઓએ નટ્ટાત્રીશ્વર્ર ખાતે નાભિ ચક્રને એવી રીતે સ્થાપિત કર્યું કે ઊર્જાની ઉપર અને નીચે તરફની ગતિવિધિ બરાબર રીતે થાય. આ સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે મનુષ્યનો જીવન નિર્વાહ અને સમૃદ્ધિ માત્ર એક ગૌણ પરિણામ જ હતા, જીવનનું લક્ષ્ય નહિ. જીવનનું લક્ષ્ય હંમેશા મનુષ્યનું ખીલી ઉઠવું જ હતું. ઘણા મહાન જીવોએ મનુષ્યના વિકાસ અને મનુષ્યોને ખીલવામાં મદદ કરે તે માટે અમુક ચોક્કસ રીતે ઊર્જાઓનું રોકાણ કરેલું. તેઓએ જરૂરી ઊર્જા પ્રણાલીઓ બનાવી અને બધી જ વસ્તુઓને તે તરફની એક સંભાવના બનાવવાનો પ્રયત્ન કર્યો - એક નદીને પણ!
#6 અગસ્ત્ય મુનિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠિત કરાયેલ એક ગુપ્ત મંદિર
કાશી પવિત્ર શહેરોમાં સૌથી પવિત્ર શહેર છે અને જ્ઞાન મેળવવાના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. આ એવું સ્થળ હતું જ્યાં એક સમયે એક સાથે સેંકડો આત્મજ્ઞાનીઓ રહેતા હતા. તમે જે શેરીમાં જાવ ત્યાં તમારી એક આત્મજ્ઞાની સાથે મુલાકાત થઈ જતી.
તો ગુપ્તકાશીનો મતલબ છે એવું કાશી જેના વિષે કોઈ જાણતું ન હતું. ગુપ્તકાશી આપણા માટે ખાસ મહત્ત્વનું છે કારણ કે લગભગ પિંચોતેર વર્ષ પહેલા, ધ્યાનલિંગની તૈયારી માટેનું કામ ત્યાં થયેલું. આ એક ખૂબ જ અનોખું મંદિર છે, તેના પોતાનામાં તે ખૂબ જ સુંદર છે.
આ તે વિસ્તાર છે જ્યાંથી અગસ્ત્ય મુનિ પસાર થયેલા. કાં તો અગસ્ત્યએ પોતે અથવા તેમના જેવા કોઈએ આ લિંગને પ્રાણ પ્રતિષ્ઠિત કરેલું. લિંગની પ્રકૃતિ અગસ્ત્યની કામ કરવાની રીત સાથે મેળ ખાય છે, જે શુદ્ધ રીતે ક્રિયા છે. ન મંત્ર, ન તંત્ર, ન બીજી કોઈ વસ્તુ - 100 % ઊર્જાને લાગતું કાર્ય. મારી પણ તે જ રીત છે, મને બસ તે એક વસ્તુ જ આવડે છે. હું માત્ર ઊર્જાના આધાર પર જીવનને એક પરિમાણમાંથી બીજા પરિમાણમાં રૂપાંતરિત કરી શકું છું.