ભારતમાં અને વિશ્વભરમાં દેવીપૂજા
સદ્ગુરુ વર્ણવે છે કે, કઈ રીતે સ્ત્રી પ્રકૃતિની પૂજા આજે મોટેભાગે અદૃષ્ય થઈ ગઈ છે પરંતુ તે સાથે જ જણાવે છે કે, ભારતમાં હજુ પણ અનેક શક્તિશાળી, જટિલ રીતે પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાનો છે.
પ્રશ્ન: આજે આપણા ગ્રહ ઉપર સ્ત્રી શક્તિની પૂજા કેટલી મહત્ત્વપૂર્ણ છે?
સદ્ગુરુ: એક સમયે સ્ત્રી પ્રકૃતિની પૂજા આખા ગ્રહ ઉપર પ્રચલિત હતી. પરંતુ દુર્ભાગ્યવશ, ધર્મ પ્રત્યે અભિગમ રાખવાની ઢબ ખૂબ મહત્ત્વકાંક્ષી બની ગઈ. જ્યારે ઢબ વિજય મેળવવાની બની ગઈ ત્યારે, લોકોએ સ્ત્રી પ્રકૃતિને ગ્રહ પરથી બાળીને ફગાવી દીધી અને આજે, સફળ થવા માટે પુરુષ પ્રકૃતિ જ એકમાત્ર માર્ગ રહ્યો છે; આપણે સ્ત્રીઓને તેમના વલણ, અભિગમ અને લાગણીઓમાં પુરુષવાચી બનવા માટે ફરજ પાડી છે. આપણે બધાને વિશ્વાસ કરવ્યો છે કે, વિજય મેળવવો એ જ સફળતાનો એકમાત્ર રસ્તો છે.પરંતુ વિજય પ્રાપ્ત કરવો એ માર્ગ નથી; સામાવિષ્ટ કરવું એ માર્ગ છે. વિશ્વવિજય મેળવવાના પ્રયાસો આજે આપણી સમક્ષ રહેલી બધી આપત્તિઓ તરફ દોરી ગયા છે. જો સ્ત્રી પ્રકૃતિ વધુ વર્ચસ્વવાળું પરિબળ હોત અથવા જો પુરુષ પ્રકૃતિ અને સ્ત્રી પ્રકૃતિ સમતોલ હોત, તો મને નથી લાગતું કે, આપણી સમક્ષ કુદરતી આફતો પણ આવે કારણ કે, સ્ત્રી પ્રકૃતિ અને પૃથ્વીની પૂજા હંમેશા એકસાથે જ થાય છે. જે સંસ્કૃતિઓએ પૃથ્વીને માતા તરીકે જોઈ છે તે સંસ્કૃતિઓએ પોતાની આસપાસના વાતાવરણને ક્યારેય એટલું નુક્સાન નથી પહોંચાડ્યું; નુક્સાન ત્યારે જ થયું જ્યારે વિજય મેળવવાના માર્ગને જીવનના માર્ગ તરીકે જોવામાં આવ્યો.
હાલમાં, ગ્રહને આટલા નુક્સાન પછી પણ, અડધા ભાગના લોકો આ ગ્રહ ઉપર પૂરતું ભોજન હોવા છતાંય બરોબર રીતે ખાઈ નથી શકતા. જો સ્ત્રી પ્રકૃતિ પ્રબળ હોત તો લોકોને ખાવાનું ચોક્કસ જ મળતે તેમજ કરૂણા, પ્રેમ અને સૌંદર્યનું વર્ચસ્વ હોત. પણ આપણે પ્રેમ અને કરૂણાની સૂક્ષ્મતાના સ્થાને શક્તિના સ્થૂળ વિજયની પસંદગી કરી છે. આપણે સમાવિષ્ટતાના સ્થાને જીવન પર વિજય મેળવવાનું પસંદ કર્યું છે. જો સ્ત્રી પ્રકૃતિ પ્રબળ હોત તો કદાચ આપણે ચંદ્ર અથવા મંગળ ઉપર ન ગયા હોત પણ, ત્યાં જઈને આપણને ખરેખર શું મળ્યું? આપણે ત્યાં ઝંડો ગાઢી આવ્યા અને પગલા છોડી અને પાછા ફર્યા. તેનું શું મહત્ત્વ છે? ચંદ્રનો આખો રોમાન્સ જ હવે જતો રહ્યો છે.
જીવન પ્રત્યેનો આપણો આખો અભિગમ જ એકતરફી થઈ ગયો છે. હું વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓની વિરુદ્ધમાં નથી પણ, આપણે વિજ્ઞાનની જીવનલક્ષીતા ગુમાવી બેઠા છીએ. મોટેભાગના લોકો માટે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજી આ ગ્રહની દરેક વસ્તુને પોતાના ઉપયોગ માટે જ વાપરી લેવા પૂરતા છે. દરેક વસ્તુનું શોષણ કરવાનો આ અભિગમ એ ખૂબ જ વિજયલક્ષી, પુરુષ પ્રધાન અભિગમ છે. જો પુરુષ પ્રકૃતિ અને સ્ત્રી પ્રકૃતિ સારી રીતે સંતુલિત હોત, તો આપણે ઘણું સારું જીવન જીવતા હોત.
ભારતના દેવી મંદિરો
સ્ત્રી પ્રકૃતિની ઉપાસના એ આ ગ્રહની સૌથી પ્રાચીન પૂજા પદ્ધતિ છે. ભારત, યુરોપ, અરેબિયા અને મોટેભાગનું આફ્રિકા દેવીઓની પૂજામાં સામેલ હતા. પણ આજે, વિશ્વભરમાં પુરુષ પ્રકૃતિ ઉપર અતિષય ભાર મૂકાવાને કારણે, એક જ સંસ્કૃતિમાં સ્ત્રી પ્રકૃતિની પૂજા શેષ છે તે ભારત છે.
ધ્યાનલિંગની પ્રાણ-પ્રતિષ્ઠાની તુરત પહેલાં જ, હું થોડા લોકોના એક સમૂહ સાથે દેવી મંદિરોની યાત્રા ઉપર ગયેલો. તે વખતે હું તમિલનાડુના ભૂગોળથી એટલો પરિચિત નહોતો. તેથી, મેં કર્ણાટક જવાનું નક્કી કર્યું કારણ કે, ત્યાં મંદિરો ક્યાં છે તેની મને જાણ હતી. આ પ્રખ્યાત મંદિરો નહોતાં પણ, ગામડાઓ અને નાના શહેરોના નાના-નાના મંદિરો હતા. મને તેની અગાઉથી જાણ હતી તેથી હું તેમની શોધમાં ગયો કારણ કે, અમારે અમુક વસ્તુઓનું સમાધાન/પતાવટ કરવાનું હતું અને અમે તે કરવા માટે યોગ્ય પ્રકારના સ્થળ અને ઊર્જાઓની શોધમાં હતાં કે જેમાં તે કરી શકાય. અમે તેને ઇશા યોગ કેન્દ્રમાં બનાવી પણ શક્યા હોત પણ તેનો અર્થ હતો કે, એક મંદિર બાંધવું અને સતત તેની દેખરેખ કરવી. અમારે હજી ધ્યાનલિંગની પ્રાણ-પ્રતિષ્ઠા બાકી હતી તેથી, અમારે આ વસ્તુઓ કરવા માટે બીજું મંદિર બનાવવું નહોતું.
અમે આ મંદિરોની શોધમાં ગયા અને હું તદ્દન આશ્ચર્યચકિત થઈ ગયો. નાનકડા શહેરોમાં, ક્યારેક તો સાવ નાના ગામડાઓમાં સેંકડો વર્ષો અગાઉ પ્રાણ-પ્રતિષ્ઠિત કરાયેલા મંદિરો આજે પણ ખુબ જીવંત છે- સંપૂર્ણપણે, બળપૂર્વક અને ઉગ્ર રીતે જીવંત છે . મોટેભાગના આ મંદિરોનું નિર્માણ ચોક્કસ હેતુ માટે કરાયું હતું, ત્યાંની સ્થાનિક જરૂરિયાતો અનુસાર. જેણે પણ આ કર્યું છે, ખૂબ જ સારી રીતે કર્યું છે. ટૅક્નોલૉજી ખૂબ જ સરસ હતી અને જો તેને ઘણા સ્થળોએ કરવામાં આવ્યું હોય તો, તે દેખીતી રીતે જ વ્યાપક અને લોકોમાં જાણીતું હતું. એક નાનકડા ગામડામાં, કોઈએ અમુક વસ્તુની પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી જે ખૂબ જ પરિષ્કૃત હતી તે જોવું ખૂબ સુખદ હતું. આ યોગીઓના કોઈ નામ નહોતા. એ લોકો કોણ હતા તેની કોઈને જાણ નથી. તેમણે મંદિરો પર પોતાના નામો નથી લખ્યાં અને તે જ તેની સુંદરતા છે – પોતાનું નામ ત્યાં છોડી જવાનો વિચાર સુદ્ધાં તેમને જરૂરી ન લાગ્યો. આ ઊર્જા જે તેઓ ત્યાં છોડી ગયાં, માત્ર એટલું જ હતું.