લગ્ન શું છે અને શું તે જરૂરી છે?
સદગુરુ સમજાવે છે કે લગ્ન એક સામાજિક ફરમાન ના હોવું જોઈએ પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો પર આધારિત એક વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ. તેઓ લગ્ન વગર સાથે રહેવાનું ચલણ -લિવ-ઈન રિલેશનશિપ્સ, છૂટાછેડા અને લગ્નની વિધિ કેવી રીતે થવી જોઈએ તે મુદ્દાઓને પણ સ્પર્શે છે.
લગ્ન શું છે?
સદ્ગુરુ: ચાલો આપણે સમજીએ લગ્નનું અસ્તિત્વ શા માટે છે? એક મનુષ્ય તરીકે, એક પુરુષ કે સ્ત્રી તરીકે, તમારી અમુક જરૂરિયાતો છે. જ્યારે તમે આઠ વર્ષના હતા ત્યારે જો મેં તમને લગ્ન વિશે પૂછ્યું હોત તો એ પ્રશ્નનું તમારા માટે કોઈ મહત્વ ન હોત.. જો મેં જ્યારે તમે ચૌદ વર્ષના હતા ત્યારે પૂછ્યું હોત, તો કદાચ તમે થોડા શરમાયા હોત કેમ કે ત્યારે લગ્ન વિશે તમે જાણકાર થયા હો. કારણ કે તમારું શરીર અમુક પ્રકારે વિકસી રહ્યું છે અને આંતરિક સ્ત્રાવોએ તમારી બુદ્ધિને અસર કરવાનું શરુ કરી દીધું છે. તમે એ વિશે વિચારવા લાગ્યા છો. જો મે તમને અઢાર વર્ષની ઉંમરે પૂછયું હોત તો તમે ચૌદથી અઢાર વર્ષ વચ્ચે તમારી સાથે શું થયું તેના આધારે એક સ્પષ્ટ "હા" અથવા "ના, અત્યારે નહિ" અથવા "ના, ક્યારેય નહિ" એવું કહ્યું હોત.અત્યારે દુનિયાના અમુક ભાગોમાં "લગ્ન" નામના શબ્દની નકારાત્મક છાપ ઉભી થઇ છે જેનું કારણ સ્વતંત્રતાનું બાલિશ અર્થઘટન છે. અમુક સમાજોમાં યુવાઓ લગ્નને એક ખરાબ વસ્તુ તરીકે જુએ છે. જ્યારે તમે યુવાન છો ત્યારે તમે આના વિરોધમાં છો કેમ કે તમારું ભૌતિક શરીર એક પ્રકારની સ્થિતિમાં છે. લગ્ન એક સાંકળ અને બંધન જેવું લાગે છે. તમે વસ્તુઓને એક ચોક્કસ પ્રકારે કરવા માંગો છો. પરંતુ ધીમે ધીમે, જ્યારે શરીર નબળું પડે છે, ફરીથી તમે ઈચ્છો કે કોઈ તમારી સાથે પ્રતિબદ્ધ થઈને રહે.
આ એક ઘણી બાલિશ ભાવના છે - "જ્યારે હું સશક્ત છું મારે કોઈની જરૂર નથી, જ્યારે હું નબળો પડું, હું ઇચ્છુ કે કોઈક મારી સાથે હોય.." મારા મતે ભાગીદારી ત્યારે કરવી જોઈએ જ્યારે તમે તમારી સુખાકારીના શિખર પર છો. જ્યારે તમે નીચે પડેલા હોવ ત્યારે તમે હતાશાપૂર્ણ ભાગીદારી કરશો. જ્યારે તમે ખુશ છો, જ્યારે તમે તમારા જીવનના શિખર પર છો, ત્યારે તમારે ભાગીદારી કરવી જોઈએ જેથી તમે બધા ચડાવ ઉતારમાંથી પસાર થઇ શકો.
એક મનુષ્ય તરીકે તમારે શારીરિક જરૂરિયાતો, ભાવનાત્મક જરૂરિયાતો, માનસિક જરૂરિયાતો, સામાજિક અને આર્થિક જરૂરિયાતો છે. લોકો કદાચ સજાગ રીતે આ વસ્તુઓ વિશે ના વિચારવા માંગે કેમ કે તેઓ એવું માને છે કે જો તેઓ આવું વિચારે તો તેમના લગ્ન કુરૂપ થઇ જશે. પરંતુ આ જરૂરિયાતો અને ગણતરીઓ હયાત છે.
આજે સ્ત્રીઓ માટે દુનિયા અમુક હદ સુધી બદલાઈ છે. તેઓને સામાજિક અને આર્થિક જરૂરિયાતો માટે લગ્ન કરવા જરૂરી નથી. તેઓ પાસે વિકલ્પ છે. તેઓ પોતાની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓની સંભાળ લઈ શકે છે. આવું સો વર્ષ પહેલા ન હતું. અત્યારે થોડી સ્વતંત્રતા છે. તમારે લગ્ન કરવા પડે એ માટેના બે કારણો હવે નથી રહ્યા. તમારે બાકીના ત્રણને ધ્યાનમાં લેવા રહ્યા.
માનસિક રીતે, શું તમારે જીવનમાં એક સાથીની જરૂર છે? શું તમારે ભાવનાત્મક રીતે સાથીની જરૂર છે? અને તમારી શારીરિક જરૂરિયાતો કેટલી પ્રબળ છે? તમારે આ વસ્તુઓને વ્યક્તિગત રીતે ધ્યાનમાં લેવી જોઈએ. આ કોઈ સામાજિક ફરમાન નથી - બધાએ લગ્ન કરવાના જ કે કોઈએ લગ્ન નહિ કરવાના. તે એ રીતે ના ચાલે. એક વ્યક્તિ તરીકે, તમારી જરૂરિયાતો કેટલી પ્રબળ છે? શું આ પસાર થઇ જાય એ પ્રકારની જરૂરિયાત છે જેની પાર તમે આસાનીથી જઈ શકો? જો એવું છે તો લગ્ન ના કરો કેમ કે તો એ જરૂરિયાત બંધાઈ જવા જેટલી મહત્વની નથી. જો તમે કરો તો તેનું પરિણામ ખાલી બે લોકોએ નહિ પરંતુ એક પરિવારને ભોગવવું પડે. હું નથી કહેતો કે લગ્ન કરવા એ ખોટું છે. પ્રશ્ન એ છે કે તમે કરવા માંગો છો. દરેક વ્યક્તિએ સામાજિક માપદંડ છોડીને પોતાના માટે આના પર વિચારણા કરવી જોઈએ.
લગ્ન કરવામાં કશું જ ખોટું નથી. પરંતુ જો તમે લગ્ન કરવાની જરૂરિયાત ના હોવા છતાં પણ લગ્ન કરો તો તે અપરાધ છે, કારણ કે તમે પોતાની જાતને અને ઓછામાં ઓછું એક બીજા વ્યક્તિને દુઃખી કરશો. જ્યારે કોઈએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, "શું મારે કોઈ સાથી સાથે રહેવું જોઈએ?" તેઓએ કહ્યું, "એક મૂર્ખની સાથે ચાલવા કરતા એકલા ચાલવું સારું." હું તેટલો કઠોર નથી. હું કહું છું : જો તમને કોઈ સમાન મૂર્ખ મળે તો સાથે રહેવું શક્ય બની શકે છે. પરંતુ તમારી જરૂરિયાતના આધારે - સમાજ જે કહી રહ્યું છે એ માટે નહિ, બીજા લોકો લગ્ન કરી રહ્યા છે એ માટે નહિ.
લગ્ન કે લિવ-ઈન?
હું કહીશ કે, ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ ટકા લોકોને લગ્ન કરવાની જરૂર નથી કારણ કે એમાં તેમની રુચિ માત્ર થોડા સમય પૂરતી છે.. બીજા ૩૦ થી ૪૦ ટકા માટે આ કદાચ થોડો લાંબો સમય ચાલુ રહે અને તેઓ લગ્ન કરે. ૧૦ થી ૧૨ વર્ષ માટે તેમને શરૂમાં સારું લાગે અને પછી તેઓ વિચારે કે આ એક બોજ છે. પરંતુ અમુક લોકો એવા છે જેમના માટે જરૂરિયાત અત્યંત પ્રબળ છે. લગભગ ૨૫ થી ૩૦ ટકા લોકોને ઘણા લાંબા સમય સુધી સાથીની જરૂર પડે - તેઓએ ચોક્કસપણે આ પ્રકારની વ્યવસ્થામાં શામેલ થવું જોઈએ.
અત્યારે, લોકોએ બીજા પ્રકારના ઉકેલ શોધી લીધા છે. "હું લગ્ન નહિ કરું, હું ખાલી લિવ-ઈનમાં રહીશ." જો તમે કોઈ એક વ્યક્તિ સાથે રહો તો આમ પણ તે એક લગ્ન છે, તમારી પાસે પ્રમાણપત્ર હોઈ કે નહિ. પરંતુ જો તમે એવું વિચારતા હોવ કે તમે તમારા સાથીને દર અઠવાડિયે પસંદ કરી શકો તો તમે તમારી જાતને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છો કારણ કે જેમ તમારા મન પાસે સ્મૃતિ છે, તેમ તમારું શરીર ઘણી પ્રબળ સ્મૃતિ ધરાવે છે. તમારા મનમાં તમે જે સ્મૃતિ ધરાવો છો તમારું શરીર તેનાથી પણ પરેના અનુભવોને આત્મસાત કરે છે અને જાળવી રાખે છે.
લગ્નનું મહત્વ
ભારતીય પરંપરામાં શારીરિક ઘનિષ્ટતાને ઋણાનુબંધ કહે છે, જે શરીરની ભૌતિક સ્મૃતિને ઇંગિત કરે છે. શરીર ભૌતિક ઘનિષ્ટતાથી એક ઊંડા પ્રકારની સ્મૃતિ કેળવે છે. તે આ સ્મૃતિના આધારે ઘણી રીતના પ્રતિભાવ અને પ્રતિક્રિયા આપે છે. જો તમે ઘણી બધી સ્મૃતિઓની છાપ પાડો તો શરીરમાં મૂંઝવણ અને અમુક હદનું દુઃખ રહેશે. તમે આ બધું, જે લોકો તેમના જીવન અને શરીર પ્રત્યે વધુ છૂટછાટ રાખતા હોય તેઓમાં ચોખ્ખી રીતે જોઈ શકશો. તેઓ ક્યારેય વાસ્તવિક આનંદની ભાવના અનુભવી નહી શકે. તમારી આસપાસ આનું કાળજીપૂર્વક અવલોકન કરો. તેઓ ક્યારેય ના સંપૂર્ણતાથી હસી શકે ના સંપૂર્ણતાથી રડી શકે. તેઓ આવા થઈ જાય છે કારણ કે એક જ જીવનકાળમાં ભૌતિક શરીરમાં મૂંઝવણભરી સ્મૃતિઓ ઘણીબધી છાપ ઉભી કરશે. લિવ-ઈન રિલેશનશિપ તમારી જરૂરિયાતોને સંતોષવા માટેનો ઉકેલ નથી.
તમે લગ્ન કરો અથવા આ જરૂરિયાતોથી પરે ઉઠી જાઓ. પરંતુ આનું તમારે વ્યક્તિગત રીતે અવલોકન કરવું પડે - કેટલી પ્રબળ તમારી જરૂરિયાત છે. જો તમે આનું સામાજિક પ્રભાવ વિના સ્પષ્ટપણે અવલોકન કરવા માંગતા હો તો એ ઉત્તમ છે કે તમારે થોડો સમય, માનો કે એક મહિના જેટલો, અલગ કાઢવો જોઈએ. જ્યારે તમે આ નિર્ણય કરો ત્યારે તમે સ્પષ્ટતા સભર સ્થિતિમાં હોવ એ જરૂરી છે. તમે કોઈના પણ પ્રભાવમાં ના હોવા જોઈએ. માત્ર ધ્યાન કરો અને તમારી જાતને એક ચોક્કસ સ્પષ્ટતા સભર સ્થિતિમાં લઈ આવો. આ સ્પષ્ટતા સાથે ખરેખર તમારી જરૂરિયાતો કેટલી પ્રબળ છે તેનું અવલોકન કરો.
જો તમે જુઓ કે લગ્ન જરૂરી નથી, તો બસ એ જ, એકવાર તમે નિર્ણય કરો, પછી બીજી તરફ ના જુઓ. જો તમે કોઈ એક તરફ જવાનો નિર્ણય કરો, તો બીજી તરફ ના જુઓ. તમારે આમાંથી કોઈ એક વસ્તુ કરવી જોઈએ. જો તમે બંનેની વચ્ચે અટકશો તો તમે સતત મૂંઝવણ ભરી સ્થિતિમાં રહેશો. "ઉત્તમ વસ્તુ શું છે?" કોઈ એક વસ્તુ ઉત્તમ નથી. તમારું જીવન એ રીતે જીવો કે તમે જે પણ કરી રહ્યા છો, તમે તે સંપૂર્ણતાથી કરો. જો તમારી પાસે આ ગુણ હોય તો તમે જે પણ કરો તે સરસ છે.
લગ્ન સંસ્થાન
પ્રશ્નકર્તા : આજે ઘણા યુવાનો લગ્ન નથી કરવા માંગતા, અને જે લોકોએ લગ્ન કરેલા છે તેઓ છૂટાછેડા લઇ રહ્યા છે. સદ્ગુરુ, શું તમે આ પરિસ્થિતી પર થોડો પ્રકાશ પાડશો?
સદ્ગુરુ: લગ્નનું એક પાંસુ એ છે કે દરેક મનુષ્યની જે સામાન્ય જરૂરિયાતો છે તેમાં ચોક્કસ પ્રમાણમાં પવિત્રતા લાવવી. લગ્ન અમુક વ્યવસ્થા, સૌંદર્ય અને સ્થિરતા લાવવા માટે છે કારણ કે એક પુરુષ અને સ્ત્રીનું એકબીજા સાથે હોવું પ્રાકૃતિક રીતે નવું જીવન લાવે છે.
જે પ્રકારની શક્યતા મનુષ્ય ધરાવે છે તેના કારણે મનુષ્યનું સંતાન બીજા બધા પ્રાણીઓની સરખામણીમાં સૌથી અસહાય જીવ છે, અને તેને મહત્તમ પ્રમાણમાં પાલન-પોષણની જરૂર પડે છે. તમે એક ગલૂડિયાને શેરીમાં એકલું મૂકી શકો - જો તેને ખોરાક મળી રહેશે તો તે એક સારા કૂતરામાં વિકસિત થઇ જશે. પરંતુ મનુષ્યોમાં એવું નથી. તેઓને માત્ર ભૌતિક નહિ પરંતુ બીજા ઘણા પ્રકારના આધારની જરૂર છે, અને સૌથી વધુ અગત્યનું- એક સ્થિર પરિસ્થિતિની જરૂર છે. જ્યારે તમે ૩ - ૪ વર્ષના હતા ત્યારે તમે ૧૦૦ % લગ્નના સમર્થનમાં હતા - તમારા માતાપિતાના લગ્નના સમર્થનમાં. જ્યારે તમે ૪૫, ૫૦ વર્ષના થાઓ ફરીથી તમે ૧૦૦ % લગ્નના સમર્થનમાં હશો. ૧૮ થી ૩૫ ની વચ્ચેની ઉમરમાં તમે સમગ્ર લગ્ન સંસ્થાન પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છો.
જ્યારે ભૌતિક શરીર પ્રભાવમાં છે, જો તમે તેના તાબે થાવ તો તમે દરેક સંસ્થાન પર પ્રશ્ન ઉઠાવશો. આ હોર્મોન આધારિત સ્વતંત્રતા છે. તમારી બુદ્ધિ તમારા હોર્મોનના તાબે થઇ ગઈ છે, તેથી તમે બધી વસ્તુઓના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્ન ઉઠાવો છો. હું નથી કહેતો કે લગ્ન સૌથી ઉત્તમ વસ્તુ છે, પરંતુ શું તમારી પાસે વધુ સારો વિકલ્પ છે? આપણને વધુ સારો વિકલ્પ મળ્યો નથી કારણ કે એક બાળક માટે એક સ્થિર પરિસ્થિતિ ફરજીયાત છે.
લગ્નએ સભાનપણે પસંદગીની વસ્તુ છે.
બધા લોકોએ લગ્ન કરવા અને સંતાન ઉત્પન્ન કરવાએ ફરજીયાત કે જરૂરી નથી. જો મનુષ્યજાતિ લુપ્ત થઇ જવાને આરે હોત તો આપણે બધાને લગ્ન કરવાની સલાહ આપીએ, પરંતુ માનવવસ્તીનો વિસ્ફોટ થઇ રહ્યો છે. જો તમે સંતાન ઉત્પન્ન નથી કરતા તો તમે મનુષ્યતાની એક મોટી સેવા કરી રહ્યા છો.
પરંતુ જો તમે લગ્ન કરો અને ખાસ કરીને જો તમારે બાળકો હોય તો એ ઓછામાં ઓછી ૨૦ વર્ષની યોજના છે. તે પણ જો બાળકો સારું કરે તો. જો તેઓ બધી રીતે યોગ્ય ન હોય તો આ જીવનભરની યોજના છે. જો તમે આવી યોજનામાં સામેલ થવા માંગતા હો, તો ઓછામાં ઓછા ૨૦ વર્ષ માટે સ્થિર પરિસ્થિતિનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધત્તા હોવી જોઈએ. નહીંતર તમારે આવી યોજનામાં શામેલ થયા પછી અધવચ્ચે તેને પડતી મૂકી ચાલ્યા જવા જેવું ના કરવું જોઈએ.
અને લગ્ન અને છૂટાછેડા વિશે એક સાથે વાત કરવાની કોઈ જરૂર નથી, જાણે કે તે એક સાથે આવતી વસ્તુ હોય. હમણાં સુધી ભારતમાં કોઈ છૂટાછેડા વિશે વિચારતું ન હતું. જો એવું થાય કે બે વ્યક્તિઓ વચ્ચે કંઈ પણ અયોગ્ય છે, અને તેને સરખું કરવાનો કોઈ રસ્તો નથી, તો તેઓએ અલગ થવું પડે. એ દુર્ભાગ્યની વાત છે, પણ આવું થઇ શકે. પરંતુ તમારે લગ્ન સમયે જ આની યોજના નથી બનાવવાની!
લગ્નને કેવી રીતે સફળ બનાવવા
પ્રશ્નકર્તા: હું કેવી રીતે સાથ સહકાર અને લગ્ન માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરું?
સદ્ગુરુ: એક સંપૂર્ણ સાથીની શોધનો પ્રયત્ન અસંભવની આશા રાખવા સમાન છે. લગ્નના કોલાહલભર્યા થઈ શકવાનું એક કારણ એ છે કે આ સંબંધમાં તમારે ઘણી બધી વસ્તુઓ વહેંચવી પડે. મૂળ મુદ્દો લગ્ન નથી, કે નથી આ પુરુષ કે સ્ત્રી વિશે, કે નથી પતિ કે પત્ની વિશે. કોઈપણ પરિસ્થિતિ જેમાં તમારે ઘણી બધી વસ્તુઓ બીજા લોકો સાથે વહેંચવી પડે ત્યાં તમે સમાન સમસ્યાનો સામનો કરશો.
લગ્નમાં કે સાથે રહેવામાં, તમારે મોટેભાગે સમાન સ્થળ અને બધી જ વસ્તુને વહેચવી પડશે. તેથી દરરોજ એક કે બીજી રીતે તમે એકબીજાની વાતમાં દખલ કરશો. બીજા સંબંધોમાં જો કોઈ મર્યાદા ઓળંગે તો તમે તેમનાથી અંતર ઉભું કરી શકો. અહીંયા તમારી પાસે એ વિકલ્પ નથી. જેટલી વધુ દખલ એટલું વધુ ઘર્ષણ.
એવા ઘણા દંપતીઓ છે જે એકબીજા સાથે ખુશહાલી પૂર્વક રહે છે, જેઓ ગહન પ્રેમમાં છે, અને એકબીજાના અદ્ભૂત સાથી છે. તેવી જ રીતે આ સંબંધ ખુબ જ કદરૂપું સ્વરૂપ લઇ શકે છે. તેમાં ફાળો આપતું એક કારણ એ છે કે બંધ બારણે થતી ખરાબ વસ્તુઓ કોઈની જાણમાં આવતી નથી. જો રસ્તા પર કોઈનો પગ તમારા પગ પર પડે તો તમારી પ્રતિક્રિયા ઘણી અલગ હશે કેમ કે બધા જોઈ રહ્યા છે. પરંતુ આ સંબંધમાં કોઈ જોઈ રહ્યું ના હોવાથી કંઈ પણ થઇ શકે છે.
લગ્નને સફળ બનાવવા માટે કોઈ સંપૂર્ણ વ્યક્તિની જરૂર નથી - પૃથ્વી પર કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. આ માટે પુરેપુરી પ્રમાણિકતાની જરૂર છે. કોઈ જોઈ રહ્યું હોય કે નહિ તમારું વર્તન સમાન હોવું જોઈએ. તમે કેવા છો તે તમે ક્યાં અને કોની સાથે છો તે પ્રમાણે બદલાવું ના જોઈએ. એકવાર તમે પોતાના હોવાની રીત પ્રસ્થાપિત કરી છે, પછી બીજા વ્યક્તિ સાથેની આપ-લે આનંદપૂર્ણ બની શકે. બીજું પાસું એ છે કે જો તમે એકબીજા પાસેથી કશો લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ, અને તમને અથવા બીજી વ્યક્તિને જે જોઈતું હોય તે ના મળે તો સતત ઘર્ષણ રહેશે.
બીજો યાદ રાખવાનો મુદ્દો એ છે કે તમે બીજા વ્યક્તિના લાભ માટે લગ્ન નથી કરી રહ્યા. તમે તમારી જરૂરિયાતોને કારણે લગ્ન કરી રહ્યા છો. જો બીજી વ્યક્તિ આ જરૂરિયાતો સંતોષવા રાજી છે અને તમે તેમની સાથે કૃતજ્ઞતા સાથે જીવો તો બહુ ઘર્ષણ નહિ થાય. આદર્શ પુરુષ કે આદર્શ સ્ત્રીની શોધ ના કરો. તેનું અસ્તિત્વ નથી. જો તમે સમજો કે તમારી જરૂરિયાતોને કારણે તમે કોઈની સાથે છો, કોઈ એવું શોધો જે તમારી સાથે સુસંગત છે, જો તમે એકબીજાને સ્વીકારો, માન આપો, પ્રેમ કરો, સંભાળ લો, સમાવેશ કરો અને એકબીજાની જવાબદારી લો તો આ એક સુંદર સંબંધ બની શકે.
એક પવિત્ર લગ્ન વિધિ - ભૂત શુદ્ધિ વિવાહ
પ્રશ્નકર્તા : હાલમાં તમે વિવાહ પ્રક્રિયા શરુ કરી. હું જાણવા માંગુ છું કે આ પ્રક્રિયા શી રીતે દંપતી અને ભાગ લેનારા બધા લોકો માટે વૃદ્ધિકારક છે? તેઓનો આ પ્રક્રિયાનો અનુભવ કેવો છે અને આ શી રીતે તેમને લાભપ્રદ છે?
સદ્ગુરુ: હું મનુષ્યના કાર્યોને કુશળતાપૂર્વક કરવામાં માનતો હોવાથી, જ્યારે કોઈ કહે કે તેઓ પોતાની જાતને કોઈ બીજા સાથે જોડવા માંગે છે,તો મેં વિચાર્યું કે મારે આ વધુ કુશળતાથી કરવું જોઈએ. લોકો લગ્ન કરીને જોડાય તો છે પરંતુ તેઓ ચિપકેલા નથી હોતા. જો તમારો જોડાવાનો ઈરાદો નથી તો તે તમારી ઉપર છે. પરંતુ જો તમે જોડાવા માંગતા હો તો તમારે સારી રીતે જોડાતા શીખવું જોઈએ. વિવાહ એ જ છે, જોડાવાની એક વધુ કુશળ રીત.
ફર્નિચરમાં લાકડાના અલગ અલગ ટુકડા સાથે જોડાયેલા છે. સ્ક્રુ વડે તમે કુશળતાથી બે લાકડાને જોડી શકો. સ્ક્રૂનો ફાયદો એ છે કે તમે લાકડાને પાછું અલગ કરી શકો. જો ખીલીનો ઉપયોગ કરો તો તમે તેને અલગ ના કરી શકો, તમારે મોટેભાગે તેને તોડવું જ પડે.
મેં જ્યારે અમુક ઘરને બનતા જોયા તો મને આશ્ચર્ય થયું - આખું ઘર ખીલીનો ઉપયોગ કરીને બનાવાયેલું હતું. જો તમે સ્ક્રુ વાપર્યા હોત, હજારો ખીલી વાપરવાને બદલે કદાચ પચાસ સ્ક્રુથી તે જ કામ કરી શકાયું હોત, ખાલી વસ્તુ એટલી જ છે કે થોડુંક વધુ એન્જિનિયરિંગ ઉપયોગમાં લાવવું પડે.
ભારતમાં, પ્રાચીન સમયના સુથાર જો આ રીતે ખીલીનો ઉપયોગ કરે તો કોઈ તેમને કામ ના આપે. ભારતમાં પ્રાચીનશૈલીના સુથારી કામમાં, તેઓ અમુક રીતે લાકડીના નાના ટુકડાનો ઉપયોગ કરતા. તે ટુકડા કાયમી રીતે જોડાયેલા નથી હોતા. તે બહુ સારી રીતે જોડાયેલ હોય છે પરંતુ કાયમી રીતે જોડાયેલ નથી હોતા - તમે ઈચ્છો તો તેને અલગ કરી શકો. પરંતુ અલગ કરવા માટે અમુક પ્રમાણમાં કુશળતા અને મહેનતની જરૂર પડે. પૂર્વીય દેશોમાં તેઓએ તેમાં તજજ્ઞતા મેળવી હતી. બધા જોડાણ તે રીતે હોવા જોઈએ. જોડાણ મજબૂત અને યોગ્ય હોવું જોઈએ, પરંતુ કોઈ અસંગત કારણે તેને અલગ કરવું પડે તો થોડી મેહનત કરીને તે થવું જોઈએ. નહીંતર તેનો અર્થ એવો થયો કે જે સામાન આપણે વાપરીએ છીએ તેની આપણે કાળજી નથી રાખતા.
મનુષ્યો માટે પણ તે સાચું છે. જ્યારે આપણે કોઈને જોડીએ, તો આપણે તેમને એ રીતે જોડવા જોઈએ કે તે એકદમ કાયમી રહે. પરંતુ કોઈ બાહ્ય કારણને લીધે - જેમ કે એક વ્યક્તિનું મૃત્યુ થયું, તો બીજા વ્યક્તિએ તુરંત તેમની સાથે જવાની જરૂર નથી. જો તમે તેમને પુરેપુરી રીતે જોડી દો તો એવું થશે.
ભૂતકાળમાં ઘણા લોકો તેવા પ્રકારની ઈચ્છા ધરાવતા : "જો મારા પતિ કે પત્ની મૃત્યુ પામે તો હું પણ મારવા ઈચ્છીશ." તેવા દિવસો ચાલ્યા ગયા. જો તમે ખાલી તેમને ના ગમે તેવું કશું કરો તો તે ચાલ્યા જશે. આવી દુનિયામાં, તમારે બહુ પ્રબળ જોડાણ ના કરવું જોઈએ. જોડાણ એટલું પ્રબળ હોવું જોઈએ કે કાલે સવારે જો ટૂથપેસ્ટને લઈને ઝગડો થાય તો જોડાણ ટકી રહે. પરંતુ કોઈ અનિવાર્ય કારણ હોય તો થોડી મેહનત સાથે તમે જોડાણ છૂટું કરી શકો. પરંતુ એકવાર તમે કંઈ જોડાયેલું અલગ કરવા માંગો અને તે જો યોગ્ય રીતે જોડાયેલ હોય તો અચૂકપણે તે માટે કશી કિંમત ચૂકવવી પડે. તે જે પણ હોય, ભૌતિક હોય, સામાનને લાગતું હોય, કે મનુષ્યોની વાત હોય, જો તમે જોડાણ તોડવા માંગો તો તેની કિંમત ચૂકવવી પડે.
જો તમે આ ફર્નિચરને અલગ કરો તો અંદર અમુક કાણાં રહી જશે, જેમને ઢાંકવા સહેલા નથી. આ કાણાંની મરમ્મત માટે ઘણી મેહનત કરવી પડશે. મનુષ્યો સાથે પણ એવું જ થશે. મને ખબર છે આજે એવા સૂત્રો ચાલે છે કે, "હું આગળ વધી ગયો છું." આગળ વધી ગયાનો મતલબ એવો નથી કે, "હું મુક્ત થઇ ગયો અને ઉપર ઉઠી ગયો." આગળ વધી ગયો એટલે "હું આગળના ખાડામાં પડ્યો." તો તમે કદાચ કહેશો કે "હું આગળ વધી ગયો." પરંતુ અમુક કાણાં રહી ગયા છે જે ક્યારેક તમને પરેશાન કરશે.
કદાચ તમે એવી વ્યવસ્થા કરો કે સાંજને દારૂના નશામાં કાઢી નાખો. સવારે કામ પર જવાની પાંચ મિનિટ પહેલા જાગો. કામનો સમય કકળાટ અને વ્યસ્તતામાં કાઢી નાખો. લોકો આ રીતે પોતાનું જીવન કાઢી રહ્યા છે. જો તમે તેમને એક જગ્યા કશું કર્યા વિના ત્રણ દિવસ સુધી બેસાડી રાખો તો તેઓ તેમની અંદરના બધા કાણાંને કારણે પાગલ થઇ જશે.
કાણાંની સજાવટ કરવી અને કાણાંની મરમ્મત કરવી બે અલગ બાબત છે. મરમ્મત એટલી સહેલી નથી. આ ઉધઈ જેવું છે - જો તમે ફર્નિચરને રંગ લગાડ્યો હોઈ તો તમારે તાપસ કરતી રહેવી પડે નહીંતર એક દિવસ ખાલી રંગ જ બચ્યો હશે કેમ કે ઉધઈ રંગ નથી ખાતી. તે પ્રાકૃતિક વસ્તુઓ જ ખાય છે. તે તમારી જેવી નથી, તે રસાયણોથી ભરેલ ખોરાક નથી ખાતી. તે ખાલી સરસ રીતે બધું લાકડું ખાઈ જશે. જો તમે તમારી આંગળી તેમાં નાખો તો આંગળી સીધી અંદર જશે કેમ કે ખાલી રંગ જ રહ્યો છે.
લગ્નનો હેતુ શું છે?
કોઈ પણ વસ્તુનું જોડાણ સારી રીતે થવું જોઈએ, નહીંતર તેનો મતલબ શું છે? આપણે એવી રીતે જોડી શકીએ કે જો એક મૃત્યુ પામે તો બીજું પણ મૃત્યુ પામે, જો એકને આત્મજ્ઞાન થાય તો બીજાને પણ આત્મજ્ઞાન થાય. આના ફાયદા પણ છે. પરંતુ સરેરાશ રીતે, માંદા થનાર લોકોની, મૃત્યુ પામનાર લોકોની અને પાગલ થનાર લોકોની સંખ્યા આત્મજ્ઞાન પામનાર લોકોની સંખ્યા કરતા વધુ હોય છે, તેથી આપણે એવું જોખમ નથી લેતા.
થોડા પ્રમાણમાં મહેનત અને જીવન સાથે જોડાયેલ થોડી કિંમત સાથે, જોડાણને અલગ કરવું શક્ય છે, પરંતુ કિંમત ચૂકવવી જરૂરી છે. વિવાહ એક જીવંત પ્રક્રિયા છે. આ બે જીવોને એ રીતે જોડવાની પ્રક્રિયા છે કે ઓછામાં ઓછો થોડો અંશ એવો હોય કે જેમાં તેઓ કોણ છે એ ઓળખ ના રહે - આ સારું છે કેમ કે તેઓ થોડા પ્રમાણમાં એકતાનો અનુભવ કરે. આપણે એવી આશા રાખીએ કે આનો તેઓ મોટા પ્રમાણમાં એકતાના અનુભવ માટે સીડી તરીકે ઉપયોગ કરે. તેઓ આવું કરશે કે નહિ તે અલગ બાબત છે.
જેઓ આવું કરે તેમના માટે આ એક બહુ સુંદર વસ્તુ હશે કેમ કે બે જીવોને સાથે લાવવા અને એક હોવાનો અનુભવ કરાવવો એ તેમના જીવનની મોટી સાધના બની શકે. આ તમારા જીવનમાં અમુક ફાળો આપશે અને સુંદરતા લાવશે.
જેઓ આ પ્રક્રિયાના સાક્ષી બને તેમના માટે પણ આપણે અત્યારે કરીએ છીએ તેના કરતા આ ઘણી પ્રબળ રીતે કરી શકાય. છૂટાછેડા, મૃત્યુ અને રોગોની ટકાવારીને કારણે આપણે એટલી પ્રબળ રીતે નથી કરી રહ્યા. આપણે ખરેખર ઘણું મજબૂત જોડાણ કરી શકીએ અથવા ઘણું વધુ એકબીજા વચ્ચે વહેચાયેલું હોય તેવું કરી શકીએ. તમારે સામાજિક વાસ્તવિકતાને ધ્યાનમાં લેવી પડે. છતાંપણ, ભલે ગમે તેટલા છૂટાછેડા થાય, ભલે ગમે તેટલા લોકો કહે કે, "લગ્નની એક અંતિમ તિથિ હોય છે." જ્યારે કોઈ એવી એકતા થાય જે શારીરિક અને માનસિક સાથથી પરે છે ત્યારે તેની આસપાસ અમુક સુંદર ઉર્જા રહેલી હોય છે.
જેઓ સાક્ષી બન્યા છે તેઓને થોડું મધ જે બહાર છલકાયું હોય એ ચાખવા મળ્યું છે. ઉદાહરણ તરીકે ભાવ સ્પંદના કાર્યક્રમમાં અમુક લોકોએ કશું અનુભવ્યું ના હોય તો પણ કોઈ બીજાને અમુક ચોક્કસ પ્રકારની સ્થિતિમાં જોવાથી ઘણો ફાયદો થાય છે - માત્ર એટલા માટે કે તમે કોઈ બીજાને એક થતા જોયા. તમને જાણ નથી કે તેઓ શાની સાથે એક થઈ રહ્યા છે, પણ કોઈ રીતે તેઓએ તેમની સીમા ફરીથી અંકિત કરી છે જેથી સીમા હવે થોડી મોટી છે. જ્યારે આ પ્રક્રિયા થઈ રહી હોય ત્યારે જેઓ તેના સાક્ષી બને તેમને પણ ઘણો ફાયદો થાય છે.
વિવાહમાં સમાન વસ્તુઓ થઇ રહી છે પરંતુ નાના પાયે. આપણે તેને મોટા પાયે કરી શકીએ પરંતુ તો પછી આપણે વિવિધ પરિણામોનો સામનો કરવો પડે કારણ કે લોકોને ૨૦, ૩૦, ૪૦, ૫૦ વર્ષ જીવવાનું છે. જ્યારે લોકો એક એક ક્ષણનો હિસાબ રાખી રહ્યા હોય ત્યારે ૫૦ વર્ષ કેદ જેવા લાગે છે, તેઓ તે વિશે વિચારી પણ શકતા નથી. ઘણા બધા લોકો લગ્નથી દૂર ખસી જાય એવું કહી ને "હેં, મારુ આખું જીવન!" જૂની પેઢીઓ બહુ સરળતાથી કેહતી, "મૃત્યુ સુધીનો સાથ." મને નથી લાગતું કે કોઈ પાદરી હવે એવું કહી રહ્યો હોય, તે એવી હિમ્મત નહિ કરે!
સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને આપણે વિવાહનું અમુક હદ સુધી મૂલ્યાંકન કરેલું છે - સમાજની અપેક્ષાથી એક પગલું વધારે. પરંતુ જો તમે તેનાથી વધુ આગળ વધો તો તે સારું નથી.
શું લગ્ન માટે જન્મકુંડળી મેળવવી મહત્વની છે?
પ્રશ્નકર્તા: સદ્ગુરુ હું જ્યોતિષશાસ્ત્રનું સત્ય જાણવા માંગુ છું. તેઓ કહે છે કે આ એક વિજ્ઞાન છે પરંતુ જ્યારે કોઈને લગ્ન માટે જન્મકુંડળી મેળવવી પડે અથવા એક માંગલિક યુવતીને યુવક સાથે લગ્ન કરતા પહેલા એક વૃક્ષ સાથે લગ્ન કરવા પડે, ત્યારે મને આ થોડું વિચિત્ર લાગે છે.
સદ્ગુરુ: જ્યારે જન્મકુંડળી મેળવવામાં આવે ત્યારે ગ્રહો કદાચ મળી જાય પરંતુ આ બંને મૂર્ખાઓને તમે કઈ રીતે મેળવશો? તે શક્ય નથી. આ બંને મૂર્ખાઓને કોઈ મેળવી ના શકે. માત્ર જો તેઓ એકબીજાની જવાબદારી લે, જો તેઓ સમાવેશની ભાવના દર્શાવે અને તેમના જીવનનું એકબીજામાં રોકાણ કરે તો કશું અદભુત થઈ શકે. નહીંતર તમે તેમને કેવી રીતે મેળવો તેનું મહત્વ નથી, તે સંબંધ કામ નહિ કરે. આ કારણે મોટાભાગના લોકો માટે બધા પ્રેમ સંબંધો અને લગ્નો થોડા સમય માટે જ સુંદર રહે છે. આ પછી સંબંધમાં ખાલી ચિંતા અને સતત ઘર્ષણ રહે છે કેમ કે લોકો એક બીજાને મેળવવાની કોશિશ કરી રહ્યા છે. તમે લોકોને મેળવી ના શકો. કોઈ બે મનુષ્યો સરખા નથી. આ તે રીતે કામ નહિ કરે. વાત ખાલી એટલી જ છે કે જો તમે બીજા વ્યક્તિની સુખાકારીને તમારી સુખાકારી કરતા વધુ મહત્વ આપો, તો તમે જોશો કે બધું સરખી રીતે ચાલે છે.
જો તમારા જીવનમાં તમે બીજામાંથી સુખ શોધો છો તો તમે જોશો કે થોડા સમય પછી તમારા જીવનમાં કડવાશ આવી જશે. જો તમે જીવનમાં તમારો આનંદ વહેંચી રહ્યા છો તો બધું સારી રીતે ચાલશે. ગ્રહો શું કહે તેનું મહત્વ નથી. ગ્રહોને જે કહેવું હોય તે કહે પરંતુ એકવાર તમે મનુષ્ય તરીકે જન્મ્યા પછી તમારે આ જીવનનું નિર્માણ કરવાનું છે. આ પૃથ્વી પરનું એક જ પ્રાણી એવું છે જે પોતાના જીવનની રચના પોતાની રીતે કરી શકે છે. જો તમે તે છોડીને ગ્રહો અને તારાઓ જેવી નિર્જિવ વસ્તુઓને તમારું ભવિષ્ય નક્કી કરવા દો છો તો તે જીવવાની એક દુઃખદ રીત છે. મહેરબાની કરીને તમારું જીવન તમારા હાથમાં લો.
કોઈક ત્રીજી વ્યક્તિ જેને તમે ઓળખતા પણ નથી તે તમને કહેશે કે તમે તમારા પતિ કે તમારી પત્ની સાથે સુખપૂર્વક રહેશો કે નહિ, આ કેટલી મૂર્ખતાપૂર્ણ વાત છે? આ કેટલી અભદ્ર વાત છે? તમે ક્યાં પ્રકારના મૂર્ખ સાથે લગ્ન કરો તેનું મહત્વ નથી, તમે જવાબદારી લો કે તમે સારી રીતે જીવશો અને તે જ એક માત્ર રસ્તો છે સારી રીતે જીવવાનો.
સફળ લગ્ન જીવનની ચાવીઓ
૧) બે પ્રેમથી ભરેલા હૃદયોનું મળવું
અંગ્રેજી કહેવત, "ફોલિંગ ઈન લવ એટલે કે પ્રેમ માં પડવું" અર્થપૂર્ણ છે તમે પ્રેમમાં ઉપર નથી ઉઠતા, તમે પ્રેમમાં ઉડતા નથી, તમે પ્રેમમાં ચાલતા નથી, તમે પ્રેમમાં ઉભા નથી રહેતા. તમે પ્રેમમાં પડો છો, કારણકે તમે જે છો તેમાનું કશુંક છૂટવું જોઈએ. મૂળભૂત રીતે આનો મતલબ છે કે કોઈક બીજું તમારા પોતાના કરતા ઘણું વધારે મહત્વનું છે. જો તમારા માટે પોતાનું મહત્વ બહુ વધુ નથી તો જ તમે પ્રેમ કરી શકો. જ્યારે તમારા "હું" નું પતન થાય ત્યારે પ્રેમનો એક ગહન અનુભવ શક્ય બને છે.
૨) બીજા વ્યક્તિ પ્રત્યેની સમજણ કેળવો
કોઈ સાથેના સંબંધમાં જેટલી ઘનિષ્ટતા વધુ તેટલી તમારે તેમને સમજવામાં વધુ મહેનત કરવી જોઈએ. કોઈ તમારા માટે વધુ ઘનિષ્ટ અને વહાલું ત્યારે જ બને છે જ્યારે તમે તેમને વધુ સારી રીતે સમજો. જો તેઓ તમને સમજે તો તેઓ સંબંધની ઘનિષ્ટતાનો આનંદ માણશે. જો તમે તેમને વધુ સારી રીતે સમજો તો તમે સંબંધની ઘનિષ્ટતાનો આનંદ માણશો. જો તમે એવી અપેક્ષા રાખો કે બીજી વ્યક્તિ હંમેશા તમને સમજે અને તમને અનુરૂપ થઈને રહે તથા તમે તેમની મર્યાદા, શક્યતા, જરૂરિયાતો અને ક્ષમતાને ના સમજો તો પછી ઘર્ષણ થતું જ રહેશે.
બધામાં હકારાત્મક અને નકારાત્મક પાસાઓ રહેલા હોય છે. જો તમારી સમજણથી તમે આ બધાનો સ્વીકાર કરો તો તમે સંબંધને જે રીતે ઈચ્છો તે રીતે કેળવી શકો. જો તેને તમે તેમની સમજણ પર છોડો, તો તે પછી આકસ્મિક બની જશે. જો તેઓ બહુ ઉદાર છે તો તમારી સાથે સારું થશે. નહીંતર, સંબંધ તૂટી જશે. એવું નથી કે બીજી વ્યક્તિ સાવ સમજણ વગરની છે. તમારી સમજણથી તમે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકો જેમાં બીજી વ્યક્તિ તમને સારી રીતે સમજી શકે.
૩) તેના માટે થોડો શ્રમ કરો
લગ્ન કોઈ નિયત વસ્તુ નથી જે તમે એકવાર કર્યા પછી ભૂલી જાવ. આ એક સક્રિય ભાગીદારી છે. બે અલગ વ્યક્તિએ કોઈ એક હેતુ માટે ભેગું થવાનું અને સાથે જીવન નિર્માણ કરવાનું, આનંદપૂર્વક જીવવાનું અને એકમેકની સુખાકારી વધારવાનું નક્કી કર્યું છે. બે મનુષ્યો પોતાના જીવનને એકબીજામાં ગુથી રહ્યા છે, આ પ્રક્રિયામાં એક પ્રકારનું સૌંદર્ય છે.
ભારતીય સંસ્કૃતિમાં, લગ્નને દર વર્ષે ફરીથી તાજા કરવામાં આવતા માત્ર તમને યાદ અપાવવા માટે કે તમે શા માટે ભેગા થયા છો. તે દિવસે આ લગ્ન જાણે તાજા લગ્ન છે. નહીંતર, તમે એવું વિચારો કે તમે લગ્નમાં હંમેશા માટે ફસાઈ ગયા છે. ના. તમે સજાગ રીતે સાથે ભેગા થયા, અને તમારે તેનું આચરણ પણ સજાગ રીતે કરવાનું છે.
૪) લગ્નને આનંદરૂપી હૂંફ આપો
સંબંધોની સુંદરતા માટે અત્યંત જરૂરી છે કે એક મનુષ્ય બીજા વ્યક્તિ તરફ જોતા પહેલા અંદરની તરફ વળીને પોતાને ઊંડાણપૂર્વક જુએ. જો તમે પોતાના માટે પોતે જ આનંદનો એક સ્ત્રોત બનો અને તમારા સંબંધો આ આનંદ વહેંચવાનો એક રસ્તો હોય તો તમારો બધા સાથે સંબંધ અદભુત હશે. જો તમે તમારો આનંદ વહેંચતા હોવ તો શું દુનિયામાં કોઈ એવું છે જેને તમારી સાથે વાંધો હોય? ના. જો તમે બીજા મનુષ્યના સાથની ગહનતાનો અનુભવ કરવા માંગતા હોવ તો તમારા લગ્ન ક્યારેય તમારા વિશે ના હોવા જોઈએ - તે બીજા વ્યક્તિ વિશે હોવા જોઈએ. જો તમે બંને આ રીતે વિચારો તો તમારા લગ્ન એક ગોઠવણ નહિ પરંતુ સંગમ બનશે..
૫) તેને એકબીજાને અર્પિત કરો
જો તમારા લગ્ન બીજા વ્યક્તિમાંથી સુખ શોષવા માટેની અપેક્ષાનું પોટલું માત્ર છે, અને તમે બીજા વ્યક્તિ પાસે તમારા માટે સ્વર્ગના નિર્માણની આશા રાખો છે તો તમે નિરાશ થશો. તેઓ કહે છે કે લગ્ન સ્વર્ગમાં બને છે. આવું એટલા માટે કહે છે કે મોટા ભાગના લોકો એ તેમના લગ્નને નર્ક સમાન બનાવી નાખ્યા છે! જો તમારો સંબંધ કોઈકમાંથી કશુંક શોષવા માટે છે, તો તમે ગમે તેટલી ગોઠવણી કરો, હંમેશા સંઘર્ષ રહેશે. પરંતુ જો તમારો સંબંધ બીજી વ્યક્તિને સમર્પિત હશે તો બધું જ જબરદસ્ત રહેશે.