Mahabharat All Episodes

 

સદ્‍ગુરુ: કુંતીએ એક સ્થાનિક નિષાદ (જાતિ) સ્ત્રી, જેને પાંચ પુત્રો હતા તેની સાથે દોસ્તી કરી, તેમને વારંવાર મહેલમાં નિમંત્રણ આપીને બોલાવ્યા, સારી રીતે ભોજન કરાવ્યું અને તેના પુત્રોની કાળજી પણ કરી. એક રાત્રે, કુંતીએ તેમનાં પીણામાં ઘેન ભેળવી દીધું - નિશાદ સ્ત્રી, તેનાં પાંચ પુત્રો અને કૌરવોએ મોકલેલો જાસૂસ.  મહેમાનો ઘેનમાં પડી ગયા પછી કુંતી અને પાંચ પાંડવો સુરંગ દ્વારા બહાર નીકળી ગયા અને મહેલને આગ ચાંપી દીધી. જાસૂસ, નિષાદ સ્ત્રી અને તેના પાંચ પુત્રો મહેલની અંદર સળગીને મૃત્યુ પામ્યા.

જયારે મહેલ સળગી ગયો અને તે લોકો છુપી રીતે નાસી છૂટયા, સમગ્ર શહેર પાંડવોના કથિત મૃત્યુનો શોક મનાવવા માટે એકઠું થયું.

વિદુરે મોકલેલ લોકોએ પાંડવોને છટકવામાં મદદ કરી. મહાભારતમાં તેનું અભૂતપૂર્વ વર્ણન છે જેમાં લખ્યું છે, "તેઓ એક નાવમાં ગયા જેમાં નાવિક રાહ જોઈને બેઠો હતો. ભીમ હલેસું શોધી રહ્યો હતો, પણ ત્યાં હતું નહીં, નાવિકે અમુક લીવરનો ઉપયોગ કર્યો અને હોડી થોડો અવાજ કરતી નદીમાં આગળ વધી ગઈ." તે લોકો સાનંદ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેઓ સમજી ન શક્યા કે આવું હકીકતમાં થઈ રહ્યું છે કે તેઓ મૃત્યુ પામ્યા છે અને આવો અનુભવ થાય છે.

આપણે નથી જાણતા કે આ તેમની પરીકલ્પના હતી કે હકીકત, તેમની પાસે ખરેખર આવી હોડી હતી કે, તેઓએ  બીજી કોઈ જગ્યાએથી લાવ્યા હતા કે પછી કોઈ પાસે આટલી બધી અગમ બુદ્ધિ હતી કે પાંચ હજાર વર્ષ પછી કોઈ આવી મોટરથી ચાલતી હોડી બનાવશે. જે પણ હશે - તેઓ સામે પ્રવાહે આગળ વધ્યા અને ત્યાંથી પછી ગાઢ જંગલોમાં દાખલ થઈ ગયા. જયારે મહેલ સળગી ગયો અને તે લોકો છુપી રીતે નાસી છૂટ્યા, સમગ્ર શહેર પાંડવોના કથિત મૃત્યુનો શોક મનાવવા માટે  એકઠું થયું. હસ્તિનાપુરમાં, ધૃતરાષ્ટ્રએ દુઃખી હોવાનું નાટક કર્યું. દુર્યોધને ત્રણ દિવસ  અન્નત્યાગનું નાટક કર્યું, પણ કોઈ ન જુએ ત્યારે તે ખાઈ લેતો.

દરેક જણ શોકગ્રસ્ત હતું, અને ખૂબ મોટા પાયે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. પાંડવો અને કુંતીએ તે વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે તે અકસ્માતે લાગેલી આગ જેવું પ્રતીત થાય. કૌરવો અને તેમના સાથીઓને અંદાજ આવ્યો જ નહીં કે તેમના વિરોધીઓ હજુ જીવિત છે. નિષાદ સ્ત્રી અને તેના પુત્રોના સળગી ગયેલા શરીર પરથી એવું જ લાગતું હતું કે કુંતી અને પાંડવો મૃત્યુ પામ્યા હતા. કનાકન, જેણે સુરંગ બનાવેલી, જ્યારે પેલી સ્ત્રી અને તેના પુત્રોના રાખ થઈ ગયેલા શરીર જોયા ત્યારે તે વિચારવા લાગ્યો કે કુંતી અને પાંડવો આ નિર્દોષ લોકોની હત્યાના દોષમાંથી ક્યારેય મુક્ત થઈ શકશે કે કેમ. કુંતીની સીધી અને ક્રૂર ગણતરી એવી હતી કે જો કૌરવો મૃતદેહોને નહીં જુએ તો સમજી જશે કે પાંડવો નાસી છૂટયા છે અને તે તેમની શોધ કરાવશે જ.  તેથી તેણે છ મૃતદેહોને ત્યાં છોડવા જ પડે અને તેને તેમ કરવાનો કોઈ વસવસો ન હતો.

ઘટોત્તકચનો જન્મ

તેઓ પોતાના સગડ ન મળે તે રીતે આગળ વધીને જંગલમાં એકાંત વાસ કરવા લાગ્યા. ત્યાં ઘણી ઘટનાઓ બની. એક ઉલ્લેખ કરવા યોગ્ય ઘટનામાં, એક દિવસ એક રાક્ષસે - એક જંગલી, નર સંહાર કરી ખાનાર પશુ જેવો માણસ, પાંચ પાંડવો અને તેમની માતાને જોયા અને તેઓને ખાઈ જવાની ઈચ્છા કરી. પરંતુ તેને બદલે તેની સાથે લડીને ભીમે તેને મારી નાખ્યો. અને તે રાક્ષસની બહેન હીડંબી, ભીમના પ્રેમમાં પડી ગઈ. તે જંગલમાં ઉછરી હતી. ભીમે તેને થોડી ઘણી સભ્યતા શીખવી. તેના વાળ કાપ્યા અને સુઘડ બનાવી. હીડંબી આકર્ષક દેખાવા લાગી. ભીમ પણ તેને પ્રેમ કરવા લાગ્યો અને તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. તેને હીડંબી માટે વાસના જાગી પરંતુ સંકોચ પણ થતો હતો કારણકે તેનો મોટો ભાઈ હજુ અપરણિત હતો.

હીડંબી ભીમ સાથે એક વર્ષ રહી અને તેને એક પુત્ર જન્મ્યો જેને માથે બિલકુલ વાળ ન હતા અને તેનું માથું ઘટ એટલે કે એક ઘડા જેવું હતું.

યુધિષ્ઠિરે ભીમને દોષમુક્ત કર્યો. તેણે કહ્યું, "હા, પરંપરા પ્રમાણે મોટા ભાઈના લગ્ન પહેલાં થવા જોઈએ, પરંતુ હૃદય એવી કોઈ પરંપરાને માનતું નથી અને આપણે હૃદયને માન આપીએ છીએ. તું હીડંબી સાથે લગ્ન કરી શકે છે." બીજા કોઈને તો તેની સાથે આમેય કોઈ નિસ્બત હતી નહીં. હીડંબી ભીમ સાથે એક વર્ષ રહી અને તેને એક પુત્ર જન્મ્યો જેને માથે બિલકુલ વાળ ન હતા અને તેનું માથું ઘટ એટલે કે એક ઘડા જેવું હતું. તેથી તેઓ તેમને ઘટોતગચ કહેતા, ઘટ જેવા માથા વાળો. તે એક મહાકાય બાળક હતો. પછી તે યુદ્ધમાં ઘણો મહત્વનો પુરવાર થયો, કેમ કે મોટો થઈને તે એક અતિ શકિતશાળી યોદ્ધા બન્યો.

કુંતીએ જોયું કે ભીમ ઘણો ગૃહસ્થ બની રહ્યો હતો. તે જાણતી હતી કે જો તે પત્ની સાથે વધુ લાંબા સમય સુધી રહેશે, તો એક સમય એવો આવશે કે ભાઇઓ વિખૂટા પડી જશે. જો ભાઈઓ વિખૂટા પડી જશે, તો રાજ્ય ક્યારેય નહીં મળે. તેણે કડકાઈ વાપરી અને કહ્યું, "તું આ રાક્ષસ સ્ત્રી સાથે વધુ ન રહી શકે. તે આર્ય નથી." તે પાંડવોને લઈને જંગલમાંથી એક નાના નગરમાં આવીને રહી, જેનું નામ એકચક્રા હતું.

રાક્ષસો અને ગંધર્વો

જ્યારે પાંડવો અને કુંતી એકચક્રા નગરમાં રહી રહ્યા હતા, ત્યારે બકાસુર નામનો એક નરભક્ષી રાક્ષસ આવીને તે નગરની નજીક રહેવા લાગ્યો. તેણે શહેરને ઉજાડવાનું શરૂ કર્યું. તે માણસ,પ્રાણીઓ કે જે કંઈ તેના હાથ માં આવે તેને પકડીને ખાઇ જતો.

પછી શહેરનાં આગેવાનોએ તેની સાથે એક સોદો કર્યો જેના અનુસાર એવું નક્કી થયું કે અઠવાડિયે એક વખત તેઓ તેને ગાડું ભરીને અનાજ, બે બળદ અને સાથે એક મનુષ્ય સામેથી જ મોકલી દેશે. તે રીતે તેને ખોરાક અને મીઠાઈ તરીકે માણસ મળી રહે. બદલામાં એવી સમજૂતી થઈ કે તે રાક્ષસ ક્યારેય નગરની અંદર દાખલ થઈને કોઈને રંજાડશે નહીં. નગરજનોએ એવું નક્કી કર્યું કે દર અઠવાડિયે એક પરિવાર ગાડું ભરીને ખાવાનું બનાવશે, પોતાના તરફથી બે બળદ જોડશે અને પરિવારના એક સભ્યનો ભોગ આપશે. પણ બકાસુરની ભૂખ હંમેશા અતૃપ્ત જ રહેતી. ભીમે સામેથી તેની પાસે જવાનું નક્કી કર્યું. ભીષણ લડાઈના અંતે ભીમે બકાસુરને હરાવ્યો અને તેનો અંત આણ્યો.

લક્ષાગૃહને સળગી ઊઠે એક વર્ષ જેટલો સમય પસાર ચૂક્યો હતો. પાંડવો સમજતા હતા કે તેમણે હવે છુપાવેશમાંથી બહાર આવી જવું જોઈએ.

લક્ષાગૃહને સળગી ઊઠે એક વર્ષ જેટલો સમય પસાર ચૂક્યો હતો. પાંડવો સમજતા હતા કે તેમણે હવે છુપાવેશ માંથી બહાર આવી જવું જોઈએ. તેમને મારી નાખવામાં આવે તો કોઈને શંકા ન જાય કારણ લોકોની જાણકારીમાં તો તેઓ મૃત જ હતા, તેથી તેમણે જાહેરમાં આવવાની યોજના ઘણી સાવધાની પૂર્વક ઘડવી પડે.

એક વખત તેઓ જંગલમાં હતા અને એક તળાવની નજીક આવ્યા. તેઓને તેમાંથી પાણી પીવું હતું, પરંતુ ત્યાં એક ગંધર્વ હતો, અંગારપર્ણ , જેનો દાવો હતો કે તે તળાવ તેનું હતું. તે જાણતો હતો કે અર્જુન મહાન બાણાવળી છે, પણ તેણે તેને દ્વંદ્વ યુદ્ધ માટે પડકાર્યો, એમ કહીને કે,"તારે મારા તળાવમાંથી પાણી પીતા પહેલાં મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું પડશે." ભીષણ લડાઈના અંતે ગાંધર્વ હાર્યો અને બેભાન થઈને ઢળી પડ્યો. અર્જુને, યોદ્ધા તરીકેનાં તેનાં ધર્મ અનુસાર, તેને મારી નાખવો પડે, કારણ કે કોઈને હરાવીને છોડી દેવો તે તેનું મોટું અપમાન ગણાય. કોઈ ક્ષત્રિય યુદ્ધમાં હારે પછી મોટે ભાગે જીવવા જ ન માંગે - તેવા જીવન કરતાં તો તે મૃત્યુ જ પસંદ કરે.

અર્જુન તેનો વધ કરવા જઈ જ રહ્યો હતો પણ અંગારપર્ણની પત્નીએ આવીને અર્જુનને કાકલૂદી કરી, "તે ક્ષત્રિય નથી. યુધ્ધ હાર્યા પછી જીવિત રહેવામાં તેને કોઈ ધર્મ નહીં નડે. હું તમને વિનંતી કરું છું કે તેને જીવિત રહેવાદો કારણ કે તેનો ધર્મ તમારો નથી અને તમારો ધર્મ તેનો નથી. તેથી તેને મારી નાખવો જરૂરી નથી." અર્જુને તેને જીવનદાન આપી દીધું. ગંધર્વ જ્યારે જાગૃત થયો, ત્યારે આભારવશ તેણે અર્જુનને ઘણી ભેટ આપી, જેમાં સો ઘોડા અને બીજી ઘણી કીમતી વસ્તુઓ હતી જેનું મૂલ્ય ક્ષત્રિયને મન મોટું
હોય છે, અને તેણે તેમને જ્ઞાનની સો વાર્તાઓ કહી. જેમાંથી આપણે એક મહત્વની વાર્તા જોઈશું જે ખાસ કરીને પાંડવોને તેમનાં ભવિષ્યમાં ઘણી ઉપયોગી થવાની હતી.

અંગારપર્ણની કથા

અંગારપર્ણએ શક્તિની કથા કહી, પ્રસિદ્ધ મુનિ વશિષ્ઠ, જેણે રામાયણ કાળમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમનો પુત્ર શક્તિ. શક્તિ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એક સ્થળે નદી પસાર કરવા માટે પુલ ઘણો  સાંકડો હતો. જ્યારે તેઓ પુલ ચડવાની તૈયારીમાં હતા ત્યારે તેમની નજર કલ્મસ્પદ નામના રાજા પર પડી જે પુલના સામે છેડેથી પુલ પર આવી ચુક્યા હતા. બેમાંથી એક  જણે રસ્તો આપવો પડે તેમ હતું. રાજાએ શક્તિને કહ્યું, "હું અહીં પ્રથમ આવ્યો છું. તમે મને જગ્યા આપો." શક્તિએ, જેનામાં તેનાં પિતા વશિષ્ઠ હોવાનો ખૂબ ગર્વ હતો, કહ્યું, "તું મને રસ્તો આપ. હું બ્રાહ્મણ છું - તારા કરતાં ચડિયાતો છું." અને શક્તિએ  કલ્મસ્પદ ને તે રાક્ષસ બની જાય તેવો શાપ આપ્યો. રાજા માણસ ખાઉં રાક્ષસ બની ગયો અને તરત તેણે શક્તિને ભરખી લીધો.

વશિષ્ઠ પોતાના પુત્રને ખોઈને ઘણા નિરાશ થયા, ખાસ કરીને એટલે કે તેમણે પોતે શકિતને શાપ કે વરદાન આપવા માટેની ક્ષમતા આપી હતી. શક્તિએ ખોટી વ્યક્તિને ખોટો શાપ આપ્યો, અને પરિણામે, પોતે  જ તેનો શિકાર બની ગયો.

શક્તિના પુત્ર, પરાશર, તેના દાદા વશિષ્ઠની દેખરેખ હેઠળ મોટો થયો. જ્યારે તેને ખબર પડી કે તેના પિતાની સાથે શું બન્યું હતું, કુમાર અવસ્થામાં આવેલા શકિતએ બદલો લેવાનું નક્કી કર્યું. તેણે એક એવો યજ્ઞ કરવા ધાર્યું જે પૃથ્વી પરની સમગ્ર માનવ ભક્ષી જાતિનો નાશ કરે. વશિષ્ઠે તેને આ વિચાર માંડી વાળવા કહ્યું: "તારા પિતાએ કોઈને શાપ આપ્યો અને શાપને કારણે તેનું ભક્ષણ થઈ ગયું. હવે જો તું બદલો લેવા કરશે તો આ બદલાનું અંતહીન ચક્ર ચાલ્યા જ કરશે. રાક્ષસોનો પીછો કરવાને બદલે તું તે કર જે તારે માટે મહત્વનું છે." પરાશરે વશિષ્ઠની સલાહ માની લીધી અને એક મહાન ઋષિ બન્યા જે વ્યાસનાં પિતા હતા, અને વ્યાસની સમગ્ર મહાભારતમાં અતિ મહત્વની ભૂમિકા છે. અંગારપર્ણએ પાંડવોને શક્તિની આ કથા એટલા માટે કહી કે તે તેઓના હૃદયમાં રહેલો ગુસ્સો અને બદલો લેવાની ભાવના જોઈ શકતો હતો.

પાંડવોની સાથે ઘણી વખત છળ થયું હતું, ઘણી વિવિધ રીતે થયું હતું. ખાસ કરીને તેમનાં જીવન પર ઘણા હુમલાઓ થયા હતા અને આ છેવટનો હુમલો તો સાવ નિર્લજજ રીતે પાંચેય ભાઈઓનું અને તેમની માતાનું  કાસળ એકસાથે કાઢવા માટે હતો -  પાંડવો ગુસ્સામાં અને  બદલો લેવા માટે તત્પર હતા. આ કથાનું સમાપન કરતા અંગારપર્ણએ સલાહ આપી, "તમારો સમય અને શક્તિ બદલો લેવામાં વેડફી ન નાખશો. તમે રાજા બની શકો છો, તેથી પહેલા એક પંડિત શોધો, લગ્ન કરી લો, જમીન સંપાદન કરી પોતાનું નગર ઉભુ કરો અને રાજા  બની જાઓ. બદલાની પાછળ ભાગશો નહીં."

આ વાર્તા સાંભળ્યા બાદ બદલો લેવાની બાબતમાં તેઓ થોડા વધુ વિચારશીલ થયા, પરંતુ તેમના દિલમાંથી તે ઈચ્છા નિર્મૂળ તો ન જ થઈ. પહેલાં તેઓએ પંડિતની શોધ આદરી. તેઓ ધૌમ્ય પાસે ગયા, દેવલા મુનિનો નાનો ભાઈ, જે નજીકના કોઈ આશ્રમમાં રહેતાં હતાં, અને તેમને પોતાના પરિવારના ધર્માચાર્ય બનવા વિનંતી કરી. દ્વાપરયુગ માં પરિવારમાં ધર્મગુરુ હોવા ખૂબ મહત્વના ગણાતા કારણ કે ત્યારે દરેક પ્રસંગે ઘણા શકિતશાળી યજ્ઞો કરવામાં આવતા. ધૌમ્યમાં તેમને એક નિપુણ અને શક્તિશાળી ધર્મગુરુ મળી ગયા, જેઓ તે ઘડી પછી હંમેશા તેમના પક્ષે હાજર રહ્યા.

દ્રુપદ અને દ્રોણ

પછી પાંડવોના સાંભળવામાં આવ્યું કે પાંચાલ નરેશ દ્રુપદે તેની દીકરીના સ્વયંવરની ઘોષણા કરી છે, જેનો અર્થ હતો કે રાજકુમારીને લાયક  ઉમેદવારો સ્વયંવર માટે ભેગા થશે અને તેમાંથી તે સ્વયં યોગ્ય ઉમેદવાર પસંદ કરશે. બાલ્યાવસ્થા માં  ભારદ્વાજ ઋષિ, દ્રોણનાં પિતાનાં ગુરુકુળમાં દ્રુપદ અને દ્રોણ સાથે શિક્ષણ લઈ રહ્યા હતા. દ્રુપદ અને દ્રોણ સારા મિત્રો બની ગયા. એક દિવસ, તેમની તેર વર્ષની ઉંમરમાં, દ્રુપદ અને દ્રોણે એકબીજાને વચન આપ્યું કે," જીવનમાં આપણને જે સંપત્તિ મળે, આપણે જે ધન કમાઈએ, તે એક બીજા સાથે વહેંચીશું."

દ્રોણનો પરિવાર એટલો ગરીબ હતો, કે તેમની પાસે ન તો જમીન હતી કે ન ગાય, અને નાના અશ્વસ્થામાએ કદી દૂધ જોયું સુદ્ધાં ન હતું.

વર્ષોની તાલીમ પછી, દ્રુપદ પાંચાલ દેશ પાછો ફર્યો, અને સમય આવતા રાજા થયો. દ્રોણ પોતાના જીવન માં આગળ વધ્યા અને કૃપી, કૃપાચાર્યની બહેનને પરણ્યા. તેમને એક પુત્ર થયો જેનું નામ અશ્વત્થામા રાખ્યું, કારણ કે તેના જન્મ સમયે તે એક ઘોડાની જેમ હસ્યો હતો. અશ્વનો અર્થ ઘોડો, તેથી તે  અશ્વત્થામા- જે ઘોડાની જેમ હસતો કે ઘોડાની જેમ પોતાને અભિવ્યક્ત કરતો.

તે સમયના પશુપાલન કરતા સમાજમાં દૂધ મુખ્ય ખોરાક રહેતો. પણ દ્રોણનો પરિવાર એટલો ગરીબ હતો, કે તેમની પાસે ન તો જમીન હતી કે ન ગાય, અને નાના અશ્વસ્થામાએ કદી દૂધ  જોયું સુદ્ધાં ન હતું. એક વખત તે શહેરમાં ગયો ત્યારે તેણે બીજા બાળકોને દૂધ પીતા  જોયા અને તેમને પૂછ્યું કે તેઓ શું પીએ છે. તેમને ખ્યાલ આવી ગયો કે અશ્વત્થામાએ ક્યારેય દૂધ જોયું નથી તેથી તેમણે પાણીમાં ચોખાનો લોટ ભેળવીને તેને પીવડાવ્યો. તેણે ખુશીથી તે પી લીધું, એમ સમજીને કે તેણે દૂધ પીધું.

બીજા બાળકોએ તેની મજાક ઉડાવી, કેમ કે તેને દૂધ કેવું હોય તેની પણ જાણકારી નથી. દ્રોણને જ્યારે આ બાબતની ખબર પડી, તે ખૂબ ગુસ્સે ભરાયા અને મરણિયા થઈ ગયા. પછી તેને યાદ આવ્યું, કે તેનો મિત્ર દ્રુપદ, જે હવે રાજા હતો, તેણે વચન આપ્યું હતું કે તે, દ્રોણ સાથે બધું વહેંચશે. તેણે દ્રુપદનાં દરબારમાં જઈને કહ્યું, "તને યાદ હશે કે આપણે એકમેકને વચન આપ્યું હતું કે આપણે બધી વસ્તુ વહેંચીશું. તારે મને તારું અડધું રાજ્ય આપવું જોઈએ."

તે વચનને આપ્યે ઘણા વર્ષો વ્યતીત થઈ ચૂક્યા હતા. દ્રુપદે દ્રોણ સામે જોયું અને કહ્યું, "તું એક ગરીબ બ્રાહ્મણ છે. તારા પુત્રના થયેલા અપમાનને કારણે તું ઉત્તેજિત થઈ ગયો છે. હું તને એક ગાય આપુ છું તે તું લઈ જા. જો તને વધુ જોઈએ તો હું તને બે ગાય આપુ. પણ બ્રાહ્મણ થઈને તું આવીને મારી પાસે મારા અડધા રાજ્યની માંગણી કંઈ રીતે કરી શકે?" દ્રોણે કહ્યું, "હું તારી પાસે ગાયને માટે થઈને અડધું રાજ્ય નથી માંગી રહ્યો. મને તારૂ દાન નથી ખપતું. હું અહીં આવ્યો છું કારણ કે આપણે મિત્રો છીએ." પછી દ્રુપદે કહ્યું," મિત્રતા સમાન વ્યક્તિઓ વચ્ચે હોય. એક રાજા અને એક ભિખારી મિત્રો ન હોઇ શકે. તું માત્ર દાન લઈ શકે. જો તું ઇચ્છે તો તું ગાય લઈ જઈ શકે છે - નહીં તો તું જઈ શકે છે." ગુસ્સાથી સળગી ઊઠેલા દ્રોણ બદલો લેવાનાં સોગંદ ખાઈને દ્રુપદનો દરબાર છોડી ગયા.

ક્રમશ:...

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower September 2016. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.