મહાભારત ધારાવાહિકના બધા અંક

હમણાં સુધી શું થયું: યુદ્ધ પછી પાંડવો હસ્તિનાપુર પાછા ફરે છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળે છે, જ્યાં તેઓ યુધિષ્ઠિર અને ભીમને મારવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે, ત્યાર પછી તેઓ વનવાસમાં જતા રહે છે, જ્યાં જંગલના દવથી તેમનું મૃત્યુ થાય છે.

ગાંધારીનો શ્રાપ

સદ્‍ગુરુ: કૃષ્ણ યાદવો - સાત્યકિ, ઉદ્ધવ અને કૃતવર્મા સાથે દ્વારકા પાછા ફર્યા. તેમણે તે રાજ્યનો ઘણો વિકાસ કર્યો. યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે ગાંધારીએ દૂર્દાસને યુધિષ્ઠિર સમજીને સળગાવી દીધા પછી જ્યારે તે મહેલ છોડીને જઈ રહી હતી ત્યારે તેણે  કૃષ્ણને કહ્યું, “આ સમગ્ર પરિસ્થિતિ માટે વાસતવમાં અપરાધી તમે છો. તમે કોઈ પણ ક્ષણે શાંતિ સ્થાપી શકતા હતા. તમે આ પિત્રાઈ ભાઈઓ વચ્ચેની શત્રુતા દૂર કરી શકતા હતા. તેને બદલે તમે પાંડવોનો પક્ષ લીધો અને એ નિર્ધારિત કર્યું કે, આજે મારા બધા પુત્રો મૃત્યુ પામે. તમારા યાદવો પણ આ જ પ્રમાણ અંત પામશે. તેઓ અંદર અંદર લડીને અને મૃત્યુ પામશે અને તમે, ઈશ્વર ગણાઓ છો અને તમારી પૂજા થાય છે, છતાં સાવ સામાન્ય માણસની જેમ મૃત્યુ પામશો. તમને મૃત્યુની એવી પ્રસિદ્ધિ ન મળે જેવી મારા પુત્રોને યુદ્ધના મેદાનમાં લડીને મૃત્યુ પામવાથી મળી. તમારે સામાન્ય માણસની જેમ મરવું પડશે અને યાદવો અંદર અંદર લડીને વિનાશ પામશે જેમ કુરુઓ નાશ પામ્યા.” 

“તમને મૃત્યુની એવી પ્રસિદ્ધિ નહિ મળે જેવી મારા પુત્રોને યુદ્ધના મેદાનમાં લડીને મૃત્યુ પામવાનાથી મળી. તમે સામાન્ય માણસની જેમ મૃત્યુ પામશો.”

કૃષ્ણ મલકાયા અને બોલ્યા, “માતા, તમે જે કહો છો તે તો લખાયેલું જ છે કારણ કે, યાદવો જો એક બીજાને નહિ મારે તો તેમને કોણ મારી શકે તેમ છે? યાદવોને દુનિયામાં બીજું કોઈ મારી શકે તેમ નથી, માટે તેમ થવા દો અને હું કઈ રીતે દુનિયામાંથી જાઉં છું તેનાથી મને ફરક નથી પડતો કારણ કે, હું તો જાણું જ છું કે, મારે કઈ રીતે જવું. મારી નિયતિની ચિંતા ન કરો. તમારી નિયતિ ઉપર ધ્યાન આપો." 

અધોગતિ શ્રાપ બની ગઈ

યાદવોની સમૃદ્ધિ વધવા લાગી અને સમૃદ્ધિ વધતાં તેમણે મદિરાપાન શરૂ કરી દીધું. એવું કહેવાય છે કે, દ્વારકામાં રોજ રાત્રે ઉજાણીઓ થતી. તેઓ તેમની નૈતિકતા ભૂલી ગયા હતા. સમૃદ્ધિ એટલી વધી કે, તેઓ સંપૂર્ણપણે વિસરી ગયા કે કઈ રીતે કૃષ્ણ તેમને મથુરાથી દ્વારકા લઈ આવ્યા હતા અને કેટલી હાડમારીઓ પછી તેઓએ નદર વસાવ્યું હતું. ખાસ કરીને યાદવોની નવી પેઢી સાવ ભાન ભૂલી ગઈ હતી.

“તારામાં એટલો અવિવેક છે કે તું અમારી પાસે આવે છે, અમારી જીવનશૈલીમાં ખલેલ પાડીને અમને મૂર્ખ બનાવે છે? તું એક લોખંડની ગદાને જન્મ આપશે અને તે ગદા તારી સાથે તારી સમગ્ર ભ્રષ્ટ જાતિનો અંત લાવશે.”

એક દિવસ, કેટલાક ઋષિઓ શહેરમાં પધાર્યા. કૃષ્ણનો પુત્ર સાંબ ગર્ભવતી સ્ત્રીનો વેશ લઈને તેના કેટલાક મિત્રો સાથે તે ઋષિઓ પાસે ગયો અને પૂછ્યું, “મને કહો કે મને પુત્ર અવતરશે કે પુત્રી?” ઋષિઓએ તેની સામે જોયું અને કહ્યું, “તારામાં એટલો અવિવેક છે કે, તું અમારી પાસે આવે છે, અમારી જીવનશૈલીમાં ખલેલ પાડીને અમને મૂર્ખ બનાવે છે? તું એક લોખંડની ગદાને જન્મ આપશે અને તે ગદા તારી સાથે તારી સમગ્ર ભ્રષ્ટ જાતિનો અંત લાવશે.” તેથી સાંબે લોખંડની ગદાને જન્મ આપ્યો. તે પોતાના કુળનો વિનાશ કરશે તેવા ભયથી તેને દરિયાકાંઠે લઈ જઈને તેને ભાંગીને તેનો ભુકો કરી નાખ્યો અને દરિયામાં વહાવી દીધી, સિવાય કે એક છેલ્લો ટુકડો, જેનો તે ભૂકો કરી ન શક્યો અને તેને ત્યાં જ છોડી ગયો. એક શિકારી ત્યાંથી પસાર થયો, તેણે લોખંડના આ ધારદાર ટુકડાને જોયો અને વિચાર્યું કે, તેના વડે તીરનો અણિયાળો ભાગ સારો બનશે, તેથી તે તેને પોતાની સાથે લઈ ગયો. સાંબે ગદાની જે કરચો દરિયામાં વહાવી દીધી હતી તે દરિયાએ પાછી કિનારા પર ફેંકી અને તે ત્યાં જે જંગલી ઘાસ ઊગતું હતું ત્યાં વેરાઈ. 

બડાઈ મારવાથી લઈને જાતનો વિનાશ કરવા સુધી 

યાદવોની પ્રમાદી જીવનશૈલી ચાલુ રહી. તેઓ રોજ દારૂ પીતા. લોકો જ્યારે દારૂ પીએ ત્યારે તેઓ વારંવાર એકની એક જ વાત કર્યા કરે. તેઓ જ્યારે દારૂના મદમાં હોતા ત્યારે વાતનો વિષય હંમેશા કુરુક્ષેત્રના યુદ્ધનો રહેતો. “મેં તેને કેવી રીતે માર્યો.” અથવા, “તું જાણે છે, મેં તેની સાથે શું કર્યું હતું?” - આ જ બધી વીરતાનીની વાતો અને બડાઈ મારવાનું ચાલ્યા કરતું - એક જણ કરતા બીજાની વાર્તા ચઢિયાતી. શરીરમાં જેમ જેમ નશાનું પ્રમાણ વધતું જાય તેમ તેમ વાર્તાઓ લાંબી થતી જાય. તેઓ દરેક વખતે એકની એક વાહિયાત વાતો કરતા રહેતા. તે માત્ર તેમને જ સમજાતું કારણ કે, તેઓ પોતાની સમજ ખૂઈ બેઠા હતા.

તેઓ ફરી એક વખત કુરુક્ષેત્રના યુદ્ધની વાત લઈને બેઠા. વધુ પડતી બડાઈ મારવાની લ્હાયમાં સાત્યકિએ કૃતવર્મા પર આક્ષેપ મૂક્યો, “તું અમારી વિરુદ્ધ કૌરવોના પક્ષે લડ્યો. તું કાયર છે, તેથી જ યુદ્ધમાં જીવિત રહ્યો. નહિ તો મેં જ તારું માથું વાઢી નાખ્યું હોત.” “હું જાણું છું, તું કોનું માથું કાપી શક્યો હતો - એક વૃદ્ધ પુરુષ, જેનો લડવા માટે જરૂરી હાથ કપાઈ ગયો હતો. અને તું પોતાને યોદ્ધો ગણાવે છે." આ શરૂઆતની વાતો પછી દલીલબાજીમાં પરિણમી, પછી બોલાચાલી, મારામારી અને છેવટે યુદ્ધ થયું. આવું બની શકે તેવા પૂર્વાભાસથી કૃષ્ણ અને બલરામે યાદવોના શસ્ત્રો જપ્ત કરી લીધા હતા. નગરમાં કોઈ શાસ્ત્રો હતા નહિ. નહિ તો, જે રીતે આ લોકો લડતા હતા, તેમણે પોતાની તલવારો અને તીર-કમાન ક્યારના ઉપાડી લીધા હોત.

હવે તેમણે એકમેક ને હાથેથી અને લાકડીઓથી મારવાનું શરુ કર્યું. જ્યારે તે પૂરતું નહોતું ત્યારે તેમણે દરિયાની નજીક ઊગેલું જંગલી ઘાસ ખેંચીને લડવાનું ચાલુ રાખ્યું અને આ નિંદામણમાં લોખંડના એ ટુકડાઓ હતા જેને સાંબે ભાંગીને દરિયામાં વહાવી દીધા હતા. કહેવાય છે કે, તે ઘાસ લોખંડ જેટલું જ સખત હતું. આ ઘાસની મદદથી યાદવોએ એકબીજાને ઘાયલ કર્યા અને મારી નાખ્યા. એક રીતે આંતરવિગ્રહ થયો જેમાં યાદવોએ એકમેકની હત્યા કરી. મુઠ્ઠીભર લોકો જ બચ્યા. 

બલરામ અને કૃષ્ણનું મૃત્યુ

મહાન દ્વારકા નગરી વિધવાઓ, માતાઓ, બાળકોના આક્રંદથી ધ્રુજી ઊઠી કારણ કે, એકમેકને મારવામાં લગભગ બધા યાદવ પુરુષો મરી ગયા હતા. આ જોઈને બલરામ અતિશય હતાશ થઈ ગયા અને તેમણે દેહત્યાગ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે તેમણે દેહ છોડ્યો ત્યારે તેઓ એક મોટા નાગમાં ફેરવાઈ ગયા. કહેવાય છે કે તેઓ આદિ-શેષનાગ બની ગયા, જેની ઉપર વિષ્ણુ વિરામ કરે છે. કૃષ્ણએ જ્યારે જાણ્યું કે કઈ રીતે તેમના પુત્રો પ્રદ્યુમ્ન, સાંબ અને બીજાઓએ લડાઈમાં યોગદાન આપ્યું હતું. તેઓ થોડા દુઃખી થયા, પણ પછી સ્મિત કર્યું. બધું જ લેખ પ્રમાણે થઈ રહ્યું હતું, જેમ થવું જોઈએ.

તેઓ જઈને વડના ઝાડ નીચે તેમનો પગ બહાર તરફ રાખીને બેઠા અને તેમણે પગ હલાવવાનું શરુ કર્યું. એક શિકારી, જે જંગલમાં શિકાર શોધી રહ્યો હતો, તેણે ઝાડીઓ પાછળથી આ હલનચલન જોયું. તેને લાગ્યું કે, તે હરણ છે અને તેણે તીર છોડ્યું. આ તીર કૃષ્ણને એડીમાં વાગ્યું. આ એ તીર હતું જેનો આગળનો ભાગ એ ધારદાર અણીવાળો ટુકડો, જે સાંબે દરિયાકિનારે છોડી દીધો હતો અને શિકારીએ ઉપાડી લીધો હતો તેમાંથી બન્યો હતો. એડીમાં તીર વાગવાથી જે આઘાત લાગ્યો તેનાથી શરૂઆતમાં કૃષ્ણ જરા લથડાયા, પછી તેમણે સ્મિત કર્યું અને આંખો મીંચી દીધી. કૃષ્ણએ શરીર ત્યાગી દીધું.

અર્જુન: અંતિમ હાર

અર્જુને જેવા આ આઘાતજનક સમાચાર સાંભળ્યા તેવો તરત જ ભાગીને તે હસ્તિનાપુર થી દ્વારકા દોડી ગયો. ત્યાં માત્ર સ્ત્રીઓ, બાળકો અને થોડા વૃદ્ધ પુરુષોને જોઈને તેણે વિચાર્યું કે આ લોકોને પોતાની સાથે હસ્તિનાપુર લઈ જવા જ શ્રેષ્ઠ રહેશે. તેઓ હસ્તિનાપુર જવા નીકળ્યા, રસ્તામાં તેમની ઉપર ડાકુઓએ હુમલો કર્યો, તેમણે તેમની પાસે જે હતું તે બધું લૂંટી લીધું તેમજ યુવાન સ્ત્રીઓ તથા બાળકોનું અપહરણ કર્યું. અર્જુન, જે મહાન યોદ્ધો હતો, તેણે તેમની સાથે લડવા પોતાનું ગાંડીવ ઉપાડ્યું, અને અચાનક તેને ભાન થયું કે, તે સાવ નિષ્ફળ જઈ રહ્યો હતો.

અર્જુન હવે પહેલા જેવો મહાન યોદ્ધો અને બાણાવળી રહ્યો ન હતો.

અર્જુન હવે પહેલા જેવો મહાન યોદ્ધો અને બાણાવળી રહ્યો ન હતો. તે યાદવ સ્ત્રીઓ અને બાળકોને સામન્ય ડાકુઓથી પણ બચાવી ન શક્યો. તે ખૂબ જ શરમનો માર્યો હતાશ થઈ ગયો. તે જમીન પર પડી ગયો ગયો અને રડવા લાગ્યો, “આવું કંઈ રીતે થઈ શકે કે, હું સ્ત્રીઓ અને બાળકોનું રક્ષણ ન કરી શક્યો, જેમણે મારી પર વિશ્વાસ મૂક્યો હતો? હું યુદ્ધમાં માર્યો ગયો હોત તો સારું થાત. મારે શામાટે આ નામોશી સહન કરવાની આવી?” તે જમીન પર આળોટીને રડી રહ્યો હતો.

ક્રમશ:...

 

મહાભારતની વાર્તાઓ