મહાભારત અંક ૩૦ : દુર્યોધનનું મર્મભેદી અપમાન
ભીષણ સંગ્રામ પછી ભીમ મગધનરેશ જરસંધનો વધ કરે છે, તેના પછી પાંડવોના રાજસૂય યજ્ઞ માટે રસ્તો સાફ થઈ જાય છે. જોકે, શાંતિ લાંબો સમય ટકતી નથી કારણ કે, મુખ્ય અતિથિ તરીકે કોને નિયુક્ત કરવા તે બાબતે અસંમતિ લોહિયાળ બને છે. યજ્ઞની પૂર્ણાહુતિ પછી દુર્યોધન પોતાના વધુ પડતા અહંકારને કારણે એક ખોટું પગલું ભરે છે અને તેને અતિઅપમાનજનક સ્થિતિમાં મૂકી દે છે.
ભીષ્મએ કહ્યું, "અહીં હાજર રહેલા સૌમાં, ઉંમરમાં ભલે હું મોટો છું, પરંતુ સૌથી મહાન તો ચોક્કસ કૃષ્ણની જ છે, કારણ તે એક પુરુષથી વધુ છે. તેથી, સ્વાભાવિકપણે મુખ્ય અતિથિ તેઓ જ હોવા જોઈએ." જે ક્ષણે તેમણે આવું કહ્યું કે તરત જ કૃષ્ણની ફોઈનો દીકરો શિશુપાલ ક્રોધાવેશમાં ઊભો થઈ ગયો. શિશુપાલ ચેદીનો રાજા હતો, અને "ચેદી રાજ્યના આખલા" તરીકે પ્રખ્યાત હતો, કારણ કે તે અસાધારણ કહી શકાય તેટલી મોટી કાયા ધરાવતો હતો.
શિશુપાલનો ક્રોધ ભભૂકી ઊઠે છે
ભૂતકાળમાં શિશુપાલ સાથે સમસ્યાઓની હારમાળા સર્જાઈ ચૂકી હતી. એક મહત્વનો પ્રસંગ રુક્મિણીના વિવાહ સમયે બન્યો હતો. રુક્મિણીનો ભાઈ રુક્મિ, જે શિશુપાલનો મિત્ર હતો, તેણે તેને વચન આપ્યું હતું કે, તે પોતાની બહેનના લગ્ન શિશુપાલ સાથે કરશે.
રુક્મિણીના લગ્ન શિશુપાલ સાથે કરી દેવાને બદલે તેઓએ સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરમાં રાજકુમારીએ પોતાનો પતિ સ્વયં પસંદ કરવાનો હોય છે. પરંતુ તેમણે એક બનાવટી સ્વયંવરનું આયોજન કર્યું, જેમાં રુક્મિએ અગાઉથી જ શિશુપાલને રુક્મિણીનો હાથ સોંપવાનું નક્કી કરી દીધું હતું. સ્વયંવર યોજવાનો દેખાવ તેમણે સૌના સંતોષ માટે કૂટનીતિક રાજદ્વારી સંબંધો ઊભા કરવા માટે કર્યો.
પણ રુક્મિણી કૃષ્ણના પ્રેમમાં હતી, જેમને તેણે ક્યારેય જોયા ન હતા. કૃષ્ણની વાતો સાંભળી સાંભળીને જ તે તેમના પ્રેમ માં પડી ગઈ હતી. કૃષ્ણ જાણતા હતા કે તે તેને પ્રેમ કરતી હતી અને નહોતા ઇચ્છતા કે રુક્મિ અને શિશુપાલ જૂઠો સ્વયંવર રચીને ખોટો દાખલો બેસાડે.
કૃષ્ણ સ્વયંવરમાં ગયા અને રાજકુમારીનું અપહરણ કરી લીધું. જ્યારે રુક્મિ અને શિશુપાલે તેમનો પીછો કર્યો ત્યારે કૃષ્ણએ તેમને જબરદસ્ત હાર આપી. કૃષ્ણ રુક્મિને મારવા નહોતા ઇચ્છતા કારણ કે તે રુક્મિણીનો ભાઈ હતો. તેમણે રુક્મિને નિ:શસ્ત્ર કરીને તેનું માથું મુંડી નાખ્યું, તેની ભ્રમર અને મૂછો પણ મુંડી નાખી અને તેને પાછો મોકલી દીધો. ક્ષત્રિયને માટે આ સૌથી ખરાબઅપમાન ગણાતું.
અને કૃષ્ણએ શિશુપાલનો પણ વધ ન કર્યો, કારણ તેમણે ઘણા વર્ષો પૂર્વે શિશુપાલની માતાને વચન આપ્યું હતું. શિશુપાલ જ્યારે યુવાન હતો, માત્ર અહંકારને વશ થઈ તેણે કૃષ્ણને અપશબ્દો કહ્યા હતા. એક વખતે, કૃષ્ણ થોડા ચિડાયા અને બોલ્યા, "આ ઉદ્ધત અને અપમાનજનક છે." શિશુપાલની માતા જાણતા હતા કે કૃષ્ણ કોણ છે, તેથી તેમણે કૃષ્ણને આજીજી કરી, "તું મને વચન આપ કે તું ક્યારેય શિશુપાલનો વધ નહીં કરે," જેના જવાબમાં કૃષ્ણએ ખાતરી આપી હતી, "જો તે મારું સો વખત પણ અપમાન કરશે, હું તેને નહીં મારું."
ઘણા વર્ષો પછી, જ્યારે ભીષ્મએ કૃષ્ણને રાજસૂય યજ્ઞમાં મુખ્ય અતિથિ બનાવવાની વાત કહી, શિશુપાલ ક્રોધે ભરાયો. વર્ષોથી ધરબી રાખેલો બધો નફરત અને શરમ ફૂટી નીકળ્યા, અને તેણે ઊભા થઈને કૃષ્ણને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું. ભીષ્મ વચ્ચે પડયા અને કહ્યું, "આવા પ્રસંગે મુખ્ય મહેમાનને આ પ્રમાણે ગાળો આપવાની કોઈ જરૂર નથી. તેમની પસંદગી મેં કરી છે."
પછી શિશુપાલે કૃષ્ણની સાથે સાથે ભીષ્મને પણ ગાળો આપવા માંડી. કૃષ્ણ હસતા ચહેરે બેસી રહ્યા અને અપશબ્દોનો ગણતરી કરતા રહ્યાં. જ્યારે આંક નવ્વાણું પર પહોંચ્યો ત્યારે ક્રુષ્ણએ કહ્યું, "મેં તારી માતાને વચન આપ્યું છે કે તું મને સો ગાળ આપીશ તો પણ હું તારો વધ નહીં કરું. હવે માત્ર એક બાકી છે. જો તું તેનાથી ઉપર ગયો તો તારું મૃત્યુ નક્કી છે."
યજ્ઞ લોહિયાળ બને છે
પણ શિશુપાલ સાંભળવા કે સમજવાની સ્થિતિમાં ન હતો. તે બનાવી બનાવીને અપશબ્દોનો મારો ચલાવાતો રહ્યો. છેવટે કૃષ્ણેએ તેમનું પ્રખ્યાત હથિયાર, કાતિલ સુદર્શન ચક્ર ધારણ કર્યું. મહાભારતમાં લખ્યું છે કે, જ્યારે જરાસંઘે કૃષ્ણ પર હુમલો કર્યો અને તેમણે મથુરા છોડવી પડી, ત્યારે કૃષ્ણ એક પહાડ પર ગયા હતા અને ત્યાં તેમને એક ઋષિ મળ્યા હતા જે ધાતુની વિશેષતા પર કામ કરી રહ્યા હતા, તેમણે કૃષ્ણને બતાવ્યું હતું કે લાલાશ પડતાં કથ્થઈ ખડકોમાંથી, કઠણમાં કઠણ ધાતુ કઈ રીતે મેળવવી, જેનાં વિશે તે સમયે કોઈ જાણતું ન હતું. તે સમય સુધી બધા હથિયાર પિત્તળમાંથી બનાવવામાં આવતા હતા. ત્યાર પછી કૃષ્ણએ લોખંડનો ઉપયોગ કરીને ચક્ર તૈયાર કર્યું હતું. તેમણે ચક્ર ચલાવવામાં એવી મહારથ મેળવી હતી કે લોકોને તે કોઈ જાદુઈ શકિતથી પ્રેરિત લાગતું. કૃષ્ણએ સુદર્શનચક્ર એવી રીતે છોડ્યું કે તેણે શિશુપાલનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને સાથે તેના ઘણા સાથીઓનાં માથા પણ વાઢી નાખ્યા.
જેઓ જરસંધના વધથી નારાજ હતા તે સૌએ તલવાર ખેંચી. પાંડવોના હાથમાં શસ્ત્રો ન હતા. પણ પાંડવોના પક્ષે જે લોકો હતા તેમની સંખ્યા જેમણે પોતાની તલવાર હાથમાં લીધી હતી તેના કરતા વધુ હતી અને તેમણે વધુ પડતી હિંસક અથડામણ અટકાવી. પણ રાજસૂય યજ્ઞ, જે એક રાજાના જીવનનો અતિ મહત્વનો પ્રસંગ હોય તે સુંદર રીતે સંપન્ન થવાને બદલે લોહિયાળ બની ગયો. એક તો કૃષ્ણએ પોતાના જ પિતરાઇને મારવો પડ્યો અને બીજું કે સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે લગભગ યુદ્ધની નોબત આવી ગઈ. મોટા ભાગે તે કૃષ્ણની યાદવ સેના હતી જેણે હત્યાકાંડ રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
એક મૂલ્યવાન કર્તવ્ય
રાજસૂય યજ્ઞ દરમિયાન પરિવારનાં દરેક સભ્યને કોઈ કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી, જેને કારણે કાકા, મામા, ફુઆ અને તે સૌના સંતાનોને પણ પોતાનાપણાની લાગણી થાય. હજુ આજે પણ ભારતીય લગ્નોમાં આ સામાન્ય પ્રથા છે. અમુક પરિવારજનોને માથે મુખ્ય અને મોટી જવાબદારી હોય અને બાકીના લોકો નાનાં કામ સંભાળે.
જ્યારે યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યું, "દુર્યોધનને હું કયું કામ આપુ?" કૃષ્ણએ હસીને કહ્યું, "તું તેને તારા રાજકોષની સંભાળ રાખવાનું કામ સોંપ." ભોળાભાવે યુધિષ્ઠિરે તેને થોડા દિવસો માટે કોષાદ્યક્ષ તરીકેનો કારભાર સોંપી દીધો. દુર્યોધન ખજાનાવાળા ખંડમાં પ્રવેશ્યો. ત્યાં ઢગલા ભરીને મૂલ્યવાન વસ્તુઓ પડી હતી - એટલી દોલત જે તે સ્વપ્નમાં પણ વિચારી ન શકે. તેણે જ્યારે તે બધુ જોયું ત્યારે તેની ઇર્ષાની કોઈ સીમા ન રહી.
રાજસૂય યજ્ઞ સંપન્ન થયો અને બીજા બધા મહેમાનોની વિદાઈ થઈ ગયા પછી, યુધિષ્ઠિરે પોતાના સ્વભાવ મુજબ, ખાસ કરીને દુર્યોધન અને તેના ભાઈઓને થોડા વધુ દિવસ રોકાઈ જવા વિનંતી કટી. "અમારા મહેમાન બનો, કેટલો લાંબો સમય વિતી ગયો - આપણી બધી અનબન અમને ઘણી યાદ આવે છે." આવો સારો માણસ હતો યુધિષ્ઠિર.
હવે જ્યારે પ્રસંગ પતી ગયો, હવે કૌરવોને પોતાનો મહેલ બતાવવાનો સમય હતો, અને તેઓ તેમને માયા સભા બતાવવા લઇ ગયા, એક જાદુઈ સભાખંડ, જે આ પહેલા કોઈએ જોયો ન હતો, કારણ કે સ્થપતિ ક્યાંક બીજેથી આવેલો. તે માયા, એટલે કે ભ્રમ ઊભો કરવા માટે રચવામાં આવેલો.
દુર્યોધને થાપ ખાધી
માયાસુરે માયાસભામાં કાચના પડદા બનાવ્યા હતા અને પાણીના મોટા કુંડ જેની સપાટી જમીનજેવી લાગતી હતી. જો ખરેખર સાવધાની રાખવામાં ન આવે તો છેતરાઈ જ જવાય. દુર્યોધન એવી વ્યક્તિ ન હતી જેની સાથે રહીને તમે તેને દોરી જઈ શકો. તમે પોતે પણ ક્યારેક નોંધ્યું હશે - જ્યારે તમે થોડા લોકોને પ્રવાસે લઈ જાઓ, સામાન્ય રીતે મહિલાઓ, બાળકો અને અમુક પુરુષો ભોમિયો હોય તેની સાથે રહે છે, પણ તેમાં કેટલાંક એવા હોય છે, મોટે ભાગે પુરુષો, જે કદી કોઈને અનુસરી નથી શકતા.
તે જ પ્રમાણે, દુર્યોધન કોઈ દોરે તે પ્રમાણે દોરવાય, કોઈ કહે તે સાંભળે અને સૂચનોને અનુસરે તે અસંભવ હતું. આખરે, તે એક રાજા હતો. પણ તેણે કાચનો પડદો ન જોયો અને અથડાઈ ગયો. તેનાથી અનુભવાયેલ ભોંઠપ ઓછી હોય તેમ તે પાણીનાં પુલમાં પડ્યો, એમ વિચારીને કે તે ભોંય છે.
દ્રૌપદી, જે ત્યાંથી પસાર થઈ રહી હતી તેમજ નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ જે ત્યાં બેઠા હતા, ખડખડાટ હસી પડ્યા. જ્યારે યુધિષ્ઠિરે તેમની સામે કડકાઈથી જોયું ત્યારે ચાર ભાઈઓ તો હસતા અટકી ગયા. પણ દ્રૌપદી હસવું રોકી શકી નહીં. તે વધુ ને વધુ જોરથી હસવા લાગી, અને વધારામાં તે બોલી, "એક અંધનાં પુત્ર પાસે બીજી કઇ અપેક્ષા રાખી શકાય?" આ અપમાને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું, દુર્યોધનની ઈર્ષા, અદેખાઈ, ડર અને ગુસ્સો હદ બહાર વધી ગયા. જો તેના પતિઓ ત્યાં હાજર ન હોત તો દુર્યોધને દ્રૌપદીને ત્યાં ને ત્યાં ચિરી નાખી હોત.
શરમનો માર્યો દુર્યોધન ત્યાંથી જતો રહ્યો. હસ્તિનાપુર પાછા ફરતી વખતે તેણે ઘણા દિવસો ખાધું નહીં. તેને મરવાની ઈચ્છા થતી રહી. તેણે કહ્યું, "મારાથી આ નામોશી સહન થતી નથી કે તેમનાં શહેરે એટલી બધી પ્રગતિ કરી કે તેમની પાસે આટલી સંપત્તિ ભેગી થઈ અને હવે તેઓએ રાજસૂય યજ્ઞ પણ કરી લીધો, જે હું મારા આખા જીવનમાં ક્યારેય કરી શકવાનો નથી. અને ઉપરથી તે સ્ત્રીએ મારી મજાક ઉડાવી! મારે મારી જવું છે." હસ્તિનાપુર મહેલમાં પહોંચીને તે બેસી પડ્યો. કેટલાય અઠવાડિયાઓ સુધી તે ભોજન ન કરી શક્યો. ન તો તેણે સ્નાન કર્યું. ન તેણે વસ્ત્રો બદલ્યા. બસ એક જગ્યા પર પાગલ માણસની જેમ બેસી જ રહ્યો.
ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ આવી કે તેનો પુત્ર પાગલ થઈ રહ્યો હતો. કોઈ તેને ગમે તે કહે તે સાંભળવા તૈયાર જ ન હતો. તેને તો બસ મરી જવું હતું. તે નહોતો જાણતો કે બીજી કઈ રીતે આ પરિસ્થિતિને સુધારી શકાય. આ સમયે શકુનિ આગળ આવ્યો.
ક્રમશ:...