મહાભારત અંક ૩૨: કૃષ્ણ દ્રૌપદીને વચન આપે છે
મહાભારત શ્રેણીનાં આ અંકમાં આપણે જોઈશું કે, ઘણા લોકોના મૃત્યુનો ઘાટ ઘડાઈ ચૂકયો છે. ક્રોધિત દ્રૌપદીને કૃષ્ણ બદલો લેવાનું વચન આપે છે. એક રમતને કારણે આગેવાનોનું ચરિત્ર છતું થઈ ગયું; કોણ કોના પક્ષે હશે તે પણ નિશ્ચિત થઈ ગયું. રમતમાં ફેંકાતા પાસાએ જે યુદ્ધ તેર વર્ષ પછી થવાનું જ હતું તેની પૂર્વસંધ્યાની ઝલક બતાવી દીધી.
હમણાં સુધી શું બન્યું: દ્યૂતક્રીડામાં કપટી શકુનિ સામે યુધિષ્ઠિરે પોતાની સંપત્તિ, રાજ્ય, પોતાના ચાર ભાઈઓને, સ્વયં તથા પત્ની દ્રૌપદી; બધાને પણ દાવ પર લગાડ્યા અને કૌરવોની સામે હારી ગયો. દુર્યોધનના કહેવાથી દુઃશાસન દ્રૌપદીને ભરીસભામાં વાળથી પકડીને ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર હરી લેવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં હાજર નથી તેવા કૃષ્ણના હસ્તક્ષેપ કરવાને કારણે એ સફળ ન થયો.
પ્રથમ તબક્કાની દ્યૂતક્રીડા પછી શું બન્યું
સદ્ગુરુ: કુરુઓની રાજ્યસભામાં જે ઘૃણાસ્પદ કૃત્યનું આચરણ થયું તેણે સહુ સૌમ્ય લોકોને જાનવર બનાવી દીધા હતા. આનંદી, ખેલસહજ અને હંમેશા ટીખળખોર ભીમ પાશવી ભીમ બની ગયો. તેણે તે દુર્યોધનની જાંઘ કચડી નાખવાના અને દુઃશાસનનું લોહી પીવાના સોગંદ લીધા. દ્રૌપદીએ સોગંદ લીધા કે જ્યાં સુધી તે દુઃશાસનના લોહીથી પોતાના વાળ ન ધૂએ, ત્યાં સુધી તે પોતાના વાળ ખુલ્લા રાખશે અને યુધિષ્ઠિર સિવાયના બીજા ચાર ભાઈઓએ બધા જ કૌરવોને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી, પણ ભીમે કહ્યુ, “ના, તમે તેમને મારે માટે છેડી દો. તે સો એ સો જણાને હું જ મારીશ.”જ્યારે આ ભયંકર ઘટના બની ત્યારે, દ્રૌપદી એક યુવાન પરિણીતા, એક રાજરાણી હતી અને પોતાની જિંદગી માણી રહી રહી હતી, ક્રોધાવેશમાં આવીને તેણે પોતાનો તાકાતનો પરચો બતાવી દીધો. એ ઘટના જે રીતે ઘટી તેનાથી ભયભીત થઈને ધૃતરાષ્ટ્રએ હસ્તક્ષેપ કરી કહ્યું કે, યુધિષ્ઠિરે જુગારમાં જે કંઈ દાવ પર લગાડ્યું અને હાર્યો તે બધું તેને પાછું આપી દેવામાં આવે. તેણે દ્રૌપદી આગળ તેને જે કંઈ જોઈએ તે માંગવાનો પ્રસ્તાવ મૂક્યો. દ્રૌપદીએ કહ્યું, “હું મારા પતિઓની મુક્તિ ઇચ્છુ છું.” ધૃતરાષ્ટ્રએ કહ્યું, “મંજૂર છે, તેઓ સ્વતંત્ર છે. બીજું શું જોઈએ?” તેણે માંગ્યું, “તેઓને પોતાનું રાજ્ય પાછું મળવું જોઈએ.” “હા, મંજૂર છે. હજુ એક વસ્તુ માંગ.” દ્રૌપદી બોલી, “લોભ કરવામાં માણસની સમજદારી નથી મારે આટલું જ જોઈએ છે.”
ધૃતરાષ્ટ્રએ પૂછ્યું, “તને તારે માટે કશું નથી માંગવું? તારે પોતાને માટે કશુંક માંગ.” દ્રૌપદી હજુ મુક્ત નહોતી થઈ. તેણે જવાબ આપ્યો, “મારે માટે મને કશું નથી જોઈતું. હું દાસી રહેવા માટે તૈયાર છું. મારા પતિઓ જેમણે મને જુગારમાં દાવ પર લગાડી તેમને મુક્ત કરો. તેમને રાજા બની રહેવા દો. મેં તેમને પ્રેમ કર્યો છે. પણ તેનાથી કોઈ ફરક નથી પડતો. મારે વધુ નથી માંગવું.” એ સમયે ધૃતરાષ્ટ્રએ બધું જ પાછું આપી દીધું જે યુધિષ્ઠિર જુગારમાં હાર્યો હતો તેમજ તેણે પાંડવો અને દ્રૌપદીને મુક્ત કર્યા. કૌરવો, કર્ણ અને શકુનિ અત્યંત નિરાશ થઈ ગયા. કર્ણ બોલ્યો, “કેવા મહાન ક્ષત્રિયો છે, જેઓને એક સ્ત્રીએ બચાવ્યા! નીડર પુરુષો છે આ. સસ્તામાં છૂટી ગયા.” આ એ કટાક્ષ હતો જેને કારણે તેઓ એક આખરી દાવ માટે ફરી પાછા આવ્યા અને ફરી સર્વસ્વ હારી ગયા. પાંડવો અને દ્રૌપદીએ બાર વર્ષ વનવાસમાં જવાનું અને તેરમા વર્ષે અજ્ઞાતવાસમાં રહેવાનું અને જો તે દરમિયાન જો તેઓ પકડાઈ જાય તો ફરી બાર વર્ષ વનવાસમાં જવાનું એમ નક્કી થયું.
કૃષ્ણનું દ્રૌપદીને વચન
દ્રૌપદીએ તેની સાથે જે બન્યું તેની વાત કૃષ્ણને કરી ત્યારે તેમણે આ અધમ કૃત્યનો બદલો લેવાનું વચન આપ્યું. ચોધાર આંસુએ રડતા રડતા દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું, “ભલે તમે મને છેલ્લી ઘડીએ બચાવી લીધી પણ, તમે ત્યાં હાજર ન હતા ત્યારે તેઓએ મારી આવી દશા કરી હતી. જ્યાં સુધી હું દુઃશાસનનું લોહી નહીં જોઉં, ત્યાં સુધી હું તે ભૂલી નહીં શકું.” તેથી કૃષ્ણએ તેને વચન આપતા કહ્યું, “ભલે બધા સ્વર્ગનો નાશ થાય. હિમાલય પર્વત મેદાન બની જાય. દરિયો કોઈ મૃત વ્યક્તિના હાડપિંજર જેટલો સુકાઈ જાય. ધરા ફાટી પડે. પણ મેં તને આપેલા વચન હું અવશ્ય પાળીશ. તેઓ તારા અપરાધી છે, બધા યુદ્ધોને સમાપ્ત કરનારું એક યુદ્ધ થશે. તારી આંખોમાં જે અગ્નિ છે, તે યુદ્ધના મેદાનમાં સોએ સો કૌરવોના મૃત્યુ જોશે. તારા આંસુ લૂછી નાખ કારણ કે આંસુઓ તો હવે હસ્તિનાપુરમાં વિધવા થનારી સો કૌરવ પત્નીઓનો ઈજારો છે.”
સારું અને ખરાબ, જીવનમાં અને મહાભારતની કથામાં
મહાભારતની સંપૂર્ણ કથા જોતાં, કેટલાંક પાત્રો સારા અથવા મહાન લાગે અને બીજા ખરાબ અને દુષ્ટ લાગે. આવું શા માટે લાગે છે? હકીકતમાં કશું સારું કે ખરાબ હોતું નથી. એ તો માત્ર કપરી પરિસ્થિતિઓમાં આપણે કરેલા નિર્ણયો હોય છે, જેના આધારે આપણે સારા કે ખરાબ દેખાઈએ છીએ. કેટલાક લોકો વારંવાર એવા નિર્ણયો કરતા હોય છે, જે તેમને માટે અને તેમની આસપાસના સહુ કોઈ માટે નુકસાનકર્તા હોય છે. ઘણા લોકો નિર્ણય કરતી વખતે હંમેશા ધ્યાન રાખે છે કે તેમના નિર્ણયની શું અસર થશે. બસ, દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચે, અથવા કહો કે, બીજા કોઈની પણ વચ્ચે ફરક માત્ર આ જ હોય છે.
તમારા જીવનમાં ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતિઓમાં તમે નિર્ણયો કયા આધારે લો છો? તમારા નિર્ણયો અસમાવિષ્ટતામાંથી ઉદ્ભવે છે કે સમાવિષ્ટતામાંથી? શરીરની જરૂરિયાત મુજબ નિર્ણયો લેવાય છે કે અસ્તિત્વના આધાર પર? તમારા નિર્ણયો તમારા એકલા ઉપર આધારિત હોય છે કે જીવનની સાર્વત્રિક પ્રકૃતિ ઉપર? તમારી પાસે ઉચ્ચ અથવા નિમ્ન જીવન થવાની પસંદગી છે. જે ઉચ્ચ જીવન જીવે છે તેની ગણના મહાન વ્યક્તિ તરીકે થાય છે. જે મધ્યમ જીવન જીવે છે તેની ગણના સારી વ્યક્તિ તરીકે છે. જે નિમ્ન સ્તરનું જીવન જીવે છે તે ખરાબ વ્યક્તિ ગણાય છે.
ક્રમશ:...