Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમા વર્ષે અજ્ઞાતવાસની સજા ભોગવી રહ્યા છે. સૂર્યદેવ દ્રૌપદીને વરદાનમાં અક્ષયપાત્ર આપે છે, જેમાંથી અખૂટ ભોજન ત્યાં સુધી આવતું રહે છે જ્યાં સુધી દ્રૌપદી ન જમે. દુર્યોધન કર્ણની સાથે મળીને વનમાં રહેલા નિ:શસ્ત્ર પાંડવોનો શિકાર કરવા ઈચ્છતો હતો, પણ વિદુરની વિનવણીને કારણે ધૃતરાષ્ટ્ર તેમને શિકારે જવાની મંજૂરી નથી આપતો.

સદ્‍ગુરુ: ઋષિ દુર્વાસા હસ્તિનાપુર આવ્યા. તેઓ તેમના પ્રચંડ ક્રોધ માટે કારણે જાણીતા હતા. નાની અમસ્તી વાતમાં પણ તેઓ ગુસ્સે થઈને લોકોને શ્રાપ આપી દેતા. મહાભારત અને રામાયણની કથાઓ તેમણે આપેલા શ્રાપોથી ભરપૂર છે. તેઓ જ્યાં જાય, ત્યાં જો રાજી થઈ જાય તો આશીર્વાદ આપી દેતા. તેમણે જ કુંતીને આશીર્વાદમાં મંત્ર આપ્યો હતો (જેનો ઉપયોગ કરીને તેમણે તે ઇચ્છે તે દેવતાનો પુત્ર મેળવી શકવા સક્ષમ કરી). શકુન્તલાને પણ તેમણે જ શ્રાપ આપ્યો હતો. (શકુન્તલા, રાજા દુષ્યંતની પત્ની અને હસ્તિનાપુરની ભૂતપૂર્વ રાણી હતી) ઋષિ દુર્વાસા જ્યાં જાય ત્યાં સહુ કોઈ અત્યંત સાવધ રહેતા કે જેથી તેમને ક્રોધ કરવાનો અવસર ન મળે.

દુર્યોધનને જ્યારે ખબર પડી કે, ઋષિ દુર્વાસા હસ્તિનાપુર આવી રહ્યા છે, ત્યારે તે નગરના દ્વાર સુધી તેમના સ્વાગત માટે ગયો, જે દુર્યોધન માટે અસંભવ હતું. તેણે દુર્વાસાને જોયા અને દંડવત્ કર્યા, સ્વાગત કર્યું તેમજ મહેલમાં લઈ જઈ તેઓ ખુશ થઈ જાય તેવું આતિથ્ય કર્યું. ત્યાં સુધીમાં દુર્યોધનને દ્રૌપદીને સૂર્યદેવતાએ આપેલા અક્ષયપાત્ર વિષે જાણ ચૂકી હતી. ઘણા લોકો જંગલમાં પાંડવોને મળવા આવતા અને આ પાત્રને કારણે દ્રૌપદી તેમને સારી પેઠે ભોજન કરાવી શકતી. હકીકતમાં પાંડવોને સારું ભોજન મળી રહ્યું હતું અને તેઓ આતિથ્ય સત્કાર પણ ખૂબ કરી રહ્યા હતા, જેને કારણે દુર્યોધનને ખુબ ગુસ્સો આવતો. તેના મતે પાંડવોના વનવાસમાં આમ ન બનવું જોઈએ. પાંડવોને માટે તો વનમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ હતી. દુર્યોધન તેને બદલવા ઈચ્છતો હતો.

દુર્વાસા સાથે થોડા દિવસ વિતાવ્યા પછી દુર્યોધને પ્રસ્તાવ મૂક્યો, “મારા ભાઈઓ, પાંડુના પુત્રો, અમુક ખરાબ સંજોગોને કારણે જંગલમાં રહી રહ્યા છે. તમે જેમ મને આશીર્વાદ આપ્યા છે, તેમને પણ તમારા આશીર્વાદ આપો. મહેરબાની કરીને આપ ત્યાં જાઓ અને મારા ભાઈઓને પણ આશીર્વાદ આપો. દુર્યોધને દુર્વાસાને કહ્યું, “આપને માટે જંગલમાં મુકામની સગવડ થઈ જશે અને તેણે દુર્વાસાને જંગલમાં પાંડવોના સ્થાન સુધી લઈ જવા માટે પોતાના માણસો મોકલ્યા. પણ હકીકતમાં પાંડવોને દુર્વાસા અને તેમના અમુક શિષ્યો ગમે ત્યારે મુલાકાત કરી શકે છે તે બાબતથી અજાણ રખાયા હતા. દુર્યોધને એ વાત સુનિશ્ચિત કરી કે દુર્વાસા તેમના શિષ્યો સાથે ત્યારે જ પહોંચે જ્યારે દ્રૌપદી ભોજન કરી ચૂકી હોય, જેથી તેની પાસે દુર્વાસા અને તેમના શિષ્યોને પીરસવા માટે કશું ન હોય. પરિણામે દુર્વાસા ક્રોધે ભરાય અને દ્રૌપદી અને તેના પાંચ પતિઓ માટે મોટી આપત્તિ સર્જાય. 

તેઓ જ્યારે સાંજે વનમાં પહોંચ્યા ત્યારે હસ્તિનાપુરથી ચાલીને આવવાને કારણે તેઓ ખૂબ ભૂખ્યા થયા હતા. ઋષિની ઘણી નામના હોવાને કારણે એક ચોક્કસ સ્તરનો સત્કાર મેળવવાની તેમની અપેક્ષા સ્વાભાવિક હતી. પાંડવોએ તેમને આવકાર આપ્યો અને કહ્યું, “મહેરબાની કરીને આપ નદીમાં સ્નાન કરીને ભોજન માટે પધારો.” તેઓ નહોતા જાણતા કે દ્રૌપદી ભોજન કરી ચૂકી છે, જેનો અર્થ એ હતો કે બીજા દિવસ પહેલા ભોજન આવે તેમ હતું નહિ. દુર્વાસા અને તેમના શિષ્યો નદીએ સ્નાનવિધી માટે ગયા પછી દ્રૌપદીને તેમના આગમનની જાણ થઈ અને તે અત્યંત ચિંતિત થઈ ઊઠી. આજુબાજુ કોઈને કંઈ પૂછવાનો અર્થ ન હતો કારણ કે, ત્યાં એવું કોઈ ન હતું જે ભોજન પૂરું પાડી શકે તેમજ તેના પતિઓને પણ કંઈ કહેવાનો અર્થ નહોતો. બહુ બહુ તો તેઓ શિકાર કરવા જઈ શકે પણ, દુર્વાસા માંસ ખાતા ન હતા.

તે જાણતી હતી કે દુર્વાસાનો શ્રાપ તેમને માટે આપત્તિજનક હોઈ શકે છે. બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો અજ્ઞાતવાસ આમ પણ ઓછો આપત્તિકારક નહોતો. દુર્વાસા સો વર્ષનો શ્રાપ આપી દે તેવું પણ બને. તેણે કૃષ્ણને યાદ કર્યા, “હે કૃષ્ણ! માત્ર તમે જ મને બચાવી શકો છો. કંઇક ઉપાય કરો! અત્યારે જ્યારે અમે ખૂબ મુશ્કેલીમાં છીએ ત્યારે આ ઋષિ અમને શ્રાપ આપે તેવું હું નથી ઇચ્છતી.” કૃષ્ણએ તેને અગાઉ વચન આપ્યું હતું, “તું પણ જ્યારે મને સાદ પાડીશ ત્યારે હું હાજર થઈ જઈશ.”  તે આવ્યા અને દ્રૌપદીએ તેમને પોતાની અવદશા કહી, “દુર્વાસા અહીં તેમના શિષ્યો સાથે આવ્યા છે. તેઓ ભૂખ્યા છે. તેઓ સ્નાન પતાવીને કોઈ પણ ક્ષણે આવી પહોંચતા જ હશે. મારી પાસે આપવા માટે કશું નથી.” કૃષ્ણે કહ્યું, “માત્ર દુર્વાસા કેમ? હું પણ ભૂખ્યો છું. શું બિલકુલ ભોજન નથી?” દ્રૌપદીએ કહ્યું, “કશું નથી.”  કૃષ્ણએ કહ્યું, “મને પાત્ર બતાવ.” 

જ્યારે દુર્વાસાનાં આવવાના સમાચાર દ્રૌપદીને મળ્યા ત્યારે જ તેણે પોતાનું ભોજન પતાવ્યું પણ, હજી તેનું પાત્ર ધોવાનું બાકી હતું. તેમાં શાકનો માત્ર એક નાનકડો ટુકડો રહી ગયો હતો. કૃષ્ણએ તેને પોતાના મોઢામાં મૂક્યો. દ્રૌપદીએ કહ્યું, “તમે આ શું કરો છો? મારું એંઠુ ખાઓ છો!” તેમણે આંખો બંધ કરી અને બોલ્યા, “અરે, મારું પેટ ખૂબ ભરાઈ ગયું.” દ્રૌપદીને લાગ્યું તેઓ તેની મશ્કરી કરી રહ્યા છે - શાકનો એક રહી ગયેલો ટુકડો ખાઈને કહેતા હતા કે તેમનું પેટ બહુ ભરાઈ ગયું છે. તેણે કહ્યું, “આટલા ક્રૂર નહિ બનો. હું પહેલેથી જ આપત્તિમાં છું તેઓ ભોજનની રાહ જુએ છે અને મારી પાસે તેમને આપવા માટે કશું નથી. તેમાં હવે તમે મારી સાથે મજાક કરી રહ્યા છો!.” કૃષ્ણએ કહ્યું, “ના પાંચાલી, હું ખરેખર ધરાઈ ગયો છું,” અને તેમણે ઓડકાર ખાધો. 

ત્યાં નદીને કિનારે દુર્વાસા અને તેમના શિષ્યો સ્નાનાદિથી પરવારી ગયા. હવે તેમણે ભોજન માટે જવાનું હતું પણ, તે સહુને વધુ પડતું ખાઈ લીધું હોય તેવી લાગણી થઈ. તેમણે પાંડવોને કહ્યું, “અમારાથી ખાઈ નહિ શકાય. અમને ભોજનની જરૂર નથી.” “આપ અમારું આતિથ્ય નકારી શકો નહિ - કૃપા કરીને પધારો.” સમગ્ર પરિસ્થિતિથી અજાણ પાંડવોએ આગ્રહ કર્યો. હવે મુશ્કેલી ઊભી થઈ - જ્યારે કોઈ તમને ભોજન માટે આમંત્રિત કરે ત્યારે તમે “ના” નહિ કહી શકો. તેથી તેમણે કહ્યું, “અમે આવીશું, તમે જાઓ - અમે તમારી પાછળ પાછળ આવીએ છીએ.” પાંડવો જ્યારે તેમને માટે વ્યવસ્થા કરવા માટે સ્થળ ઉપર પાછા ફર્યા ત્યારે તેમણે કૃષ્ણને જોયા. તેમણે પૂછ્યું, “કૃષ્ણ, તમે ક્યારે પધાર્યા?” કૃષ્ણ બોલ્યા, “દ્રૌપદીએ મને ભોજન માટે આમંત્રિત કર્યો તેથી હું આવ્યો.” પાંડવોએ કહ્યું, “દુર્વાસા અને તેમના શિષ્યો પણ આવ્યા છે. તેઓ પણ ભોજન માટે આવી રહ્યા છે.” કૃષ્ણએ કહ્યું, “મહેરબાની કરીને તેમને લઈ આવો.” નકુલ તેમને લેવા માટે ગયો પણ, ત્યાં કોઈ ન હતું. તેઓ બધા જ બારોબાર જતા રહ્યા હતા કારણ કે, તેઓનાં પેટ અત્યંત ભરાયેલા હતા અને આવ્યા પછી તેઓ એમ ન કહી શકે કે અમે ભોજન નહિ લેશું. 

ઘણી પરિસ્થિતિઓમાં, જ્યારે વાત ખરેખર વણસી જતી ત્યારે પાંડવોને કોઈને કોઈ રીતે મદદ મળી રહેતી, જેને ચમત્કાર જ કહી શકાય. કૃષ્ણ જે બનતું હોય તે બનવા દેતા અને પછી વાત વધુ વણસી જતી ત્યારે ઘટનાક્રમમાં સુધારો અવશ્ય આવી જતા. લોકો નિર્ણયાત્મક ઢબે કહેતા, “આવું શા માટે? તમે શરૂઆતમાં જ કશું નહોતા કરી શકતા? તમે આખેઆખી પરિસ્થિતિ ટાળી શક્યા હોત. તમે દુર્વાસા રસ્તો ભૂલી જાય, કે એવું કશુંક પણ કરી શકતા હોત.” પણ તે આ પ્રમાણે કામ નથી કરતું. તમે દરેક બાબતમાં દખલ નથી કરી શકતા. તમે તે ઘટનાને સ્વાભાવિક પણે ઘટવા દો છો. જો પરિસ્થિતિ એક હદથી વધુ વણસી જાય તો જ તમારે વચ્ચે પડવાની જરૂર પડે છે. તે જ કારણે કૃષ્ણ વારંવાર કહે છે, “તમારા સહુની જીવન રમતમાં હું દરેક સમયે તમારા બદલે રમી નહિ શકું. દરેકે ઓતાની રમત જાતે રમવાની છે. એને જે દિશામાં જવાની જરૂર છે ત્યાં જ જવું જોઈએ. જો એ તે પ્રમાણે નહિ જાય અહીં-તહીં થોડાઘણા સુધારાઓ કરવાની જરૂર રહે છે પણ, હું તમારા જીવનની દરેક ક્ષણે દખલ નહિ કરી શકું.” 

કૃપાનો અર્થ એ નથી કે તમારે જીવન જીવવાની જરૂર નથી. તેનો અર્થ એ પણ નથી કે તમારે તમારું મગજ કે શરીર વાપરવાનું નથી. હકીકતમાં તેનો અર્થ છે કે તમે તેમનો પહેલાં ક્યારેય ન કર્યો હોય તેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે કારણ કે, હવે તમારી સાથે એક એવો ભાગીદાર છે જે અલગ પ્રકૃતિનો છે. તમારી પાસે જ્યારે એવો ભાગીદાર હોય ત્યારે મહત્વનું છે કે તમે પૂરેપૂરી ક્ષમતાથી કામ કરો. એવું ન વિચારાય કે તમારો ભાગીદાર સારો છે એટલે તમે નિષ્ક્રિય થઈ જાઓ તો ચાલે. જો આમ કરશો તો તે તમારો ભાગીદાર નહિ રહે. જો તમરો ભાગીદાર કોઈ મનુષ્ય હોય, તો પણ આ એટલું જ સત્ય છે. જો ઉત્તમ ભાગીદાર હોય તો તમારે મહાન કાર્યો કરવાના પ્રયત્નો કરવા જોઈએ - નહિ તો તમારી પાસે તે ઉત્તમ ભાગીદાર નહિ રહે.

કૃષ્ણ તેમને સતત આ જ સમજાવી રહ્યા છે: “હા,” હું છું, પણ તમારે જે કરવાનું છે તે તમારે જ કરવાનું જ છે.” ભક્તિને નામે, ભગવાનને નામે, લોકો આળસુ, નિષ્ક્રિય થઈ જાય છે અને તેમની સંપૂર્ણ ક્ષમતા શું છે તે જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી. તેથી જ કૃષ્ણ સતત કહે છે, “સહુથી અગત્યનું છે કે જીવનના દરેક સ્તરે તમે સંપૂર્ણ રીતે શામેલ થાઓ. હું તમારી સાથે છું, પણ તમારે જે કરવાનું છે તે કરવાનું જ છે.” સમગ્ર ગીતામાં આ જ વાત કહી છે. અર્જુન પોતાના હાથ ઊંચા કરી દે છે અને કહે છે, “મારે આ શા માટે કરવું જોઈએ? ગમે તે રીતે, છેવટે તો તમે છો જ - ઉકેલ લાવી આપો.” પણ કૃષ્ણ કહે છે, “તારે જે કરવાનું છે તે તો કરવાનું જ છે. ખાસ કરીને જ્યારે હું તારી સાથે છું, આવા સમયે તો તારે તું સામન્ય રીતે કરે તેનાથી પણ વધારે કરવાનું છે.”

ક્રમશ:...

More Mahabharat Stories