જીવનના આ 7 મહત્ત્વના પાઠ ક્યારેય ન ભૂલશો
સદ્ગુરુ જીવનના 7 મહત્ત્વના પાઠ આપે છે જે તમારે તમારા જીવનના અનુભવને વધુ ગહન અને સુંદર બનાવવા માટે યાદ રાખવા જોઈએ.
બોધ પાઠ #1: જૂઠાણાં છોડો
સદ્ગુરુ: ખાલી એક મિનિટનો સમય કાઢીને તમારા જીવનમાંથી ઓછામાં ઓછી એક એવી વસ્તુ શોધી કાઢો જે જરૂરી નથી અને તેને આજે પતાવી દો. જ્યારે હું કહું કે “પતાવી દો,” તો તમારા બોસ, સાસુ કે પાડોશી વિષે ના વિચારો. તમારે તમારા વિષે એવી કોઈક વસ્તુને પતાવી દેવાની છે જે તમારા જીવનમાં બિનજરૂરી છે. એવું કૈક કે “હું મારો ગુસ્સો પતાવી દઈશ” બહુ વધારે વ્યાપક વાત થશે અને આ એવું કશુંક નથી જે તમે નિશ્ચય કરીને મેળવી શકો – આ માટે જાગરૂકતાની જરૂર પડે છે.કૈક એવું શોધી કાઢો જેના વિના તમારું જીવન વધુ સારું બને, જ્યાં તમે આજે એક ચોક્કસ પગલું ભરી શકો – ભલે તે ગમે તેટલું નાનું પગલું હોય. એક ચોક્કસ નાની એવી વસ્તુ પસંદ કરો જે તમે હવેથી નહિ કરો, ભલે ગમે તે થાય. “હું ગુસ્સે નહિ થાવ” એક જૂઠાણું હશે, કેમ કે તે હજુ તમારા નિયંત્રણમાં નથી પરંતુ તે એવું કશુંક હોય શકે જેમ કે, “હું ગુસ્સા વાળા શબ્દો નહિ બોલું.”
એવું કૈક નક્કી કરો જે તમે કરી શકો અને જે તમે કરશો. આ રીતે જ તો તમે તમારા જીવનનું રૂપાંતરણ કરી શકો – નાના પગલાં લઈને. પરંતુ તમારે વાસ્તવમાં તે કરવું જોઈએ – તે ફરીથી ન થવું જોઈએ. જો તમે કોઈ વસ્તુને પતાવી દો તો તે ખતમ થઈ જવી જોઈએ. જો તમે જીવનના સત્ય તરફ આગળ વધવા માંગતા હોવ, તો તે જે સત્ય નથી તેમાંનું રોકાણ ઘટાડવું જોઈએ. તે બધું જ એકસાથે પૂરું નહિ થઈ જાય, પણ તમારે તેને ક્રમશઃ ઘટાડવું જોઈએ.
બોધ પાઠ #2: વસ્તુઓને બદલો
જીવનને એ રીતે જુઓ કે શું બદલી શકાય એમ છે અને તે માટે કૈક કરો. તમે બદલી ન શકો તેવી વસ્તુઓને લઈને રોતું રહેવું તે હાલની પરિસ્થિતિમાં ફસાઈ રહેવાનો એક પાક્કો રસ્તો છે. ઓછામાં ઓછું મહિને એકવાર, દર પૂનમે, જાગરૂક રીતે આ જુઓ અને તમારા વિષે એક નાની વસ્તુ શોધી કાઢો જેને તમે બદલવા માંગો છો. જેમ કે, “જ્યારે પણ હું કંઇ ખાઉં તે પહેલા, હું આ ખોરાક જે મારો એક ભાગ બનવાનો છે તેના પ્રત્યેની કૃતજ્ઞતામાં 10 સેકન્ડ ગાળીશ.” અથવા, “જ્યારે પણ હું એવી કોઈ વસ્તુ વાપરું જે મારા જીવનનો અનિવાર્ય ઘટક છે, જેમ કે માટી, પાણી, હવા અને મારી આસપાસનું બીજું બધું, ત્યારે હું તેમાંનું 1 % બચાવીશ.” અથવા, “હું જેટલું ખાઈ શકું તેટલું જ મારી થાળીમાં લઈશ.” આ નાની વસ્તુઓ તમારું જીવન બદલી દેશે અને તમને અલગ તારવી દેશે.
બોધ પાઠ #3: યાદ રાખો કે તમે નશ્વર છો
એક મહત્ત્વની વસ્તુ જે દરેક મનુષ્યે કરવાની છે તે છે કે તેમનું માનસિક અને ભાવનાત્મક માળખું જીવનના સૌથી મૂળભૂત તથ્યની આસપાસ બનાવવું– તેમની નશ્વરતા. અત્યારે, લોકોને તેઓ નશ્વર છે એ સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે; તેમને આ વાત યાદ અપાવવા માટે એક હાર્ટ અટેક અથવા કોઈ જગ્યાએ કેન્સરની એકાદ ગાંઠની જરૂર પડે છે.
તમારે તમારા જીવનની દરેક ક્ષણને માણવાની અને ઉજવવાની જરુર છે કેમ કે જીવન તમારા માટે એક ક્ષણ માટે પણ ઉભું નથી રહેતું. જો તમે અમર હોત, તો તમે ડિપ્રેશન, તણાવ, ગાંડપણ અને દુઃખ બધામાં સો-સો વર્ષ ગાળીને તમારા 500 માં જન્મદિવસે આનંદિત બની શકો. પરંતુ એવું નથી. તમે નશ્વર છો અને જીવન વહી રહ્યું છે. તેથી આ જીવનમાં હતાશા, ડિપ્રેશન, તણાવ, ગુસ્સા કે બીજી કોઈ અસુખદ વસ્તુ માટે સમય જ નથી.
આશ્રમમાં હું હંમેશા લોકોને કહું છું, તમે ભલે ગમે તે કામ કરતા હોવ, દરરોજ ઓછામાં ઓછી એક કલાક માટે તમારી આંગળીઓ ધરતીમાં ખૂંપાવવી જોઈએ. તે તમારામાં એક પ્રાકૃતિક ભૌતિક યાદ, એક શારીરિક યાદનું નિર્માણ કરશે કે તમે નશ્વર છો.
બોધ પાઠ #4: બુદ્ધિ પૂર્વક જીવવાનું પસંદ કરો
પ્રેમાળ હોવું, કે ગુસ્સે હોવું, નફરત કરવી અને ઈર્ષ્યા કરવામાંથી તમારી અંદર કયો અનુભવ વધારે સુખદ છે? કયો રસ્તો જીવવાનો વધારે બુદ્ધિમત્તા વાળો રસ્તો છે? પ્રેમાળ હોવું, નહિ? હું બસ એટલું જ કહું છું કે, પ્લીઝ બુદ્ધિ પૂર્વક જીવો. આ કોઈ બીજા માટે નથી. તે તમારા માટે સુંદર અને સુખદ છે. એક પ્રેમાળ વિશ્વ બનાવવું એ કોઈ એવી સેવા નથી જે તમે બીજા કોઈ માટે કરે છો. તે જીવવાનો એક બુદ્ધિમત્તા વાળો રસ્તો છે.
તમે તમારા જીવનમાં જે કરો તે દરેકે દરેક કાર્યમાં એક પ્રેમાળ વિશ્વનું નિર્માણ કરી શકો છો. એક પ્રેમાળ વિશ્વ બનાવવાનો અર્થ એવો નથી કે કૈક વધારે અથવા ઓછું કરવું. જો તમે તમારું જીવન તમે જે ઈચ્છો છો તેના પર સતત કેન્દ્રિત રહીને જીવો તો તે ચોક્કસ તમારી નજીકની જગ્યાઓમાં ઘટિત થશે, અને તે દૂરનીજગ્યાઓમાં પણ ઘટિત થવાનું શરુ થશે.
બોધ પાઠ #5: તમારા જીવનની ગુણવત્તા નક્કી કરો
ઘણી રીતે જોતા, મોટાભાગના લોકોની ખુશી, શાંતિ અને પ્રેમ બહારની પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. તેથી, જો સ્ટોક માર્કેટ ઉપર જશે તો તમે ખુશ છો, જો સ્ટોક માર્કેટ નીચે જાય તો તમે દુઃખી છો. પરંતુ તમારા જીવનની ગુણવત્તા તમારી આસપાસ શું છે તેના વિષે નથી. આપણી અહીંયા આનંદિત રીતે જીવવાની ક્ષમતા આપણા ઘરના કદ અને આપણે કઈ કાર ચલાવીએ છીએ તેના પર આધારિત નથી. આ વસ્તુઓ આપણા જીવનને સગવડભર્યું અને સાનુકૂળ બનાવે છે પરંતુ તમારા જીવનની મૂળભૂત ગુણવત્તા તમે અત્યારે તમારી અંદર કેવા છો તે છે.
આનંદિત રીતે અને શાંતિપૂર્ણ રીતે જીવવું તમારા માટે નવી વસ્તુ નથી. તમે એક બાળક તરીકે તેવા જ હતા, નહિ? તો, હું તમને પરે લઈ જવા વિશેની વાત નથી કરી રહ્યો, હું બસ તમારા જીવનની શરૂઆતથી શરુ કરવા વિષે વાત કરી રહ્યો છું.
બોધ પાઠ #6: નમ્રતા બુદ્ધિશાળી રીત છે
એક મૂર્ખ વ્યક્તિ અને એક બુદ્ધિશાળી વ્યક્તિમાં એ ફર્ક છે કે એક બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે તે કેટલો મૂર્ખતાપૂર્ણ છે; એક મૂર્ખ નથી જાણતો. તમે જે છો તેની મૂર્ખતાને જોવી તે બહુ મોટી બુદ્ધિમત્તા છે. આ અસ્તિત્વમાંનું કંઇ પણ – એક ઝાડ, ઘાસનું એક તણખલું, રેતીનો એક કણ, એક પરમાણુ – શું તમે આમાંથી કોઈપણ વસ્તુને પૂરે પૂરી જાણો છો? ના. જયારે તમારી બુદ્ધિ અને બોધનું સ્તર આ હોય, ત્યારે તમારે વિશ્વમાં કઈ રીતે ચાલવું જોઈએ? સૌમ્ય રીતે, તમારી આસપાસની દરેક વસ્તુ પ્રત્યે થોડી નમ્રતા, આદર અને પ્રેમ સાથે. જો પ્રેમ નહિ તો ઓછામાં ઓછું આશ્ચર્ય સાથે, કેમ કે તમે આ વિશ્વની એકેય વસ્તુને સમજતા નથી.
જો તમે બસ આ રીતે ચાલવાનું શીખો તો તમે આધ્યાત્મિક પ્રક્રિયાથી દૂર નહિ રહો. તમારે કોઈ શિક્ષાની જરૂર નથી. તે આમ પણ તમારી સાથે ઘટિત થશે. તેથી જ પૂર્વીય સંસ્કૃતિઓમાં તમે જે પણ જુઓ, તે એક પથ્થર હોય, એક પ્રાણી હોય કે એક મનુષ્ય હોય, તેને તમે નમન કરો છો. તમે જે પૃથ્વી પર ચાલો છો, જે હવા શ્વાસમાં લો છો, જે પાણી પીઓ છો, જે ખોરાક ખાઓ છો, જે લોકોના સંપર્કમાં આવો છો, અને બીજું જે કંઈપણ તમે ઉપયોગમાં લો છો, તમારા શરીર અને મન સહીત, તેના પ્રત્યે આદરની ભાવનામાં રહેવું તે તમે હાથમાં લો તે દરેક કામમાં સફળતાની ખાતરી કરવાનો રસ્તો છે.
બોધ પાઠ #7: સારું અને ખરાબ જેવું કંઇ નથી
તમારી અંદરની દુનિયા – જો તમે તેને તે કહેવા માંગતા હોવ તો – તમારી આસપાસ શું છે તેનું એક પ્રતિબિંબ જ હોવી જોઈએ. આ કદાચ અમુક નૈતિક સિદ્ધાંતો - જે કહે છે કે તમારે બહાર અને અંદરને એકબીજાના સંપર્કમાં ન આવવા દેવા જોઈએ નહીંતર તમારી આસપાસ જે છે તે તમને તરત ભ્રષ્ટ કરી નાખશે - કરતાં પૂરેપૂરું ઊંધું લાગી શકે છે. તે સિદ્ધાંત સાચા નથી. તમે તમારી આસપાસ જે છે તેનાથી ત્યારે જ ભ્રષ્ટ થાવ છો જ્યારે તમારી પાસે દરેક વસ્તુ માટે અભિપ્રાયો હોય.
તમે એક વસ્તુને સારી તરીકે, બીજી કોઈ વસ્તુને ખરાબ તરીકે જુઓ છો. તમે જેને સારું ગણો છો તેની સાથે તમે બંધાય જાઓ છો. તમે જેને ખરાબ ગણો છો તેનાથી તમે દૂર રહેવાનો સતત પ્રયાસ કરો છો, અને ચોક્કસ તે અંદરથી તમારા પર રાજ કરશે. આ હોવાની યોગ્ય રીત નથી. દરેક વસ્તુને તે જેમ છે તેમ જોવી – તે પોતાની અંદર હોવાનો યોગ્ય રસ્તો છે. જો તમે જે ત્યાં છે તેનાથી કૈક અલગ જુઓ, તો તેનો અર્થ છે કે તમે તમારા અભિપ્રાયો અને પૂર્વગ્રહોથી દુનિયાને દુષિત કરી રહ્યા છો.
સૃષ્ટિ એટલા માટે બની છે કે તમે તેને જેવી છે તેવી જુઓ, તમે પોતે ઈચ્છો છો તે રીતે તેને બનાવવા માટે નહિ. આ એક અશ્લીલતા છે જે મનુષ્યો સર્જકના સર્જન પર કરી રહ્યા છે. આટલું શાનદાર સર્જન – તમારે કરવાનું છે જ શું? જો તમે તેને ગ્રહણ કરી શકો તો કરો – બીજું કંઇ નહિ – અને તે પણ સરળ નથી કેમ કે સર્જન બહુપરિમાણીય છે. અત્યારે એટલી બધી વસ્તુઓ ઘટિત થઈ રહી છે અહીંયા જ – એકબીજાની અંદર, બધે બધું એક સ્થળે, બધે બધું એક સમયે.
તે બધું જ જે તમે વિચારો છો કે ભૂતકાળ છે, તે બધું જ જે તમે વિચારો છો કે ભવિષ્ય હશે તે અહીંયા જ છે. જો તમે બધું જ જેમ છે તેમ જુઓ, જો આખું સર્જન તમારી અંદર પ્રતિબિંબિત થાય, જો તમે સર્જનને તે જેવું છે તેવું તમારી અંદર સમાવી શકો, તો તમે સર્જનનો સ્ત્રોત બની જાઓ છો. તે જ હોવાની યોગ્ય રીત છે, અંદર અને બહાર બંને જગ્યાએ.
Editor’s Note: Download the ebook “Inner Management”, where Sadhguru reveals effective tools to enhance capabilities, change your life, and open up a new dimension that frees us from external influences. Set “0” in the price field to download for free.