મહાભારત એપિસોડ 2 – ચંદ્રવંશનો ઉદય
પહેલા એપિસોડમાં આપણે જોયું કે કેવી રીતે ઈન્દ્રના મુખ્ય પૂજારી અને દેવગુરુ બૃહસ્પતિ અન્ય સ્ત્રીઓ સાથે પ્રેમચેષ્ટા કરતાં હતાં અને તેમના દ્વારા અવગણના પામેલી તેમની પત્ની તારા ચંદ્રદેવ સાથે પ્રેમમાં પડે છે. બૃહસ્પતિએ ક્રોધિત થઇને તારા અને ચંદ્રના પુત્રને શ્રાપ આપ્યો કે, તે ન પુરુષ હશે કે ન સ્ત્રી. બુધ, જે બુધ ગ્રહને રજૂ કરે છે, તેમનો જન્મ થયો.
રાજા સુદ્યુમ્ન શિકાર કરવા જાય છે
સદગુરુ: એક દિવસ રાજા સુદ્યુમ્ન શિકાર કરવા જંગલમાં ગયા, એ જંગલમાં શિવ અને પાર્વતી રહેતાં હતાં. પાર્વતીએ જંગલના પ્રાણીઓને જોઇને પ્રેમમય થઈ શિવને કહ્યું, “મારો તમારા પ્રત્યેનો પ્રેમ એવો છે કે મને એમ થાય છે કે, આ નર હાથીઓ, ઘટાદાર કેશવાળા સિંહો, સુંદર કલ્ગીઓવાળા મોર, એ બધાં તમારા માટે એક અપમાન છે. મારી ઈચ્છા છે કે તમે આ જંગલને એ રીતે બનાવો કે તેમાં તમારા સિવાય અહીં અન્ય કોઈ પુરુષ ન હોય.” શિવ પણ ત્યારે રોમૅન્ટિક મૂડમાં હતાં. તેમણે કહ્યું, “ઠીક છે. આ જંગલની બધી જ વસ્તુઓ નારી જાતિમાં ફેરવાઇ જાઓ.” જંગલની બધી જ વસ્તુઓ નારી જાતિમાં ફેરવાઇ ગઈ. સિંહો સિંહણ બની ગયા, નર હાથીઓ માદા હાથીઓ બની ગયા, મોર ઢેલ બની ગયા અને રાજા સુદ્યુમ્ન એક સ્ત્રી બની ગયા.તેણે પોતાની જાતને જોઈ – એક બહાદુર રાજા, જે જંગલમાં શિકાર કરવા આવ્યો હતો, તે અચાનક એક સ્ત્રી બની ગયો. તેણે રુદન કર્યું, “મારી સાથે આવું કોણે કર્યું? કયા યક્ષે, કયા દાનવે મને આવો અભિશાપ આપ્યો?” વિષાદમય થઇને તેણે આસપાસ શોધખોળ કરી. પછી તેણે શિવ અને પાર્વતીને પ્રેમ કરતાં જોયા. તે શિવના પગે પડ્યો અને કહ્યું, “આ ઉચિત નથી. હું એક રાજા છું. હું એક પુરુષ છું. મારે એક કુટુંબ છે. હું માત્ર શિકાર કરવા આવ્યો હતો અને તમે મને એક સ્ત્રીમાં ફેરવી નાખ્યો. હું આ રીતે પાછો કેવી રીતે જાઉં?” શિવે કહ્યું, “મેં જે કર્યું છે તેને હું પાછું તો ન લઈ શકું, પણ હું તેને થોડું સુધારી શકું તેમ છું. આપણે તેને એ રીતે કરીએ કે જ્યારે ચંદ્રની કળા ઘટતી જશે, ત્યારે તમે સ્ત્રી હશો અને ચંદ્રની કળા વધતી જશે, ત્યારે તમે પુરુષ હશો.”
ચંદ્રવંશી રાજવંશનો જન્મ થયો
સુદ્યુમ્ને તેના મહેલ પર પાછા ફરવાનું નકાર્યું. તે ત્યાં જંગલમાં જ રહ્યો અને ઈલા નામથી ઓળખાયો, જે અર્ધો મહિનો પુરુષ અને અર્ધો મહિનો સ્ત્રી હતો. એક દિવસ એવું બન્યું કે બુધ અને ઈલા મળ્યા. તે એક ઉત્તમ જોડું હતું. બંને સમાન માપથી સ્ત્રી અને પુરુષ હતા. તેઓને ઘણા બાળકો થયા. તે બાળકો પહેલા ચંદ્રવંશી બન્યા.
આ દેશમાં રાજાઓની પરંપરામાં સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓ છે – સૂર્યનાં વંશજો અને ચંદ્રના વંશજો. તેઓ તદ્દન અલગ અલગ પ્રકારના લોકો છે. સૂર્યવંશીઓ વિજયી થનારા લોકો હોય છે, સ્પષ્ટ અભિપ્રાય રાખવાવાળા અને સ્પષ્ટ ગુણોવાળા લોકો હોય છે. ચંદ્રવંશીઓ દરરોજ અલગ હોય છે. તેઓ અત્યંત લાગણીશીલ અને કળાપ્રેમી હોય છે તેમજ બિલકુલ વિશ્વાસપાત્ર નથી હોતા. સૌથી મહાન સૂર્યવંશીઓમાં મનુ પોતે હતાં, પછી ઈક્ષ્વાકુ આવ્યા. ત્યાર બાદ ઘણા હતાં – જેમ કે ભાગીરથ, દશરથ, અયોધ્યાનાં રામ અને હરિશ્ચંદ્ર. અહીં આપણે ચંદ્રવંશીઓ વિષે વાત કરીશું કારણ કે, કુરુઓ મોટે ભાગે ચંદ્રવંશી હતાં. આ તેમની ભાવનાત્મક ઉત્તેજના કે જેને વશ થઈ તેઓ કાર્ય કરતાં તે દર્શાવે છે.
નહુશ – રાજામાંથી અજગર
બુધ અને ઈલાની એક સંતાન નહુશ હતી, જે એક મહાન રાજા બન્યો. એકવાર તેને દેવલોકમાં ઈન્દ્રના મહેલમાં આમંત્રિત કરવામાં આવ્યો. ઈન્દ્રને કોઈ જગ્યાએ જવાનું હતું તેથી તેણે નહુશને કહ્યું, “મારા દેવલોકની થોડો સમય સંભાળ રાખજે. અહીં રહેજે, મજા કરજે અને મારા મહેલનું પ્રશાસન પણ સંભાળજે.” જે ક્ષણે ઈન્દ્ર ગયા, નહુશ પોતાને ઈન્દ્રની અવેજીમાં દેવલોકનું ધ્યાન રાખવાની મળેલી જવાબદારીથી અહંકારી બન્યો. તે ઈન્દ્રની રાજગાદી પર બેસતો. તેને ઈચ્છા હોય તે તમામ અપ્સરાને તે બોલાવતો.
હજુ તે ઓછું પડતું હોય તેમ તેની નજર ઈન્દ્રની પત્ની શચિ ઉપર પડી. તે તેની ઉપર ફરજ પાડવા માંડ્યો, “હવે હું રાજગાદી પર બેઠો છું. હું ઈન્દ્ર છું. તું મારી છે.” શચિએ તેને ટાળવાનો ઘણો પ્રયાસ કર્યો, છતાં પણ તે તેની ઉપર બળ વાપરતો. શચિએ કહ્યું, “હા, હવે તમે ઈન્દ્ર છો. એક માત્ર વસ્તુ એ છે કે સપ્તઋષિઓએ તમને પાલખી પર બેસાડીને મારા સુધી લાવવા પડશે. પછી હું તમારી છું.” નહુશે સપ્ત ઋષિઓને હુકમ કર્યો કે તેઓએ તેને પાલખી પર શચિના મહેલ સુધી લઈ જવો, જે તેમણે કર્યું.
તે અહંકારથી ગ્રસિત અને ખૂબ જ જલ્દીમાં હતો. તેને લાગ્યું કે તેઓ ઝડપથી નથી ચાલી રહ્યા. તેથી તેણે અગસ્ત્ય મુનિ કે જેઓ પાલખીને જમણી બાજુએથી પકડી હતી તેમને માથામાં લાત મારી અને કહ્યું “ઝડપથી ચાલો.” અગસ્ત્ય મુનિએ તેની તરફ જોયું અને કહ્યું, “સમગ્ર વસ્તુ તારા મગજમાં ભરાઇ ગઈ છે. તું એટલો નીચ થઈ ગયો છે કે તું ફક્ત દેવલોકમાં રહેવા માટે જ નહીં – તું માણસ રહેવા માટે પણ લાયક નથી. તું એક અજગર બનો.” એક અજગર જંગલી પ્રાણી છે. નહુશ એક અજગરના રૂપમાં દેવલોકમાંથી નીચે પડ્યો. આપણે અજગર ઉપર પાછીથી આવીશું.
નહુશને બાળકો હતા – જેમાંના મહત્વના બે હતા યતિ અને યયાતિ. યતિ તેના ચારિત્ર્ય અને તેની અસાધારણ બુદ્ધિ માટે જાણીતો હતો. તેણે દુનિયા પર એક નજર માંડી અને કહ્યું, “મારે આની સાથે કોઈ નિસ્બત નથી,” તે હિમાલય જતો રહ્યો અને સન્યાસી બન્યો તેમજ યયાતિ એક રાજા બન્યો.
દેવો અને અસુરો સતત યુદ્ધમાં રહેતા
જેમ મેં આગળ કહ્યું તેમ બૃહસ્પતિ દેવોના પૂજારી હતા અને તેમના માટે ધાર્મિક વિધિઓ કરતાં. શુક્રાચાર્ય અસુરોના પૂજારી હતા. દેવો અને અસુરો સતત ગંગાના મેદાનોમાં યુદ્ધ કરતાં. દેવો ઊંચાણવાળી જગ્યાઓ તરફથી નીચે ઊતરવા પ્રયત્નો કરતાં અને અસુરો રણપ્રદેશ તરફથી સૌથી ફળદ્રુપ એવી ભારતની હૃદયભૂમિ તરફ ઉપર જવાનો પ્રયાસ કરતાં. આ સતત ચાલતા યુદ્ધોમાં અસુરોને એક ફાયદો હતો – તેઓ પાસે શુક્રાચાર્ય હતા. તેમની પાસે અપાર સામર્થ્ય હતું. તેમની પાસે સંજીવનીની શક્તિ હતી. સંજીવની મંત્ર વડે જે પણ યુદ્ધ મેદાનમાં મરી જાય તેમને તે જીવંત કરી શકતાં.
પ્રત્યેક દિવસના અંતે જે અસુરો યુદ્ધમાં મૃત્યુ પામતા તે બધાને પુનર્જીવિત કરાતા અને ફરીવાર બીજી સવારે તેઓ લડવા માટે તૈયાર થઈ જતાં. તમે આવી સેના સાથે કેવી રીતે યુદ્ધ કરી શકો, જો તમે તેમને મારી નાખો તો પણ તેઓ મરે નહીં? શુક્રાચાર્યનાં કારણે તેઓ ફરી ને ફરી સજીવન થતાં. દેવો માટે પરિસ્થિતિ વિકટ થઈ. તેથી બૃહસ્પતિનો પુત્ર કચ નીચે શુક્રાચાર્ય પાસે ગયો, તેમને પગે લાગ્યો અને કહ્યું, “હું અંગીરનો પૌત્ર અને બૃહસ્પતિનો પુત્ર છું. હું એક સારા વંશમાંથી આવું છું. મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો.”
કચ શુક્રાચાર્ય નો શિષ્ય બન્યો
અસુરોએ શુક્રાચાર્યને ચેતવ્યા, “આ વ્યક્તિ શત્રુઓનાં પક્ષ તરફથી આવ્યો છે. સ્પષ્ટ છે કે એ સંજીવનીનું રહસ્ય જાણવા આવ્યો છે. આપણે અત્યારે જ તેનો વધ કરી નાખીએ.” શુક્રાચાર્યે કહ્યું, “ના, તે છોકરાએ આપણને કોઈ હાનિ નથી પહોંચાડી અને તેની પાસે મારા શિષ્ય બનવા માટે જરૂરી લાયકાત છે. હું તેને નકારી ન શકું.” તે સમયનો ધર્મ હતો કે જો કોઈ વ્યક્તિ શીખવા માટે લાયક હોય, તો તેને ના ન પાડી શકાય.
કચને શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યો અને તેણે એક યોગ્ય શિષ્ય હોવાનાં પ્રમાણ આપ્યાં. તેણે તેના ગુરુની સેવા કરી, પ્રત્યેક સૂચનોનું પાલન કર્યું અને તે દરેક વસ્તુનો એક ભાગ બની ગયો. શુક્રાચાર્યને દેવયાની નામે એક પુત્રી હતી. દેવયાનીએ આ નવયુવાનને જોયો અને ધીરે ધીરે તેની સાથે પ્રેમમાં પડી ગઈ. પણ કચ આ યુવતી ઉપર ધ્યાન નહોતો આપતો. તેણે જે કંઈ કર્યું, પણ તે એક ક્ષણ માટે પણ કચનું ધ્યાન આકર્ષિત કરી શકી નહીં. તે જે હેતુથી આવ્યો હતો તેનાથી તેનું ધ્યાન ચલિત થઈ શકે તેમ નહોતું અને અસુરો જાણતા હતા કે તે સંજીવની માટે આવ્યો હતો.
અસુરોએ કચ પર હુમલો કર્યો
એક દિવસ કચ જંગલમાં તેનાં ગુરુનાં ઢોર ચરાવતો હતો. અસુરો તેની પર તૂટી પડ્યા, તેને મારી નાખ્યો, તેના ટૂકડા કર્યા, અને તેને જંગલી જાનવરોને નાખી દીધાં. સાંજે જ્યારે માત્ર ગાયો પછી આવી પણ તે ન આવ્યો ત્યારે દેવયાનીનું હૃદય તૂટી ગયું. તે તેના પિતા પાસે ગઈ અને રડવા લાગી, “કચ પાછો આવ્યો નથી. કોઈએ તેની સાથે કંઈ કર્યું છે. તે જ્યાં પણ હોય, તમારે તેને પાછો જીવંત કરવો રહ્યો.” શુક્રાચાર્યે તેની પુત્રીની ઈચ્છાને વશ થઈને સંજીવનીનો ઉપયોગ કરીને કચને સજીવન કર્યો.
જ્યારે તેને શું થયું તે વિષે પુછવામાં આવ્યું ત્યારે કચે વર્ણવ્યું કે કેવી રીતે અસુરોએ તેની ઉપર ચડાઈ કરીને તેને મારી નાખ્યો. શુક્રાચાર્યે કહ્યું, “પોતાનું ધ્યાન રાખજે. અસુરો તને પસંદ નથી કરતા કારણ કે, તું શત્રુઓનાં પક્ષમાંથી છે. છતાં પણ હું તને હું મારા શિષ્ય તરીકે રાખી રહ્યો છું.” થોડા દિવસો પછી, કચ સવારની પૂજા માટે ફૂલ તોડવા ગયો ત્યાં અસુરોએ તેને પકડી લીધો, મારી નાખ્યો, તેનાં માંસ અને હાડકાંઓને પીસીને તેમાં સમુદ્રનું ખારું પાણી મેળવી દીધું, તેના અવયવો પીસી અને તેને થોડી માત્રામાં શુક્રાચાર્યનાં દારૂમાં ભેળવી દીધાં. અજાણતા શુક્રાચાર્ય તે પી ગયા.
ફરી એકવાર કચ સાંજ સુધી પાછો ના ફર્યો તેથી દેવયાનીએ રુદન કર્યું. પણ શુક્રાચાર્યે કહ્યું, “એવું લાગે છે કે મરણ તેની નિયતિમાં જ હતું. તે વારંવાર મૃત્યુ પામે છે. તેને પાછો લાવવાનો કોઈ અર્થ નથી. તારા જેવી બુદ્ધિશાળી અને તારા જેવા કુળવાળી વ્યક્તિ કે જેને જીવનનો આટલો અનુભવ છે તેણે જીવન અને મૃત્યુ બાબતે આમ રડવું ન જોઈએ. આ એવી વસ્તુ છે જે દરેક પ્રાણી સાથે થાય છે. તેને મૃત જ રહેવા દે. કોઈને વારંવાર સજીવન કરવો તે ઠીક નથી.” પણ દેવયાનીનું હૃદય તૂટી ગયું હતું. “ક્યાં તો કચ પાછો ફરશે ક્યાં તો હું તળાવમાં ડૂબીને મરી જઈશ.” એવું થવા દેવા માટે અનિચ્છિત શુક્રાચાર્ય બોલ્યા, “હું છેલ્લી વાર તેને સજીવન કરું છું.”
કચ સંજીવની મંત્ર શીખે છે
જ્યારે શુક્રાચાર્યે મંત્રનો ઉપયોગ કરવા પ્રયત્ન કર્યો તો તેમને પોતાના પેટમાં ગડગડાટ થઈ. તે કચ હતો. શુક્રાચાર્ય અત્યંત ક્રોધિત થયાં. “આ કોણે કર્યું? શું આ પણ અસુરોનું કામ છે? તેઓ આવું કેવી રીતે કરી શકે?” તેમના પેટમાંથી કચે આખી વાર્તા કહી સંભળાવી – કેવી રીતે અસુરોએ તેને માર્યો, તેને પીસી નાખ્યો, તેને સમુદ્રના પાણીમાં મિશ્રિત કર્યો, અને તેઓએ કેવી રીતે તેના અવયવો કાઢ્યા, તેને પીસી નાખ્યાં, અને તેમાના થોડા દારૂ જોડે મિશ્રિત કર્યા. શુક્રાચાર્ય અત્યંત ક્રોધિત થયાં. “હવે બહું થયું, તેમણે હવે તેને મારા પેટમાં મૂકી દીધો. હવે ક્યાં તો મારે તેને મૃત રહેવા દેવો પડશે અથવા જો હું તેને પાછો સજીવન કરું તો મારે મરવું પડશે.” તેમણે વિચાર્યું, “કદાચ મારે આ કામ છોડીને દેવોની સાથે જોડાઈ જવું જોઈએ. મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન થઈ રહ્યું છે. તેમની આ છોકરાને મારા પેટમાં મૂકવાની હિંમત કઈ રીતે થઈ?” પણ દેવયાનીએ રુદન કર્યું. તેણે કહ્યું, “હું તમારા બંને વિના જીવવા માંગતી નથી. જો તમારાં બેમાંથી કોઈ એક પણ મરી જશે, તો હું પોતાને ડૂબાડી દઈશ.”
શુક્રાચાર્યે કચને કહ્યું, “તું જે હેતુસર આવ્યો હતો તેમાં તું સફળ થયો છે. તારે સંજીવનીનું રહસ્ય જાણવું હતું અને તું એક યોગ્ય ઉમેદવાર છે. હવે હું તને તે શીખવીશ. પછી હું તને તે સજીવન કરવા વાપરીશ. તું મારા શરીરમાથી બહાર આવીશ જે પ્રક્રિયા મને મારી નાખશે. ફરીથી તું સંજીવની મંત્રનો ઉપયોગ કરી મને સજીવન કરજે અને નવેસરથી બીજે ક્યાંક તારું જીવન શરૂ કરજે.” શુક્રાચાર્યે સંજીવની મંત્રનો ઉપયોગ કર્યો અને જાણે ચંદ્રોદય થતો હોય તેમ કચ તેમના પેટમાં મોટો થયો અને બહાર આવ્યો. શુક્રાચાર્ય મૃત્યુ પામ્યા. દેવયાની બૂમ પાડી ઊઠી. પછી કચે સંજીવની મંત્રનો પ્રયોગ કર્યો અને શુક્રાચાર્યને સજીવન કર્યા.
તે જ્યારે પાછો જઈ રહ્યો હતો ત્યારે દેવયાની બોલી, “તું નહીં જઈ શકે. મેં તને પ્રેમ કર્યો છે.” તેના ગમે તેટલી આજીજી કરવા છતાં પણ કચ બોલ્યો, “હું તારા પિતાનો શિષ્ય છું. તે સ્તરે તું મારી બહેન સમાન છે. બીજી વસ્તુ એ છે કે, હું હમણાં જ તારા પિતાના શરીરમાંથી બહાર આવ્યો છું, તેથી તેઓ મારી માતા પણ છે. તે રીતે પણ તું મારી બહેન જ છે. તેથી આનો કોઈ માર્ગ નથી,” અને તે જતો રહ્યો.
ક્રમશઃ...
Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower May 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.