Mahabharat All Episodes

સદ્‍ગુરુ: ધૃતરાષ્ટ્ર જન્મથી દૃષ્ટિહીન હતા, ગાંધારીએ આંખોએ પટ્ટી બાંધીને અંધત્વ સ્વીકાર્યું હતું. ધૃતરાષ્ટ્ર પાંડુંને ત્યાં સંતાન જન્મે તે પહેલાં ગાંધારીને સંતાન થાય તે માટે અત્યંત ઉતાવાળા હતા, કારણ કે નવી પેઢીનો જયેષ્ઠ પુત્ર રાજા બને. તેણે ગાંધારીને તમામ પ્રકારના પ્રેમાળ વચનોથી રીઝવવાના પ્રયત્ન કર્યા જેથી તેણી તેના પુત્રપ્રાપ્તિ માટે તૈયાર થાય. ગાંધારી ગર્ભવતી થઈ. મહિનાઓ પસાર થવા લાગ્યા. નવ પછી દસ અને પછી અગિયાર મહિના થઈ ગયા, પણ પ્રસવ ન થયો. તેઓ બેચેન થઈ ગયા. પછી તેમને સમાચાર મળ્યા કે, પાંડુના પ્રથમ પુત્ર યુધિષ્ઠિરનો જન્મ થયો છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હતાશામાં સરી પડ્યા.

એક અપશુકનિયાળ જન્મ

યુધિષ્ઠિરનો જન્મ પહેલાં થયો, એટલે સ્વાભાવિક રીતે, તે જ ભવિષ્યમાં રાજા બને. હવે, ગાંધારીને ગર્ભ ધારણ કર્યાને બાર મહિના પસાર થઈ ગયા, પણ ગાંધારીને પ્રસવ ન થયો. તેણે પૂછ્યું, “આ શું છે? આ જીવીત છે કે મૃત? આ તે માનવ છે કે પશુ?” હતાશ થઈને તેણે પોતાના પેટ પર મુક્કા માર્યા, તો પણ કશું ન થયું. પછી તેણે એ પોતાના એક ચાકરને લાકડી લાવીને પેટ પર ફટકારવા હુકમ કર્યો. ત્યાર પછી તેનો ગર્ભ પડ્યો અને એક કાળો માંસનો ટુકડો બહાર નીકળ્યો. લોકોએ જ્યારે તે જોયો ત્યારે ડરી ગયા કારણ તે માનવીનાં માંસ જેવું દેખાતું ન હતું, તે કંઇ દુષ્ટ લાગતું હતું જે અમંગળના એંધાણ આપતું હતું.

અચાનક આખા હસ્તિનાપુરમાં ભય ફેલાઈ ગયો કારણ કે તેમને ભયાનક અવાજો સંભળાવા લાગ્યા, શિયાળની ચીસો સંભળાતી હતી અને પ્રાણીઓ રસ્તા પર ફરવા લાગ્યા હતા; ચામાચીડિયા દિવસના સમયે ઊડવા લાગ્યા. સંકેતો સ્પષ્ટ હતા કે કંઇક ખોટું થવા જઈ રહ્યું હતું. જે ઋષિઓએ આ જોયું તેઓ હસ્તિનાપુર છોડીને જવા લાગ્યા. સમાચાર આવ્યા કે ઋષિઓ બધા ચાલી નીકળ્યા છે. વિદુર આવ્યાં અને ધૃતરાષ્ટ્રને કહ્યું, “આપણે બહુ મોટા સંકટમાં મુકાવા જઈ રહ્યાં છીએ.”  ધૃતરાષ્ટ્ર પુત્ર જન્મથી એટલાં ઉત્તેજિત હતા કે તેમણે કહ્યું, “જવા દો.” તે તો જોઈ શકતા ન હતા તેથી તેમણે પૂછ્યું, “શું થયું છે? બધા આવી ચીસો કેમ પાડે છે અને આ બધા અવાજો શાના છે?”

૧૦૦ ઘડા, ૧૦૦ પુત્રો

પછી ગાંધારીએ વ્યાસને બોલાવ્યા. એક વખત વ્યાસ મુનિ લાંબી યાત્રા પછી પધાર્યા હતા અને ગાંધારીએ તેમના પગમાં પડેલા ઘાની સારવાર કરી હતી અને તેમની ઘણી સેવા કરી હતી. તે સમયે તેમણે તેને વચન આપ્યું, “તું જે ઈચ્છીશ તે તારું થઈ જશે એવું વચન હું આપું છું.” તેણે કહ્યું હતું, “મને સો પુત્ર જોઈએ છે.” વ્યાસ મુનિએ કહું હતું, “ભલે, તમને સો પુત્ર થશે. હવે ગર્ભપાત થઈ ગયા પછી, તેણે વ્યાસને બોલાવ્યા અને કહ્યું, “આ શું છે? આપે મને સો પુત્રના આશીર્વાદ આપ્યા હતા, તેના બદલે મેં તો એક માસનાં લોચાને જન્મ આપ્યો છે, જે માનવબાળ જેવો દેખાતો પણ નથી, તેને જંગલમાં ફેંકી દો, ક્યાંક દાટી દો.”

વ્યાસે કહ્યું, “હજુ સુધી, મારું વચન કદી મિથ્યા થયું નથી અને હવે પણ થશે નહિ. તે ટુકડો અહીં લાવો.” તેઓ તેને લઈને ભોંયરામાં જતા રહ્યા અને સો માટલા, તલનું તેલ અને જુદી જુદી જાતની ઔષધિઓ લાવવા કહ્યું. તેમણે તે માસના ટુકડાના સો ટુકડા કર્યા અને સો માટલાઓમાં મૂક્યા તેમને સલામત રીતે બંધ કર્યા અને ભોંયરામાં જ રાખી દીધા. પછી તેમની નજર પડી કે એક નાનો ટુકડો રહી ગયો હતો. તેમણે કહ્યું, “મને એક બીજું માટલું લાવીને આપો. તમને સો પુત્ર અને એક પુત્રી થશે.” તેમણે તે ટુકડાને પેલા વધારાના માટલામાં મૂક્યો, બંધ કર્યો અને તેને પણ ભોયરામાં છોડી દીધો. એક બીજું વર્ષ પસાર થઈ ગયું. એટલે જ એમ કહેવાય છે કે ગાંધારી બે વર્ષ સુધી ગર્ભવતી રહી હતી. એક વર્ષ પોતાની કૂખમાં અને એક વર્ષ ભોયરામાં.

સર્પ જેવી આંખોવાળો છોકરો

એક વર્ષ પસાર થઈ ગયા પછી, પ્રથમ ઘડો ફૂટ્યો, અને તેમાંથી સર્પ જેવી આંખો ધરાવતું અસામાન્ય રીતે મોટું બાળક બહાર આવ્યું. તેનો અર્થ એવો હતો કે તેની પાપણ મીંચકાય નહિ, ભાવ વિહિન, સ્થિર અને સીધી આંખો જેવી કે એક અંધની આંખ હોય છે. પાછા ભય પેદા કરે તેવા અપશુકનિયાળ અવાજો અને અમંગળ એંધાણ મળવા લાગ્યા, જે રાત્રિના સમયે થવું જોઈએ તે દિવસે થવા લાગ્યું. અંધ ધૃતરાષ્ટ્રને કંઇક ખોટું થઈ રહ્યાની લાગણી થઈ અને તેણે વિદુરને પૂછ્યું, “આ શું થઈ રહ્યું છે? લાગે છે, કોઈ આપત્તિ આવી છે. શું મારો પુત્ર જન્મી ચૂક્યો છે? મહેરબાની કરીને મને કહે.” વિદુરે કહ્યું, “હા, આપના પુત્ર નો જન્મ થયો છે. ધીમે ધીમે બધા ઘડા તૂટવા લાગ્યા; બધા પુત્રો બહાર આવવા લાગ્યા અને એક ઘડામાંથી પુત્રી બહાર આવી.

વિદુરે કહ્યું, “આપને સો પુત્રો અને એક પુત્રી છે. પરંતુ હું આપને કહું છું કે આપના પ્રથમ પુત્રને મારી નખાવો.” ધૃતરાષ્ટ્રએ કહ્યું, “શું, તું મારા પ્રથમ પુત્રને મારી નાખવાનું કહે છે? આ તે કેવી વાત કરે છે?” વિદુરે કહ્યું, “જો આપ આપના પ્રથમ પુત્રને મરાવી નખાવો તો આપ પોતાની, કુરુ સામ્રાજ્યની અને માનવતાની ઘણી મોટી સેવા કરશો અને ત્યાર પછી પણ આપને સો બાળકો તો રહેશે જ, નવ્વાણુ પુત્રો અને એક પુત્રી. આ પ્રથમ પુત્ર નહિ હોય તો તેઓ કોઈ નુકસાન પહોંચાડી નહિ શકે પણ જો તે હશે તો આ સહુ મળીને વિનાશ સર્જશે અને આપણે તે સમજીએ છીએ.”

ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ અપશુકન અવગણ્યા

આ સમય દરમિયાન ગાંધારીએ દુર્યોધનને, પોતાના પ્રથમ સંતાનને હાથમાં લીધો. તેને કોઈ આવજો ન સંભળાયા, કોઈ અપશુકન ન અનુભવાયા. તે તો પ્રસન્ન હતી કે તેના પ્રથમ પુત્રનો જન્મ થયો હતો. એક કદાવર નવજાત શિશુ. તે તેનું લાલન પાલન કરીને મોટો કરવા ઉત્સુક હતી. પછી વિદુરે કહ્યું, “શાણા લોકો હંમેશા કહે છે પરિવારના ભલા માટે એક વ્યક્તિ નું બલિદાન આપી શકાય, એક પરિવારનો ભોગ ગામના ભલા માટે અને ગામનો ભોગ એક દેશના ભલા માટે આપી શકાય છે. અવિનાશી આત્મા માટે દુનિયાનો ત્યાગ કરવો પડે તો તેમ કરવું પણ વ્યાજબી છે.”

“ઓ મોટાભાઈ, આપનો આ આસુરી બાળક નર્કના પેટાળમાંથી માણસજાતના આત્માને કલુષિત કરવા અને તેનો વિનાશ કરવા માટે આવ્યો છે. તેને હમણાં જ મારી નંખાવો. હું ખાત્રીપૂર્વક કહું છું કે, તેના ભાઈઓ કોઈ નુકસાન નહિ કરે અને તમે તેમનાથી ઘણા ખુશ રહેશો; નવ્વાણુ રાજકુમારો, પરંતુ આપે પ્રથમ પુત્રને જીવીત ન છોડવો જોઈએ.” પણ ધૃતરાષ્ટ્રનો તેના હાડ-માંસ પ્રત્યેનો પ્રેમ વિદુરના ઉપદેશ કરતાં અનેક ગણો વધુ હતો. આથી દુર્યોધન તેના બીજા ભાઈઓ અને એક બહેન સાથે મહેલમાં રહી ઉછર્યો, જ્યારે પાંડવો જંગલમાં રહી ઉછર્યા.

ક્રમશ:...

More Mahabharat Stories

Editor's Note: A version of this article was originally published in Isha Forest Flower, November 2015.