મહાભારત એપિસોડ: ૧૩ ધર્મ - વ્યક્તિગત અને સાર્વત્રિક નિયમો
મહાભારત શૃંખલાનાં આ અંકમાં સદ્ગુરુ ધર્મ અને અધર્મ વિષે બોલે છે જે સમગ્ર મહાભારત કથા દરમિયાન મૂળભૂત સૂત્રધાર છે. માત્ર શું સારું અને શું ખરાબ જેવા ચુકાદા આપવાને બદલે તેઓ એ સમજાવે છે કે ધર્મનું અનુસરણ કરવું તે સુસંસ્કૃત રીતે જીવન જીવવાનો એવો અભિગમ છે જેનાથી દરેક વ્યક્તિ એક બીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર સ્વતંત્ર જીવન જીવી શકે છે.
ધર્મ અને અધર્મ
સદ્ગુરુ: સમગ્ર મહાભારત કથા બે મૂળભૂત પાસાંની આસપાસ ફરે છે - ધર્મ અને અધર્મ. તમે જ્યારે “ધર્મ” અને “અધર્મ” એમ કહો છો ત્યારે મોટા ભાગનાં લોકો તેનું સારું કે ખરાબ, સાચું કે ખોટું, યોગ્ય કે આયોગ્યના ધોરણે જ મૂલ્યાંકન કરે છે. ધર્મ કે અધર્મને સમજવાના જુદા જુદા રસ્તા છે. એક ક્ષત્રિય, એક યોદ્ધો, તેનો પોતાનો અલગ પ્રકારનો ધર્મ હોય છે. બ્રાહ્મણનો, એક શિક્ષક તરીકેનો ધર્મ અલગ હોય અને તે જ પ્રમાણે વૈશ્ય અને શુદ્રનો પોતાનો ધર્મ હોય છે. આ એક જીવન તરફ જોવાની એક સુસંસ્કૃત રીત છે. માત્ર એટલું જ નહિ કે કોઈ ચોક્કસ વર્ગને પોતાનો ધર્મ હોય - દરેક વ્યક્તિને પણ પોતાનો સ્વધર્મ હોય. તમે વારંવાર ભીષ્મ અને બીજા લોકોને કહેતા સાંભળશો, “આ મારો ધર્મ છે.” જો દરેકને પોતાનો ધર્મ, તેમનો પોતાનો અલગ કાયદો હોય, તો કોઈ પૂછી શકે, સૌને બાધ્ય એવા કયા નિયમો છે? કુરુક્ષેત્રનું યુદ્ધ એટલે નહોતું થયું કે સૌને પોતપોતાના અંગત નિયમો હતા અને તે એક બીજાથી વિરુદ્ધ જતા હતા. યુદ્ધ એટલા માટે થયું હતું કારણ કે લોકોએ સ્વધર્મનું ખંડન કર્યું. આ જીવનને સમજદારી પૂર્વક જોવાની એક રીત છે, જેમાં સૌને પોતાનો ધર્મ હોવા છતાં એવો ધર્મ હોય જે સૌને સમાન રીતે લાગુ પડે અને તેનું ઉલ્લંઘન વર્જિત હોય. આ રીતે, સૌ પોતપોતાની સ્વતંત્ર જિંદગી જીવી શકે અને તેમ છતાં તેમની વચ્ચે ઘર્ષણ ન થાય. ધર્મ પાલનનું આ મૂળભૂત સૂત્રનાં લીધે સંસ્કારી સમાજનું નિર્માણ શક્ય બન્યું.“મત્સ્ય ન્યાય”
ધર્મની સ્થાપના થઈ તે પહેલાં, ‘મત્સ્ય ન્યાય’ જેવું કંઇક અસ્તિત્વમાં હતું. તેને લગતી એક વાર્તા છે. એક દિવસ, એક નાની માછલી ગંગાનદીમાં ખુશીથી વિહાર કરી રહી હતી. પણ પછી ત્યાં ક્યાંકથી એનાથી થોડી મોટી માછલી આવી ચડી. પેલી નાની માછલી મોટી માછલીનો ખોરાક બની ગઈ, અને મોટી માછલી આનંદમાં આવી ગઈ. બીજે દિવસે, આ મોટી માછલી કરતા પણ વધુ મોટી માછલી આવી અને તે પેલી માછલીને ખાઈ ગઈ. આ પ્રમાણે મોટી ને મોટી માછલી આવતી ગઈ અને નાની માછલીઓને પોતાનો ખોરાક બનાવતી ગઈ. પછી મોટી માછલી મહાસાગરમાં ગઈ. તેણે નાની માછલીઓને ખાવાનું શરુ કર્યું અને એટલી બધી મોટી થઈ ગઈ કે જો તે પૂંછડી પણ હલાવે તો સમુદ્રના મોજા ઉછળીને હિમાલયને પખાળે. તે હવે દુનિયા માટે જોખમરૂપ બની ચૂકી હતી. આ વાર્તાને તેના સાચા સંદર્ભમાં સમજવાની જરૂર છે. આજે પણ એ સાચું છે કે દરેક માછલી તે જેટલી છે તેના કરતાં મોટી થવાનો પ્રયત્ન કરી રહી છે. જો દરેક માછલી સમાન ધોરણે વિકસતી હોય તો એક સંસ્કારી સમાજની રચના થાય. પણ જો કોઈ એક માછલી વધુ પડતી મોટી થાય, તો સમાજના મૂળભૂત નિયમો અને સંસ્કારો ભાંગી પડવાની શક્યતા રહે છે. પછી તે મોટી માછલીની ઈચ્છા કાયદો બની જશે. મત્સ્ય ન્યાય એટલે કે સ્વછંદી અને પ્રમાદી હોય તેવા ન્યાયમાંથી તે લોકો સમાજને તે કક્ષાએ દોરી જવા માંગતા હતા જ્યાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા સાથે પોતાને લાગુ પાડતા કાયદાનું પાલન કરી શકે અને બહોળા સમાજના હિત માટે ઘડાયેલા કાયદાનું ઉલ્લંઘન થાય નહીં.
મહાભારતમાં ધર્મ
મહાભારત એવી પરિસ્થિતિ હતી જેમાં અમુક માછલીઓ વધુ પડતી મોટી બની ગઈ હતી અને તેમણે એવા મૂળભૂત નિયમોને અનુસરવાનું ત્યજી દીધું જેનાથી દરેક વ્યક્તિને પોતાની જિંદગી જીવવની સ્વતંત્રતા મળતી હતી. જ્યારે તેઓ ધર્મ કે કાયદાની વાત કરતા હતા, ત્યારે તેઓ માત્ર આચારસંહિતાના અર્થ પૂરતી વાત નહોતા કરતા, ન તો સમાજમાં શાંતિ જાળવવાના એક માત્ર ઉદ્દેશથી, ન તો ફક્ત લોકોની કાબેલિયત બહાર લાવવા, કે પ્રેમ અને સ્વતંત્રતા માટે. ધર્મનું આચરણ સમાજમાં એવી વ્યવસ્થા સ્થાપિત કરવાનો પ્રયત્ન હતો જેના વડે દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વની મહત્તમ અભિવ્યક્તિ સુધી પહોંચી શકે. જો તમે તમારા અંતિમ, મૂળભૂત અને દિવ્ય સ્વરૂપ તરફ પ્રગતિ કરી રહ્યા હોવ તો તમે ધર્મના માર્ગ પર છો. જો તમારી પ્રગતિ તે તરફ નથી, તો ભલે તમે કોઈને નુકસાન નથી પહોંચાડી રહ્યા, તો પણ તમે ધર્મના માર્ગ પર નથી. મહાભારતમાં ધર્મનો આ સંદર્ભ છે. જ્યારે કોઈ કહે કે, “આ મારો ધર્મ છે,” તો તેનો અર્થ છે કે તેમને તે ન ગમે તો પણ, તેમના માટે તે અનુકૂળ પડે તેમ ન હોય તો પણ, તેમના માટે એ જ રસ્તો છે જેના દ્વારા તેઓ પોતાના મૂળભૂત અને પરમ્ તત્વને પામી શકે છે. જ્યારે ભીષ્મએ કહેલું, “મારી પ્રતિજ્ઞા મારો ધર્મ છે. હું તે તોડીશ નહિ, ભલે કુરુ સામ્રાજ્ય અને તેનો વંશ પડી ભાંગે - હું કુરુ સામ્રાજ્ય માટે મારું જીવન ત્યજી દેવા તૈયાર છું, પણ પ્રતિજ્ઞા તોડવા નહિ.” તેમના કહેવાનું તાત્પર્ય એમ હતું કે, તેઓ આ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરવાના હતા, અને તેઓ તેને છોડવાના નહોતા. તમે સાંભળ્યું કે વિદુરે શું કહ્યું હતું, “શાણા લોકો હંમેશા કહે છે આખા પરિવારના ભલા માટે એક વ્યક્તિનું બલિદાન આપી શકાય, એક પરિવારનો ભોગ ગામના ભલા માટે, અને ગામનો એક દેશના ભલા માટે ભોગ આપી શકાય છે. અવિનાશી આત્મા માટે દુનિયાનો ત્યાગ કરવો પડે તો તેમ કરવું પણ વ્યાજબી છે.” આ તેમની ધર્મ પ્રત્યેની સમજણ હતી. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે પરમ્ તત્વને પામવાનો જ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય અને અર્થ છે.
ભીષ્મનું સામર્થ્ય
આને આધાર માનીને, તેઓએ બધા નિયમો ઘડ્યા હતા. તેઓએ રોજિંદા જીવનના નાનામાં નાના નિયમો પણ પોતાના પરમ્ અંશને પામવામાં સહાયરૂપ સીડીની જેમ ઘડ્યા હતા. ભીષ્મએ અતિકઠિન અને ભયાવહ પ્રતિજ્ઞા લીધી હતી - આપણે તેને “અતિકઠિન” કહીએ છીએ એટલા માટે નહિ કે તે બ્રહ્મચારી બનેલા, તેમણે પોતાને સંતાન પ્રાપ્તિ માટે અસમર્થ કર્યા, કે તેમને જે અગવડ પડી કે નુકસાન થયું તે ખાતર, પરંતુ એટલા માટે કે તેઓ જે કુરુ સામ્રાજ્ય અને દેશને ખૂબ ચાહતા હતા તેને જોખમમાં મૂક્યું. જે તેમના માટે સૌથી વધારે મહત્વનું હતું તેને તેમણે દાવ પર લગાડ્યું, એમ કહીને કે તે તેમનો ધર્મ હતો અને આ એ રસ્તો છે જેના થકી તેઓ પરમ્ પ્રકૃતિને પામશે. જેમ જેમ આપણે આગળ વધીશું, તેમ તેમ તમે જોશો કે ઘણી પરિસ્થિતિઓમાં ભીષ્મ ઘણી રીતે માનવીય મર્યાદાઓથી પર હતા. જો કોઈ વ્યક્તિ પોતાનામાં રહેલા જીવન બીજને રૂપાંતરિત કરવા માંગે - એક જ કોષ જે બીજા મનુષ્યનું સર્જન કરવા જેટલો શકિતશાળી છે, તો તે પરમાણુ શકિત જેવો શક્તિશાળી બની જાય છે. એક અણુ કેટલી બધી શકિત ઉત્તપન્ન કરી શકે છે. ઘણીવાર લોકોએ કહ્યું છે કે તેઓ ભીષ્મ સાથે લડવા અસમર્થ છે કારણ કે તેઓ બ્રહ્મચારી હતા. તેઓ તેમને મારી શકવા સમર્થ નહોતા કારણ કે તેમણે પોતાના શરીરના પ્રત્યેક કોષને એક જીવન શક્તિમાં રૂપાંતરિત કરી દીધો હતો, જેને તેમણે પોતાના મૃત્યુના માલિક જેવા બનાવી દીધા હતા. આ એ પૃષ્ઠભૂમિ છે જેના આધારે એમ કહેવાતું કે ભીષ્મ પાસે પોતાના મૃત્યુનો સમય નક્કી કરવાની શક્તિ હતી. તેઓ અમર નહોતા, પરંતુ તે પોતાના મૃત્યુનો સમય અને સ્થળ નક્કી કરી શકવા જેટલા શકિતશાળી હતા, જે લગભગ અમર હોવા બરાબર જ હતું. અમરત્વ ત્યારે જ આવી શકે જ્યારે કોઈ તમને શ્રાપ આપે. તમે વિચારી શકો છો કે એ કેવા પ્રકારની યાતના હશે જો તમારે હંમેશા માટે જીવવું પડે? અમરત્વ એક શ્રાપ છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે મૃત્યુ પામી શકો એ એક આશીર્વાદ છે.
મહાભારત - સમય કરતાં ઘણું આગળ
આ વ્યક્તિની પોતાની ઊર્જાઓને જગાડવાની અને કુદરતમાં રહેલી ઊર્જાઓને જગાડવાની પ્રક્રિયા છે. મહાભારતમાં આવું બીજું ઉદાહરણ અસ્ત્રોનું છે - શકિતશાળી હથિયારો. તેઓ કહેતા કે અસ્તિત્વમાં રહેલા નાનામાં નાના કણને યુદ્ધના મેદાનમાં સૌથી શકિતશાળી શસ્ત્રમાં પરિવર્તિત કરવું શક્ય છે. તેઓ અણુ બૉમ્બ વિષે વાત કરતા હોય તેવું લાગે છે, ભલે તેઓ તે સમયે તીર-કામઠાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ અમુક અસ્ત્રોની ક્ષમતાની પણ વાત કરે છે, એવું કહીને કે, અમુક અસ્ત્ર એવા હોય છે કે તમે તેનો ઉપયોગ આખી દુનિયા નષ્ટ કરવા માટે ન કરો પણ, માતાના ગર્ભમાં રહેલા શિશુને સળગાવી દઈ શકો એટલા સટીક હોય છે.” ક્યાં તો તેમની પાસે માની ન શકાય તેવી અદ્ભૂત પરિકલ્પનાઓ હતી, અથવા તો તેમની પાસે ખરેખર આવું જ્ઞાન હતું. શું તેમની પાસે આવા શસ્ત્રો હતા, શું તેમણે ક્યારેય કોઈને એનો વપરાશ કરતા જોયા હતા, કે પછી કોઈકે ક્યાંકથી આવીને તેમને આ પ્રમાણે કહ્યું હતું? આપણે નથી જાણતા, પરંતુ આ કથા તમારે અમુક પ્રકારની સંવેદનશીલતા સાથે સાંભળવી જોઈએ. આ અમુક લોકોના લડવાની વાત નથી, કોઈકને એક રાજ્ય કે પત્ની કે પછી બાળક જોઈતું હોય, તેના પૂરતી જ આ વાત નથી. આ કથાના અનેક પરિમાણો છે.
ક્રમશ:...