મહાભારત અંક ૫૭: મહાભારત અનુસાર, સફળતાની ત્રણ ચાવી
સદ્ગુરુ મહાભારતના દૃષ્ટાંતો આપીને માણસ જીવનમાં સફળ થવા માટે જે પ્રયાસો કરે છે તેમાં કૌશલ્ય, કૃપા અને નસીબની ભૂમિકા અને તેમના મહત્ત્વની વિસ્તૃત છણાવટ કરે છે.
કુશળ બનો અને સાંભળો
કેવી રીતે જાણવું કે તમારામાં જરૂરી બુદ્ધિમત્તા કે કૌશલ્ય છે કે નહિ? જો તમે વિચારતા રહો કે, તમારામાં તે છે કે નહિ, તો તમે કારણ વગર બીકણ થઈ જશો. જો તમે માનતા હોવ કે તમારા માં તે છે, તો તમે આત્મવિશ્વાસને કારણે મૂર્ખ બનશો. એકમાત્ર રસ્તો એ છે કે, જે કૃપા મળી શકે તે લઈ લેવી અને પછી તમારી આસપાસ જે બની રહ્યું છે તેના પ્રત્યે સંવેદનશીલ રહેવું. પ્રકૃતિમાં પ્રત્યેક વસ્તુ સતત કંઇ કહેતી હોય છે - લોકો સાંભળતા નથી; સાંભળી શકતા નથી. કારણ કે, તેઓ પોતાના મગજમાં પોતાની જ વધુ પડતી વાતો ચાલતી હોય છે. તેઓ ન તો કૃપા સમજી શકે છે ન તો અસ્તિત્ત્વની ગોઠવણ સમજી શકે છે.
આ વાતો વિષે બોલવામાં જોખમ એ છે કે ઘણા બધા વિખરાયેલી બુદ્ધિવાળા લોકો તરત જ માનવા લાગે છે કે, આ નારિયેળી તેમને કશુંક કહી રહી છે. ધ્યાનથી સાંભળવાનો અર્થ એવો નથી કે તમે કલ્પના કરવાનું શરૂ કરી દો. તમે ત્યારે જ સાંભળી શકો જ્યારે તમે બોલતા ન હો. અવાજ ઝીલવાની પ્રક્રિયા એ સાંભળેલું ન કહેવાય. તમને ગમે કે ન ગમે અવાજ તો તમે ઝીલશો જ. માત્ર અવાજ ઝીલવું તમારા મનને વ્યથિત કરશે – તે ઘોંઘાટની અસર છે. ધ્યાનથી સાંભળવું તમારા મનને સ્થિરતા તરફ લઈ જશે. જો તમે કંઇક સાંભળો છો, તો જેને તમે ઘોંઘાટ ગણો છો તે પણ તમારા મનને સ્થિરતા તરફ દોરી જશે. સંગીત માત્ર સારી રીતે ગોઠવવામાં આવેલો ઘોંઘાટ અથવા ધ્વનિ છે અને સંગીતની ગુણવત્તા માત્ર સંગીતકાર પર આધાર નથી રાખતી, સાંભળનાર પર પણ તેનો ઘણો આધાર છે કે, તેઓ કેટલું ધ્યાનપૂર્વક સાંભળે છે.
શા માટે વિશ્વાસનો અભાવ નિષ્ફળતા તરફ દોરી જાય છે
કાર્યની સફળતા માટે આ ત્રણ પાસા સમગ્ર મહાભારતમાં પ્રવાહિત થયા છે. યુદ્ધ દરમિયાન એવી કેટલીક ક્ષણો હતી, જ્યારે તેમણે ધ્યાનપૂર્વક સાંભળ્યું, અને કેટલીક વખત ન સાંભળ્યું. કોઈને સાંભળવા માટે તમને તેમનામાં વિશ્વાસ હોવો જોઈએ. નહિ તો તમે સાંભળશો અને ફરી તમારી નકામી વસ્તુઓ કરશો. જે જે સમયે પાંડવોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, તેઓના જીવન ઉપર આવ્યા છે. કેટલીક વખત તેમણે એવું કર્યું કે, “હું તો મને અનુકૂળ પડે તેટલું જ સાંભળીશ, તેના સિવાય હું મારી મરજીનું કરીશ.” ત્યારે તેઓની પડતી થઈ છે કારણ કે, ધ્યાનપૂર્વક સાંભળવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. કૌરવો હંમેશા નીચે રહ્યા કારણ કે, તેમને કશામાં કે કોઈનામાં શ્રદ્ધા ન્હોતી. પાંડવોની શ્રદ્ધા ડગમગાતી રહેતી. જ્યારે તે સ્થિર થતી ત્યારે તેઓ હંમેશા ઉપર ઉઠ્યા છે. જ્યારે નહિ, ત્યારે તેઓ પણ હેઠા પડ્યા છે.
જ્યારે શ્રદ્ધા ન હોય, ત્યારે ચિંતા અને ભય હોય છે. જ્યારે ભય હશે ત્યારે ક્રોધ આવશે. જ્યારે ક્રોધ આવશે ત્યારે ઘર્ષણ થશે. કથાનો આ જ સાર છે. જ્યારે તેઓને શ્રદ્ધા હતી ત્યારે તેઓ નિર્ભય હતા, જ્યારે તેઓ નિર્ભય હતા ત્યારે કોઈ ક્રોધ ન્હોતો, જ્યારે ક્રોધ ન્હોતો ત્યારે કાર્યો હેતુપૂર્વક થતાં. પણ જ્યારે શ્રદ્ધા ન રહેતી; ભય હોતો, ભયને કારણે ક્રોધ આવતો, ક્રોધ આવતા કાર્યો હેતુની ભાવના ગુમાવી બેસતા અને તેમની ક્ષમતાઓ યોગ્ય કાર્ય કરતી નહિ.
ક્રોધ શા માટે તામને ફાયદો નથી કારતો
યુદ્ધ દરમિયાન અશ્વત્થામા તેના પિતાના મૃત્યુથી નારાજ હતો, ખાસ કરીને જે રીતે તેના પિતાને મારવામાં આવ્યા હતા તે બાબતે. દ્રોણને એવું ઠસાવવામાં આવ્યું કે, તેનો પુત્ર અશ્વત્થામા મરાયો છે, પછી તેમની હત્યા કરવામાં આવી. અશ્વત્થામા મરાયો છે એમ સાંભળીને દ્રોણે હથિયાર મૂકી દીધા, પોતાના રથમાં પલાંઠી વાળીને ધ્યાનમાં બેસી ગયા. ધૃષ્ટદ્યુમ્ને ત્યાં જઈને આંખો બંધ કરીને બેઠેલા નિ:શાસ્ત્ર દ્રોણનું મસ્તક છેદી નાખ્યું. જે રીતે તેના પિતાને મારવામાં આવ્યા તેનાથી ક્રોધિત થઈને અશ્વત્થામાએ તેણે પોતાનું સહુથી શક્તિશાળી અસ્ત્ર, નારાયણ અસ્ત્ર કાઢ્યું. સાધારણ રીતે, તેના વડે પાંડવો સહિત તેમની સેના અને બીજું બધું ભસ્મ થઈ ગયું હોત. જે ક્ષણે અશ્વત્થામાએ નારાયણ અસ્ત્ર છોડ્યું, કૃષ્ણએ પાંડવો અને તેમની સેનાને કહ્યું, “તમે સહુ નીચા નમીને અસ્ત્રને સાક્ષાત્ દંડવત પ્રણામ કરો.” પાંડવોની લગભગ આખી સેનાએ દંડવત પ્રણામ કર્યા અને અસ્ત્ર તેમની ઉપરથી પસાર થઈ ગયું. કૃષ્ણએ કહ્યું, “તે માત્ર તેને એક જ વખત વાપરી શકતો હતો.” અશ્વત્થામાએ તેનું સહુથી શક્તિશાળી અસ્ત્ર વાપરી નાખ્યું હતું, તેથી હવે કોઈ જોખમ હતું નહિ.
આખી કથા આની ઉપર જ ચાલે છે, જીવન પણ આની ઉપર જ ચાલે છે: જ્યારે શ્રદ્ધા હોય ત્યારે ભય નથી હોતો. જો ભય નહિ હોય તો હૃદયમાં ક્રોધ નહિ હોય. જો હૃદયમાં ક્રોધ નહિ હોય, તો તમારા કાર્યો જીવનના હેતુ તરફના હશે, તમને બૌદ્ધિક સ્તરે કદાચ આની જાણ ન હોય તેમ પણ બને. તમે તમારો કુદરતી ધર્મ તેના વિષે સહેજ પણ વિચાર કર્યા વિના પૂર્ણ કરશો. કર્મનો એ માર્ગ છે કારણ કે, જે ક્ષણે તમે તેના વિષે વિચારશો તે ક્ષણથી વિચારો તમારા મનમાં અંતહીન અને વિરોધાભાસી ચર્ચાઓ ઉત્પન્ન કરશે.
લોકો માને છે કે તેઓ વાદવિવાદ કરીને નિષ્કર્ષ પર આવી શકશે. તમે વાદવિવાદ કરીને ત્યારે જ નિષ્કર્ષ ઉપર શકો જ્યારે સામેની વ્યક્તિ મૂર્ખ હોય. જ્યારે બે ખરી બુદ્ધિશાળી વ્યક્તિઓ જીવનની કોઈ નાનામાં નાની બાબત ઉપર ચર્ચા લઈને બેસે તો તેઓ અનંતકાળ સુધી ચર્ચા કરી શકે છે. તમે ચર્ચા કરીને મુદ્દાનો હલ ત્યારે જ કરી શકો જ્યારે તમે અથવા સામેની વ્યક્તિ, બેમાંથી કોઈ એક મૂર્ખ હોય. દુર્ભાગ્યપણે, આધુનિક બુદ્ધિશાળીને વર્ગ વાદવિવાદ માટે તૈયાર કરાયો છે. તેમને લાગે છે કે કોઈ પ્રશ્નો પૂછવા કે ચર્ચા કરવી એ બુદ્ધિશાળી હોવાની નિશાની છે - હકીકતમાં તે માત્ર મનોરંજન છે.
તમારી બુદ્ધિ અને ઇન્દ્રિયોને કઈ રીતે તીક્ષ્ણ બનાવી શકાય
બુદ્ધિ એક ધારદાર ચપ્પુ છે - જો તમે તેની ધાર કોઈ પ્રકારની ઓળખ વડે બુઠ્ઠી નથી કરી તો તેની અંદર સર્જનની અંદર પેંસવાની ક્ષમતા છે. તમે ચર્ચા તમારી પાસે જે માહિતી હોય તેના વડે જ શકો છો. આ બ્રહ્માંડની બાબતમાં તમારી જાણકારી ખૂબ મર્યાદિત છે. ખરેખર તો તમે તમારા શરીરના એક કોષને પણ નથી જાણતા. જો આટલી મર્યાદિત માહિતી સાથે તમે ચર્ચામાં ઉતરશો તો તે માત્ર મનોરંજન હશે; તમે તમારી બુદ્ધિમત્તા અને હોશિયારીનો દુરુપયોગ કરી રહ્યા છો. જો તમે તમારી બુદ્ધિને સતત નિર્મળ રાખો એટલે કે, કોઈ પણ વસ્તુ સાથે ઓળખાયા વગર, માત્ર તેને તે જેમ છે તેમ જોતા રહો, તો તે એક તપાવેલા ચપ્પુની ધાર જેટલી તીક્ષ્ણ હશે, જે પ્રત્યેક વસ્તુને ભેદી શકશે; તમે દરેક વસ્તુને તે જેવી છે તેવી જોઈ શકશો.
બુદ્ધિ તમારી પાંચ ઈન્દ્રિયોની મદદ માટે છે. જો તમારી બુદ્ધિ એક અથવા બીજી બાબત સાથે ઓળખાતી હોય તો આ પાંચ ઇન્દ્રિયો એક સમસ્યા હશે. પરંતુ આ પાંચ ઇન્દ્રિયો જાદુઈ રીતે ત્યારે જ કામ કરશે જ્યારે તે શરીર અથવા મન વડે ન ઓળખાય. જો બુદ્ધિ તટસ્થ હોય તો બધું જ ભેદી જશે. ત્યારે તમે જાણશો કે, પાંચ ઈન્દ્રિયો તો પાંચ જાદુ છે જે બધાએ અનુભવવો જોઈએ. એને તે તમારી પાસે વિના મૂલ્યે આવ્યો છે. ધૃતરાષ્ટ્ર પાસે ચાર ઇન્દ્રિયો હતી, તમારે તેને ક્ષમા આપવી જોઈએ. પણ તમારે માટે કોઈ ક્ષમા ન હોઈ શકે કારણ કે, તમારી પાસે પાંચેય ઇન્દ્રિયો છે, પણ તમે સહેજ પણ ઓછા અંધ નથી.
ક્રમશ:...