શું સનાતન ધર્મનો અંત આવી રહ્યો છે?
સનાતન ધર્મ એટલે શું? અહીં સદગુરુ આ શાશ્વત ધર્મ વિશે વાત કરી રહ્યા છે, અને હિન્દુ સંસ્કૃતિમાં શ્રુતિ અને સ્મૃતિ એમ બે પ્રકારના શાસ્ત્રો વચ્ચેના તફાવતને સમજાવી રહ્યા છે
પ્રશ્નકર્તા: હિન્દુ સનાતન ધર્મ હકીકતમાં શું છે, તેનો અર્થ શું છે? અને શું તે આજકાલ ખોવાઈ રહ્યું છે?
સદગુરુ: "હિન્દુ સનાતન ધર્મ" નામનું કંઈ નથી. આ ફક્ત 'સનાતન ધર્મ' છે. સનાતન એટલે સદાકાળ. જે હંમેશાં હોય છે, તે હંમેશાં સાચું છે.સનાતન ધર્મ જીવનના એ પરિમાણોનો ઉલ્લેખ કરે છે જે ક્યારેય બદલાતો નથી, જે આપણા અસ્તિત્વનો આધાર છે. તે સૂક્ષ્મજંતુ, જંતુ, પક્ષી, પ્રાણી, છોડ, બધા સનાતન ધર્મ દ્વારા સંચાલિત છે, તે મુજબ ચાલે છે. સનાતન ધર્મ એ મૂળભૂત કાયદો છે જે સમગ્ર અસ્તિત્વને સંચાલિત કરે છે. માણસો દ્વારા એક બીજા પર લાદવામાં આવતો દંડ કાયદો નથી જેથી સમાજને નિયંત્રણમાં રાખવો જોઈએ. વ્યવહારિક નિયમો કે જે પેઢી દર પેઢી બદલાતું રહે છે, એની વાત અલગ છે. સનાતન ધર્મ એ વ્યવહારનો ધર્મ નથી, તે અસ્તિત્વનો ધર્મ છે.
ચાલો, આપણે પહેલા 'ધર્મ' શબ્દને સમજીએ. ધર્મ એટલે કાયદો. ધર્મનો અર્થ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, યહૂદી, જૈન વગેરે નથી. આપણી સંસ્કૃતિમાં આપણે આ અર્થમાં ધર્મને જરા પણ લેતા નથી. હકીકતમાં, આપણે ફક્ત તે જ મૂળભૂત નિયમો જોઈએ છીએ, જે તમારું જીવન શ્રેષ્ઠ રીતે ચલાવે છે. આપણી સંસ્કૃતિ એ સમજે છે કે જ્યાં સુધી તમે આ નિયમોનું પાલન ના કરો ત્યાં સુધી જીવન સારી રીતે નહીં ચાલે. તેથી આ ફરજિયાત નિયમો નથી, પરંતુ તે અસ્તિત્વનો આધાર છે. જો તમે આ નિયમોને જાણો છો અને તેમની સાથે લયમાં છો, તો તમારું જીવન કોઈપણ પ્રયત્નો વિના ખૂબ જ સરળ રહેશે. અને જો તમને આ નિયમો ખબર નથી, તો પછી તમે કોઈ પણ કારણ વિના મુશ્કેલી ભોગવશો.
શું સનાતન ધર્મ એકમાત્ર હિન્દુ, ભારતીય અથવા કોઈ એક વ્યક્તિનો જ છે? તે કોઈ મુદ્દો નથી. તમે જ્યાં પણ હોવ, ભલે તમે ભારતીય હો કે ન હો, હિન્દુ હો, બિન-હિંદુ હો, તમે જે પણ હોવ, સનાતન ધર્મ દરેક પર લાગુ પડે છે, કારણ કે આ તે નિયમો છે જે જીવનની મૂળ પ્રક્રિયાને સૂચવે છે. કોઈ અન્ય સંસ્કૃતિએ આટલું ઊંડું વિચાર્યું નથી અથવા કામ નથી કર્યું. તેથી જ, કદાચ ગૌરવની ભાવનાથી, આપણે તેને હિન્દુ સનાતન ધર્મ કહી શકીએ છીએ, પરંતુ આ રીતે આપણે 'હિન્દુ' શબ્દ મૂકીને સનાતન ધર્મની અમર્યાદિત સંભાવનાને મર્યાદિત કરીએ છીએ. હિંદુ એક ભૌગોલિક ઓળખ છે - હિમાલયથી ઇંદુ સાગર સુધીની જમીન હિન્દુ છે. પરંતુ સનાતન ધર્મ દરેક પ્રકારના જીવન માટે છે. સનાતન ધર્મ જીવનના વિવિધ તબક્કાઓ અને જીવનના તમામ પરિમાણો, અજન્મેલા જીવથી લઈને જન્મેલા સુધી, પુખ્ત, મૃત જીવો ને સંચાલિત કરવાનો માર્ગ શું છે, તે વિશે વાત કરે છે. જીવનને જોવાની આ ખૂબ જ ગહન રીત છે.
સ્મૃતિ અને શ્રુતિ
જો તમારો જન્મ 100 વર્ષો પહેલા થયો હોત, તો તમે અલગ કપડાં પહેરીને કંઈક બીજું જ કરી રહ્યા હોત. જો તમે 1000 વર્ષ પહેલાં આવ્યા હોત, તો પણ તમે કંઈક અલગ જ પહેરતા અને કરતા - કદાચ તમે ખેડૂત અથવા માછીમાર હોત. આપણે શું કરીએ છીએ, કેવા કપડાં પહેર્યે છીએ, કેવી રીતે બોલીએ છીએ અને કેવી રીતે કામ કરીએ છીએ તે બધું સમય પર આધારિત છે અને બદલતું રહે છે. હવે આવતી પેઢી કેવી રીતે કાર્ય કરશે, તેઓ શું પહેરશે અને તેઓ શું કરશે તે આપણે આજે જે કરી રહ્યા છીએ તેનાથી સંપૂર્ણપણે અલગ હશે. તે જીવનનું એક પરિમાણ છે - આપણે તેને સ્મૃતિ કહીએ છીએ. શાબ્દિક રૂપે સ્મૃતિ એટલે યાદશક્તિ, જે તમને યાદ છે, જેનું તમે સ્મરણ કરો છો. તમે તમારી યાદોથી, સ્મરણ કરીને જે શીખ્યા તે સ્મૃતિ છે.
કાં તો આપણે તે કરી રહ્યા છીએ જે આપણા માતાપિતાએ કર્યું અથવા આપણી સંસ્કૃતિએ આપણને શીખવ્યું, અથવા પ્રતિક્રિયા સ્વરૂપે આપણે સંપૂર્ણ વિરુદ્ધ વાત કરી રહ્યા છીએ. પરંતુ આ પ્રક્રિયા સતત થાય છે. આ પ્રક્રિયામાં કંઈપણ કાયમી નથી, તે બદલાતું રહે છે. ફક્ત એક પેઢીથી બીજી પેઢી જ નહીં, પણ આપણા પોતાના જીવનમાં, દર થોડા વર્ષે, આપણી યાદો, આપણી સ્મૃતિઓ બદલાય છે. આપણી યાદોમાં, આપણે આપણા જીવનના ઘણા ભાગોને બદલી નાખીએ છીએ.સ્મૃતિ એ એવી વસ્તુ છે કે જે દરેક પેઢીએ નવી રીતે કરવી જોઈએ અથવા એને સંશોધિત કરીને કરવી જોઈએ. વિકાસનો અર્થ ફક્ત એ નથી કે આપણે પાછલી પેઢી કરતા કંઈક સારું કરીએ. તે ફક્ત એટલા માટે છે કે સંજોગો બદલાતા રહે છે, આપણે આપણો વિકાસ કરી રહ્યા છીએ જેથી આપણે પોતાને નવી પરિસ્થિતી પ્રણામે ઢાળી શકયે અને યોગ્ય રીતે કાર્ય કરી શકીએ.
વર્તન જે જુદા જુદા સંજોગોમાં થાય છે તે હંમેશા બદલાવા જોઈએ, વિકાસ થવો જોઈએ. આપણે આની ચર્ચા કરી શકીએ અને કહી શકીએ કે લોકો 100 વર્ષ પહેલાં જે રીતે ખાતા હતા, આપણે એ રીતે આજે ખાવા નથી ઇચ્છતા કારણ કે આપણી કામ કરવાની ટેવ બદલાઈ ગઈ છે. જ્યારે તમે જમીન પર હાલતા-ચાલતા હતા ત્યારે તમે શું અને કેટલું ખાતા હતા, તે અલગ હતું. તમે કઈ રીતે કોઈ કામ કરો છો, તે સતત સંશોધિત થવું જોઈએ, બદલાવું જોઈએ. આપણા દેશના બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારોની જોગવાઈ છે જે અત્યંત મૂળ અને પવિત્ર છે, જેને તમે બદલી શકતા નથી, સ્પર્શ પણ કરી શકતા નથી. બાકી કાયદા સંશોધન માટે, સુધારણા માટે, શ્રેષ્ઠતા માટે, સંપૂર્ણપણે હટાવી દેવા માટે પણ ઉપલબ્ધ છે.
તમારી સ્મૃતિ અને મારી સ્મૃતિ જુદી હોઈ શકે. પણ કંઈક બીજું પણ છે, જેને આપણે શ્રુતિ કહીએ છીએ. આ ઘણી જુદી જુદી રીતે સમજાવી શકાય છે. આનું એક પરિમાણ એ છે કે તે જીવનની ધૂન છે, અને તમે આ ધૂન નથી બનાવી - તે સૃષ્ટિ છે.
જો તમે જીવનની શ્રુતિને સમજી શકો, તો જ તમે લય મેળવી શકો છો. આ જ ભારત છે. ભા એટલે ભાવ, અથવા જીવનનો અનુભવ, ર એટલે રાગ એટલે જીવનની શ્રુતિ, અને ત એટલે લય એટલે તાલ. ભાવ એ છે જે તમને થાય છે - તે એક અનુભવ છે પરંતુ રાગ અથવા શ્રુતિ બ્રહ્માંડ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવી છે. હવે એ તમારા પર છે કે તમે યોગ્ય લય શોધો, જેથી જીવન સુંદર સંગીતની જેમ સુંદર રીતે ચાલી શકે. જો તમને યોગ્ય લય ન મળે, તો તે જ શ્રુતિ, જે જીવન માટે સહાયક છે, તમારો નાશ કરશે.
તે બદલાતું નથી કારણ કે તમે તેની સ્થાપના કરી નથી - સૃષ્ટિએ તેને બનાવી છે. તેથી, સનાતન ધર્મનો અર્થ એ છે કે તમારા જીવન પર કયા નિયમો લાગુ થાય છે તે સમજવું, જેથી તમે ઊંડું અને સુંદર જીવન જીવી શકો.
શ્રુષ્ટિના નિયમો સાથે લયમાં રહેવું
આપણી સંસ્કૃતિમાં કોઈ પણ નૈતિકતા, સ્થિર નિયમો- તમારે શું કરવું જોઈએ, તમારે શું ન કરવું જોઈએ – આ પ્રકારની વાત નથી કરતું. "જો તમે આ કરો છો તો તમે સ્વર્ગમાં જશો, જો તમે તે કરો છો તો નરકમાં જશે" - આ સંસ્કૃતિમાં આવું કંઈ નથી. આવું ન થવાનું કારણ એ છે કે અમે લોકોમાં આ પરિમાણ બનાવ્યું છે કે જો તમે સૃષ્ટિના કાયદા સાથે સુસંગત છો, તો તમારે ઇનામ અથવા સજાની જરૂર નથી. તે જ છે કે જો તમે ટ્રાફિકના નિયમોને જાણો છો અને તે મુજબ તમારું વાહન ચલાવશો, તો તમારે ટ્રાફિક પોલીસની જરૂર નહીં પડે.
હમણાં લોકો કહે છે કે આ પૃથ્વી પર 1 ટ્રિલિયન અથવા 10 ખરબ પ્રકારનાં જીવ છે, પરંતુ મને લાગે છે કે તેના કરતાં પણ વધુ છે જેને તમે ક્યારેય જોયા નથી. ખૂબ જ સૂક્ષ્મ જીવથી લઈને મનુષ્ય સુધી, તમામ પ્રકારના જીવ આ માટીમાંથી આવે છે. એ જ વેલો અને એ જ ઝાડ પણ એક જ જમીનમાંથી ઉગે છે અને વિકસે છે. આ જ માટીથી તમને તમારું ભોજન મળ્યું છે અને તમારું શરીર તે જ પ્રકારનું શરીર છે, તે જ માટીમાંથી મેં પણ ખાધું છે અને મારું શરીર આ પ્રકારનું છે.
તમે તમારી મરજીથી વૃક્ષ કે કૂતરો, બિલાડી, ગાય, હાથી, વાઘ વગેરે ના બની શકો. સ્રોત બધા માટે સમાન છે, પરંતુ જુઓ અભિવ્યક્તિ કેટલા બધા પ્રકારની છે. તેથી તે સ્પષ્ટ છે કે ત્યાં એક કાયદો છે જે આ વ્યવસ્થાને ચલાવે છે, ભલે ગમે તે હોય. તે રેલ્વે ટ્રેકની જેમ સ્થિર છે અને તમે તેના પર ચાલો છો. એકમાત્ર સવાલ એ છે કે તમે કેટલું ઝડપી અને કેટલા આગળ જશો? અને એ પણ કે આપણે આ ધર્મ અથવા કાયદાને કેટલા ઉંડાણથી સમજીએ છીએ અને તેની સાથે કેટલી લયમાં છે?
મૂળભૂત રીતે, યોગની આખી વ્યવસ્થા એટલા માટે છે કે આપણે અસ્તિત્વ સાથેની લયમાં રહીએ, જેથી આપણું જીવન આનંદકારક, ઉલ્લાસથી ભરેલું અને આપણી સંપૂર્ણ સંભાવના અનુસાર બની શકે. તમારા જીવનમાં ફક્ત એક જ વસ્તુ ખોટું થઈ શકે છે અને તે છે - શું તમારા જીવનને સંપૂર્ણ અભિવ્યક્તિ મળી કે નહીં? ઝાડ સાથે શું ખોટું થઈ શકે? એ કે તે તેની સંપૂર્ણ ક્ષમતા સુધી વધશે કે નહીં, શું તે તેની અડધી વધેલી અવસ્થામાં તો મરી નહીં જાય ને? મનુષ્ય સાથે પણ એવું જ છે. જો તમે સૃષ્ટિના કાયદા સાથે સુસંગત છો, તો તમે તમારી સંપૂર્ણ સંભાવનામાં વૃદ્ધિ પામશો. જો તમે લયમાં નથી, તો પછી તમારી વૃદ્ધિ પૂર્ણ થશે નહીં, તમારું વિકાસ મધ્યમાં રોકાઈ જશે. આ મૂળરૂપે આપણી એક જ ચિંતા છે, ભલે આપણે તેના વિશે જાગૃત ન હોઈએ. લોકોની બધી ઇચ્છાઓ, હિતો અને આકાંક્ષાઓ ફક્ત સંપૂર્ણ વિકસિત જીવન બનવાની છે. જો તમે સંપૂર્ણ વિકસિત જીવન બનવા ઇચ્છતા હો, તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે તે કાયદા સમજવા જોઈએ જે તમારા જીવનનો આધાર છે.
સનાતન ધર્મ ન તો તમારો છે અને ના મારો, તે સૃષ્ટિ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે તમારું અને મારું કામ છે, કે અમે તેની સાથે લયમાં રહીએ. ભારતમાં, અમે તેને સમજ્યા અને નિયમ બનાવીને એક વિશેષ સ્વરૂપમાં રજૂ કર્યું. પરંતુ આનો અર્થ એ નથી કે બાકીના વિશ્વમાં કોઈ તેના વિશે જાણતું નથી. ઘણા લોકો જાણે છે, આને વ્યક્તિગત સ્તરે સમજે છે. તેણે તેને શ્રુતિ અને સ્મૃતિ તરીકે લખ્યું ન હોય પરંતુ આખા વિશ્વમાં ઘણા લોકો એવા છે કે જેઓ તેની સાથે સુસંગત છે કારણ કે આખા વિશ્વમાં, દરેક જગ્યાએ, લોકો સારી રીતે વિકસ્યા છે, સંપૂર્ણ વિકસ્યા છે અને સારી રીતે રહ્યા છે.
તો, શું સનાતન ધર્મ મંદ થઈ ગયો છે, અને તે ખતમ થઈ રહ્યો છે?એ તો આપણા હાથમાં પણ નથી કે આપણે તેને સમાપ્ત કરી શકીએ. વ્યક્તિગત સમજણ મંદ થઈ શકે છે. વ્યક્તિગત સ્તરે, દરેક વ્યક્તિની સમજના પરિમાણો બદલાઇ શકે છે. પરંતુ તમે સનાતન ધર્મનો અંત લાવી શકતા નથી કારણ કે તે અસ્તિત્વનો આધાર છે. તમે તેને સમાપ્ત કરી શકતા નથી કારણ કે તમે તેને બનાવ્યું નથી.
Editor’s Note: In the ebook, “Bha-ra-ta," Sadhguru looks at the past, present and future of this nation, and explores why this culture matters to every human being on the planet. With images, graphics and Sadhguru’s inspiring words, here’s Bharat as you have never known it! Download Bha-ra-ta.
A version of this article was originally published in Forest Flower, May 2019.