તમારે પૃથ્વી સાથે જોડાવાની શી જરૂર છે અને તેને માટેની સાત પદ્ધતિઓ
ભૂતશુદ્ધિનો અભ્યાસ એ યોગ વિજ્ઞાનમાં ખૂબ જ પ્રારંભિક છે. અહીં સદ્ગુરુ પૃથ્વી તત્ત્વનું મહત્ત્વ સમજાવે છે અને તેની સાથે જોડાવાની સાત પદ્ધતિઓ વર્ણવે છે.
પૃથ્વી તત્ત્વ સાથે જોડાવાનું મહત્ત્વ
સદ્ગુરુ: હું યોગ કેન્દ્રમાં લોકોને હંમેશા કહેતો હોઉં છું કે, “તમે ભલે જે પણ કોઈ કામ કરી રહ્યા હો, તમારે તમારી આંગળીઓ ઓછામાં ઓછા એક કલાક માટે માટીમાં રાખવી.” બગીચામાં જઈને કંઇ કરો જેથી તમારા હાથ માટીવાળા થાય. આ તમારી અંદર તમે નાશવંત છો એવી પ્રાકૃતિક ભૌતિક સ્મૃતિનું નિર્માણ કરશે. જો તમે તમારા હાથ માટીમાં દરરોજ મૂકી રાખશો તો તમારા શરીરને એ જણાશે કે તે કાયમી નથી. શરીરને તેની પોતાની એક યાદશક્તિ છે જે માનસિક યાદશક્તિ કરતાં અનેક ગણી મહત્ત્વપૂર્ણ છે. હાલમાં, તમારું શરીર જે યાદશક્તિનું વહન કરી રહ્યું છે તે તમને તમારી માનસિક યાદશક્તિ કરતાં વધુ પ્રમાણમાં નિયંત્રિત કરી રહ્યું છે.જો તમે ધરતીની નજીક છો તો તમને સતત યાદ અપાવવામાં આવે છે કે તમે નાશવંત છો – શારીરિક રીતે, કોષીય સ્તર ઉપર અને ભૌતિક સ્તર ઉપર. આ રીતે નશ્વરતાનું રિમાઇંડર આપવામાં આવે એ તમારી આધ્યાત્મિક પ્રક્રિયા માટે ચાવીરૂપ છે. જો તમને ખબર હશે કે શરીર એક દિવસ નાશ પામવાનું છે તો જ તમને શરીરથી પર કંઇ જાણવાની ઇચ્છા થશે. જો શરીર અમર હોત, કોણ બેસીને ધ્યાન કરતે, કોને આનાથી પર કંઇ જાણવાની ઇચ્છા થતે? જો તમે સતત સભાન ન પણ હો તો પણ, ક્યાંક ઊંડે ઊંડે તમને ખબર છે કે, તમારી કોઈ ઍક્સ્પાયરી તારીખ છે. નશ્વરતા એ આધ્યાત્મિક પ્રક્રિયાઓ માટે મૂળભૂત છે.
જીવનનો જાગરુકતા સાથે અનુભવ કરવા માટે એક સ્થિર આધારનું નિર્માણ કરો
પ્રાણીઓ જમીન સાથે ઘણા જોડાયેલા હોય છે કારણ કે તેમની પાસે માણસો પાસે છે તેવી વિવેકબુદ્ધિ અને જાગરૂકતા નથી. જ્યારે વાત માણસોની હોય છે, માણસોની અસ્તિત્ત્વગત ઉપસ્થિતિ ઉપર તેમના માનસિક અવકાશનું નિયંત્રણ રહેલું હોય છે. એક રીતે, એક અળસિયાને આનુભવિક રીતે પૃથ્વી સાથેના જોડાણની જાણ હોય છે, પણ તેને જાગૃત રીતે આનું ભાન નથી હોતું. જો તમે તેને જમીન પરથી ઉપર ઊંચકો તો તેને ફરીથી જમીનપર જવું હશે. જો તમે માછલીને પાણીમાંથી બહાર કાઢશો તો તેને ફરીથી સીધું પાણીમાં જ જવું હશે. આ માત્ર અસ્તિત્ત્વ ટકાવી રાખવા પૂરતું નથી પણ તેઓની તે પાકૃતિક નિવાસ સાથે સુપરિચિતતાને કારણે છે. એ રીતે, તેઓ આ જોડાણને જાણે છે. પણ જ્યારે તેઓ જમીન કે પાણીમાં હોય છે ત્યારે તેઓ આ વિષે જાગૃત થવા માટે સક્ષમ નથી.
મોટેભાગના મનુષ્યો એક જ અવસ્થામાં હોય છે. કુદરતે આપણને એક અલગ બુદ્ધિમત્તાના અને જાગરૂકતાના સ્તર સુધી વિકસિત કર્યા છે પણ, આપણને એ પ્રમોશન સ્વીકાર્ય નથી. સ્વાભાવિક રીતે જ તમે હવા, પાણી કે પૃથ્વી વગર નથી રહી શકતા. જો કોઈ આમાના એકને પણ તમારાથી દૂર કરવાનો પ્રયત્ન કરે તો, તમે વ્હેલામાં વ્હેલી તકે તેને પાછા મેળવવું હશે. આ કિસ્સામાં, તમને એક અળસિયા કે એક માછલીની જાણ હોય છે તેવા જોડાણની ખબર હોય છે. આ એને જાણવાનો સમય છે કારણ કે, માત્ર મનુષ્યો જ એને જાણવા માટે સક્ષમ છે.
તેને કરવા માટે રસ્તાઓ અને પદ્ધતિઓ છે, સિવાય કે તમે પોતાના જ વિશ્વમાં રચ્યા પચ્યા હો. મોટેભાગના લોકો તેમના પોતાના વિશ્વમાં રહેતા હોય છે, એટલે કે તેઓ એક મનોવૈજ્ઞાનિક જગ્યાએ રહી રહ્યા હોય છે, આ પૃથ્વી પર નહિ. તેઓ આ પૃથ્વી પર ત્યારે જ આવે છે જ્યારે તેમને દાટવામાં કે અગ્નિદાહ કરવામાં આવે. તેમની મનોવૈજ્ઞાનિક જગ્યા તેમને માટે વાસ્તવિકતા; કે જેમાં તેઓ જીવી રહ્યા છે, તેના કરતા ખૂબ અગત્યની છે.બીજા શબ્દોમાં, તેમના પોતાના જ વિચારો અને ભાવનાઓ તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે કારણ કે, તેમની બુદ્ધિમત્તા જીવનનો વધુ સારો અનુભવ કરવા માટે કેળવવામાં નથી આવી.
આધુનિક શિક્ષણ અને સંસ્કૃતિઓનું આખું લક્ષ્ય જ એ છે કે કઈ રીતે દરેકે-દરેક જીવ અને દરેકે-દરેક પદાર્થ સહિત ભૌતિક પર્યાવરણનો ઉપયોગ અને શોષણ કરવા. જે રીતે આપણે આપણી બુદ્ધિમત્તાના પ્રભુત્વ અને જાગરૂકતા વડે જીવનનો અનુભવ કરીએ છીએ તેમાં અભિવૃદ્ધિ કરવા માટે કંઇ પણ આપવામાં આવ્યું નથી. આપણે આપણી આસપાસની બધી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખી લીધો છે, તો પણ સુખાકારી આવી નથી. જો તમે તમારી ભૌતિક પરિસ્થિતિઓમાં અભિવૃદ્ધિ પામવાનો પ્રયત્ન કરો તો માત્ર તેમાં જ અભિવૃદ્ધિ આવશે, તમારામાં અને તમારા જીવનના અનુભવમાં નહિ. જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે હવાનો કોઈ પણ જથ્થો એવો નથી કે જે તમારો કે મારો હોય. તમે તમારા પરિપેક્ષ સાથે સતત વિનિમય સિવાય જીવી ન શકો. એક નાનકડું અળસિયું પણ આ જાણે છે, પણ મોટેભાગના મનુષ્યો પાસે એ સ્તરની જાગરૂકતા નથી. આપણી બુદ્ધિમત્તા અને જગરૂકતા આપણી વિરુદ્ધ થયા છે કારણ કે, આપણે આપણા માટે સ્થિર આધાર બનાવવા વિષે ક્યારેય તસ્દી લીધી જ નથી. તેથી જ પૃથ્વી તત્ત્વ ખૂબ અગત્યનું છે.
પૃથ્વી તત્ત્વ સાથે જોડાવાની પદ્ધતિઓ
જો તમારે સમજદારીપૂર્વક જીવવું હોય તો તમારો જે ધરતી ઉપર જીવી રહ્યા છો તેની સાથે સંપર્ક હોવો જરૂરી છે. આપણે આ સંપર્ક ખોઈ બેઠા હોવાને કારણે જીવન અમુક રીતે અવ્યવસ્થિત થઈ ગયું છે. આ અસ્તવ્યસ્તતા આપણને માંદગી, નબળાઈ અને આપણી સિસ્ટમની સૌથી છેવટની અસ્થિરતા તરફ દોરી જઈ શકે છે.
જેને તમે તમારું શરીર કહો છો તે માત્ર આ ગ્રહનો એક ટુકડો છે. જો તમે આ સ્ત્રોત સાથેનો આ સંપર્ક ગુમાવી દો તો તમે અસ્ત્વ્યસ્ત થઈ જશો. શારીરિક ચુસ્તી અને સુખાકારી ટ્રૅડમીલ ઉપર ચાલવાથી અને મસલ્સ બનાવવાથી નથી આવતા. તમારી સિસ્ટમમાં આ તત્ત્વોની પૂર્ણતાને સશક્ત કરવી ખૂબ જરૂરી છે. અમુક ચોક્કસ રસ્તાઓ છે જેના વડે આપણે આ કરી શકીએ છીએ.
#૧ તમારા હાથ માટીમાં મુકો
પૃથ્વી એ જીવનનો પાયો છે. તમે જેટલા વધુ તેની સાથે સંપર્કમાં હો તેટલું ઉત્તમ. જો તમારા ખુલ્લા હાથ-પગ તેની સાથે સંપર્કમાં હોય તો તે તમારી શારીરિક પ્રક્રિયાઓને એકલય કરશે. જ્યારે પણ તમારા ખુલ્લા હાથ-પગ ધરતીના સંપર્કમાં આવે છે ત્યારે શરીર પોતાને પુનર્ગઠિત કરે છે. દિવસમાં થોડી મિનિટો પણ ખુલ્લા પગે ઝાડપાનને અડીને બગીચામાં પસાર કરવાનો પ્રયત્ન કરો. પૃથ્વી સાથે જોડાવાની આ એક સરળ રીત છે.
ઈશા યોગ કેન્દ્રમાં અમારી એક યોગિક હોસ્પિટલ હતી. અમારે એને વધુ મોટી થવા નહોતી દેવી કારણ કે, અમે એક આધ્યાત્મિક કેન્દ્ર છીએ. એકવાર, અમેરિકાથી થોડા ડૉક્ટરો ત્યાં આવ્યા અને ત્રણ દિવસ પછી એક સ્વયંસેવકે મને આવીને કહ્યું કે, “ બધા ડૉક્ટરો ગુસ્સે છે, તેમને પાછા જવું છે!”
મેં કહ્યું “શું થયું?”
તેમણે કહ્યું, “તમે તેમને મળશો તે જ સૌથી સરું રહેશે.”
પછી હું તેમને મળવા ગયો. મે કહ્યું, “શું’s સમસ્યા છે?”rdquo;
તેઓ બોલ્યા,“તમે તો કીધેલું કે અહીં હોસ્પિટલ છે! હોસ્પિટલ ક્યાં છે? અહીં કોઈ હોસ્પિટલ નથી!”
મેં કહ્યું, “હાલમાં અમારી પાસે લગભગ સાઠ જેટલા દર્દીઓ છે.” તેમના મનમાં હતું કે હોસ્પિટલ એટલે ત્યાં ખાટલાઓ હોય અને ત્યાં તમે માંદાઓની સારી એવી સારવાર કરો.
તેઓએ કહ્યું, “ક્યાં છે દર્દીઓ?”
મેં કહ્યું, “તેઓ બધાં જ બગીચામાં છે. મેં તેમને કામ પર મૂક્યા છે.” અમે તેમને ટ્રીટમૅન્ટ્સ, થૅરાપીઓ અને દવાઓ બધું જ આપતા પણ બાકીનો સમય હું તેમને કામ ઉપર મૂકતો. તેઓએ તેઓ જે કંઇ કરી શકે તેટલું કરવાનું જ રહેતું. અને આથી વિશેષ, તેઓએ આ કામ માટીમાં ઉઘાડા પગે અને ખુલ્લા હાથે કરવાનું રહેતું, માત્ર ગ્રહ સાથે સંપર્કમાં રહેતા.
મૂળભૂત રીતે, જો ખોરાકના સંદર્ભમાં શરીરને પોષણની અમુક ખાત્રી હોય અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા હોય તો જમીનના સંપર્કમાં રહેવા માત્રથી સ્વાસ્થ્ય પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જો તમે આવો તાલમેલ ન રાખી શકો અને તમે ખૂબ જ સમૃદ્ધ અને ફૅશનેબલ છો તો તમે ‘મડ બાથ’ લઈ શકો છો. એ બીજો રસ્તો છે.
#૨ ભીના થઈને જમીનપર ઊંધા સૂઈ જાઓ!
જ્યારે તમે ઇલેક્ટ્રીકલ જોડાણોનું અર્થિંગ કરો છો ત્યારે તમે તેને ભીના રાખો છો કારણ કે, જ્યારે તે ભીના હોય છે ત્યારે તેનું પરિવહન વધુ સારુ થાય છે. તેથી જ બધા ભારતીય મંદિરોમાં લોકો પોતાનું શરીર ભીનું કરીને ભોંય પર આડા પડીને પ્રાણામ કરે છે. આ માત્ર અર્થિંગ જ નથી. તમારે તેને આખું ધરતી સાથે સંપર્કમાં રાખવું છે, જે ઊર્જાથી ભરેલી છે. પુરુષો પોતાનું ઉપરના અંગનું વસ્ત્ર પહેર્યા વિના અને સ્ત્રીઓ ભીના કપડે જાય છે.
પ્રકૃતિ સાથેનો આ સંપર્ક, એ પૃથ્વી હોય, હવા હોય કે પાણી હોય; ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ સંપર્ક વિના શરીર ધીમે ધીમે તેની પૂર્ણતા અને સ્થિરતા ખોઈ દેશે. એ કદાચ જીવન ટકાવી પણ જાય, એ કાલેને કાલે મરી ન પણ જાય, પણ તે પોતાની સાથે આવેલી વિવિધ પ્રકારની ક્ષમતાઓ ગુમાવી બેસે છે. કુદરતી તત્ત્વો સાથે સંપર્ક છૂટી જવાથી માનવશરીરમાં જે સંભાવનાઓ રહેલી છે તે ખોવાઈ જાય છે.
#૩ અમાસના દિવસે ઉધાડા પગે ચાલો
જમીન સાથે સંકળાવાની સૌથી સરળ રીત છે ઉઘાડા પગે ચાલવું. પ્રદોશ અને અમાસ વચ્ચેનો સમયગાળો આ અનુભવ માટે ચોક્કસ રીતે અનુકૂળ હોય છે. આ દિવસોમાં ચંદ્રનું ગુરુત્ત્વાકર્ષણ અમુક સ્તરની નિષ્ક્રિયતા ઉત્પન્ન કરે છે અને તમારું શરીર અને તેની ઊર્જાઓ બીજા દિવસો કરતાં ધરતી સાથે વધુ પ્રમાણમાં સંકળાયેલા હોય છે. આથી વિરુદ્ધ પૂર્ણિમાએ એ તમને ઉપર તરફ ખેંચે છે. તેથી જ પૂનમ, અમાસ, શિવરાત્રિ અને પ્રદોશના દિવસે અલગ અલગ યોગ અભ્યાસો હોય છે.
દરરોજ નહિ તો ઓછામાં ઓછું પ્રદોશથી અમાસ સુધી – બહાર નહિ તો ઓછામાં ઓછું ઘરની અંદર પણ – તમે સુનિશ્ચિત્ત કરો કે તમે ઉધાડા પગે ચાલો અને ભોંય ઉપર અને તે પણ પલાંઠી વાળીને બેસો. એ બન્ને પૃથ્વી સાથે ઊંડા ઊર્જા જોડાણ અને પૃથ્વીનો જ ભાગ હોવાનો અનુભવ નિર્માણ કરે છે. આડા સૂવાથી; એ સ્થિતિમાં તમારી ઊર્જા એ રીતે કાર્ય કરતી હોવાથી આ પ્રકારનો જાગૃત અનુભવ મળે.
#૪ ભોજન પહેલા ઉઘાડા પગે ચાલો
ખાસ કરીને ભોજન માટે જતા પહેલા ઓછામાં ઓછા અડધા કલાક માટે ઉઘાડા પગે ચલો, ક્યાં તો ઘાસપર અથવા માટીપર ઉઘાડા પગે ચાલો. તમે જોશો કે જે ખોરાક તમે ખાશો તે ખૂબ જ અલગ રીતે તમારી સિસ્ટમનો ભાગ બનશે. પાચન તો કોઈ પણ રીતે થશે જ પણ, તમે કેટલા પ્રમાણમાં તેને સિસ્ટમનો ભાગ બનાવો છો તે તમે કેટલા પ્રમાણમાં પૃથ્વી સાથે તાલમેલમાં છો તેની ઉપર આધાર રાખે છે. જો તમે ઓછામાં ઓછું અડધો કલાક પણ ઉઘાડા પગે ચાલો, તત્ત્વો હાલમાં છે તેના કરતા વધુ સારી રીતે કાર્ય કરશે.
ખાસ કરીને બાળકો માટે, આ માત્ર તેમને વધુ સારો અનુભવ જ નહિ આપે, તે તેમના મગજની ક્ષમતાઓ વધારવામાં પણ મદદ કરશે. પગની ચેતાઓ સંવેદનશીલ હોય છે અને ધરતી સાથે સંપર્કમાં આવતાની સાથે જ બાળકો તેના પર્યાવરણ માટે વધુ સારે સમજણ વિકસાવે છે તેમજ શરીર પ્રત્યે વધુ સભાન બને છે. ઉઘાડા પગે ચાલવું ચપળતા, પગના સ્નાયુઓની મજબૂતી અને ઇજા થવાની ઓછી સંભાવના સાથે સંકળાયેલા છે.
#૫. પલંગ છોડો અને ભોંય પર સૂઓ
જો તમારું શરીર ખૂબ જ અસ્થિર હોય અને સરળતાથી માંદુ પડી જતું હોય તો તો માત્ર તમારો ખાટલો અથવા પલંગ છોડીને ભોંય પર સૂઈ જાઓ. તેનાથી મોટો ફરક પડશે. જો તમે માત્ર ધરતીથી અઢાર ઈંચ નજીક આવી જાઓ તો તમે જોશો કે સિસ્ટમને પુનર્ગઠિત કરવામાં મોટો તફાવત સર્જશે. હું કહીશ કે કે તમારું ૮૦% સ્વાસ્થ્ય તમે પૃથ્વી સાથે કેટલા તાલમેલમાં છો તેની ઉપર જ આધાર રાખે છે. તમારી ૮૦% જૂની બીમારીઓ માત્ર જેની ઉપર તમે બેઠા છો કે ચાલી રહ્યા છો પૃથ્વી સાથે થોડો જ સંબંધ પ્રસ્થાપિત થવાથી અદૃશ્ય થઈ જઈ શકે છે.
#૬ ભૂતશુદ્ધિ દ્વારા તત્ત્વોની શુદ્ધિ કરો
જો તમારી પાસે થોડો સમય હોય તો તમે એક સરળ પ્રક્રિયા શરુ કરી શકો છો તે છે, ભૂતશુદ્ધિ. પાંચ ભૂત એટલે પાંચ તત્ત્વો. ભૌતિક શરીર હોય કે આ સર્જનનું વિશાળ શરીર હોય, તે મૂળભૂત રીતે આ પાંચ તત્ત્વો; પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ દ્વારા જ બન્યા છે. તમે જેને “મારી જાત” કહો છો તે આ પાંચ તત્ત્વોની એક રમત છે. જો તમે જાણો છો કે આ પાંચ તત્ત્વોને કઈ રીતે સુવ્યવસ્થિત કરવા તો જીવનમાં સ્વાસ્થ્ય, સુખાકારી, બોધ, જ્ઞાન અથવા આત્મજ્ઞાનના સંદર્ભમાં કંઇ બાકી નથી રહેતું. આ તત્ત્વોની રમત જ્યારે તે ધરતીના સંપર્કમાં આવે ત્યારે અલગ રીતે ઘટિત થાય છે.
જે શ્વાસ તમે લો છો, જે પાણી તમે પીઓ છો, જે ભોજન તમે જમો છો, જે ધરતી ઉપર તમે ચાલો છો અને જે આકાશ તમને ઝાલી રાખે છે –આ બધા માટે દિવસમાં પાંચ વખત આદરની ચોક્કસ ભાવના લાવો અથવા જો તમે વધુ પડતા વ્યસ્ત છો, તો ઓછામાં ઓછું દિવસમાં ત્રણ વખત. તમને માતૃપ્રેમ, પિતૃપ્રેમ વગેરે કહેવામાં આવ્યું છે. પૃથ્વીપ્રેમ એ આ ગ્રહ જેની ઉપર તમે ચાલે રહ્યા છો તેને માટેનો પ્રેમ છે કારણ કે, એ તમારા કરતા અલગ નથી.
જે પણ કંઇ તમે ખાઓ, શ્વાસમાં લો, અથવા પીઓ, એ વાત વિષે જાગૃત રહો કે, તમે આ ગ્રહના એક ભાગને અંદર લઈ રહ્યા છો. તમે જે પણ કંઇ કરો – તેને શક્ય હોય તેટલું વધારે જાગૃત બનાવવાનો પ્રયત્ન કરો. એ તમે જે રીતે જીવનને અનુભવ કરો છો તેમાં ઘણો મોટો તફાવત સર્જશે.
એ સૌથી ઉત્તમ રહેશે જો તમે તમારા દરેક શ્વાસ પ્રત્યે જાગૃત રહો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે જાગૃત રહો કે તમે આ ગ્રહના અમુક ભાગને શ્વાસમાં લો છો. જ્યારે તમે કંઇ ખાઓ છો ત્યારે જાગૃત રહો કે તમે આ ગ્રહના અમુક ભાગને ખાઈ રહ્યા છો. તમારે બૌદ્ધિક રીતે આને સમજીને આ જોડાણ પ્રત્યે જાગૃત થવું જોઈએ. એક સાચા આનુભવિક જોડાણનો અર્થ એ છે કે, તમે પૃથ્વીને તમારી ટચલી આંગળીની જેમ જ તમારા ભાગરૂપે જુઓ.
#૭ જીવતે જીવ દટાઈ જાઓ!
આ ગ્રહનો માનવશરીર ઉપર નોંધપાત્ર પ્રભાવ રહેલો છે. ઉદાહરણ તરીકે, તમારા શરીરના ભૌતિક પાસાઓ, તમે જમીન ઉપર સૂતા છો કે ઊભેલા છો તે પ્રમાણે અલગ અલગ રીતે કામ કરે છે. દિશા અને ગ્રહના ચુંબકીય બળોના શરીર ઉપર પ્રભાવને કારણે અમે તમને કહીએ છીએ કે તમારે ઉત્તર દિશામાં માથું રાખીને નહિ સૂવું જોઈએ કારણ કે, એ તમારે માટે સારું નહિ હોય.
આ પણે જે ગ્રહ ઉપર રહીએ છીએ અને જેના બનેલા છીએ તેની સાથે વધારે સંકળાવાના ઘણા રસ્તાઓ છે. જો તમારી પાસે એક બગીચો અને થોડું એકાંત હોય તો સવારની સાધના પતાવીને તમે તમારા વાડામાં બે ફૂટ ઊંડો ખાડો ખોદો. તમારા પગને તેમાં મૂકીને તેને પગની ઘૂંટી સુધી ભરી દો અને ત્રીસ ચાળીસ મિનિટ સુધી માત્ર ધરતી સાથે જોડાઈને ત્યાં જ રહો. આ અભ્યાસના ઘણા ફાયદાઓ છે. સ્વાસ્થ્યના સંદર્ભમાં તમે જોશો કે તમે પોતાને ગ્રહની રીતો સાથે જોડો તો ઍલર્જીઓ અદૃશ્ય થઈ જશે. મૂળભૂત રીતે, ઍલર્જીઓ એ દર્શાવે છે કે તમારી અંદર કશુંક આ ગ્રહની જીવનનિર્માણની સામગ્રી સાથે તાલમેલમાં નથી. .
તમે યોગીઓને સાધનાના ભાગરૂપે ગળા સુધી દટાયેલા હોવાનું સાંભળ્યું હશે. તમારે એટલા આગળ જવાની જરૂર નથી પણ, ધરતીના સ્પર્શમાં રહેવું જ સ્વાસ્થ્ય, સુખાકારી અને અમુક પ્રકારની અધ્યાત્મિક સાધના માટે ખૂબ ઉપયોગી છે. જ્યારે લોકો અમુક ક્ષમતાઓ હસ્તગત કરે છે – ઉદાહરણ તરીકે,’તેઓ તેમનું શરીર પાતળી હવા જેવું બનાવી લે છે, પાણી ઉપર ચાલે છે અથવા બીજા પ્રકારની વસ્તુઓ કરે છે જેમને “અમાનુષી” ગણવમાં આવે છે– એક રીતે, તે બધી જ વ્યક્તિના ભૌતિક અસ્તિત્ત્વને બ્રહ્માંડના શરીર સાથે સંરેખિત કરવા વિષે છે. આ યોગ્યતા અને ક્ષમતા એ વસ્તુઓ જે તમારા ભૌતિક શરીરને આકાર આપે છે અને તેના પ્રકૃતિ અને રૂપ નિર્ધારિત કરે છે તેની સાથે સંરેખિત થવાને કારણે વિકસિત થાય છે. મનુષ્યો માટે વસ્તુઓ સંભવ બને તે માટે નવ બ્રહ્માંડીય શરીરો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ નવમાંથી પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય સૌથી અગત્યના છે.
તમે માત્ર પગને દાટીને શરૂઆત કરી શકો અને જો એ તમારે માટે કારગર નીવડે તો તમે ગળા સુધી જાઓ!