છૂટાછેડાના કારણો

પ્રશ્નકર્તા ૧: જ્યારે લગ્ન એક થકાવી નાખતો સંઘર્ષ બની જાય છે ત્યારે છૂટાછેડા શું લઈ લેવા એ સારું નથી?

સદ્‍ગુરુ: જો આપણે બીજી વ્યક્તિ સાથે સંઘર્ષ કર્યા વગર રહી શકીએ, તો છૂટાછેડાનો પ્રશ્ન જ ઊભો નહિ થાય. તમે રસ્તે ચાલતી વ્યક્તિ સાથે સંઘર્ષ નથી કરી રહ્યા; તમે એવી વ્યક્તિ સાથે સંઘર્ષ કરી રહ્યા છો જેને તમે એક સમયે સૌથી અદ્ભુત વ્યક્તિ માનતા હતા. આ સંઘર્ષ એટલા માટે નથી કે તે વ્યક્તિ અચાનક ખરાબ બની ગઈ છે; આ સંઘર્ષ એટલા માટે છે, કારણ કે જેમ જેમ આપણે વિકસતા રહીએ, તેમ તેમ અમુક બદલાવો આવે છે અને આપણે તેને સ્વીકારવા માટે રાજી નથી. બે વ્યક્તિ અલગ દિશામાં વિકસે છે અને તે ઠીક પણ છે. આપણે જોડે રહેવા માટે એક જેવા હોવાની જરૂર નથી. બે વ્યક્તિને સરખી વસ્તુઓ પસંદ હોવી, સરખી વસ્તુઓ કરવી કે સરખી રીતે અનુભવવું જરૂરી નથી. લોકો ઘણી બધી રીતે અલગ હોઈ શકે છે અને છતાં સાથે હોઈ શકે છે. તમારી સાથે રહેવા માટે કોઈ વ્યક્તિએ એકદમ તમારા જેવા જ હોવું જોઈએ એવું વિચારવું અમુક રીતની અપરિપક્વતા છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ બે વ્યક્તિઓ ક્યારેય એક સમાન હોતી નથી. બે વ્યક્તિઓ વચ્ચે જીવનના કોઈક પાસામાં અમુક તફાવત તો હશે જ.

રસ્તે ચાલતા લોકોને ભૂલી જાઓ, શું તમારા સૌથી પ્રિય વ્યક્તિ માટે પણ તમારામાં અનેક સ્તરના અવરોધો નથી?

એક અમેરિકન લેખક, રોબર્ટ ઓવને કહેલું કે, “વિશ્વમાં સિવાય મારા અને તમારા દરેક વ્યક્તિ વિચિત્ર છે, પણ તમે પણ થોડા વિચિત્ર લાગો છો.” મહેરબાની કરીને તમારા મનને જુઓ. જો તમે તમારી બુદ્ધિથી જોશો, તો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ ઠીક નથી. બસ તમારી સૌથી પ્રિય વ્યક્તિને જરા નજીકથી તપાસી જુઓ અને તમે જોશો કે તમારામાં તેમના પ્રત્યે અનેક સ્તરના અવરોધો રહેલા છે. રસ્તે ચાલતા લોકોને ભૂલી જાઓ, શું તમારી સૌથી પ્રિય વ્યક્તિ માટે પણ તમારામાં અનેક સ્તરના અવરોધો નથી? તેનો અર્થ થયો કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ તમારા માટે ઠીક નથી. જો કોઈ પણ ઠીક નથી, તો તે ઠીક હોવા કે ન હોવાનો પ્રશ્ન નથી, આ તો બસ એટલું જ છે કે તમે માનસિક રીતે માંદા થઈ રહ્યા છો. માનસિક માંદગીની સૌથી પહેલી નિશાની એ છે કે તમે એવું વિચારવાનું શરૂ કરી દો છો કે કોઈ પણ ઠીક નથી. એવું લાગે છે કે તમે પહેલું પગલું ભરી દીધું છે! જો તમે તેમાં હજુ વધુ આગળ વધો, તો તે મોટી સમસ્યાઓમાં પરિણમશે.

બે જુદી જુદી વ્યક્તિઓના સમજણના અને વસ્તુઓ કરવાના બે અલગ અલગ રસ્તાઓ હોવામાં કોઈ સંઘર્ષ નથી. એ તો આંતરિક લાગણી છે જે બે લોકોને સાથે રાખે છે. છેવટે, તમે એકબીજાની સુખાકારી શોધતા શોધતા જ સાથે મળ્યા હતા. ચાલો આપણે આને સમજીએ. અત્યારે પ્રેમના નામે જે કંઇ પણ ચાલી રહ્યું છે તે સામાન્ય રીતે બસ એક પારસ્પરિક લાભની એક યોજના જ છે. તમારી કેટલીક જરૂરિયાતો છે, બીજા વ્યક્તિની કેટલીક જરૂરિયાતો છે અને આ જરૂરિયાતોને પૂરી કરવા લોકો સાથે મળે છે. જરૂરિયાતો વિવિધ પ્રકારની હોઈ શકે છે જેવી કે; શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક કે આર્થિક જરૂરિયતો. જ્યારે તમારી જરૂરિયાત વ્યવસ્થિત રીતે પૂરી થતી નથી તે જ ક્ષણે બધુ સમાપ્ત. તમે આ રીતે જઈ રહ્યા છો. સંબંધોમાં બીજું કશું જ નથી હોતું. તમે બીજી વ્યક્તિમાંથી લાભ મેળવવાનો પ્રયત્ન કરો છો અને બીજી વ્યક્તિ તમારામાંથી લાભ નિચોડવા માંગે છે. આ એક સંઘર્ષ છે, કોઈ પ્રેમ સંબંધ નહિ.

પ્રેમ તો તમારા વિષે છે

love-yoga-quote

તમે જેને પ્રેમ કહો છો તે બીજા વ્યક્તિ વિષે નથી, તે તો તમારા વિષે છે, તમે તમારી અંદર કેવા છો તેના વિષે. જો તમારું શરીર સુખદ બની જાય, તો આપણે તેને આરોગ્ય અને આનંદ કહીએ છીએ. જો તમારું મન સુખદ બની જાય, તો આપણે તેને સુખ અને આનંદ કહીએ છીએ. જો તમારી લાગણીઓ સુખદ બની જાય તો આપણે તેને પ્રેમ કહીયે છીએ. જો તમારી ઊર્જાઓ ખૂબ સુખદ બની જાય, તો આપણે તેને પરમ્ આનંદ કહીએ છીએ. તમારા અંતરતમમાં હોવાની એક ચોક્કસ રીત છે. તેને બીજા કોઈ વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી, પણ તમે તેને બીજા કોઇની સાથે જોડો છો. જો કોઈએ તમારું મન, લાગણીઓ અને શરીર સુખદ બનાવવાનું હોય, તો તે લાંબા સમય સુધી ચાલવાનું નથી. કોઈ માણસ તેને હંમેશા માટે ચાલુ ન રાખી શકે. કદાચ જ્યારે તે તમને મળેલા, ત્રણ દિવસ માટે, તેઓ તમારું મન, લાગણીઓ અને શરીરને સુખદ રાખવા માટે બધુ જ કરશે, પણ કોઈપણ તેને ટકાવી શકતું નથી. તે કોઈપણ મનુષ્ય માટે શક્ય નથી.

તો તમારે પોતાના મન, લાગણીઓ અને શરીરને સુખદ કઈ રીતે રાખવું તે શીખવું જ જોઈએ. જ્યારે તમારી લાગણીઓ સુખદ હોય, ત્યારે તમે તમારી રીતે જ પ્રેમાળ હોવ છો અને જે કંઇ પણ તફાવતો હોય, તમારા માટે બધુ જ ઠીક હોય છે. તે જ્યારે ગેરહાજર હોય છે, દરેક નાનો તફાવત એક મોટી સમસ્યા બની જાય છે. જ્યારે તમારામાં અમુક સુખદ લાગણી હોય છે ફક્ત ત્યારે જ લોકો તમારી સાથે નિકટતામાં રહી શકે છે.

છૂટાછેડા શું છે?

પ્રશ્નકર્તા ૨: હું અત્યારે જ એક છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યો છું અને મારો એક ભાગ મરી રહ્યો હોય તેવું લાગે છે. હું આમાંથી કઈ રીતે વિના સંઘર્શે પસાર થઈ શકું?

સદ્‍ગુરુ: અત્યારે તમે જેને હું કહી રહ્યા છો તે સ્મૃતિઓનો એક વિશાળ ભંડાર છે તમારું શરીર જેવું છે તેવું ફક્ત તમારી અનુવાંશિક સ્મૃતિઓને કારણે છે. તમારું નાક તમારી માતા જેવું અને શરીરનો વર્ણ તમારા પિતા જેવો છે માત્ર એટલા માટે કે જેને તમે તમારું શરીર કહો છો તે સ્મૃતિઓનું એક જટિલ સંયોજન છે. તમારા શરીરમાં ખૂબ પ્રાચીન સ્મૃતિઓ રહેલી છે. અત્યારે તમે જેને મારું મન કહો છો તે સોએ સો ટકા સ્મૃતિ જ છે. ઘણી રીતે તમે સ્મૃતિઓનો એક વિશાળ ઢગલો છો, અને સ્મૃતિઓ તમારી અંદર વિવિધ રીતે જાય છે. તમે જે જુઓ છો, સાંભળો છો, સુંઘો છો, ચાખો છો અને સ્પર્શો છો તેના થકી તમે સ્મૃતિઓ એકઠી કરો છો. સ્મૃતિઓ એકઠી કરવાની આ પાંચેય અલગ અલગ રીતમાંથી, જે તમે જુઓ છો અને સ્પર્શો છો તે સ્મૃતિઓના સૌથી ઊંડા સ્વરૂપ છે. ખાસ કરીને તમે જે સ્પર્શ કરો છો તે સિસ્ટમમાં અમુક સ્તરની સ્મૃતિઓ પેદા કરે છે.

છૂટાછેડા એ સ્વૈચ્છિક મૃત્યુ છે. તમે એવું કંઇક જે કોઈક રીતે તમારો ભાગ હતું તેને મારી નાખવાનો નિર્ણય કર્યો છે.

એક જીવનસાથી એટલે તેમણે તમને સ્પર્શ્યા છે, અને તેમાં અમુક સ્તરની સ્મૃતિઓ છે. છૂટાછેડા એટલે કોઈક રીતે તમે તે સ્મૃતિઓને તોડી પાડવાનો પ્રયત્ન કરો છો અને તે વિવિધ કારણોસર સરળ રહેવાનું નથી. પણ સાથે જ, તમે છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યા છો તેનો અર્થ છે કે તમે તે સ્મૃતિઓથી છૂટા પડવા માંગો છો. કદાચ તમે તે સ્મૃતિઓને મિટાવી દેવા નથી માંગતા, પણ ગમે તે કારણોસર, તમે ધીરે ધીરે કોઈક બીજાને જે તમારા જીવનનો ભાગ હતા, તેમને એક થેલા સમાન માનવા લાગો છો જે તમે ઊંચકવા નથી ઇચ્ચી રહ્યા. તમે તે થેલાને બાજુ પર મૂકવા માંગો છો, પણ તમને ખ્યાલ આવે છે કે તે થેલો કંઇક એવું નથી જે તમે સ્વેચ્છાએ ઊંચકી રહ્યા છો; તે કંઇક એવું છે જે વિવશતાથી તમને વળગી રહ્યું છે. જે કંઇ પણ તમને વિવશતાથી ચોંટી રહ્યું હોય, જો તમે તેને ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરો, તો પીડા થશે.

તમારા જીવનસાથી વિષેની સ્મૃતિઓ નિર્માણ પામી છે, તમે તેનાથી બસ એમ જ છુટકારો ન મેળવી શકો. ભલે તમે તેને પાર પાડવા માટે લાગણીઓથી, માનસિક રીતે સમતોલનની સ્થિતિમાં હોવ, છતાં તમે જોશો કે આખી સિસ્ટમ નિશ્ચિતપણે અમુક સ્તરની પીડામાંથી પસાર થશે. ખાસ કરીને, જ્યારે મૃત્યુ થાય છે, ત્યારે તમે જોશો કે જો તમે લાંબા સમયથી સાથે રહ્યા હોવ તો તમારા જીવનસાથીની સ્મૃતિઓ તમારા શરીરના દરેક કોષમાં કામ કરે છે. આ ફક્ત લાગણી વિષયક અને માનસિક પ્રક્રિયા નથી; આ ઘણી શારીરિક પ્રક્રિયા છે.

છૂટાછેડા એ સ્વૈચ્છિક મૃત્યુ છે. તમે એવું કંઇક જે કોઈક રીતે તમારો ભાગ હતું તેને મારી નાખવાનો નિર્ણય કર્યો છે. આ કારણે, સૃષ્ટિની સમજણ અને આપની સિસ્ટમની કામ કરવાની રીતની સમજણ વડે, તેઓએ તમને હંમેશા કહેલું કે, “જ્યાં સુધી મૃત્યુ તમને છૂટા પાડે, તમે છૂટા નહિ પડો,” કારણ કે, આ વિષેની શારીરિક સ્મૃતિઓ છે, અને શરીર પાસે મગજ જેવું સંતુલન નથી. મન નિર્ણય લઈને પાછું ફરી શકે છે, પણ શરીર પાછું ફરી શકતું નથી. તમે શરીરમાં જેટલી વધારે સ્મૃતિઓ ભરશો, તે તેટલું જ મૂંઝવણ ભરેલું બનશે.

છૂટાછેડા અને પુનર્વિવાહ

મોટાભાગના લોકો એવું વિચારે છે કે છૂટાછેડા લેવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે તરત જ તે જ પ્રકારના બીજા સંબંધમાં કૂદી પડવું. તમે તેમ કરીને સિસ્ટમને ઘણો બધો સંઘર્ષ અને ગડબડ આપશો. એ અત્યંત જરૂરી છે કે શરીર પાસે સ્મૃતિઓથી છેડો ફાડવા માટે, સ્મૃતિઓને અમુક અંતરે રાખવા માટે પૂરતો સમય હોય. નહિતર, તમે પોતાની જાતને એવા સ્થાન પર પામશો જ્યાં પોતાને શાંતિપૂર્ણ અને આનંદિત કરવું એ જીવનમાં એક ખૂબ જ ભારે કામ બની જશે.

જ્યારે છૂટાછેડા અનિવાર્ય બની જાય

જો છૂટાછેડા ટાળી શકાય, તો તે શ્રેષ્ઠ રહેશે પણ અમુક કારણોસર, તમે એવી પરિસ્થિતિમાં આવી ગયા છો જ્યાં તમે છૂટા પડવાનું નક્કી કર્યું છે, તો તમારે સમજવું જરૂરી છે કે છૂટાછેડાનો મૂળભૂત અર્થ છે તમે કંઇક એવું જે તમારો એક ભાગ છે તેને મારવાનું નક્કી કર્યું છે.

આપણી પરસ્પર નિર્ભરતા ફક્ત આપણી બાહ્ય જરૂરિયાતોને અનુસાર છે, પણ આંતરિક અસ્તિત્વ પોતે જ સંપૂર્ણ છે.

બે વ્યક્તિઓ જેમણે પોતાની લાગણીઓ, પોતાના શરીર, પોતાની સંવેદનાઓ અને પોતાનું રહેઠાણ એકબીજા સાથે વહેંચ્યું હોય, તેને ફાડી નાંખવું એ લગભગ તમારી જાતને ચીરી નાંખવા બરાબર હોય છે, કારણ કે બે સ્મૃતિઓ એકબીજા સાથે ઘણી રીતે મળી ચૂકી છે. ભલે તમે કદાચ એ સ્તરે આવવા લાગ્યા હોવ જ્યાં તમે તે વ્યક્તિને જરા પણ સહન કરી ન શકો, છતાં પણ તે પીડા આપે છે, બસ એ કારણે કે તમે એક સ્મૃતિને ચીરીને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, જે તમે પોતે જ છો - કારણ કે તમે સ્મૃતિના એક કોથળા સમાન અસ્તિત્વ ધરાવો છો. 

તમે ફક્ત તમારા જીવનસાથીને છૂટાછેડા આપી રહ્યા છો, તમારે પોતાની જાતને છૂટાછેડા આપવાની જરૂર નથી. પણ તમારે એ સમજવાની જરૂર છે કે તમે પોતાની જાતને પહેલેથી જ છૂટાછેડા આપી દીધા છે. તમારું અસ્તિત્વ સંબંધો બનાવીને જ વૃદ્ધિ પામ્યું છે, તે સંબંધો ભાગીદારી છે કે બંધન તે તમે તેની સાથે કઈ રીતે કામ કરો છો તેના પર આધારિત છે. તમે આમ કર્યું છે તમારી જાતને કોઈક રીતે સંપૂર્ણ અનુભવવા માટે. આવા પ્રકારની મોટાભાગની ભાગીદારી એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે તમે પોતે અપર્યાપ્ત અને અપૂર્ણ અનુભવો છો. પણ જીવન તેવું નથી. તમે પોતે જ એક સંપૂર્ણ જીવન પ્રક્રિયા છો. તેને કોઈ બાહ્ય સહાયની જરૂર નથી.

જો તમે છૂટાછેડાની એવી પરિસ્થિતિમાં આવ્યા છો, તો આ સમય છે અંદર તરફ વળવાનો અને જોવાનો. આ સમય છે આ જીવનની પૂર્ણતા શોધવાનો. આ સમય છે એ શોધવાનો કે આ જીવ એક સંપૂર્ણ જીવ છે અને તેને જે રીતે છે તે રીતે રહેવા માટે કોઈ બાહ્ય સહાયની કોઈ જરૂર નથી. સમાજમાં આપનું જીવન વ્યતીત કરવા માટે, આપણે એકબીજા પર નિર્ભર છીએ પણ આ જીવ માટે તેનું મૂળભૂત અસ્તિત્વ, આ જે છે તેના માટે સંતુલન, અવકાશ અને શક્યતા, તે બધા માટે તે પોતે જ એક સંપૂર્ણ પ્રક્રિયા છે. આપણી પરસ્પર નિર્ભરતા ફક્ત આપણી બાહ્ય જરૂરિયાતોને અનુસાર છે, પણ આંતરિક અસ્તિત્વ પોતે જ સંપૂર્ણ છે. જો તમે તમારા જીવનસાથીને છૂટાછેડા આપી રહ્યા હોવ, તે જ પર્યાપ્ત ખરાબ છે, તમારી જાતને પોતાનાથી છૂટી ના કરો.

બાળક પર પુનર્વિવાહની અસર

પ્રશ્નકર્તા ૩: સદ્‍ગુરુ, મેં પહેલેથી જ છૂટાછેડા લીધેલા છે અને મારે એક આઠ વર્ષનો પુત્ર છે. ઘણી વખત, હું પ્રેમથી વંચિત અનુભવું છું અને ફરી લગ્ન કરવાની જરૂર અનુભવું છું. મારો પુત્ર પ્રશ્ન પૂછ્યા કરે છે કે તેને પિતા કેમ નથી. હું ખરેખર મુંઝવણમાં છું, મહેરબાની કરીને મારી મદદ કરો.

સદ્‍ગુરુ: આજની દુનિયામાં, લગ્ન પછી એક બાળક કોઈ સ્વયંસંચાલિત-ઑટોમેટિક બાળક હોતું નથી. એવો સમય હતો જ્યારે બીજો કોઈ રસ્તો નહોતો જો તમે લગ્ન કર્યા, તો બાળકો આવતા જ રહેતા. પણ આજની દુનિયામાં, એક બાળક એ ઑટોમેટિક અવતરતાં નથી - મોટાભાગે તે આયોજિત હોય છે. તમારે સમજવું જ જોઈએ કે એકવાર તમે બાળક પેદા કરો, તે તમારા માટે એક ૨૦ વર્ષની પરિયોજના છે. જો તમારું બાળક વધારે સક્ષમ હોય, તો તે એક ૧૫-૧૬ વર્ષની પરિયોજના છે. જ્યારે તમે બાળક લાવવાનું નક્કી કરો, તમારે ઓછામાં ઓછા ૧૫ વર્ષના પ્રોજેકટ માટે તૈયાર રહેવું જ પડે. જો તમારામાં તે પ્રતિબદ્ધતા નથી, તો તમારે આમાં ના પડવું જોઈએ; તે જરૂરી એટલા માટે નથી કે કોઈપણ બાળક તમારા ગર્ભમાં આવીને નથી કહેતું, “મને જન્મ આપો.” જો તમે આ પ્રકારનો ટેકો આપી શકશો તેની ખાત્રી નથી, તો તમારે આ બાળકો પેદા કરવાની ગેરરીતિમાં પડવું જોઈએ નહિ.

છૂટાછેડા પછી સ્ત્રીનું એકલા હાથે બાળકને ઉછેરવું - સિંગલ મધર બનવું

એવું વિચારવું કે બસ, વધુ એક લગ્ન બાળકને ઠરીઠામ કરી દેશે તે ખૂબ ખોટો વિચાર છે. હું એમ નથી કહી રહ્યો કે તે ઠરીઠામ નહિ કરે, કદાચ તે કરશે. પણ બસ એવું વિચરવું કે “બાળકના જૈવિક પિતાથી જે ના થયું, તે જો હું બીજો કોઈ પુરુષ લાવી દઉં, તો બધુ જ ઠીક થઈ જશે,”  તે ખૂબ ખતરનાક વિચાર છે. હું એમ કહીશ કે આવી વસ્તુઓ ફક્ત દસ ટકા સમયે જ કામ કરે છે. નેવું ટકા સમયે તે ઉકેલ કરતાં સમસ્યાઓ વધુ પેદા કરે છે. તમે તમારા લગ્ન શા માટે તોડ્યા હું તેના પર સવાલ નથી ઉઠાવી રહ્યો, તે તમારા પર છે. જો તમે તેને તોડવાનું નક્કી કરી દીધું છે, તો ઓછામાં ઓછું તમારે પોતાની જાતને દરેક શક્ય રીતે એક સંપૂર્ણ માતા-પિતાનો ભાગ ભજવવા માટે સક્ષમ બનાવી જોઈએ પણ તમે બીજી કોઈ વસ્તુ માટે ઝંખના કરી રહ્યા હોવાથી તે બાળક પણ તમારી સાથે તેની ઝંખના કરશે.

મહેરબાની કરીને તમારા બાળકોને આવી લાચાર રીતે મોટા ના કરશો કે તેઓ હંમેશા ત્યાં ગેરહાજર વ્યક્તિ માટે ઝંખના કરતું રહે. તમારો આઠ વર્ષનો પુત્ર તમારી સાથે કેટલો સમય વિતાવવા માંગે છે? માંડ થોડોક. તે પોતાની વસ્તુઓમાં જ વ્યસ્ત છે, સિવાય કે તમે તેને એવો લાચાર જીવ બનાવી દીધો છે કે તેને દરેક સમયે તમારી જોડે ચોંટી રહેવું પડે છે; નહિતર તેની પાસે પોતાની વસ્તુઓ કરવાની હોય છે. જીવનની પ્રકૃતિ જ આવી છે, બાળકો પાસે કરવા માટે પોતાની ઘણી વસ્તુઓ હોય છે. તે પોતાની સાથે કોઈ ખોટી વસ્તુઓ કરવા ના લાગે તેના માટે તમારે બસ એક આંખ ખુલ્લી રાખવાની જરૂર હોય છે તેમને દરેક વસ્તુ તમારી સાથે કરવાની જરૂર નથી.

શું છૂટાછેડા પછી ફરી લગ્ન કરવા ઠીક છે?

તો, જો તમે ફરી લગ્ન કરવા માંગો છો તો તે તમારા ઉપર છે. તે નિર્ણય તમારે કરવાનો છે. અને તે છોકરા ઉપર ના ઢોળશો. છોકરાને એવો બનાવો કે ના તો તેને તમારી જરૂર પડે કે ના પિતાની. તે પોતાની રીતે જ ઠીક છે તેને બસ તમારા આધાર અને કાળજીની જરૂર છે, બીજું કશું જ નહિ. તમે જે કંઇ પણ કરો, તેનું કંઇક પરિણામ હશે. જો તમે લગ્ન ન કરો, તો એક પ્રકારનું પરિણામ હશે. જો તમે ફરી લગ્ન કરશો, તો બીજા પ્રકારનું પરિણામ હશે - એકનો તમે પહેલેથી જ અનુભવ કરેલો છે, તો તમે કદાચ તેને વધુ સારી રીતે સાંભળવા માટે સક્ષમ હોવ. આપણે જાણતા નથી પણ બંનેના પોતાના પરિણામ હશે અને તે પરિણામોનું સુખદ કે દુઃખદ હોવું જરૂરી નથી. તે બસ તમે તેને પોતાની સાથે કઈ રીતે ઊંચકો છો તેના પર આધારિત છે. જો તમે પરિણામને હસતાં મોઢે ઉઠાવી લો, તો તે પ્રેમ ભરી મહેનત થઈ જશે. નહિતર, તે માત્ર મહેનત થશે.