પ્રાણાયામ - તમારી જીવન ઊર્જાઓ પર પ્રભુત્વ મેળવવાના ફાયદા
સદ્ગુરુ પ્રાણ વિષે વાત કરે છે જે વ્યક્તિની જીવન ઊર્જા છે, તેમજ પ્રાણાયામના ફાયદા વિષે જણાવે છે.
અનુક્રમણિકા |
---|
1. પ્રાણ શું છે? |
2. પ્રાણના 5 પ્રકાર |
3. પ્રાણાયામના ફાયદા |
4. શક્તિ ચલન ક્રિયા - તમારા પ્રાણ સાથે કામ કરવું |
5. ધ્યાન આપવું તેની ચાવી છે |
6. શાંભવી મહામુદ્રા - પ્રાણથી પરે |
પ્રાણ શું છે?
તમે જીવનમાં જે પણ કરો, તમારું શરીર, તમારું મન અને તમારી આખી પ્રણાલી કઈ રીતે કામ કરે છે તે છેવટે તમારા પ્રાણ દ્વારા નક્કી થાય છે. પ્રાણ એક બુદ્ધિમાન ઊર્જા છે. પ્રાણ પર વ્યક્તિની કાર્મિક સ્મૃતિની છાપ અંકિત થયેલી હોવાથી, તે દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે કામ કરે છે. તેના કરતા અલગ, વિદ્યુત ઊર્જા પાસે કોઈ સ્મૃતિ કે બુદ્ધિમતા હોતી નથી. તે એક બલ્બને પ્રકાશિત કરી શકે છે, કેમેરાને ચલાવી શકે છે અને બીજી લાખો ચીજો કરી શકે છે, તેની પોતાની બુદ્ધિમત્તાને કારણે નહિ પરંતુ તે જે ઉપકરણને ઊર્જા આપે છે તે ઉપકરણને કારણે. ભવિષ્યમાં કદાચ સ્માર્ટ વિદ્યુત ઊર્જા પણ હોય શકે. જો તમે ઊર્જા પર સ્મૃતિની અમુક છાપ અંકિત કરી શકો તો તમે તેને એક ચોક્કસ રીતે કામ કરતી કરી શકો.
પ્રાણના 5 પ્રકાર
શરીરમાં પ્રાણની પાંચ મૂળભૂત અભિવ્યક્તિઓ છે. આ પાંચ વાયુઓ – પ્રાણ વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ, અપાન વાયુ, અને વ્યાન વાયુ – મનુષ્યના તંત્રના વિવિધ પાસાંઓનું સંચાલન કરે છે. શક્તિ ચલન ક્રિયા,જેવી યોગિક પ્રક્રિયા દ્વારા તમે પાંચ વાયુઓના નિયમનને તમારા હાથમાં લઈ શકો છો. જો તમે આ પાંચ વાયુઓ પર પ્રભુત્વ મેળવો તો તમે મોટાભાગના રોગોથી મુક્ત હશો, ખાસ કરીને માનસિક રોગોથી. આ કંઇક એવું છે જેની દુનિયાને આજે જરૂર છે.
જો આપણે અત્યારે કંઇ નહિ કરીએ તો આવતા પચાસ વર્ષોમાં, આપણી જીવનશૈલીના વિવિધ પાસાંઓને લીધે માનસિક રીતે અસંતુલિત, અસ્થિર અથવા બીમાર લોકોની સંખ્યા અનેક ગણી વધી જશે. આપણે આપણા જીવનના ઘણા પાસાંઓને ખૂબ જ બેદરકાર રીતે સંભાળી રહ્યા છીએ જેની કિંમત આપણે ચૂકવવી પડશે. જો તમે તમારા પ્રાણોનો હવાલો તમારા હાથમાં લો તો બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, તમે માનસિક રીતે સંતુલિત રહેશો. અત્યારે, ઘણા બધા લોકો માનસિક રીતે અસંતુલિત છે, ભલે કદાચ તે બધા માટે એવું તબીબી નિદાન ન કરવામાં આવ્યું હોય.
પ્રાણાયામના ફાયદા
ધારો કે તમારો હાથ તેને ગમે તે વસ્તુ કરવા લાગે અને તમારી આંખમાં કંઇક ઘોંચે, તમને નખ મારે કે મુક્કો મારે - તો તે એક બીમારી છે. મોટાભાગના લોકોનું મન આ જ કરી રહ્યું છે. દરરોજ, તે અંદરથી તેમને સળી કરે છે, તેમને રડાવે છે, લડાવે છે, અથવા ચિંતા કરાવે છે - ઘણી બધી રીતે તે તેમના માટે પીડા નિર્મિત કરે છે. તેનો અર્થ છે કે તે બીમાર છે, ભલે સમાજમાં તેને સ્વીકૃતિ મળેલી હોય. તે દરેક પ્રકારની પીડા જેમાંથી મનુષ્યો દરરોજ પસાર થઈ રહ્યા છે તે મનમાં નિર્મિત થઈ રહી છે. આ બીમારી લાગુ પડી ગઈ છે અને સામાજિક માળખા, આપણી આસપાસની ટેક્નોલોજી અને બીજા વિવિધ પ્રભાવોને લીધે તેમાં વધારો થશે.
જો કોઈ વ્યક્તિ તેમના પ્રાણનો હવાલો પોતાના હાથમાં લે તો એક અડગ માનસિક સંતુલનની સો ટકા ખાતરી છે. તે શારીરિક બીમારીઓને પણ મોટા પ્રમાણમાં અટકાવશે, પણ ચેપ અને બધા પ્રકારના રસાયણો અને ઝેર જેનો આપણે રોજ સામનો કરીએ છીએ તેને લીધે, તેમાં થોડું જોખમ રહે છે. આપણે હવા, પાણી અને ખોરાક મારફતે શું અંદર લઈ જઈએ છીએ તેમાં પૂરેપૂરું નિયંત્રણ શક્ય નથી, ભલે ને આપણે જે લઈએ તેના પ્રત્યે ગમે તેટલા સાવચેત હોઈએ. તેનો આપણા પર કેટલો પ્રભાવ પડશે તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે.
બહારના કારણોને લીધે શારીરિક સ્વાસ્થ્યની સો ટકા ખાતરી ન આપી શકાય. પરંતુ જો તમે પ્રાણનો હવાલો લો તો માનસિક સુખાકારીની સો ટકા ખાતરી આપી શકાય.જો તમે માનસિક રીતે એક ખૂબ જ સારી સ્થિતિમાં હોવ, તો થોડી ઘણી શારીરિક સમસ્યાઓથી વાંધો નહિ આવે. મોટા ભાગના સમયે, નાની શારીરિક સમસ્યાઓ કરતા મોટી સમસ્યા તો તેમના પ્રત્યે મનમાં થતી પ્રતિક્રિયાઓ હોય છે. પ્રાણ તમારી અંદર જે રીતે કાર્ય કરે છે, તેઓ બાકીના બ્રહ્માંડ સાથે જે રીતે આપ-લે કરે છે, તેઓ નવજાત બાળકમાં કઈ રીતે પ્રવેશે છે અને મૃતમાંથી કઈ રીતે નીકળે છે, તે બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની પાસે પોતાની બુદ્ધિમત્તા છે.
શક્તિ ચલન ક્રિયા – તમારા પ્રાણ સાથે કામ કરવું
પાંચ પ્રાણો કઈ રીતે કામ કરી રહ્યા છે તે જાણવા માટે અમુક માત્રામાં ધ્યાન અને જાગરૂકતાની જરૂર પડે છે. શક્તિ ચલન ક્રિયા એક જોરદાર પ્રક્રિયા છે પણ તમારે ધ્યાન આપવું પડે છે. તેના માટે તમારે પોતાને ચાલીસથી સાંઠ મિનિટ માટે એકાગ્ર રાખવા પડે છે. મોટાભાગના લોકો એક આખા શ્વાસ પર પણ તેમનું ધ્યાન આપી શકતા નથી. વચ્ચે, તેમના વિચાર આમ તેમ ભટકવા લાગે છે, અથવા તેઓ ગણતરી ભૂલી જાય છે. તમે શ્વાસની બધી સાયકલ પૂરી થાય ત્યાં સુધી શ્વાસ પર તમારું ધ્યાન રાખી શકો, ત્યાં સુધી પહોંચવા માટે મહિનાઓ અને વર્ષોના અભ્યાસની જરૂર પડે છે
તેથી શક્તિ ચલનને હંમેશા શૂન્ય સાથે શીખવવામાં આવે છે. શૂન્ય ધ્યાન તમને એવી અવસ્થામાં લઈ આવવા માટે છે, જ્યાં જો તમે તમારી આંખ બંધ કરો તો, તમારા અનુભવમાંથી વિશ્વ જતું રહે છે. આ એક એવા આશીર્વાદ છે જે તમારે બધાએ કોઈક સમયે પ્રાપ્ત કરવા જોઈએ. જો તમે પોતાને આ રીતે બનાવો, તો જ તમે કોઈ વસ્તુ પર તમારું ધ્યાન ટકાવવામાં સક્ષમ બનશો. બળજબરી પૂર્વકની એકાગ્રતાથી કંઇ નહિ મળે.
જો તમે તમારી આંખો બંધ કરો છે, તો તમારા માટે ખાલી તમારા શ્વાસ, તમારા ધબકારા, તમારા શરીરમાંની પ્રક્રિયા અને તમારા પ્રાણોના કાર્યોનું જ અસ્તિત્વ હોવું જોઈએ. જે અંદર ઘટિત થઈ રહ્યું છે માત્ર તે જ જીવન છે. જે બહાર ઘટિત થઈ રહ્યું છે તે કલ્પના માત્ર છે.
ધ્યાન આપવું તેની ચાવી છે
શૂન્ય અને બીજી સાધના તે માટે છે. તમે કેટલે સુધી પહોંચશો તે એક અલગ વાત છે, ખાસ કરીને આજની દુનિયામાં. આજે આસપાસ જીવનના અર્થમાં જે થઈ રહ્યું છે હું તેની વિરુદ્ધમાં નથી. પણ દુર્ભાગ્યે, અસ્થિર હોવાની ફેશન છે - ગહન હોવાની નહિ. આવા અભિગમ સાથે તમે તમારી અંદર જીવન કઈ રીતે ઘટિત થઈ રહ્યું છે તેના પર ધ્યાન ન આપી શકો. આનો અર્થ એવો નથી કે દરેક મનુષ્ય માટે આ શક્ય નથી - આ શક્ય છે. આખી વાતનો આધાર તેના પર છે કે તમે તેને કેટલું મહત્ત્વ આપો છો. જો તમે તેને સૌથી પહેલી પ્રાથમિકતા બનાવો તો તમારી અંદર બધું તેને અનુરૂપ ગોઠવાઈ જશે.
જો તમારી પ્રાથમિકતાઓ અલગ અલગ દિશાઓમાં હશે, તો તમે આમ તેમ બધે જશો, અને જીવનના મૂળભૂત સ્તરના અર્થમાં જોઈએ તો ક્યાંય નહિ પહોંચો. સામાજિક અર્થમાં જોઈએ તો તમે કદાચ ક્યાંક પહોંચી રહ્યા હોવ. શારીરિક સ્તર પર તમારું શરીર સીધું કબર તરફ જઈ રહ્યું છે - વધુમાં વધુ તમે તે રસ્તાને થોડો લંબાવી શકો છો. જ્યાં સુધી તમારા મનની વાત છે તો તે ગોળ ગોળ ફરી રહ્યું છે. જો તમે જીવનની મૂળભૂત પ્રકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરો તો જ તમે ક્યાંક પહોંચશો. તમારી અંદરનું જીવન જ એકમાત્ર વાસ્તવિક ચીજ છે - બાકી બધું પ્રક્ષેપણ જ છે. પરંતુ અત્યારે મોટાભાગનું ધ્યાન પ્રક્ષેપણ પર છે, વાસ્તવિક ચીજ પર નહિ.
શક્તિ ચલન ક્રિયા વડે ધીમે ધીમે ક્રમશઃ રૂપાંતરણ થાય છે. તમારા પ્રાણ અને તમારી પ્રણાલીમાં પ્રાણની વિવિધ ગતિવિધિઓનો હવાલો લેવો એક શાનદાર પ્રક્રિયા છે. શક્તિ ચલન ક્રિયા તે સ્તર પર કામ કરે છે. જો તમે તેનો અભ્યાસ કરો તો તમે તમારી પ્રણાલીના મૂળભૂત આધારને મજબૂત કરો છો.
શાંભવી મહામુદ્રા – પ્રાણથી પરે
શાંભવી મહામુદ્રા માં તમને જે બધું અસ્તિત્વમાં છે તેના મૂળ સાથે સંપર્કમાં લાવવાની સંભાવના રહેલી છે. પરંતુ તમે તે સક્રિય રીતે કરાવી ન શકો. તમે તેને અનુરૂપ વાતાવરણ તૈયાર કરી શકો. આપણે હંમેશા શાંભવીને "તેણી" તરીકે સંબોધિત કરીએ છીએ. શાંભવીના ફળવા માટે ભક્તિ હોવી જોઈએ. તમે બસ સૃષ્ટિના સ્ત્રોતનાસંપર્કમાં જ આવી શકો – તમારી પાસે તેની સાથે કરવા માટે કંઇ નથી. શાંભવીમાં પ્રાણાયામનું એક પાસું પણ રહેલું છે જે ઘણા ફાયદા આપે છે.
શાંભવી મહામુદ્રા વિષે મહત્ત્વની વસ્તુ એ છે કે તે સૃષ્ટિના સ્ત્રોતને સ્પર્શવાનું એક સાધન છે, જે પ્રાણથી પરે છે. આ પહેલા દિવસે થઈ શકે છે, અથવા તમે તે છ મહિનાથી કરતા હોવ અને કંઇ ઘટિત નથી થતું. પણ જો તમે તે ચાલુ રાખો, તો એક દિવસ આવશે જ્યારે તમે આ પરિમાણને સ્પર્શશો. જો તમે તેને સ્પર્શ કરો તો અચાનક બધું જ રૂપાંતરિત થઈ જશે.
A version of this article was originally published in Isha Forest Flower - June 2017.