સ્ત્રીઓનું સશક્તિકરણ કઈ રીતે કરવું?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે, સમાજમાં મહિલાઓની હાલની પરિસ્થિતિ તેમજ નારી સશક્તિકરણ વિષે પોતાની દીર્ઘદૃષ્ટિના વિચારો સદ્ગુરુ અહીં રજુ કરે છે, જે દરેક વ્યક્તિ તેમજ સમસ્ત માનવતા માટે સાર્થક છે. તેઓ કહે છે, "તમારા દરેકની અંદર પુરુષત્વ અને સ્ત્રીત્વ વચ્ચે સંતુલન રાખવું એ જીવનના વધુ ઊંડા પરિમાણોને બુદ્ધિ અને અનુભવથી જાણવા માટે એકમાત્ર માર્ગ છે".
ફક્ત બે વિપરીત ધ્રુવો વચ્ચે જ બધી ભૌતિક અભિવ્યક્તિઓ શક્ય છે: સકારાત્મક-નકારાત્મક, પુરુષત્વ-સ્ત્રીત્વ, શિવ-શક્તિ, પુરુષ-સ્ત્રી. જે ક્ષણે આપણે ધ્રુવીયતાઓ વચ્ચે એક વિભાજન ઊભું કરીયે છીએ, ત્યારે જ તેમના વચ્ચે શ્રેષ્ઠતા અને હીનતાની ખોટી સમજ ઉભી થાય છે. આ નિર્ણયોમાંથી મુંઝવણ, ગંદકી અને શોષણના ઘણાં બધાં સ્તરો ઉભા થાય છે. પુરુષત્વ અથવા સ્ત્રીત્વ, જે પણ એક બહોળા પ્રમાણમાં ઉપસ્થિત હોય તે આધારે જ પુરુષ અથવા સ્ત્રીની અભિવ્યક્તિ થાય છે. તમે અહીં એક સ્ત્રીના રૂપમાં બેઠા છો તો તેનો અર્થ એવો નથી કે તમારા અંદર તમારા પિતાનું અસ્તિત્વ નથી, અને નક્કી જ આ વાત પુરુષો અને તેમની માતાઓ માટે પણ એ જ રીતે લાગુ પડે છે. જો તમે આ વાત સમજીને સ્વીકારી અને તમારા અંદર પુરુષત્વ અને સ્ત્રીત્વ, બન્નેનું જતન કરો, બન્નેને એ રીતે ઉછેરો કે તે સરખાં સ્તર ઉપર રહે તો તમે એક સંતુલિત મનુષ્ય બનશો. જો તમે ફક્ત પુરુષત્વને જ ઉછેરો તો મર્દાનગીની નિષ્ઠુરતા, જડતા તમારા અંદર દેખાઈ આવશે. જો તમે ફક્ત સ્ત્રીત્વનું જ ઉછેર કરો તો તમારા અંદર સાજ સજાવટ કરવાના અને ભાવનાપ્રધાન રહેવાના ભાવોની અતિશયોક્તિ થશે.
ઘણા પ્રકારે, સ્ત્રી મનુષ્ય જાતિના પુષ્પ જેવી છે. મૂળિયાં વગર છોડ નથી હોતું પણ પુષ્પ વગર જીવનમાં પરિપૂર્ણતા નથી આવતી. આપણે એવો સમાજ બનાવાની જરૂર છે જેમાં જીવનના સ્ત્રૈણ પાસાંઓ - સંગીત, કલાઓ, સૌંદર્ય- એટલાં જ મહત્વના બને જેટલા અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી છે. હવે, અત્યારના સમયમાં, સ્ત્રીઓ ગમે તેમ, વિચાર્યા વગર પુરુષોની જેવી થવાના પ્રયત્નો કરે છે કેમ કે પુરુષ જેવા હોવુંએ સ્ત્રીઓની સફળતા ગણાય છે. જો આપણે આપણા જીવનને સુંદર બનાવવા માંગતા હોઈએ તો સમાજમાં સ્ત્રીત્વને તેનું સાચું સ્થાન મળવું જ જોઈએ. આપણે આ વાત સમજવી જોઈએ કે ઉપયોગિતા અને સુંદરતા, આ બન્ને, સરખા પ્રમાણમાં જરૂરી છે. જો આપણે ફક્ત એ રીતે જ વિચારીયે કે શું ઉપયોગી છે અને શું નથી અને આપણે બધાં ફૂલો ને છોડીને માત્ર શાકભાજી જ ઉગાડવા પડે. જો આપણા જીવનમાં કોઈ શોભા અને સુંદરતા ના હોય તો જીવન બેકાર બની જશે.
પારંપરિક રીતે ભારતીય સંસ્કૃતિમાં, પુરુષત્વને જેટલું મહત્વ મળતું, તેના કરતાં જો વધું નહીં તો પણ સ્ત્રીત્વને સરખું જ મહત્વ મળતું હતું. પછી, ભારત પર થયેલા સતત વિદેશી આક્રમણોના કારણે, છેલ્લા કેટલાક શતકોમાં પરિસ્થિતિ બદલાઈ છે. વિદેશી આક્રમણકારો જેનાં પર સહુથી પહેલાં હાથ નાખતાં તે હતી સ્ત્રીઓ- તેમની પત્ની અને દીકરી. તો, લોકોએ સુરક્ષા ખાતર સ્ત્રીઓને ઘરોમાં જ બંદ રાખવાનું શરૂ કર્યું. પહેલાં જે વાત સુરક્ષા માટે કરાતી તે, પછી તો એક સ્થાયી રૂઢિ બની ગયી. પણ હવે તો ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે, તો આપણે આ બધી બાબતોને ફરીથી જોવી જોઈએ. એનો અર્થ એ નથી કે આપણે પશ્ચિમની નકલ કરી સ્ત્રીઓને શક્ય હોય એટલી પુરુષો જેવી અથવા તદ્દન બાર્બી ઢીંગલીઓ જેવી બનાવી દઈએ. કમનસીબે, ચંચળ અને લહેરી હોવાને સ્ત્રૈણ ગણવામાં આવે છે. આવી વસ્તુમાં કોઈ ગહનતા નથી, કોઈ ઊંડી સુંદરતા નથી.
સમાજમાં પુરુષત્વ અને સ્ત્રીત્વને સરખા પ્રમાણમાં રાખવું એ સૌથી વધું મહત્વનું છે. કોઈ મૂળિયા અથવા છોડ, જેનામાં ફૂલો ના ખીલે, તે સ્વાભાવિક રીતે જ હતાશ, થઈ જાય. જો સ્ત્રીત્વને અભિવ્યક્તિ ના મળે તો હતાશા તરફ લઈ જશે. એક સંપૂર્ણ પુરુષત્વભાવ વાળું મન અંધકારમય, રોગી અને ઉદાસ જ રહે. આજે દુનિયામાં તમને એ જ જોવા મળે છે, ખાસ કરીને પશ્ચિમમાં. પણ, હવે તો ભારતમાં પણ આવું બનવાની શરૂઆત થઈ ગયી છે - હતાશા, મોટા પ્રમાણમાં દેખાય છે. જો તમારામાં સ્ત્રીત્વ કાર્યરત હોય તો એ નાની વસ્તુઓમાંથી પણ કાંઈક સુંદર બનાવવાના રૂપમાં દેખાઈ આવે. બીજી બાજુ, જો તમોએ તમારા અંતરમાં સ્ત્રીત્વને રહેવા ના દીધું હોય તો બાહર બધું સારું, વ્યવસ્થિત દેખાતું હોવા છતાં, એ તમારા માટે કામ નહીં કરે.
બીજા કરતાં સતત વધું કાર્યક્ષમ, સ્પર્ધાત્મક અને વધુ સારા થવાની સંસ્કૃતિ સમાજને વધારે પુરુષત્વમય બનાવે છે. જેમ જેમ સમાજ વધારે પુરુષત્વમય થતો જાય તેમ તેમ આર્થિક સમૃદ્ધિ તો આવશે, પણ આર્થિક પ્રક્રિયા મનુષ્યની સુખાકારીનું સાધન બને એની જગ્યાએ મનુષ્યો ફક્ત આર્થિક પ્રક્રિયાઓના સાધનો બની રહેશે. આજે આર્થિક ઍન્જીન માનવતાના ઇંધણ થી હંકાય છે અને આપણી શિક્ષણ વ્યવસ્થા એવી રીતે ઘડાઈ છે કે જેથી બાળકો બસ એવા દાંતા બની રહે જે કોઈ પણ મશીનોમાં ગોઠવાઈ જાય. આ અર્થમાં, પોતાના જન્મ સમયથી મૃત્યુ પર્યંત મનુષ્યો ફક્ત થોડી સારી રીતે ટકી રહેવાના પ્રયત્નોમાં જ હોય છે. આપણા સમાજો વધુ પડતા પુરુષત્વમય બનતા જાય છે.
હવે, આ બધું બદલી દેવાનો સમય આવી ગયો છે. દરેક સ્થાને અર્થવ્યવસ્થા લોકોના જીવનમાં મુખ્ય ભાગ ભજવતી થઈ ગઈ છે તો આખી દુનિયામાં સ્ત્રીઓ આ પ્રક્રિયા માં શામેલ થાય, એ ખૂબ જ મહત્વનું છે કારણ કે એનાથી અર્થવ્યવસ્થા વધું સૌમ્ય બનશે. આજે, બધાં જ યુદ્ધો કરતાં આપણી આર્થિક ગતિવિધિઓ આ ધરતીને તથા બધા જીવોને વધું નુક્સાન પહોંચાડે છે. આ અતિપુરુષત્વવાદી દૃષ્ટિકોણને થોડો કોમળ બનાવવાની જરૂર છે. કારોબારી નેતૃત્વમાં, વિશ્વના બધા બૉર્ડરૂમોમાં, આપણને એવી સ્ત્રીઓની જરૂર છે જે પુરુષો કરતાં વધુ પુરુષત્વ દેખાડવાના પ્રયત્નો કરવાવાળી નહીં પણ જેમનામાં કાંઈક સ્ત્રીત્વ જીવતું હોય એવી હોય. અને, એવા પુરુષો પણ હોવા જોઈએ, જે, જરૂર પડે ત્યારે થોડા સ્ત્રૈણ બનવામાં શરમાય નહીં. સમાજમાં આ સંતુલન લાવવાની જરૂર છે. ફક્ત આ સંતુલનમાં જ સશક્તિકરણ છે. આ સમજવું જરૂરી છે કે પુરુષત્વ ને સ્ત્રીત્વ કરતાં અથવા સ્ત્રીત્વને પુરુષત્વ કરતાં વધું શ્રેષ્ઠ બનાવવાની ભારે કિંમત આપણે ચુકવવી પડશે. ફક્ત સંતુલનનો ભાવ જ આપણા જીવનમાં સુખાકારી લાવી શકે. આવું થાય તે માટે આપણી ઓળખાણ આપણી શારીરિક બનાવટથી ઉપર ઉઠાવવી પડે. રોજના કામકાજમાં, કોઈને સતત એવી રીતે જોવાની જરૂર શું છે કે કોણ પુરુષ છે અને કોણ સ્ત્રી? આપણા પ્રજનન અંગોના કારણે આપણી ઓળખાણ થતી હોય તો જીવનમાં રહેવાની આ એક ખુબ જ નિમ્ન પદ્ધતિ છે.
આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ છે તમારી ભૌતિક સંરચનાથી બહારના આયામ સુધી અનુભવ દ્વારા પહોંચવું. જો જીવનનો તમારો અનુભવ તમારા ભૌતિક સ્વભાવથી પરે થઈ જાય તો પછી શું ફેર પડે છે કે તમે પુરુષ છો કે સ્ત્રી? જીવનના અમુક ખાસ પાસાઓમાં આપણે પુરુષ કે સ્ત્રી હોવાની જરૂર હોઇ શકે પણ એના સિવાયના, જીવનની દરેક ક્ષણમાં આ લૈંગિક ઓળખાણ લઈને ફરવાની જરૂર નથી. અમુક પ્રમાણમાં શોષણ થયું હોવાથી આપણે લૈંગિક ઓળખાણને વધું પડતું મહત્વ આપીએ છીએ, જે સ્ત્રીને સુખાકારી તરફ નહીં લઇ જાય. આપણે એવો સમાજ બનાવવો જોઈએ જ્યાં, જો તમે માત્ર એ કરી રહ્યા હોવ જે જરૂરી છે તો પછી કોઈએ આ ચિંતા કરવાની જરૂર નહીં રહે કે તમે પુરુષ છો કે સ્ત્રી. જો 'કોણ શું છે' ની બાબતમાં તમે વધું પડતા ચિંતિત હોવ તો નક્કી જ તમે લોકોને શ્રેષ્ઠ અથવા હીન, આ દૃષ્ટિકોણથી જ જોશો. જુદા જુદા લોકો જુદા જુદા નિષ્કર્ષ કાઢતા હોય છે જેનાથી પૂર્વગ્રહ અને વિભાજન વધે છે. જો આપણે પૃથ્વી પરના બધાં જીવોને એક જ રૂપમાં ના જોઈ શકતા હોઈએ તો આપણે, ઓછામાં ઓછું, એક જ જાતિ તરીકે રહેવું જોઈએ. કોઈને શ્રેષ્ઠ તરીકે જોવા અને કોઈને નિમ્ન તરીકે જોવા તે અત્યંત હીન કક્ષાની બુદ્ધિનો સ્વભાવ છે. લોકોની મોટાભાગની માન્યતાઓ અને પૂર્વગ્રહો તેમને અનેક રીતે ઘણી અલગ અલગ રીતે શીખવવામાં આવે છે. કોઇને કાંઈક શ્રેષ્ઠ, કોકને કાંઈક હીન તરીકે જોવાની જરાય જરૂર નથી.
તમે આ કથા તો જાણો જ છો જેમાં આદિયોગી શિવ, પાર્વતીને પોતાનો એક ભાગ જ બનાવી લે છે અને પોતે અર્ધપુરુષ અને અર્ધસ્ત્રી એટલે કે અર્ધનારીશ્વર બની જાય છે. તો શિવને પુરુષોમાં સર્વશ્રેષ્ઠ ગણાવામાંજ આવે છે કેમ કે તેમનો અડધો ભાગ સ્ત્રી છે. આ કથા તમને તમારા અસ્તિત્વના સ્વભાવની યાદ અપાવવા માટે છે. તમારું શરીર પુરુષનું છે, એનો અર્થ એ નથી કે તમારે તમારા અંદરના સ્ત્રીત્વને મારી નાખવું જોઈએ. અને આ વાત સ્ત્રીઓ માટે પણ સત્ય છે. તમારા અંદર પુરુષત્વ અને સ્ત્રીત્વ વચ્ચે સરખું પ્રમાણ, સંતુલન રાખવું, આ એક જ રીત છે જેથી તમે બુદ્ધિ અને અનુભવથી જીવનના ઊંડા આયામોને જાણી શકશો. ધ્રુવીયતાનો આ સિદ્ધાંત યોગના એક મૂળ રૂપ - હઠયોગમાં પણ ઝળકે છે. ‘હ’ નો અર્થ છે સૂર્ય અને ‘ઠ’ નો અર્થ ચંદ્ર. હઠયોગ તમારા શરીરની ભૂમિતિને એવી રીતે બનાવે છે જેથી તમારા અસ્તિત્વના સૌર અને ચંદ્ર આયામો વચ્ચે સંતુલન રહે અને તમે એમનો સારામાં સારો લાભ મેળવી શકો. પુરુષત્વ કે સ્ત્રીત્વનું અસંતુલિત પ્રમાણ ખરાબ પરિણામો આપે છે.
સ્ત્રીત્વનું ખરા અર્થમાં સશક્તિકરણ ત્યારે જ થશે જ્યારે સંપૂર્ણ માનવતા સંતુલન વડે સશક્ત થાય. જો સમાજમાં સંઘર્ષ રહે તો સ્વાભાવિક રીતે પુરુષોનું જ વર્ચસ્વ રહશે ફક્ત એક સંતુલિત અને સ્થાયી સમાજમાં જ સ્ત્રીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા ઉજાગર કરી શકશે. આજે, બહુ ઓછા સમાજો એવો દાવો કરી શકે કે તેમની સ્ત્રીઓ પોતાને સંપૂર્ણ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજે આપણે એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે જ્યાં ટૅક્નોલૉજીએ એવા ભૌતિક સ્થાનો ઉભા કર્યા છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ સરખાં પ્રમાણમાં ભાગ લઈ શકે છે. તો હવે, આ જ સમય છે જ્યારે આપણે એવા માનસિક અને આધ્યાત્મિક સ્થાન પણ બનાવી શકીએ કે જેમાં પુરુષો અને સ્ત્રીઓ સરખાં પ્રમાણમાં શામેલ થઈ શકે. ફક્ત જ્યારે પુરુષત્વ અને સ્ત્રીત્વ સરખાં પ્રમાણમાં ભાગ લઈ શકશે ત્યારે જ મનુષ્ય પોતાની અંદર પૂર્ણ રૂપે ખીલી શકશે અને જીવનનું સર્વોચ્ચ શિખર પામી શકશે.