સૂર્ય ક્રિયા - કર્મના ચક્રને ભાંગવું
સદ્ગુરુ સૂર્ય ક્રિયા કરવાના, માત્ર શારીરિક અને માનસિક સુખાકારીને લગતા જ નહીં, પરંતુ એક જબરદસ્ત આધ્યાત્મિક સંભાવનાને લગતા ફાયદાઓ વિષે પણ જણાવે છે.
આ[/dropcapજે મનુષ્યની બુદ્ધિમત્તાનો - સતત તેને વ્યક્તિની સ્મૃતિમાં ડુબાડી રાખીને - ખૂબ જ પાંગળી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જો તમારી બુદ્ધિમત્તા ખાલી તમે એકઠી કરેલી સ્મૃતિમાંથી જ કામ કરે છે તો તમે બસ એક રિસાયક્લિંગ બિન છો. એની એ જ વસ્તુ બસ ઘણા બધા પ્રકારની અલગ અલગ ગોઠવણો સાથે ઘટિત થતી રહે છે.
આધ્યાત્મિક પ્રક્રિયાનું એક મહત્ત્વનું પાસું છે તમારો હાથ તમારી સ્મૃતિની બેંકમાંથી બહાર રાખવો. આપણે કર્મ વિષે - કર્મ સ્મૃતિ છે - અને તેમાંથી બહાર નીકળવા વિષે આટલી બધી વાત એટલા માટે કરીએ છીએ કે જેવો તમે તમારો હાથ તેમાં નાખશો, તમારું જીવન ચક્રીય બની જશે. એકવાર તમારું જીવન ચક્રીય બની જાય પછી તમે બસ ગોળ ગોળ ફરે રાખો છો, જેનો અર્થ છે કે તમે ક્યાંય જઈ રહ્યા નથી. ઉદ્દેશ્ય ચક્ર તોડવાનો છે. ચક્ર તોડવું હોય તો, તમારી બુદ્ધિમત્તા એકઠી કરેલી સ્મૃતિમાંથી મુક્ત થવી જોઈએ, નહીંતર ચક્રો તૂટશે નહિ; ચક્રો બનશે. તમે આ સ્મૃતિમાં જેટલા વધુ ડૂબેલા રહો તેટલા ચક્રો નાના અને નાના થતાં જશે અને ધીમે ધીમે તમને ગાંડપણ તરફ દોરી જશે.
અત્યારે અમે શારીરિક યોગાભ્યાસનું એક પાસું સામે લાવવાની પ્રક્રિયામાં છીએ. ઊપરથી તે શારીરિક છે, પણ તેમાં આધ્યાત્મિક પ્રક્રિયાનું એક પરિમાણ રહેલું છે, જેને અમે સૂર્ય ક્રિયા કહીએ છીએ. છેલ્લા ચાર પાંચ મહિનાથી બધા બ્રહ્મચારીઓ સૂર્ય ક્રિયા કરી રહ્યા છે, તેઓ હજુ પણ તેમનો અભ્યાસ સરખો કરવાની પ્રક્રિયામાં છે. એકવાર તે ભૌમિતિક દ્રષ્ટિએ, સો ટકા યોગ્ય રીતે થઈ જાય પછી અમે અમુક રીતે સૂર્ય ક્રિયાની દીક્ષા શરુ કરીશું અને તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેની એક ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા અને સાથે જ એક જબરદસ્ત આધ્યાત્મિક સંભાવના બની જશે. યોગ્યતાની તે સ્થિતિએ પહોંચવામાં અમુક સમયની, તેના અભ્યાસની અને અભ્યાસમાં સતત સુધારણાની જરૂર પડશે. પછી જ તેની દીક્ષા આપવી સાર્થક રહેશે કેમ કે તે એક શક્તિશાળી પ્રક્રિયા છે. તેને અમુક સ્તરની યોગ્યતા સાથે કરવાની રહે છે.
સૂર્ય ક્રિયા અને સૂર્ય નમસ્કાર
સૂર્ય ક્રિયા સૂર્ય નમસ્કારથી એ રીતે અલગ છે કે મૂળભૂત યોગાભ્યાસ અથવા ખરો યોગાભ્યાસ સૂર્ય ક્રિયા છે. તે તમારી જાતને સૂર્ય સાથે સંરેખિત કરવાની એક રીત છે અને તે એક ઘણી વધુ શુદ્ધ કરાયેલી પ્રક્રિયા છે જેમાં શરીરની ભૂમિતિના સંદર્ભમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર પડે છે. સૂર્ય નમસ્કાર સૂર્ય ક્રિયાની પિતરાઈ છે. બીજી એક પ્રક્રિયા પણ છે જેનું નામ સૂર્ય શક્તિ છે, જે સૂર્ય ક્રિયાની એક દૂરની સંબંધી છે. જો તમે આ સિસ્ટમનો ખાલી એક શારીરિક કસરત તરીકે, સ્નાયુબદ્ધ શરીર બનાવવા માટે, શારીરિક રીતે મજબૂત બનવા માટે ઉપયોગ કરવા માંગતા હોવ તો તમે સૂર્ય શક્તિ કરો. જો તમે સ્નાયુબદ્ધ શરીર બનાવવા માંગતા હોવ, શારીરિક રીતે ચુસ્ત રહેવા માંગતા હોવ, તમે એવી એરોબિક કસરત કરવા માંગતા હોવ જેમાં તમારું હૃદય મજબૂત બને અને સાથે જ તમે ઈચ્છતા હોવ કે તેમાં એક આધ્યાત્મિક પાસું હોય, તો તમે સૂર્ય નમસ્કાર કરો. જો તમે જે શારીરિક અભ્યાસ કરો તેમાં એક જબરદસ્ત આધ્યાત્મિક પ્રક્રિયા રહેલી હોય તેવું ઈચ્છતા હોવ તો તમે સૂર્ય ક્રિયા કરો.
જ્યારે આપણે સૂર્ય એમ કહીએ ત્યારે આપણે આ ગ્રહના મૂળભૂત ઊર્જા સ્ત્રોત વિષે વાત કરીએ છીએ. આ ગ્રહ પરનું બધું જ સૂર્યની ઊર્જાથી ચાલે છે - ગ્રહ પરનું બધું જ જીવન, તમારા સહીત, સૂર્યની ઊર્જાથી ચાલે છે. સૂર્યના ચક્રો સવા બારથી સાડા બાર વર્ષના હોય છે. આ ચક્રો પર સવારી કરી શકવી એ તમારી સુખાકારીનો એક ભાગ છે. તમે કાં તો આ ચક્રો પર સવારી કરી શકો અથવા તેની નીચે કચડાઈ શકો.
મનુષ્યના શરીરના નિર્માણમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. સૂર્ય ક્રિયા સૂર્યના ચક્રોનો ઉપયોગ કરવાની એક રીત છે કે જેથી તમે તમારા શરીરને સવા બારથી સાડા બાર વર્ષના ચક્ર સુધી લાવો. જો તમે તમારા જીવનને ધ્યાનપૂર્વક જુઓ તો જણાશે કે એક ચોક્કસ સમયગાળા દરમિયાન, જેમ કે તરુણાવસ્થાની શરૂઆતથી, તમે જે પરિસ્થિતિઓનો સામનો કરો છો તેમાં એક પ્રકારનું પુનરાવર્તન થતું હોય છે. તમારા માનસિક અનુભવો, તમે અનુભવો છો તે ભાવનાત્મક પરિસ્થિતિઓ ચક્રીય છે. કોઈ કદાચ એક બાર વર્ષના ચક્રમાંથી પસાર થઈ રહ્યું હોય; બીજું કોઈ કદાચ એક છ વર્ષના કે ત્રણ વર્ષના, કે અઢાર મહિનાના, કે નવ મહિનાના અથવા છ મહિનાના ચક્રમાંથી પસાર થઈ રહ્યું હોય. જો તે ત્રણ મહિનાના ચક્રની નીચે જાય તો તેનો અર્થ છે કે, માનસિક રીતે વ્યક્તિ એવી સ્થિતિમાં છે કે ચોક્કસ તેને મેડિકલ સારવારની જરૂર છે.
વ્યક્તિની અંદર ઘટિત થઈ રહેલા આ ચક્રની લંબાઈને આધારે, તે વ્યક્તિમાં પૂરેપૂરા સ્વાસ્થ્ય અને સંતુલનથી લઈને પૂરેપૂરી ખરાબ સ્થિતિ સુધીની વસ્તુ જોઈ શકાય છે. સ્ત્રીઓ ચંદ્ર સાથે થોડી વધુ તાલમેલ ધરાવે છે. તેને કારણે, તેઓ કદાચ સૂર્યના ચક્રને તેટલી પ્રબળતાથી ન જોઈ શકે કેમ કે તેઓ ચંદ્રના ચક્રને ઘણી વધુ પ્રબળતાથી જુએ છે. સપાટી પર, એક સ્ત્રીમાં ચંદ્રના ચક્રો સૂર્યમંડળ કરતા ઘણો વધુ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. પરંતુ મનુષ્યના શરીરની મૂળભૂત પ્રકૃતિ, મૂળભૂત અર્થમાં સૂર્યના ચક્રો સાથે તાલમેલમાં છે. તો, સૂર્ય ક્રિયા તમને તમારી અંદર અને આસપાસ એક એવી જગ્યા તરફ આગળ વધવામાં મદદ કરે છે જ્યાં પરિસ્થિતિઓ જીવનની પ્રક્રિયાને કોઈ રીતે નડતી કે રોકતી નથી.
ચાર મહિના તેમના અભ્યાસને બારીકાઈથી સરખો કર્યા બાદ, આ બ્રહ્મચારીઓ જેઓ આઠ દસ કે પંદર વર્ષથી દરરોજ સાધના કરી રહ્યા છે તેઓએ હવે એ સમજવાનું શરુ કર્યું છે કે શરીરની ભૂમિતિને યોગ્ય સ્થિતિએ પહોંચાડવા માટે શું કરવું પડે છે. પંદર વર્ષથી તેઓ સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે અને તેઓ માને છે કે તેઓ તે યોગ્ય રીતે કરી રહ્યા છે. મોટાભાગે તેઓ તે યોગ્ય રીતે કરી રહ્યા છે, પરંતુ શરીરની સાચી ભૂમિતિ મેળવવી સરળ વસ્તુ નથી. જો તમે ખાલી તે મેળવી લો તો તે આખા બ્રહ્માંડને ડાઉનલોડ કરી શકે છે. તેને સરખું કરી કરીને તે સ્થિતિએ પહોંચાડવું જ્યાં તે એકદમ યોગ્ય છે - તે બહુ કામ માંગી લે છે. જો અમે તે સ્થિતિએ પહોંચીએ તો અમે તેને પ્રજ્વલિત કરીશું, જેને દીક્ષા કહે છે. આપણે પ્રક્રિયાને પ્રજ્વલિત કરી શકીએ છીએ અને તે શારીરિક અને માનસિક સુખાકારી લાવવા માટેનો એક જબરદસ્ત યોગાભ્યાસ અને સૂર્યના ચક્રો પર સવારી કરવા માટેની એક શક્તિશાળી સિસ્ટમ બની જશે.