મહાભારત ઍપિસોડ ૪ : શકુંતલા અને તેના પુત્ર ભરતનો જન્મ
પાછલાં ઍપોસોડમાં આપણે ચંદ્રવંશીઓમાં પુરુ સુધીના વંશજ સુધી ની કથાઓ જોઈ. પુરુ, જેમાંથી પાંડવો અને કૌરવો આવ્યાં હતાં અને પુરુનો અર્ધો ભાઈ યદુ (બન્નેના પિતા એકજ,યયાતિ), જેમાંથી યાદવો આવ્યાં હતાં. આજની વાર્તામાં સદ્ગુરુ દુષ્યંત અને શકુંતલા તેમજ તેમના પુત્ર ભરતની પ્રસિદ્ધ વાર્તા કહે છે.
શકુંતલાનો જન્મ
સદ્ગુરુ: પુરુ પછી, થોડી પેઢીઓ રહીને તે વંશમાં વિશ્વામિત્ર થઈ ગયાં, તેઓ એક રાજા હતાં અને કૌશિક તરીકે પણ પ્રસિદ્ધ હતાં. ઋષિઓ અને સાધુઓની શક્તિ જોયાં પછી તેમને તેની સરખામણીમાં રાજાઓની શક્તિ ખૂબ ઓછી લાગી. તેથી, તેમને ઋષિ બનવું હતું, એક રાજા તરીકે જનમ્યાં હોવાં છતાં પણ તેઓ જંગલમાં જતાં રહ્યાં અને કઠિન તપ આદર્યું.જે તીવ્રતાથી તેઓ જઈ રહ્યાં હતાં તે જોઈને ઈંદ્રને થયું કે વિશ્વામિત્ર જે ઈચ્છે છે તે તેમને મળી જશે તો તેની પોતાની સર્વોપરિતા જોખમમાં આવી શકે. તેણે વિશ્વામિત્રને "ફસાવવા" એક લોભામણી અપ્સરા મેનકાને તેમની પાસે મોકલી. મેનકાનું કામ વિશ્વામિત્રને રીઝવવાનું અને એમના કઠોર તપ અને સાધનામાં બાધા નાખવાનું હતું. તે તેમાં સફળ થઈ અને એક પુત્રીનો જન્મ થયો.
થોડાં સમય પછી વિશ્વામિત્રને ભાન થયું કે જે કંઈ તેમણે આટલાં તપ અને સાધના દ્વારા મેળવ્યું હતું તે બધું જ તેઓ આ વિક્ષેપને કારણે ખોઈ બેઠાં હતાં. તેઓ ક્રોધમાં આવીને માતા અને પુત્રીને ત્યજીને જતાં રહ્યાં. એક અપ્સરા હોવાને કારણે મેનકા આ પૃથ્વી ઉપર માત્ર એક ‘મર્યાદિત સમયના વિઝાધારી’ પ્રવાસી હતી! તેને પાછાં ફરવું હતું. તે આ બાળકીને તેના પિતા પાસે છોડી શકે તેમ નહોતી કરણ કે, તેના પિતાને તે જોઈતી ન હતી. તેથી તેણે તે બાળકીને માલિની નદીના કાંઠે છોડી દીધી અને જતી રહી.
કેટલાંક શકુન પક્ષીઓએ તે નાનકડી બાળકીને ત્યાં જોઈ, કોઈક રીતે તેઓ તેને ઊપાડીને લઈ ગયાં અને તેનું અન્ય જીવોથી રક્ષણ કર્યું. એક દિવસ, કણ્વઋષિ તે તરફ આવ્યાં અને આ વિચિત્ર બનાવ જોયો જેમાં પક્ષીઓ નાનકડી બાળકીનું રક્ષણ કરી રહ્યાં હતાં. તેમણે તે બાળકીને ઊપાડી, તેને આશ્રમમાં લઈ આવ્યાં, અને તેનો ઉછેર કર્યો. તે શકુન પક્ષીઓ દ્વારા રક્ષણ પામી હોવાને કારણે તેમણે તેને શકુંતલા નામ આપ્યું. તે મોટી થઈને એક સુંદર યુવતીમાં પરિણમી.
એક દિવસ, રાજા દુષ્યંત લશ્કરી ચડાઈ પર નીકળ્યાં. લડાઈમાંથી પાછા ફરતી વેળાએ તેમણે પોતાના સૈનિકોને ખવડાવવું હતું. તેઓ જંગલમાં ગયાં અને બેફામપણે પોતાના સૈન્યને ખાવા માટે જાનવરોનો શિકાર કર્યો. જ્યારે તેમણે એક વિશાળ નર હરણ ઉપર તીર છોડ્યું ત્યારે તેમનું તીર તો નિશાના ઉપર લાગ્યું પણ, તે હરણ ત્યાંથી નાસી છૂટ્યું. દુષ્યંતે તેનો પીછો કર્યો અને તેને શકુંતલાના હાથોમાં જોયું. એ તેનું પાલતું હરણ હતું અને તે અત્યંત કરુણાપૂર્વક તેની સારવાર કરી રહી હતી. જ્યારે તેણે આ જોયું ત્યારે તે શકુંતલા સાથે પ્રેમમાં પડી ગયો, થોડો સમય ત્યાં જ રહી ગયો અને કણ્વઋષિની પરવાનગી લઈને શકુંતલા સાથે લગ્ન કર્યાં.
પછી દુષ્યંતે પાછા જવાનું હતું. તેનું આખું સૈન્ય જંગલના કિનારે તેની રાહ જોઈ રહ્યું હતું. તેણે શકુંતલાને કહ્યું કે તે પાછો જઈને તેના રાજ્યની પરિસ્થિતિ ઠીક કરશે અને પછી પાછો આવશે. યાદગીરી રૂપે અને તેમનાં લગ્નને પરિપૂર્ણ કરવા માટે તેણે પોતાની રાજસી અંગૂઠી શકુંતલાને પહેરાવી. સ્વાભાવિક રીતે જ, તે વીંટી તેને બરાબર ન થઈ. તે જતાં જતાં કહેતો ગયો, “હું તારી પાસે પાછો આવીશ.”
શકુંતલા સતત સ્વપ્નાવસ્થામાં રહેવા લાગી – આ વનકન્યા એકાએક એક રાણી, એક સામ્રાજ્ઞી બની ગઈ હતી! એક દિવસ ઋષિ દુર્વાસા કણ્વઋષિનાં આશ્રમે આવ્યાં. તે ખૂબ જ ગુસ્સાવાળા હતાં. તેમણે શકુંતલાને બોલાવી પણ તેણે પ્રતિસાદ ન આપ્યો – તેની આંખો ખુલ્લી હતી પણ તે કંઈ જોઈ શકતી નહોતી. તેમને આ અપમાનજનક લાગ્યું અને બોલ્યાં, “જે કોઈએ પણ તારું ધ્યાન આ સમયે પકડી રાખ્યું છે તે સદાયને માટે તને ભૂલી જાય.” તે એકાએક ભાનમાં આવી અને રડવા લાગી, “એવું નહીં થઈ શકે! તમે આવું શા માટે કર્યું?”
આશ્રમના લોકોએ ઋષિ દુર્વાસાને સમજાવ્યા કે શકુંતલાના લગ્ન એક રાજા સાથે થઈ ચૂક્યા છે અને તે તેમના પાછા આવીને તેને સાથે લઈ જવાની રાહ જોઈ રહી હતી. “તે દીવાસ્વપ્ન જોઈ રહી હતી – ક્રુપા કરી તેને ક્ષમા કરો,” તેમણે કહ્યું. ત્યાં સુધી તેઓએ ઋષિ દુર્વાસાની પરોણાગત કરી લીધી હતી અને તેઓ થોડા શાંત થયાં હતાં. તેમણે કહ્યું, “ઠીક છે, હુ આને સુધારી શકું છું. હા, એ તને ભૂલી ચૂક્યો છે પણ, જે ક્ષણે તું એને તારી યાદ અપાવે એવી કોઈ વસ્તુ બતાવશે તે ક્ષણે એને તું યાદ આવી જશે.”
ભરતનો જન્મ
શકુંતલા રાહ જોતી રહી; જોતી રહી પણ, દુષ્યંત ન આવ્યો. તેણે એક પુત્રને જન્મ આપ્યો જેને તેણે ભરત નામ આપ્યું. આજે આ દેશનું આ જ નામ છે. આ રાજાના અપાર સદ્ગુણો પરથી આ દેશનું નામ ભારત અથવા ભારતવર્ષ પાડવામાં આવ્યું છે. તે એક આદર્શ મનુષ્ય હતાં.
ભરત જંગલમાં જ ઉછર્યો. એક દિવસ, કણ્વે શકુંતલાને કહ્યું કે, “તારે જઈને રાજા દુષ્યંતને યાદ અપાવવું જોઈએ કે તું તેમની પત્ની છે અને તને તેમના થકી એક સંતાન છે. રાજાનો દીકરો તેના પિતાના છત્રછાયા વિના મોટો થાય તે યોગ્ય નથી.” શકુંતલા આ નાના બાળકને લઈને મહેલ જવા રવાના થઈ. માર્ગમાં તેમણે નદી પાર કરવાની હતી. તે હજીય તેના પ્રેમીના સપનામાં હતી. જ્યારે તેઓ હોડીમાં નદી પાર કરી રહ્યાં હતાં ત્યારે માત્ર પાણીનો સ્પર્શ લેવા માટે તેણે પોતાનો હાથ નદીમાં નાખ્યો અને પેલી મોટા માપની વીંટી નદીમાં સરકી ગઈ. શકુંતલાને તો તેની ખબર પણ ન પડી.
તે રાજા અને રાજમહેલની પરંપરાઓથી તદ્દન અજાણ હતી. રાજ દરબારમાં જ્યારે દુષ્યંતે પૂછ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “શું તમને યાદ નથી? હું તમારી પત્ની શકુંતલા અને આ તમારો પુત્ર છે.” દુષ્યંત અત્યંત ક્રોધિત થયો. "તારી આ હિંમત? તું છે કોણ જે આવી વાત પણ કરી શકે? તેને મહેલની બહાર કાઢી મૂકવામાં આવી. તેને જે થયું તેમાં કંઈ ગતાગમ ન પડી. “તે તો મને ખૂબ પ્રેમ કરતા હતાં! અને હવે, સંપૂર્ણપણે પોતાની યાદશક્તિ ખોઈ ચૂક્યા છે?”
હતાશ થઈને તે પાછી ફરી. પહેલી જ વાર તેણે સમાજમાં પગ મુક્યો અને આવું થયું. જે જંગલના ગાઢ વિસ્તારમાં ગઈ અને આશ્રમની પાછળ વગડામાં પોતાનાં દીકરા સાથે જીવન જીવવા લાગી. ભરત જંગલી પશુઓની સોબતમાં મોટો થયો. – અત્યંત બહદૂર, અત્યંત શક્તિશાળી, જે ધરતી ઉપર તે જીવ્યો તેનાં જ એક ભાગની જેમ.
પાછળથી, દુષ્યંતને જ્યારે તેની વીંટી પાછી મળી ત્યારે તે જંગલમાં શકુન્તલાને શોધવા માટે આવ્યો. તેણે એક તરુણને પુખ્ત સિંહો સાથે રમતાં, હાથીઓ ઉપર સવારી કરતાં જોયો. તેણે તેની તરફ જોઈને પૂછ્યું, “તું કોણ છે? શું તું કોઈ પ્રકારનો દિવ્યમાનવ છે? શું તું દેવતા છે? શું તું અન્ય કોઈ સ્થાનથી આવ્યો છે?” પેલા તરુણે કહ્યું, “ના, હું દુષ્યંતનો પુત્ર ભરત છું.” રાજા બોલ્યા, “હું દુષ્યંત છું, મને તારા વિષયમાં જાણકારી કેમ નથી?” પછી કણ્વઋષિએ આવીને આખી ઘટના કહી સંભળાવી. અંતે દુષ્યંત શકુંતલા અને ભરતને લઈને મહેલમાં પાછો ફર્યો.
ક્રમશ:....
Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower June 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.